એ ફળ જે તમારા હૃદય, દિમાગ અને સેક્સ લાઈફને બહેતર બનાવી શકે, શું છે તેની ખાસિયતો?

બ્લૅક કરન્ટ (ઠળિયા વિનાનું નાનકડું, રસાદાર, બોર જેવું ફળ)નો આહાર કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે અને બ્રિટનમાં તે મોટા પ્રમાણમાં પાકે છે. જોકે ભારતમાં પણ તે બજારમાં તથા ઑનલાઇન સરળતાથી મળી રહે છે.

તાજાં બ્લૅક કરન્ટ્સમાં નારંગી કરતાં ચાર ગણું વિટામીન સી હોય છે અને તે ઍન્ટી-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. ભવિષ્યમાં બ્લૅક કરન્ટ્સનો ઉપયોગ ઔષધીય હેતુ માટે પણ થઈ શકે છે.

બ્લડ પ્રેશરથી માંડીને દિમાગની શક્તિ સુધીના તમામ અભ્યાસમાં તેના પાઉડર અને અર્કનું પરીક્ષણ કરવામાં આવે છે. ભૂલાઈ ગયેલું આ ફળ આટલું બધું ઉપયોગી છે?

શું તેનાથી સેક્સ લાઇફ ખરેખર બહેતર બની શકે?

ઇરેક્ટાઈલ ડિસફંકશન સામે સંઘર્ષ કરતા પુરુષોને બ્લૅક કરન્ટ્સ ઉપયોગી થઈ શકે કે કેમ, એ વિશે બેલફાસ્ટની ક્વિન્સ યુનિવર્સિટીનાં પ્રોફેસર એડિન કેસિડીએ સંશોધન કર્યું છે.

તેમણે કહ્યુ હતું કે "ઇરેક્ટાઈલ ડિસફંકશનની સમસ્યા મોટાભાગે રક્તના અપૂરતા પ્રવાહને કારણે સર્જાય છે."

"ઍન્થોક્યાનિન સહિતનાં કેટલાંક ફ્લેવોનૉઈડ્સ બ્લૅક કરન્ટ્સમાં હોય છે. તે ધમનીને વધુ લવચીક બનાવે છે અને રક્તવાહિનીઓ ખોલીને રક્તના પ્રવાહમાં સુધારો કરી શકે છે."

તેમના કહેવા મુજબ, "25,000થી વધુ પુરુષો પર 10 વર્ષ સુધી એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે જે પુરુષ સપ્તાહમાં ત્રણ કે તેથી વધુ વખત ઍન્થોક્યાનિનથી સમૃદ્ધ બ્લૅક કરન્ટ્સનો આહાર લેતા હોય તેને, આવો આહાર ન કરતા પુરુષની સરખામણીએ ઇરેક્ટાઇલ ડિસફંકશનની સમસ્યા સર્જાવાની શક્યતા 19 ટકા ઓછી હોય છે."

બ્લૅક કરન્ટ્સ ખાવાથી શું લાભ થાય?

રક્તના પ્રવાહમાં સુધારા ઉપરાંત ઍન્થોક્યાનિનના બીજા પણ આરોગ્ય વિષયક લાભ છે, એમ જણાવતાં કેસિડીએ ઉમેર્યું હતું કે "ખાસ કરીને હૃદય, જ્ઞાનાત્મક સ્વાસ્થ્ય અને પાર્કિન્સન્સ સહિતની બીમારીના સંદર્ભમાં ઍન્થોક્યાનિનની અસરકારતાના વધુને વધુ પુરાવા છેલ્લા એક દાયકાથી મળી રહ્યા છે."

યુનિવર્સિટી ઓફ ચિચેસ્ટરના ઍક્સસાઈઝ ફિઝિયોલૉજીના પ્રોફેસર માર્ક વિલિયમ્સે બ્લૅક કરન્ટ્સનો, ખાસ કરીને સંકેન્દ્રિત અર્કના સ્વરૂપમાં આહાર કરવાથી થતા ફાયદા વિશે બહુવિધ અભ્યાસ હાથ ધર્યા છે.

તેઓ બ્લૅક કરન્ટના જબરા ચાહક છે. તેમણે કહ્યું હતું કે "બોર જેવાં અન્ય ફળોની તુલનામાં બ્લૅક કરન્ટ્સના આહાર વિશેના સાહિત્ય પર નજર કરશો તો સમજાશે કે તે તમામ પ્રકારના બોરમાં તે ઉત્તમ છે. તેના સ્પષ્ટ લાભ છે."

"ટોક્યોની નિપ્પોન સ્પોર્ટ યુનિવર્સિટી સાથે મળીને કરેલા અભ્યાસમાં અમને જાણવા મળ્યું હતું કે બ્લૅક કરન્ટના આહાર વડે વૃદ્ધ વ્યક્તિઓની રક્તવાહિનીઓમાંની જડતાને ઘટાડી શકાય છે."

વિલિયમ્સે સમજાવ્યું હતું કે રક્તવાહિની સખ્ત હોવાનો અર્થ એ છે કે તે પહોળી થઈ શકતી નથી અને વિસ્તરી શકતી નથી. તેની સમય જતાં બ્લડ પ્રેશર પર નકારાત્મક અસર થાય છે.

તેમણે હાથ ધરેલા સંયુક્ત અભ્યાસના એક ભાગરૂપે વૃદ્ધ લોકોને સાત દિવસ સુધી બ્લૅક કરન્ટનો અર્ક આપવામાં આવ્યો હતો. સાતમા દિવસે એ લોકોની રક્તવાહિનીઓમાંની જડતામાં ઘટાડો થયો હતો.

પર્વતારોહકો જેવા ચુનંદા ખેલાડીઓ માટેના લાભ વિશેના તેમના સંશોધનનું પણ પ્રોત્સાહક પરિણામ મળ્યું હતું.

તેમાં જાણવા મળ્યું હતું કે બ્લૅક કરન્ટના પાવડરનું સેવન કરવાથી કસરત પછી સ્નાયુઓ વધુ સારી રીતે સ્વસ્થ થવામાં મદદ મળે છે. પ્રમાણમાં ઓછા સક્રિય હોય એવા લોકોને પણ તેનાથી ફાયદો થાય છે.

બ્લૅક કરન્ટ્સથી પરસેવાના દુર્ગંધ ઘટે?

એક નાના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બ્લૅક કરન્ટ્સના સેવનથી પરસેવાની દુર્ગંધ ઘટાડવામાં મદદ મળી શકે.

વિલિયમ્સે કહ્યું હતું કે "45થી વધુ વર્ષની વ્યક્તિની ત્વચામાંથી ચોક્કસ પ્રકારના વાયુ છૂટતા હોય છે, જેને લોકો ઓલ્ડ પીપલ સ્મેલ કહે છે."

શરીર વૃદ્ધ થતું જાય તેમ ઑક્સિડેટિવ સ્ટ્રેસ વધારે વાયુ ઉત્પન્ન કરે છે અને તે ત્વચા મારફત બહાર આવે છે.

55થી વધુ વર્ષની વયના 14 લોકોને આવરી લેતા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બ્લૅક કરન્ટના પાવડરનું સાત દિવસ સેવન કરવાથી એવા વાયુઓના પ્રમાણમાં 25 ટકા ઘટાડો થયો હતો.

"અન્ય પ્રકારના બોર ખાવાથી એવો લાભ મળે છે કે કેમ તે જાણવામાં મને બહુ રસ છે," એમ કહેતાં માર્ક વિલિયમ્સે ઉમેર્યું હતું કે "બ્લૅક કરન્ટ્સની ઍન્ટીઑક્સિડન્ટ અસરને કારણે જ તે શક્ય છે, કારણ કે ચોક્કસ પ્રકારના સંયોજનને લીધે સર્જાતી અનિચ્છનીય ગંધ ઑક્સીડેટિવ સ્ટ્રેસનું પરિણામ છે."

તે ચમત્કારિક ઉપચાર નથી

માર્ક વિલિયમ્સે સમજાવ્યું હતું કે બ્લૅક કરન્ટ કૉન્સન્ટ્રેટ્સ બહુ મોંઘા હોય છે. તેથી બધા લોકોને તે પોસાય નહીં.

તે તમામ સમસ્યાની જાદુઈ ઔષધિ પણ નથી.

તેમણે ઉમેર્યું હતું કે "બ્લૅક કરન્ટ્સના સેવનના લાભાલાભ વિશેના દાવાઓ બાબતે સાવચેત રહેવું જરૂરી છે."

"તે કોઈ એવી ગોળી નથી કે જે ખાવાથી તમારી તમામ સમસ્યાનું નિરાકરણ થઈ જાય."

તેમણે એવું પણ જણાવ્યું હતું કે મોટાભાગનું સંશોધન હજુ બાલ્યાવસ્થામાં છે અને ખરાઇ માટે લાંબા સમય સુધી પરીક્ષણ કરવું જરૂરી છે.

તેથી બ્લૅક કરન્ટ ચમત્કારિક ઉપચાર હોવાનો દાવો કરતા લોકોથી સાવધ રહેવું જોઈએ. "હું અમારા અભ્યાસનાં તારણોને વળગી રહીશ. દાખલા તરીકે, અમારી પાસે એવી માહિતી છે કે દક્ષિણપૂર્વ એશિયન મૂળ ધરાવતા બધા લોકો માટે તે ઉપયોગી નથી. તેથી એ બાબતે ઘણું શીખવાનું બાકી છે," એમ તેમણે કહ્યું હતું.

જુલાઈ અને ઑગસ્ટમાં બ્રિટનમાં સ્ટ્રોબરીનું જંગી પ્રમાણમાં ઉત્પાદન થાય છે. કાળા રંગનું અને ઘાટીલું બ્લૅક કરન્ટ એક બ્રિટિશ ફળ વધુ કહી શકાય છે. તેનો પાક પણ આસીઝનમાં આવે છે.

બ્રિટનમાં વર્ષમાં લગભગ 13,000 ટન બ્લૅક કરન્ટ્સનું ઉત્પાદન થાય છે, પરંતુ તેમાંથી મોટાભાગનું ફળ તાજું ખરીદવામાં આવતું નથી. તેનો ઉપયોગ મહદઅંશે વ્યાપારી ધોરણે ઉત્પાદિત ઉત્તેજક પેય માટે કરવામાં આવે છે.