You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુનિયાભરના પુરુષોમાં શુક્રાણુનું પ્રમાણ કેમ ઘટી રહ્યું છે? પાંચ કારણો
- લેેખક, આંદ્રે બિએરનથ
- પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ
પુરુષોના શુક્રાણઓની સાંદ્રતામાં છેલ્લાં 50 વર્ષમાં 51 ટકા ઘટાડો થયો છે. આ તારણ ઇઝરાયલના જેરુસલેમ ખાતેની હીબ્રુ યુનિવર્સિટી અને અમેરિકાની માઉન્ટ સિનાઈ સ્કૂલ ઑફ મેડિસિન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસનું છે.
સંશોધકોની ગણતરી અનુસાર, 1970ના દાયકામાં પુરુષોના પ્રતિ મિલિલિટર વીર્યમાં સરેરાશ 10.1 કરોડ શુક્રાણુ સાંપડતા હતા. તાજેતરનાં વર્ષોમાં તે સરેરાશ ઘટીને 49 લાખ થઈ ગઈ છે.
પુરાવા સૂચવે છે કે પુરુષ શુક્રાણુની ગુણવત્તામાં પણ મોટો ઘટાડો થયો છે. અંડાશયમાં પ્રવેશવા સક્ષમ કોષોની ટકાવારી તાજેતરના દાયકાઓમાં નોંધપાત્ર રીતે ઘટી રહી છે.
‘બ્રાઝિલિયન ઍસોસિયેશન ઑફ આસિસ્ટેડ રિપ્રોડક્શન’ના વાઇસ પ્રેસિડેન્ટ તથા યુરોલૉજિસ્ટ અને ઍન્ડ્રોલૉજિસ્ટ મોકેર રભાલ રદેલીએ કહ્યું હતું કે “સૌથી મોટું નુકસાન શુક્રાણુઓમાં ગતિશીલતાનો અભાવ છે. તે ન હોય તો ગર્ભાધાનની ક્ષમતા ઘટે છે.”
સતત વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં લઈને આરોગ્યનિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે. બ્રાઝિલિયન સોસાયટી ઑફ યુરોલૉજીના ઍન્ડ્રોલૉજી વિભાગના કો-ઑર્ડિનેટર ડૉ. ઍડ્યુઆર્ડો મિરાન્ડાએ કહ્યું હતું કે “આ ચિંતાજનક બાબત છે, કારણ કે આ બગાડની ઝડપ વધી રહી છે અને તેને અટકાવવા શું કરવું જોઈએ તે અમે જાણતા નથી.”
વાસ્તવમાં પુરુષો જે દરે શુક્રાણુ ગૂમાવી રહ્યા છે તેમાં તાજેતરનાં વર્ષોમાં વધારો થયો છે. ઇઝરાયલ અને અમેરિકાએ 1970 અને 1990 દરમિયાન હાથ ધરેલા આવા જ એક અભ્યાસના તારણ મુજબ, જનનકોષની સાંદ્રતામાં વાર્ષિક ધોરણે 1.16 ટકા ઘટી છે.
2000ના દાયકાની શરૂઆતમાં તે દર બમણાથી વધીને 2.64 ટકા થઈ ગયો હતો.
આ વૈશ્વિક ઘટના છે. વિજ્ઞાનીઓને તમામ દેશોના પુરુષોના જનનકોષમાં ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ ઘટાડો યુરોપ, આફ્રિકા, મધ્ય અમેરિકા તથા દક્ષિણ અમેરિકામાં જોવા મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1. સ્થૂળતા
શરીરના વજનમાં થતો વધારો શુક્રાણુઓ માટે સંખ્યાબંધ તકલીફનું સર્જન કરે છે.
ચરબીના સર્જન માટે કારણભૂત એડિપોઝ ટિસ્યુમાંથી વૃદ્ધિદાહક પદાર્થો છોડે છે અને તેની સીધી અસર ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન પર થાય છે. ટેસ્ટોસ્ટેરોન પુરુષ જનનકોશના ઉત્પાદન માટે મહત્ત્વનું હોર્મોન છે.
મિરાન્ડાના જણાવ્યા મુજબ, વધારાનું વજન ઓક્સિડેટિવ સ્ટ્રેસનું સર્જન પણ કરે છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસ એવી પ્રક્રિયા છે, જેમાં શરીરના વિવિધ કોષને નુકસાન થાય છે.
તેમણે કહ્યું હતું કે “સ્થૂળ વ્યક્તિના શરીરના જનનાંગ વિસ્તારમાં વધુ ચરબી જમા થતી હોય છે અને તે શુક્રાણુઓ માટે ભયંકર બાબત છે.”
જ્યાં પ્રજનન કોષિકાઓ બને છે અને સંગ્રહિત થાય છે તે અંડકોષ સારી રીતે કાર્ય કરી શકે એ માટે તેનું તાપમાન શરીરના તાપમાનથી એક-બે ડિગ્રી ઓછું હોવું જોઈએ. તેથી જ અંડકોષની કોથળી શરીરની બહાર આવેલી છે.
અહીં મુદ્દો એ છે કે ચરબીમાં થતો વધારો પ્રજનનઅંગો પરના બોજામાં વધારો કરે છે, જેથી તે અપેક્ષા મુજબ કામ કરવાનું બંધ કરી દે છે.
2. માદક પદાર્થોનું સેવન
દારૂ, સિગારેટ, ઇલેક્ટ્રૉનિક સિગારેટ, મારિયુઆના, કોકેન, એનાબોલિક સ્ટેરોઈડ...આ બધા માદક પદાર્થો વચ્ચે શું સમાનતા છે તે જાણો છો?
આ બધાની પુરુષોના જનનકોષ પર માઠી અસર થાય છે.
મિરાન્ડાએ કહ્યું હતું કે “આ પૈકીના કેટલાક પદાર્થો જર્મ સેલને સીધી અસર કરે છે. તે શુક્રાણુમા ઘટાડા માટે કારણભૂત બને છે.”
જોકે, અન્ય પદાર્થોની પરોક્ષ અસર થાય છે. તેમનો પ્રભાવ અંડકોષને સક્રિય કરવા માટે જવાબદાર હોર્મોન્સના ઉત્પાદન પર પડે છે.
આ સમસ્યા માટે મોટા ભાગના નિષ્ણાતો ગોળીઓ, જેલ અને ઇન્જેક્શન દ્વારા ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટનું ઉદાહરણ આપે છે. સ્નાયુ બનાવવા માટે આ બધાનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે.
ડૉ. રદેલીએ ચેતવણી આપતાં કહ્યું હતું કે “આવી સામગ્રીનું બજાર તાજેતરનાં વર્ષોમાં બહુ ભયાનક રીતે વિકસ્યું છે.”
ડૉક્ટરોના જણાવ્યા મુજબ, આ હોર્મોનનો આડેધડ ઉપયોગ કરવામાં આવે ત્યારે શરીર એવું સમજે છે કે તેને કુદરતી રીતે બનાવવાની હવે જરૂર નથી.
3. યૌન સંબંધથી ફેલાતો ચેપ
બૅક્ટેરિયાથી થતા ક્લેમીડિયા અને ગોનોરિયા જેવા રોગથી વૃષણમાં સોજો આવે છે. આ માળખું અંડકોષની ટોચ સાથે જોડાયેલું હોય છે અને તેની જવાબદારી શુક્રાણુના સંગ્રહની હોય છે. તેથી તેમાં કોઈ ફેરફાર થાય તો તેનાથી અંડકોષના અસ્તિત્વ માટે જોખમ સર્જાય છે.
વિશ્વ આરોગ્ય સંગઠનનો અંદાજ છે કે 2020માં સમગ્ર વિશ્વમાં પુરુષોમાં ક્લેમીડિયાના 12.9 કરોડ કેસ અને ગોનોરિયાના 82 લાખ કેસ નોંધાયા હતા. આ દર સ્ટેબલ રહ્યો છે અથવા તાજેતરનાં વર્ષોમાં તેમાં વધારો થતો રહ્યો છે.
ડૉ. રદેલી આ યાદીમાં હ્યુમન પેપિલોમાવાયરસ નામના ત્રીજા પેથોજેનનો ઉમેરો કરે છે, જે એચપીવીના ટૂંકા નામે પણ ઓળખાય છે.
4. ખોળામાં લેપટૉપ
શરીરના બાકીના હિસ્સા કરતાં અંડકોષનું ઉષ્ણતામાન એક-બે ડિગ્રી ઓછું હોવું જોઈએ તે યાદ છે ને?
છેલ્લા દાયકામાં પ્રકાશિત અભ્યાસોમાં એવું બહાર આવ્યું હતું કે ખોળામાં લેપટૉપ રાખીને કામ કરવાથી શુક્રાણુના ઉત્પાદન પર વધારાનું જોખમ સર્જાય છે.
તેનું કારણ એ છે કે લેપટૉપની બૅટરી ગરમ થાય છે અને તેમાં શુક્રાણુ ‘ભૂંજાઈ’ જાય તે શક્ય છે.
ઉષ્ણતામાન વધે તેવી અન્ય આદતોથી પણ જનનકોષ માટે જોખમી છે. તેનું ઉદાહરણ ગરમ પાણી ભરેલા બાથટબમાં બેસીને લાંબો સમય કરવામાં આવતું સ્નાન અને લાંબા સમયનું સોનાબાથ છે.
ટેકનૉલૉજી આધારિત આજના વિશ્વમાં ઇલેક્ટ્રોમેગ્નિટિક તરંગો, ટેલિફોન સિગ્નલો અને વાયરલેસ ઈન્ટરનેટની સંભવિત અસર તરફ પણ ઈશારો કરે છે.
ડૉ. રદેલીએ કહ્યું હતું કે “લૅબોરેટરીમાં હાથ ધરવામાં આવેલા પ્રાયોગિક પરીક્ષણમાં વાઈ-ફાઈ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની અસર અંડકોષને થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જોકે, આ ટેકનૉલૉજી અંડકોષને ખરેખર નુકસાન કરે છે કે કેમ તે સ્પષ્ટપણે સાબિત થયું નથી.”
5. અંતઃસ્ત્રાવી વિક્ષેપકો
સામાન્ય રીતે અંતઃસ્ત્રાવી વિક્ષેપકો તરીકે ઓળખાતાં અનેક ઝેરી સંયોજનો તરફ નિષ્ણાતો ધ્યાન દોરે છે.
તેની યાદીમાં વાતાવરણમાંથી મળી આવતાં પ્રદૂષકો તેમજ પ્લાસ્ટિક અને જંતુનાશકોનો સમાવેશ થાય છે.
આ બધા પરમાણુઓનું બંધારણ આપણા શરીરમાંના હોર્મોન્સ જેવું જ હોય છે. તેથી જે રીતે ચાવી તાળામાં પ્રવેશે તે રીતે આવા પરમાણુઓ સેલ રિસેપ્ટર્સમાં પ્રવેશે છે અને કેટલીક અનિચ્છનીય પ્રક્રિયા શરૂ કરે છે.
તાજેતરના અભ્યાસમાં શોધી કાઢવામાં આવેલી એક નવી બાબતને પુરુષની પ્રજનન ક્ષમતા સાથે ગાઢ સંબંધ છે, “પરંતુ આ સમસ્યાના પ્રમાણને અમે હજુ સુધી ખાતરીપૂર્વક જાણતા નથી અને તે નક્કી કરવા માટે ઘણા અભ્યાસ ચાલી રહ્યા છે,” એમ ડૉ. રદેલીએ કહ્યું હતું.
બિન-ફળદ્રૂપ દુનિયા?
શુક્રાણુમાં ઘટાડા માટે પર્યાવરણીય અને વર્તણૂંક સંબંધી પરિબળો ઉપરાંત બીજી બે આંતરિક બાબત પણ જવાબદાર છે. તેમાં પ્રથમ બાબત છે જીનેટિક્સ. બાળક પેદા કરવામાં થતી મુશ્કેલીના 10થી 30 ટકા કિસ્સાઓમાં પુરુષના ડીએનએમાંની સમસ્યા જવાબદાર હોય છે.
બીજી બાબત વૃદ્ધત્વ સંબંધી છે. હકીકત એ છે કે પુરુષો વધુને વધુ મોડેથી પિતા થવાનું પસંદ કરે છે.
ડૉ. રદેલીએ કહ્યું હતું કે “આપણે જાણીએ છીએ તેમ ફળદ્રૂપતામાં તબક્કાવાર ઘટાડો થાય છે. જોકે, પુરુષોમાં સ્ત્રીઓ જેટલો ઘટાડો થતો નથી. પુરુષોમાં શુક્રાણુના ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ હોર્મોન્સમાં ઘટાડો થાય છે.”
શુક્રાણુઓના પ્રમાણમાં છેલ્લાં 50 વર્ષમાં 51 ટકા ઘટાડો થયો છે અને છેલ્લા બે દાયકામાં એવું ઝડપભેર થયું છે તે હકીકતને ધ્યાનમાં લઈએ તો સવાલ થાય કે આગામી વર્ષોમાં તે તબક્કાવાર ઘટીને શૂન્યના સ્તરે પહોંચી જશે?
ઘટાડો વર્તમાન દરે જ ચાલુ રહેશે તો 2050 સુધીમાં વીર્યમાં પ્રજનન કોષોની સાંદ્રતા શૂન્યની નજીક પહોંચી જશે, પરંતુ આવી પરિસ્થિતિ સર્જાશે, તેવું મિરાન્ડા માનતા નથી.
શું કરવું?
પોતાનું સંતાન પેદા કરવા ઇચ્છતા લોકોએ સફળતાની શક્યતા વધારવા માટે સૌપ્રથમ તો તેમની જીવનશૈલીમાં પરિવર્તન કરવું જોઈએ અને અંડકોષ માટે હાનિકારક પ્રક્રિયાને ઉલટાવવી જોઈએ.
તેમાં સંતુલિત આહાર અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ વડે શરીરનું વજન જાળવી રાખવાનો, દારૂ, સિગારેટ અને અન્ય ડ્રગ્ઝથી સંપૂર્ણપણે દૂર રહેવાનો સમાવેશ થાય છે.
બાળક પેદા કરવાના હેતુસર નહીં, પરંતુ માત્ર મનોરંજનના હેતુસર જ સંભોગ કરવામાં આવતો હોય તો ક્લેમીડિયા તથા ગોનોરિયા જેવા ચેપી રોગને ટાળવા માટે કૉન્ડોમનો ઉપયોગ હંમેશાં કરવો જોઈએ.
જે લોકોને એચપીવી સામે રક્ષણ માટે કિશોરાવસ્થામાં જ રસી આપવામાં આવી હોય તેઓ આ વાઇરસ તથા શરીરને થતી તેની અસર સામે વધારે સલામત હોય છે.
દિનચર્યામાં આટલા ફેરફાર પછી પણ બાળક પેદા કરવામાં સમસ્યા સર્જાતી હોય તો નિષ્ણાતની સલાહ જરૂર લેવી જોઈએ.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગાઇડલાઇન્સ અનુસાર, તબીબી સલાહ લેવાના સમયનો આધાર મહિલાની વય પર હોય છે.
મિરાન્ડાએ કહ્યું હતું કે “વય 35 વર્ષથી ઓછી હોય તો યુગલે, અંડફલનના સમયગાળાને ધ્યાનમાં રાખીને અઠવાડિયામાં ત્રણ વખત નિયમિત સંભોગ કરવો જોઈએ અને ગર્ભાધાનના પ્રયાસ એક વર્ષ સુધી કરવા જોઈએ.”
દંપતિની વય 35 વર્ષથી વધુ હોય તો ગર્ભાધાનમાં છ મહિનાથી વધુ સમય સુધી સમસ્યાનો સામનો કરવો પડશે તે પહેલેથી જ જાણી લેવું જોઈએ.
આમ થવાનું કારણ એ છે કે આયુષ્યના આ તબક્કા પછી શુક્રાણુનું પ્રમાણ ઝડપથી ઘટતું હોય છે અને જવાબ શોધવામાં 12 મહિનાનો વિલંબ સમયની બરબાદી સાબિત થઈ શકે છે, એવું ડૉક્ટરો માને છે.
ડૉ. રદેલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “સંભવિત કારણો શોધવા માટે તેમજ શ્રેષ્ઠ સારવાર માટે યુગલે શારીરિક તપાસ કરાવવી જોઈએ.”
પુરુષમાં સમસ્યા હોય તો નિષ્ણાતો ઍન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર વિટામીન સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ આપતા હોય છે. તેનાથી અંડકોષની સલામતીમાં મદદ મળે છે.
હોર્મોન્સના નિયમન માટે પણ સપ્લિમેન્ટેશનની જરૂર પડી શકે છે.
મિરાન્ડાએ કહ્યું હતું કે “દવાઓ અને સર્જરી વડે કેટલાક રોગનું નિવારણ મૂળમાંથી જ કરી શકાય છે. દાખલા તરીકે, પ્રસ્તુત કિસ્સામાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવાર ઍન્ટિબાયોટિક્સ વડે અને પ્રજનન પ્રણાલીમાંની ખામી સર્જિકલ હસ્તક્ષેપ વડે દૂર કરી શકાય છે.”