પાંચ વર્ષની ઉંમર સુધી સ્તનપાન કરાવવું ફાયદાકારક

    • લેેખક, ભૂમિકા રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

બધા જ જાણે છે કે માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન ગણાય છે, પણ શું પાંચ વર્ષની ઉંમર સુધી સ્તનપાન કરાવવું બાળક માટે ફાયદાકારક બની શકે ખરું?

એમા શાર્ડલો હડસન બે બાળકોનાં માતા છે. તેમને પાંચ વર્ષની એક દીકરી અને બે વર્ષનો દીકરો છે. તેઓ બંનેને દૂધ પીવડાવે છે.

એમા માને છે કે દૂધ પીવડાવવાથી એમનાં બાળકો તંદુરસ્ત રહે છે અને જલ્દી બીમાર નથી પડતાં.

બ્રિટનમાં એવી સલાહ આપવામાં આવે છે કે, જ્યાં સુધી મા અને બાળક ઇચ્છે, ત્યાં સુધી સ્તનપાન કરાવી શકાય છે.

બ્રિટનની સ્વાસ્થ્ય એજન્સી નેશનલ હેલ્થ સર્વિસે એવી કોઈ સમય મર્યાદા નકકી કરી નથી કે, ક્યારે સ્તનપાન કરાવવાનું બંધ કરી દેવું જોઈએ.

છ મહિનાની ઉંમર સુધી બાળકને માત્ર માતાનું દૂધ પીવડાવવાની જ સલાહ આપવામાં આવે છે. છ મહિના પછી દૂધ પીવડાવવાની સાથે સાથે બીજું ભોજન આપી શકાય છે.

સ્તનપાનનાં ફાયદા

નિષ્ણાતોનું માનવું છે કે સ્તનપાન, મા અને બાળક બંને માટે ફાયદાકારક છે. માનું દૂધ બાળકોને ઇન્ફૅક્શન, ઝાડા અને ઊલટીથી બચાવે છે.

જે બાળકો માતાનું દૂધ પીતા હોય તેમને આગળ જઈને જાડાપણું અને બીજી બીમારીઓનું જોખમ ઓછું રહે છે. દૂધ પીવડાવવું માતા માટે પણ ફાયદાકારક છે.

આનાથી સ્તન અને ગર્ભાશયનું કૅન્સર થવાનું જોખમ ઘટી જાય છે, પણ સ્તનપાન ક્યાં સુધી કરાવવું જોઈએ?

તમે આ વાંચ્યું કે નહીં?

માતાએ ક્યાં સુધી સ્તનપાન કરાવવું જોઈએ એ અંગે કોઈ સલાહ હજુ સુધી આપવામાં આવી નથી.

નેશનલ હેલ્થ સર્વિસની વેબસાઇટના જણાવ્યા અનુસાર, ''તમે અને તમારું બાળક ઇચ્છો, ત્યાં સુધી સ્તનપાનનો લાભ લઈ શકો છો.''

વિશ્વ આરોગ્ય સંગઠનનું માનવું છે કે, સ્તનપાન બે વર્ષની ઉંમર કે એથી વધુ સમય સુધી કરાવવું જોઈએ.

બાળકને વધારાનું પોષણ

પણ રૉયલ કૉલેજ ઑફ પેડિયાટ્રિક્સ ઍન્ડ ચાઇલ્ડ હેલ્થ સાથે જોડાયેલા ડૉક્ટર મૈક્સ ડેવી જણાવે છે, ''એ વાતના ઘણાં ઓછા પુરાવા મળ્યા છે કે બે વર્ષની ઉંમર પછી સ્તનપાનથી બાળકને વધારાનું કોઈ પોષણ મળ્યું હોય.''

તેઓ જણાવે છે, "બે વર્ષની ઉંમર પછી બાળકને એના ડાયટ દ્વારા જ તમામ પોષક તત્વ મળવા જોઈએ માટે આ ઉંમરમાં સ્તનપાનથી બાળકને વધારાનો કોઈ ફાયદો મળતો નથી.''

મા, બાળકને આગળ દૂધ પીવડાવવા માગે છે, બંધ કરી દેવા માગે છે કે ઓછું કરી દેવા માગે છે એ નિર્ણય તેનો પોતાનો છે.

આ વાતોમાં માનું કામ પર પાછા ફરવું, કુટુંબ અને મિત્રોનો સહયોગ, બ્રેસ્ટ ફિડિંગ કરાવવામાં સહજતા વગેરેનો સમાવેશ થાય છે.

ડૉક્ટર ડેવી જણાવે છે કે સ્તનપાન કરાવવું એ એક વ્યક્તિગત બાબત છે.

તેમનું કહેવું છે, ''આ માતા અને બાળક વચ્ચેનાં જોડાણને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આનાથી કોઈ નુકસાન તો થતું જ નથી. કુંટુંબને પોતાને જે અનૂકુળ હોય તે મુજબ કરવું જોઈએ.''

બ્રેસ્ટ ફિડિંગ સાથે જોડાયેલા સવાલો

વાસ્તવિકતા એ છે કે બ્રિટનમાં લગભગ 80 % સ્ત્રીઓ સ્તનપાન કરાવવાનું શરૂ તો કરે છે, પણ એમાંથી કેટલીક તો બાળકના જન્મના થોડાંક અઠવાડિયા બાદ જ બંધ કરી દે છે.

છ વર્ષની ઉંમર સુધી માત્ર એક તૃતીયાંશ બાળકોને જ માતાનું દૂધ મળી શકે છે. 12 વર્ષની ઉંમર સુધી આ આંકડો ઘટીને 0.5 % સુધી આવી જાય છે.

2016માં છપાયેલા એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ અનુસાર, બ્રિટનની મહિલાઓ દુનિયામાં સૌથી ઓછા સમય સુધી સ્તનપાન કરાવે છે.

બાળકોના આરોગ્ય સાથે જોડાયેલા નિષ્ણાતો જણાવે છે કે ઘણી વખતે સ્ત્રીઓને સ્તનપાન કરાવવાની શરૂઆત વખતે મુશ્કેલીઓ આવી શકે છે અને જરૂરી નથી કે દર વખતે એમને યોગ્ય સલાહ અને સહયોગ મળે.

ઘણી વખતે સ્ત્રીઓ જાહેરમાં સ્તનપાન કરાવવામાં શરમ અને સંકોચ અનુભવતી હોય છે, એટલે જ તેઓ સ્તનપાન કરાવવાનું બંધ કરી દે છે.

નિષ્ણાતોનું કહેવું છે, ''ઘણી વખતે સ્ત્રીઓ સ્તનપાન કરાવી શકતી નથી કે કરાવવા માગતી નથી આપણે એ વાતનું પણ માન રાખવું જોઈએ.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો