ઢીલાં અન્ડરવેર પહેરવાથી પુરુષોની શુક્રાણુની ક્ષમતા કેવી રીતે વધે?

ઢીલાં આંતરવસ્ત્રો પહેરવાથી પુરુષોમાં શુક્રાણુનું પ્રમાણ વધી શકે છે અને તેને નિયંત્રણ કરતા હૉર્મોન્સમાં પણ સુધારો થઈ શકે છે.

અમેરિકાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ તારણ સામે આવ્યું છે.

અમેરિકાની 'હાર્વર્ડ ટીએચ ચેન સ્કૂલ ઑફ પલ્બિક હેલ્થ'ના સંશોધકોએ 656 પુરુષો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો.

જેમાં ટાઇટ પૅન્ટ-આંતરવસ્ત્રો પહેરનારા પુરુષો કરતાં ટૂંકા અને ઢીલાં આંતરવસ્ત્રો પહેરનારા પુરુષોમાં શુક્રાણુઓનું પ્રમાણ 25% વધુ જોવા મળ્યું.

સંશોધનમાં અંડકોશની આસપાસનું તાપમાન ઠંડું રહેવાથી આવું જોવા મળ્યું હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર જીવનશૈલી બદલીને પુરુષોમાં શુક્રાણુઓની ક્ષમતા-પ્રમાણ વધી શકે છે.

શુક્રાણુઓના ઉત્પાદન પર તાપમાનની અસર થાય છે. 34 સેલ્સિયસ ડિગ્રીથી તાપમાન ઉપર જાય તો અંડકોશ લચી પડે છે.

અન્ડરવેરની કેટલીક ડિઝાઇન જેમ કે જૉકીની ટૂંકી અને નાની અન્ડરવેર વૃષણકોશને શરીરની વધુ નજીક લાવી દે છે. આથી તેનું તાપમાન વધી જાય છે.

બીજી તરફ બૉક્સર પ્રકારની ચડ્ડી આવું નથી થવા દેતી કેમ કે તે ઢીલી હોવાથી તાપમાન જાળવી રાખે છે.

શુક્રાણુ પર અસર કરતાં પરિબળો

એક વ્યાપક સંશોધનમાં સંશોધકોને જોવા મળ્યું કે ફર્ટિલિટી ક્લિનિકની મુલાકાત લેનારા ઢીલા અન્ડરવેર પહેરનારા પુરુષોમાં ટાઇટ અન્ડરવેર પહેરતા પુરુષો કરતાં શુક્રાણુઓનું પ્રમાણ 17 ટકા વધારે જોવા મળ્યું, જ્યારે તરલ શુક્રાણુઓ 33 ટકા વધુ હોવાનું જાણવા મળ્યું.

જોકે, આ મામલે શુક્રાણુઓના આકાર અને ડીએનએ પર કોઈ અસર થતી નથી.

વૈજ્ઞાનિકો અનુસાર શુક્રાણુઓ પર અસરકર્તા અન્ય પરિબળોમાં ઉંમર, બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) તથા નાહવા માટે ગરમ બાથટબનો ઉપયોગ અને ધૂમ્રપાનની આદતોનો સમાવેશ થાય છે.

પૅન્ટમાં વધુ પડતી ગરમી પણ આ સમસ્યાનું મૂળ હોવાની ધારણા બાંધવામાં આવે છે.

હ્યુમન રિ-પ્રોડક્શન જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં પણ એક તારણ જોવા મળ્યું કે મગજ જે હૉર્મોન્સ (ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હૉર્મોન્સ) દ્વ્રારા અંડકોશને શુક્રાણુના ઉત્પાદન માટે સંકેત આપે છે તે હૉર્મોન્સ ઢીલા અન્ડરવેર પહેરતા પુરુષોમાં 14 ટકા ઓછું જોવા મળે છે.

આ તારણ સૂચવે છે કે ટાઇટ અન્ડરવેરના કારણે તાપમાન વધતા શુક્રાણુઓમાં જે ઘટાડો થાય છે તેને સરભર કરવા માટે આ હૉર્મોન્સ ઉદ્દીપક તરીકે કામ કરે છે.

શેફીલ્ડ યુનિવર્સિટીમાં ઍન્ડ્રોલૉજીના પ્રોફેસર એલન પેકેય અનુસાર જુદા જુદા પ્રકારની અન્ડરવેર પહેરતા પુરુષોમાં આ હૉર્મોન્સનું અલગઅલગ પ્રમાણ જોવા મળે છે.

ટાઇટ પૅન્ટ પહેરનારા પુરુષોમાં અંડકોશને નુકસાન થયાના પુરાવા જોવા મળ્યા છે. પ્રોફેસર ઉપરોક્ત સંશોધનમાં સામેલ નહોતા.

'પ્રજનનક્ષમતા એ સંયુક્ત પ્રક્રિયા છે'

આ અભ્યાસ શુક્રાણઓની સંખ્યા અને ગુણવત્તા વિશેનો છે. તે પુરુષની પ્રજનનક્ષમતા અંગે નથી.

ગમે તેવું અન્ડરવેર પહેરવામાં આવે તેનાથી શુક્રાણુઓના ઉત્પાદનના સામાન્ય પ્રમાણમાં કોઈ અસર થતી નથી.

પ્રોફેસર પેકેયે બીબીસીને જણાવ્યું કે, "જે પુરુષોને વધતી ઉંમરે શુક્રાણુ ઉત્પાદનની સમસ્યા હોય કે તેમાં સુધારાની જરૂર હોય તેમને ઢીલા અન્ડરવેર પહેરવાથી લાભ થઈ શકે છે."

"ટાઇટ પૅન્ટના કારણે પુરુષોના શુક્રાણઓને અસર થાય છે અને તેને સરળતાથી ટાળી શકાય છે."

સંશોધન વિશે પેપર પ્રકાશિત કરનારા ડૉ. જોર્ગે શેવેરોએ બીબીસીને જણાવ્યું કે શુક્રાણુની તમામ સંખ્યાને ફરીથી ઉત્પન થવા માટે ત્રણ મહિનાનો સમય લાગે છે. આથી આગોતરી તૈયારી રાખવી જોઈએ.

"પ્રજનનક્ષમતા નિશ્ચિતરૂપે મહિલાઓ સંબંધિત નથી. બાળક પેદા કરવાની પ્રક્રિયામાં પુરુષ-મહિલાની સંયુક્ત ભૂમિકા હોય છે."

"પ્રજનનક્ષમતા મામલે પુરુષોના યોગદાન વિશે હજુ વધુ અભ્યાસની જરૂર છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો