You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૈય્યુજી મહારાજનું શું હતું ગુજરાત કનેકશન?
બહુચર્ચિત આધ્યાત્મિક ગુરુ ભૈય્યુ મહારાજે ઇંદૌરમાં તેમના નિવાસસ્થાને ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ઇંદૌરની બોમ્બે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ભૈય્યુ મહારાજના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
13 મહિના અગાઉ શિવપુરીના ડૉ. આયુષી સાથે ભૈય્યુએ બીજા લગ્ન કર્યાં હતાં.
મધ્ય પ્રદેશની સરકાર દ્વારા ભૈય્યુજી ઉપરાંત ચાર અન્ય બાબાઓને પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
ઇંદૌરના ડીઆઈજી (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) હરિનારાયણ ચારી મિશ્રાના કહેવા પ્રમાણે, ભૈય્યુજી મહારાજે 'સિલ્વર સ્પ્રિંગ' સ્થિત નિવાસસ્થાને ખુદને ગોળી મારી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને સદ્દભાવના ઉપવાસ પર બેઠા હતા ત્યારે તેમના ઉપવાસ ખોલાવવા માટે ભૈય્યુ મહારાજને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ઉપરાંત ભાજપના અન્ય નેતાઓ સાથે પણ ભૈય્યુજી ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા.
ભૈય્યુજીનું ગુજરાત કનેક્શન
2011 પહેલાં ખૂબ ઓછા ગુજરાતીઓએ આધ્યાત્મિક ગુરુ ભૈય્યુજી મહારાજનું નામ સાંભળ્યું હતું અથવા તો જોયા હતાં.
તેમણે ગુજરાતા તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને સદ્દભાવના ઉપવાસ બાદ પારણા કરાવ્યા, ત્યારે ગુજરાતીઓનું ધ્યાન તેમની તરફ ખેંચાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે ટ્વીટ કરીને લખ્યું, "આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજના નિધન અંગે જાણીને દુખ થયું. દેશ માટે તેમણે અવિસ્મરણીય પ્રદાન આપ્યું છે."
ભૈય્યુજી મહારાજે ગુજરાત સરકારને 'સંતનગરી' બનાવવા માટેનું સૂચન કર્યું હતું, જેનાં પગલે સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદીના કિનારે આવેલા વડાલી ગામની પસંદગી કરવામાં આવી હતી.
ગામાં 200 હેક્ટર જમીન ઉપર રૂપીયા 500 કરોડનાં ખર્ચે સંતનગરી વિકસાવવાનું આયોજન થયું હતું.
રાજ્યના વરિષ્ઠ પત્રકાર સુધિર રાવલ કહે છે, "સંતનગરીનાં આયોજન માટે રાજ્યનાં અધિકારીઓની ટીમ ભૈય્યુજી પાસેથી સલાહ-સૂચન લેતી હતી.
"તેઓ સર્વધર્મ સમભાવમા માનતા હતા અને રાષ્ટ્રવાદમાં ખૂબ માનતા હતા અને તેમણે અનેક પુસ્તક લખ્યાં છે."
વરિષ્ઠ પત્રકાર રાવલ ઉમેરે છે કે મોદી તેમનો ખૂબ આદર કરતાં હતાં, તેથી ભૈય્યુજી મહારાજે તેમના પારણા કરાવવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું.
ગુજરાતભરમાં તેમના અનુયાયીઓની સંખ્યા નાની છે, પણ તેઓ સમર્પિત છે.
દક્ષિણ ગુજરાતના સુરતના સામાજિક કાર્યકર કનુભાઇ ટેલર સાથે મળીને તેમણે દિવ્યાંગ બાળકો માટે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી હતાં તે સમયે તેમની મુલાકાત લીધી હતી અને તેમના પરિવાર સાથે ભોજન પણ લીધું હતું.
એકાદ મહિના પહેલા તેઓ ગુજરાતની મુલાકાત લીધી હતી, તે સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશના આગેવાન શંકરભાઇ ચૌધરી અને અધિકારીઓ તેમની સર્કિટ હાઉસ ખાતે મુલાકાત કરી હતી.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ટ્વિટર પર લખ્યું, 'આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેમની સાથે મારે વ્યક્તિગત સંબંધ હતા. તેમના અકાળે નિધનના સચારા જાણીને આઘાત લાગ્યો. મારી શ્રદ્ધાંજલિ.'
ભૈય્યુ મહારાજે શા માટે આ અંતિમવાદી પગલું લીધું તે અંગે તત્કાળ કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ ઇંદૌરમાં શુરૈહ નિયાઝીને ભૈય્યુજીની નજીકના લોકોએ જણાવ્યું હતું કે પારિવારિક કંકાસને કારણે તેઓ તણાવમાં હતા.
ભૈય્યુજીના નિધન અંગે માહિતી મળતાં મોટી સંખ્યામાં અનુયાયીઓ બોમ્બે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
કોણ હતા ભૈય્યુ મહારાજ?
1968માં ભૈય્યુ મહારાજનો જન્મ થયો હતો. તેમની વેબસાઇટ પર આપવામાં આવેલી વિગત પ્રમાણે, ભૈય્યુ મહારાજ મૂળ શુજાલપુરના જમીનદાર પરિવારના હતા.
ભૈય્યુ મહારાજ પરંપરાગત સંતથી અલગ હતા અને તેઓ મોંઘી ગાડીઓમાં હરતાફરતા હતા. તેઓ મોંઘી ઘડિયાલો પહેરતા હતા અને ભવ્ય બંગલામાં રહેતા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
ભૈય્યુજીએ માધવી નિમાલકર સાથે લગ્ન કર્યાં હતાં. 2015માં તેમના નિધન બાદ 2017માં ભૈય્યુજીએ બીજા લગ્ન કર્યાં હતાં.
વેબસાઇટ પર આપવામાં આવેલા વિવરણ પ્રમાણે, ભૈય્યુજી સાયન્સ ગ્રેજ્યુએટ હતા. તેઓ ઘોડેસવારી, રેસલિંગ, ક્રિકેટ, બેડ મિન્ટન, સંગીત અને કવિતાઓનો શોખ પણ ધરાવતા હતા.
23 વર્ષની ઉંમરમાં તેઓ સામાજિક અને આધ્યાત્મિક કામોમાં કરવા લાગ્યા હતા. તેઓ bhayyumaharaj.com નામની વેબસાઇટ પણ ચલાવતા હતા.
ફેસબુક અને ટ્વિટર પર તેઓ સક્રિય ખાસ્સા સક્રિય હતા. ફેસબુક પર તેમનું વેરિફાઇડ એકાઉન્ટ પણ છે.
સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પરથી મળતી માહિતી મુજબ, તેઓ સાહિત્યમાં ડૉક્ટરેટની ડિગ્રી ધરાવે છે. તેમને 'અહિંસા રત્ન એવોર્ડ' 'રાજીવ ગાંધી એક્સેલન્સ એવોર્ડ', 'વિદર્ભ ભૂષણ એવોર્ડ', 'ઇન્દોર રત્ન એવોર્ડ'થી નવાજમાં આવેલા છે.
ભૈય્યુ મહારાજનાં પુત્રીનું નામ કૂહુ છે. જે પુણેમાં અભ્યાસ કરે છે. ભૈય્યુજી ઉચ્ચ અભ્યાસ માટે તેમને લંડન મોકલવા માટે પ્રયાસરત હતા.
ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશમાં ભૈય્યુજીના અનેક આશ્રમ આવેલા છે. તેઓ સદ્દગુરુ ટ્રસ્ટ તથા સૂર્યોદય જલસંચ અભિયાનના નેજા હેઠળ સેવાકાર્યો કરતા હતા.
મલ્લિકા રાજપૂત નામની અભિનેત્રીએ આરોપ મૂક્યો હતો કે ભૈય્યુજી મહારાજ ફોન કરીને તેમની કનડગત કરે છે. યોગાનુયોગ જે દિવસે તેમના બીજા લગ્ન થયા, એ દિવસે જ આ આરોપો મૂકવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવિસ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ નેતા વિલાસરાવ દેશમુખ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે તથા રાષ્ટ્રવાદી કોંગ્રે પાર્ટીના શરદ પવાર સહિતના નેતાઓ સાથે સુમધુર સંબંધ ધરાવતા હતા.
કહેવાય છે કે મહારાષ્ટ્રના અણ્ણા હજારે જ્યારે દિલ્હીમાં લોકપાલ બિલ માટે અનશન કરી રહ્યા હતા, ત્યારે ભૈય્યુજી મહારાજે જ દરમિયાનગીરી કરીને અનશન ખોલાવ્યા હતા.
(આ સ્ટોરી માટે અમદાવાદથી હરેશ ઝાલા તથા ભોપાલથી શુરૈહ નિયાઝીના ઇનપુટ્સ મળેલા છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો