You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુરુષોના શુક્રાણુની ગુણવત્તા કેમ ઘટે છે? એનાં કારણો શું છે અને તેને જાળવી રાખવા શું કરવું?
- લેેખક, કેથરીન લેથમ
- પદ, બીબીસી ફ્યુચર
સમગ્ર વિશ્વમાં પુરુષોના શુક્રાણુઓની ગુણવત્તા ઉત્તરોત્તર નબળી પડી રહી છે.
પુરુષોના શુક્રાણુઓની ગુણવત્તા ઘટવાથી પિતા બનવામાં આવતી સમસ્યા ચિંતાનું કારણ બને છે.
આ સમસ્યાનું સંભવિત કારણ શોધી કાઢવા જગતભરના વિજ્ઞાનીઓ સંશોધન કરી રહ્યા છે.
દુનિયાના અનેક દંપતીઓની જેમ જેનિફર અને તેમના પતિ છેલ્લાં બે વર્ષથી બાળક માટે પ્રયત્ન કરી રહ્યાં હતાં.
જેનિફર પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમથી પીડાય છે. તે પ્રજનનક્ષમતાને અસર કરતી બીમારી છે જેથી તેમના માટે ગર્ભધારણ કરવો મુશ્કેલ છે.
તેમના માટે પરિસ્થિતિ વધારે કપરી બની ગઈ હતી કારણ કે તેમના પતિ સિયારાનને વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી હતી.
પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે સિયારનના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હતી અને તે ઓછાં ગતિશીલ (લો મોબિલિટી ધરાવતા) હતાં.
આ સમસ્યાની સારવાર, જેનિફરની સમસ્યાની સારવાર કરતાં વધુ મુશ્કેલ હતી. કદાચ તેનું નિરાકરણ અશક્ય હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયને યાદ કરતાં સિયારન હેનિંગ્ટન કહે છે, "આઘાત લાગ્યો હતો. પીડા થઈ હતી. હું એ સ્વીકારી જ શકતો ન હતો. મને થયું કે ડૉક્ટરે ખોટું નિદાન કર્યું છે."
સિયારનને સંતાના પિતા બનવાની પ્રબળ ઇચ્છા હતી. “મને લાગ્યું હું મારી પત્નીને નિરાશ કરીશ.”
એ પછીનાં વર્ષોમાં સિયારનનું માનસિક સ્વાસ્થ્ય કથળ્યું હતું.
તેઓ વધુ સમય એકલા પસાર કરવા લાગ્યા હતા. આરામ માટે તેઓ પથારીમાં પડ્યા રહેતા હતા અને દારૂ પીવાનું પણ શરૂ કર્યું હતું.
એ પછી ગભરાટના હુમલા આવવાના શરૂ થયા હતા.
વ્યંધત્વના કુલ કેસીસમાં પુરુષોના વ્યંધત્વનો હિસ્સો અડધોઅડધ હોય છે અને વિશ્વના સાત ટકા પુરુષો આ તકલીફથી પીડાય છે.
અલબત, મહિલાના વ્યંધત્વની સરખામણીએ પુરુષોની ઇનફર્ટિલિટી બાબતે બહુ ઓછી ચર્ચા થાય છે.
કારણ છે સામાજિક ખચકાટ.
ફર્ટિલિટીની સમસ્યા ધરાવતા મોટાભાગના પુરુષો માટે તેનું કારણ અસ્પષ્ટ હોય છે અને પિતા બનવાની અક્ષમતાના કલંકને કારણે અનેક પુરુષો એકલા સબડતા રહે છે.
સંશોધન સૂચવે છે કે આ સમસ્યા વકરી રહી છે.
પુરુષોની ફર્ટિલિટી અને ખાસ કરીને તેમના શુક્રાણુની ગુણવત્તા પર પ્રદૂષણ સહિતનાં પરિબળો અસર કરતા હોવાનું જાણવા મળ્યું છે, જે વ્યક્તિગત રીતે અને સમગ્ર સમાજ માટે ગંભીર સૂચિતાર્થ ધરાવે છે.
ફર્ટિલિટીની ગુપ્ત કટોકટી?
પાછલી સદીમાં વિશ્વની વસ્તી નાટકીય રીતે વધી છે.
માત્ર 70 વર્ષ પહેલાં પૃથ્વી પર અઢી અબજ લોકો વસતા હતા, જે સંખ્યા 2022માં વધીને આઠ અબજને આંબી ગઈ છે.
અલબત, મુખ્યત્વે સામાજિક અને આર્થિક કારણોસર વસ્તી વૃદ્ધિદર ધીમો જરૂર પડ્યો છે.
સમગ્ર વિશ્વમાં જન્મદર વિક્રમસર્જક રીતે નીચલા સ્તરે પહોંચી રહ્યો છે.
વિશ્વની 50 ટકાથી વધુ વસ્તી એવા દેશોમાં રહે છે, જ્યાં પ્રતિ સ્ત્રી પ્રજનનદર બે બાળકોથી ઓછો છે.
તેના પરિણામ, લોકો સ્થળાંતર ન કરે તો પણ એવા દેશોની વસ્તીમાં ઘટાડો થશે.
જન્મદરમાં ઘટાડાના કારણોમાં, મહિલાઓનું વધતું આર્થિક સ્વાતંત્ર્ય અને પ્રજનન આરોગ્ય પરના નિયંત્રણ જેવી કેટલીક હકારાત્મક બાબતોનો સમાવેશ થાય છે.
બીજી બાજુ નીચો પ્રજનનદર ધરાવતા દેશોમાં અનેક યુગલો બેથી વધુ સંતાનો પેદા કરવા ઇચ્છે છે, પરંતુ પારિવારિક ટેકાના અભાવ જેવા સામાજિક અને આર્થિક કારણોસર વધુ સંતાનો પેદા કરતાં અટકી જાય તે શક્ય છે, એવું આ સંશોધનમાં જાણવા મળ્યું હતું.
એ ઉપરાંત ફેસુન્ડિટી (સંતાન પેદા કરવાની વ્યક્તિની શારીરિક ક્ષમતા) તરીકે ઓળખાતી અલગ પ્રકારની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો થઈ શકે છે.
સંશોધન સૂચવે છે કે ખાસ કરીને પુરુષોમાં પ્રજનન સમસ્યાઓનો વ્યાપ વધી રહ્યો છે.
તેમાં શુક્રાણુની સંખ્યા તથા ટેસ્ટોસ્ટોનના સ્તરમાં ઘટાડાનો અને વૃષણના કેન્સરના વધતા પ્રમાણનો સમાવેશ થાય છે.
સ્વિમિંગ સેલ્સ
યુનિવર્સિટી ઑફ ડન્ડી ખાતે રિપ્રોડક્ટિવ મેડિસિનના ક્લિનિકલ રીડર અને સ્ત્રીરોગ નિષ્ણાત સારાહ માર્ટિન્સ ડા સિલ્વા કહે છે, "શુક્રાણઓ ઉત્કૃષ્ટ કોષો હોય છે. તેઓ નાના હોય છે, તેઓ તરતા હોય છે અને શરીરની બહાર પણ ટકી શકે છે."
"અન્ય કોષો આવું કરી શકતા નથી. શુક્રાણુઓ અસાધારણ રીતે ખાસ છે."
અત્યંત સૂક્ષ્મ ફેરફારની પણ આ અત્યંત વિશિષ્ટ કોષો પર, ખાસ કરીને અંડ-ફલનની તેમની ક્ષમતા પર ગંભીર અસર થઈ શકે છે.
તેમની ગતિશીલતા, તેમનો આકાર તથા કદ અને વીર્યમાં તેમનું પ્રમાણ (સ્પર્મ કાઉન્ટ) પ્રજનન ક્ષમતાના નિર્ણાયક પાસાં છે.
પુરુષની પ્રજનન ક્ષમતાની તપાસ વખતે આ બાબતોની ચકાસણી કરવામાં આવે છે.
જેરુસલેમની હીબ્રુ યુનિવર્સિટીના રોગશાસ્ત્રના પ્રોફેસર હેગાઈ લેવિન કહે છે, "સામાન્ય રીતે, એક મિલીલીટર વીર્યમાં શુક્રાણુનું પ્રમાણ ચાર કરોડથી ઓછું હોય ત્યારે પ્રજનન સંબંધી સમસ્યાઓની શરૂઆત થાય છે."
હેગાઈ લેવિનના જણાવ્યા મુજબ, "શુક્રાણુઓની સંખ્યાને પ્રજનનક્ષમતા સાથે ગાઢ સંબંધ છે."
"શુક્રાણુઓની વધારે સંખ્યાનો અર્થ ગર્ભધારણની ઉચ્ચ સંભાવના નથી. પ્રતિ મિલીલિટર વીર્યમાં ચાર કરોડથી ઓછા શુક્રાણુ હોય તો ગર્ભાધાનની શક્યતા ઝડપથી ઘટી જાય છે."
હેગાઈ લેવિન અને તેમના સહયોગીઓએ શુક્રાણુઓની સંખ્યા સંબંધી વૈશ્વિક વલણની સમીક્ષા 2022માં પ્રકાશિત કરી હતી.
તેમાં જણાવવામાં આવ્યું હતું કે "1973થી 2018ની વચ્ચે શુક્રાણુઓની સંખ્યામાં પ્રતિવર્ષ સરેરાશ 1.2 ટકા ઘટાડો થતો રહ્યો છે."
"તેનું પ્રમાણ પ્રતિ મિલીલિટર વીર્યમાં 104 મિલિયનથી ઘટીને 4.9 કરોડ થઈ ગયું હતું. વર્ષ 2000થી તેમાં પ્રતિ વર્ષ 2.6 ટકાથી વધુને દરે ઘટાડો થઈ રહ્યો છે."
હેગાઈ લેવિનના જણાવ્યા મુજબ, "આ ઝડપી ઘટાડાનું કારણ ઍપિજેનેટિક ફેરફારો એટલે કે પર્યાવરણીય કે જીવનશૈલી સંબંધી પરિબળોને લીધે જીન્સની કાર્યશૈલીમાં થતું પરિવર્તન હોઈ શકે છે."
"એક અન્ય સમીક્ષા એવું સૂચવે છે કે શુક્રાણુમાં ફેરફાર તથા પુરુષોની ઇનફર્ટિલિટીમાં ઍપિજેનેટિક્સ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે."
તેઓ કહે છે, "તે પેઢીઓમાં સંચિત હોવાના સંકેતો પણ મળ્યા છે."
ઍપિજેનેટિક ફેરફારો પેઢીઓથી વારસામાં મળી શકે છે તે મુદ્દે વિવાદ છે, પરંતુ તે શક્ય હોવાના પુરાવા મળ્યા છે.
લેવિન કહે છે, "શુક્રાણુઓની ઘટતી જતી સંખ્યા પુરુષોની અને કદાચ માનવજાતના નબળા સ્વાસ્થ્યનો સંકેત છે."
"આપણે જાહેરઆરોગ્ય સંબંધી સંકટનો સામનો કરી રહ્યા છીએ અને તેને ઉલટાવવાનું શક્ય છે કે નહીં એ આપણે જાણતા નથી."
સંશોધન સૂચવે છે કે પુરુષ ઈનફર્ટિલિટી સ્વાસ્થ્ય સંબંધી ભાવિ સમસ્યાઓની આગાહી કરી શકે, પરંતુ તેની ચોક્કસ કડીને સંપૂર્ણપણે સમજી શકાઈ નથી.
જીવનશૈલી સંબંધી ચોક્કસ પરિબળો ઈનફર્ટિલિટી અને આરોગ્ય સંબંધી અન્ય સમસ્યાઓ બંનેમાં ફાળો આપી શકે એવી શક્યતા છે.
દા સિલ્વા કહે છે, "બાળકને જન્મ આપવાની ઇચ્છા અને ગર્ભધારણ નહીં કરી શકવાનો અનુભવ બહુ પીડાદાયક હોય છે. આ વધુ મોટી સમસ્યા છે."
શુક્રાણુઓની ગુણવત્તામાં થતા ઘટાડાને રોકવા માટે વ્યક્તિગત જીવનશૈલી સંબંધી ફેરફાર પૂરતા નથી.
વધુને વધુ પુરાવા સૂચવે છે કે ઝેરી પ્રદૂષકો એક મોટું, પર્યાવરણીય જોખમ છે.
ઝેરીલી દુનિયા
યુનાઈટેડ કિંગ્ડમની યુનિવર્સિટી ઑફ નૉટિંગહામ ખાતે વેટરનરી ટીચિંગ ઍસોસિએટ તથા સંશોધક તરીકે કાર્યરત રેબેકા બ્લાન્ચાર્ડ ઘરમાં જોવા મળતા પર્યાવરણીય રસાયણોની પુરુષોના પ્રજનન સ્વાસ્થ્ય પર થતી અસર બાબતે તપાસ કરી રહ્યાં છે.
તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એ રસાયણો આપણી હૉર્મોનલ પ્રણાલીમાં વિક્ષેપ સર્જી શકે છે અને પુરુષો તથા કૂતરા બન્નેની પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડી શકે છે.
રેબેકા બ્લાન્ચાર્ડ કહે છે, "અમને માનવ તથા કૂતરા બન્નેના શુક્રાણુની ગતિશીલતામાં ઘટાડો જોવા મળ્યો છે. ડીએનએ ફ્રેગ્મેન્ટેશનની માત્રામાં વધારો પણ જોવા મળ્યો છે."
રેબેકા બ્લાન્ચાર્ડના જણાવ્યા મુજબ,"સ્પર્મ ડીએનએ ફ્રેગ્મેન્ટેશનનો અર્થ શુક્રાણુની આનુવાંશિક સામગ્રીમાં થતું નુકસાન અથવા વિક્ષેપ એવો થાય છે."
"તેની અસર વ્યાપક હોઈ શકે છે. જેમ કે ડીએનએ ફ્રેગ્મેન્ટેશનનું પ્રમાણ વધે છે, તેમ પ્રારંભિક ગાળામાં કસુવાવડના કિસ્સા પણ વધે છે."
પ્લાસ્ટિક, ઘરગથ્થુ દવાઓમાં, ખાદ્યસામગ્રીમાં અને હવામાંના રસાયણોને લીધે પ્રજનનક્ષમતાને નુકસાન થતું હોવાનું અન્ય સંશોધનો જણાવે છે.
બ્લાન્ચાર્ડના સંશોધનનાં તારણો પણ તેની પૃષ્ટિ કરે છે.
એ રસાયણો પુરુષો તથા મહિલાઓ ઉપરાંત બાળકોને પણ માઠી અસર કરે છે.
બ્લૅક કાર્બન, પૉલીફ્લુરોઆલ્કાઇલ રસાયણો અને ફેથાલેટ્સ તો ગર્ભાશયમાં ઉછરી રહેલાં શિશુઓ સુધી પહોંચે છે.
આબોહવામાં પરિવર્તન પણ પુરુષોની પ્રજનનક્ષમતા પર નકારાત્મક અસર કરી શકે છે.
પ્રાણીઓ પરના અનેક અભ્યાસનાં તારણ સૂચવે છે કે સતત વધતા તાપમાનની શુક્રાણુઓ પર માઠી અસર થાય છે.
હીટવેવ્ઝને કારણે જંતુઓના શુક્રાણુને નુકસાન થયાનું જોવા મળ્યું છે.
સમાન અસર મનુષ્યોમાં પણ જોવા મળી છે.
ગ્લોબલ વૉર્મિંગને લીધે સર્જાતા અત્યંત ઊંચા તાપમાન અથવા ગરમ વાતાવરણમાં કામ કરવાથી શુક્રાણુની ગુણવત્તા પર નકારાત્મક અસર થાય છે.
અયોગ્ય આહાર, માનસિક તાણ અને દારૂ
આ પર્યાવરણીય પરિબળો ઉપરાંત અયોગ્ય આહાર, બેઠાડુ જીવનશૈલી, તણાવ અને દારૂ તથા ડ્રગ્ઝના સેવન જેવી બાબતો પણ પુરુષોની પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડી શકે છે.
તાજેતરના દાયકાઓમાં લોકોમાં પાછલી વયે માતા-પિતા બનવાનું વલણ વધ્યું છે.
મહિલાઓને તેમના બાયોલૉજિકલ ક્લૉકની યાદ વારંવાર અપાવવામાં આવે છે, પરંતુ પુરુષો માટે પ્રજનનક્ષમતાના અંતની કોઈ વયમર્યાદા નથી એવું માનવામાં આવે છે.
જોકે, હવે તેમાં ફેરફાર થઈ રહ્યો છે. પુરુષોના મોટી વયે પિતા બનવાને શુક્રાણુની હલકી ગુણવત્તા અને પ્રજનનક્ષમતામાં ઘટાડા સાથે સંબંધ છે.
પુરુષોના વ્યંધત્વ વિશે સમજણ કેળવવાની અને તેના નિદાન, સારવાર તથા નિવારણ માટે નવો અભિગમ અપનાવવાની તેમજ પ્રદૂષણને નાથવાની જરૂરિયાત બાબતે જાગૃતિ વ્યાપક બનાવવાની માંગ વધી રહી છે.
એ દરમિયાન સવાલ એ છે કે કોઈ પુરુષ તેના શુક્રાણુની ગુણવત્તા જાળવી રાખવા કે તેને બહેતર બનાવવા માટે કશું કરી શકે?
વ્યાયામ અને તંદુરસ્ત આહાર એક સારી શરૂઆત હોઈ શકે, કારણ કે તેને શુક્રાણુની ગુણવત્તામાં સુધારા સાથે સીધો સંબંધ છે.
ઑર્ગેનિક ફૂડ અને પુરુષ તથા મહિલાની પ્રજનન સમસ્યા સાથે સંકળાયેલા બીપીએ મુક્ત પ્લાસ્ટિક પ્રૉડક્ટ્સના ઉપયોગની ભલામણ બ્લાન્ચાર્ડ કરે છે.
તેઓ કહે છે, "આટલું તો આપણે કરી જ શકીએ."
હેનિંગ્ટન સલાહ આપે છે કે મનમાંને મનમાં ઘૂંટાયા કરવું નહીં.
પાંચ વર્ષની સારવાર અને ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શનના ત્રણ રાઉન્ડ પછી હેનિંગ્ટન અને તેમનાં પત્ની બે સંતાનનાં માતા-પિતા બન્યાં છે.
ફર્ટિલિટી ટ્રીટમેન્ટનો ખર્ચ બધાને પોસાય તેવો હોતો નથી.
અમેરિકામાં આઈવીએફ ટ્રીટમેન્ટના એક રાઉન્ડ માટે 30,000 ડોલર (અંદાજે રૂ. 24.22 લાખ) સુધીનો ખર્ચ કરવો પડે છે.
અમેરિકામાં આઈવીએફ માટેના ઇન્સ્યુરન્સ કવરેજનો આધાર વ્યક્તિ ક્યા રાજ્યમાં રહે છે અને તેના એમ્પ્લોયર કોણ છે તેના પર હોય છે.
હેનિંગ્ટન જણાવ્યા મુજબ, પ્રજનન ક્ષમતા સંબંધી અગ્નિપરીક્ષાની માનસિક અસર તેઓ આજે પણ અનુભવી શકે છે.
હેનિંગ્ટન કહે છે, "મારા સંતાનો બદલ હું કાયમ આભારી રહીશ, પરંતુ તેમના જન્મ પહેલાંની પીડાને ભૂલી શકાતી નથી. એ સ્મૃતિ મારા અસ્તિત્વનો હિસ્સો બની રહેશે."