જે બંગલામાં દૂધ વેચ્યું, ત્યાં જ મંત્રી બનીને રહ્યા રાજેશ પાઇલટ

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષો પહેલાં દિલ્હીના પૉશ 112, ગુરૂદ્વારા રકાબગંજ રોડ પર આવેલા એક બંગલાના આઉટ હાઉસમાં દસ વર્ષનો એક છોકરો રહેતો હતો.

ગરમી હોય, ટાઢ હોય કે વરસાદ હોય, એ રોજ સવારે ચાર વાગ્યે ઊઠી જતો.

પોતાના પિતારાઈ ભાઈ નત્થીસિંહની ડેરીના પશુઓને ઘાસ નાખતો, છાણ સાફ કરતો એમને દોહતો અને બાદમાં દિલ્હીના વીઆઈપી વિસ્તારોના બંગલાઓમાં એ દૂધ આપવા જતો.

ક્યારેક ક્યારેક એટલી ટાઢ પડતી કે ગરમાવો મેળવવા માટે એ ભેંસોને વળગીને ઉંઘી જતો.

એ છોકરાનું નામ હતું રાજેશ્વર પ્રસાદ બીધુરી. આ જ રાજેશ્વર બાદમાં રાજેશ પાઇલટના નામે જાણીતા થયા.

"રાજેશ પાઇલટ - અ બાયોગ્રાફી"

રાજેશ પાઇલટનાં પત્ની અને તેમનું જીવન ચરિત્ર "રાજેશ પાઇલટ - બાયોગ્રાફી" લખનારાં રમા પાઇલટ જણાવે છે:

"બંગલામાં જ્યારે માળી ઘાસ કાપતા, ત્યારે રાજેશ ભેંસો માટે ગાંસડીઓમાં ઠાંસીઠાંસીને ઘાસ પણ લઈ આવતા હતા."

તેમણે કહ્યું, "એક દિવસ અમારા બંગલોમાં કેટલાક માળી ઘાસ કાપીને ગાંસડીઓ ભરવા ભારે જોર લગાવી રહ્યા હતા.

"મેં રાજેશને કહ્યું, 'આમની લાલચ તો જુઓ.' રાજેશે જણાવ્યું કે હું પણ જ્યારે દૂધ દેવા માટે જતો ત્યારે આવું જ કર્યા કરતો.

"ક્યારેકક્યારેક તો હું ગાંસડી પર જ ચડી જતો કે જેથી એ દબાઈ જાય અને તેમાં વધુને વધુ ઘાસ ઠાંસી શકાય."

તમે આ વાંચ્યું કે નહીં?

નબળી આર્થિક સ્થિતિ

દૂધ વેચવાની સાથોસાથ રાજેશ્વર પ્રસાદ મંદિર માર્ગની મ્યુનિસિપલ બૉર્ડ સ્કૂલમાં ભણતા પણ હતા.

એ જ સ્કુલમાં તેમની સાથે ભણતા અને રાજેશના જીવનભર મિત્ર રહેલા રમેશ કૌલ જણાવે છે:

"તમને જાણીને આશ્ચર્ય થશે કે એ જમાનામાં એ મ્યુનિસિપલ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ હતી.

"અમે બંને આઠમા ધોરણમાં એક જ સેક્શનમાં ભણતા હતા અને એટલે બહુ જ સારા મિત્રો પણ હતા.

"તેઓ સરકારી બંગલાની પાછળના ક્વાર્ટરમાં રહેતા અને ત્યાંથી ચાલીને જ સ્કૂલે પહોંચતા."

તેઓ જણાવે છે, "તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. જ્યાંત્યાંથી લોકોના કપડાં લઈને પહેરતાં હતાં.

"તેઓ એનસીસી (નેશનલ કેડેટ કૉર્પ્સ)માં પણ એ માટે જ સામેલ થયા કે ત્યાં પહેરવા માટે યુનિફૉર્મ મળતો હતો.

"રહી વાત સ્કૂલની, તો સ્કૂલનો કોઈ પણ કાર્યક્રમ હોય તેઓ અચૂક ભાગ લેતા હતા."

વાયુદળના વડા બનાવાની ઇચ્છા

રસપ્રદ વાત તો એ છે કે શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજેશ્વર પ્રસાદ અને રમેશ કૌલ વચ્ચેનો સંપર્ક ખતમ થઈ ગયો.

વર્ષો બાદ વાયુદળ માટે બન્ને ક્વૉલિફાઈ થયા અને એ વખતે ફરીથી તેમની મુલાકાત પણ થઈ.

રાજેશ પોતાની કારકિર્દીની શરૂઆતમાં વાયુદળના વડા બનવાના સપના જોતા હતા.

રમેશ કૌલ જણાવે છે, "અમને જ્યાં તાલીમ અપાતી હતી, ત્યાં વખત વાયુદળના પૂર્વ વડા એર ચીફ માર્શલ અર્જનસિંઘ આવ્યા.

"તેઓ અમારી છાતી અને ખભા પર વિંગ્સ અને સ્ટ્રાઇપ્સ લગાવી રહ્યા હતા.

"એ વખતે રાજેશે મને કહ્યું કે જોઈ લેજે, એક દિવસ હું પણ આ હોદ્દા સુધી પહોંચીશ અને તેમની જેમ વિંગ્સ અને સ્ટ્રાઇપ્સ લગાવીશ."

કૌલ જણાવે છે, "ત્યાં કેટલાય વીઆઈપી પોતાના વિમાનોમાં આવ્યા કરતા હતા અને રાજેશ તેમને જોઈને કહેતાં, 'એક દિવસ તમે લોકો પણ મને એમની જેમ જ આવકારશો.' અમે લોકો તેમની વાતો સાંભળીને હસ્યા કરતા."

નૈનિતાલમાં હનિમૂન

1974માં તેમના લગ્ન થયા રમા પાઇલટ સાથે. રમા જણાવે છે, "અમે લોકો હનિમૂન માટે નૈનિતાલ ગયા હતા.

"તેમણે મને કહ્યું હતું કે તેમની પાસે માત્ર 5,000 રૂપિયા જ છે. પહેલા બે દિવસ અમે લોકો ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાયા.

"એ પછીના બે દિવસ અમે લોકો થ્રી સ્ટાર હોટેલમાં શિફ્ટ થઈ ગયા અને હનિમૂન પૂરું થતાં થતાં અમારે 25 રૂપિયાવાળા રૂમમાં રહેવું પડ્યું હતું."

રાજેશ્વર પ્રસાદે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો.

જોકે, થોડા વર્ષો બાદ તેમને લાગ્યું કે જો સમાજમાં બદલાવ લાવવો હશે તો તેમને રાજકારણમાં ઝંપલાવવું જ પડશે.

એ વખતે 1980ની લોકસભાની ચૂંટણી આવી અને તેમણે નક્કી કરી લીધું હતું કે વાયુદળ છોડીને તેઓ લોકસભાની ચૂંટણી લડશે.

રમા પાઇલટ યાદ કરતાં કહે છે,"પહેલાં તો વાયુદળ રાજેશનું રાજીનામું જ નહોતું સ્વીકારતું.

"આખરે અમે લોકો બેગમ આબિદાના પતિ ફખરુદ્દીન અલી અહમદ પાસે ગયા, જે એ સમયે ભારતના રાષ્ટ્રપતિ અને સૈન્યના સર્વોચ્ચ સેનાપતિ હતા.

"તેમના મનમાં ખબર નહીં શું આવ્યું કે તેમણે રાજેશની અરજી પર લખી દીધું કે આમને વાયુદળમાં મુક્ત થવાની મંજૂરી આપવામાં આવે."

સીધા જ ઇંદિરા પાસે પહોંચ્યા

રમા કહે છે, "એ બાદ રાજેશ સીધા જ ઇંદિરા ગાંધી પાસે પહોંચી ગયા અને બોલ્યા કે તેઓ એ વખતના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ વિરુદ્ધ બાગપતમાંથી ચૂંટણી લડવા માગે છે.

ઇંદિરા ગાંધી એ વખતે 12, વિલિંગ્ટન ક્રેસેન્ટમાં રહેતા હતા. ગાંધીએ તેમને કહ્યું કે હું તમને સલાહ નહીં આપું કે તમે રાજકારણમાં આવો. તમે વાયુદળમાંથી રાજીનામું ના આપો.

તમારું ભવિષ્ય ત્યાં ઉજ્જવળ છે."

"રાજેશે કહ્યું કે હું તો પહેલાંથી જ રાજીનામું આપી ચૂક્યો છું. હું તો આપના આશીર્વાદ લેવા માટે આવ્યો છું.

એ સાંભળીને ઇંદિરા બોલ્યા કે 'બાગપત એક મુશ્કેલ ક્ષેત્ર છે. ત્યાં ચૂંટણી દરમિયાન ભારે હિંસા થાય છે.'

''રાજેશે જવાબ આપ્યો કે 'મેડમ, મેં પ્લેનમાંથી બૉમ્બ ફેંક્યા છે. હું લાકડીઓનો સામનો ના કરી શકું?'

''ઇંદિરા ગાંધીએ એ વખતે તેમને કોઈ જ વચન ના આપ્યું."

ઇંદિરાને છોડવા માટે એરપોર્ટ પર પહોંચ્યા

કોંગ્રેસ (આઈ)ની શરૂની યાદીમાં રાજેશ્વર પ્રસાદનું નામ નહોતું. એ પછીના એક દિવસે ઇંદિરા ગાંધી ચૂંટણી પ્રચાર માટે હૈદરાબાદ જઈ રહ્યા હતા.

રાજેશ્વર અને પત્ની રમાએ નક્કી કર્યું કે તેઓ ઇંદિરા ગાંધીને છોડવા માટે એરપોર્ટ જશે.

રમા પાઇલટ જણાવે છે, "અમે ઘરે બધાને ઊંઘતા મૂકી વહેલી સવારે પાંચ વાગ્યે સફદરજંગ એરપોર્ટ પહોંચ્યા. હું સૌથી છેલ્લે ઊભી હતી.

"મને જોતા જ તેમણે અર્થપૂર્ણ મુદ્રામાં હાય કહ્યું અને હૈદરાબાદ જતાં રહ્યાં."

તેમણે ઉમેર્યું,"અમે લોકો અમારા ઘરે પરત આવી ગયા. રાજેશ કોઈ કામસર બહાર ગયા હતા. ત્યાં જ અમારા ફોનની ઘંટડી વાગી.

"પેલી તરફની વ્યક્તિ બોલી 'રાજેશ્વર પ્રસાદ છે?' મેં ના પાડી એટલે એમણે ફરી પૂછ્યું કે 'શું તેમના પત્ની બોલે છે?'

"મેં ખોટું બોલ્યું કે ના. એટલે એ વ્યક્તિ બોલી કે 'તમે કોણ બોલી રહ્યા છે?' મેં કહ્યું કે હું તેમની સંબંધી છું.

"તેમણે કહ્યું કે 'શું તમે અમારો એક સંદેશ રાજેશ્વરજી સુધી પહોંચાડી શકશો?' મેં હા પાડી એટલે તેમણે કહ્યું, તેમને કહેજો કે સંજય ગાંધીએ તેમને બોલાવ્યા છે. "

ભરતપુરમાંથી ટિકિટ

રમા પાઇલટ જણાવે છે કે, "મારાં હૃદયના ધબકારા વધી ગયા. હાંફળીફાંફળી થઈને હું તેમની રાહ જોવા લાગી.

"તેઓ આવ્યા કે નહીં એ જોવા માટે હું વારંવાર દરવાજા પર જતી હતી.

"જેવો એમનાં સ્કૂટરનો અવાજ સંભળાયો કે હું બહાર દોડી ગઈ અને તેમની પાસે જઈને બોલી કે સ્કૂટર બંધ ના કરતા. ચાલો, સંજયજીએ બોલાવ્યા છે. "

રમાએ ઉમેર્યુ, "જ્યારે અમે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા તો સંજયજીએ જણાવ્યું કે તમારા માટે ઇંદિરાજીનો સંદેશ છે. તમારે ભરતપુરમાંથી ચૂંટણી લડવાની છે.

"અમે લોકોએ તો ભરતપુરનું નામ પણ નહોતું સાંભળ્યું અને તેમને પૂછવાની હિંમત પણ ના થઈ. છેલ્લે ખબર પડી કે ભરતપુર રાજસ્થાનમાં છે.

"મેં એમને કહ્યું કે હવે અહીં ના રોકાય અને સીધા જ ભરતપુર જવું જોઈએ, કારણ કે ટિકિટ તો પીસીસી (પ્રદેશ કોંગ્રેસ કમિટી) જ આપશે."

"એ વખતે જગન્નાથ પહાડિયા રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ હતા. ભરતપુર બેઠક પર તેમણે પોતાનાં પત્નીને ઊભાં રાખવા હતા.

"ભરતપુરના સ્થાનિક લોકો ઇચ્છતા હતા કે ચૂંટણી ચિહ્ન મળવાનો સમય નીકળી જાય, જેથી પોતાની પસંદના ઉમેદવારને ત્યાંથી લડાવી શકાય, પણ એ હોશિયાર હતા. તેમને આખી વાત સમજાઈ ગઈ."

સંજય ગાંધીનો ફોન

રાજેશ્વર પ્રસાદ ભરતપુર પહોંચ્યા તો સ્થાનિક લોકોએ તેમને ઓળખવાનો ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે અમને તો કહેવાયું હતું કે કોઈ પાઇલટ ઉમેદવારી પત્ર ભરવા માટે આવી રહ્યા છે.

રમા પાઇલટ યાદ કરે છે, "તેઓ પોતે જ પાઇલટ છે એ વાત સમજાવવાનો તેમણે ભારે પ્રયાસ કર્યો પણ કોઈએ તેમની વાત ના માની, ત્યારે જ સંજય ગાંધીનો તેમના પર ફોન આવ્યો.

"તેમણે કહ્યું કે સૌ પહેલાં કચેરી પહોંચો અને તમારું નામ રાજેશ્વર પ્રસાદમાંથી બદલીને રાજેશ પાઇલટ કરાવો. તેઓ તરત જ કચેરી પહોંચ્યા અને સોગંદનામું કરાવી પોતાનું નામ બદલાવ્યું."

તેઓ બોલ્યા, "એ બાદ સંજય ગાંધીએ સ્થાનિક નેતાઓને કહ્યું કે જે વ્યક્તિ ઉમેદવારી પત્ર ભરવા આવી છે, એ જ રાજેશ પાઇલટ છે.

"આ સાંભળતા જ બધા લોકો રાજેશ પાઇલટના વિજય માટે મંડી પડ્યા. જીત માટે અમે બધાએ ભારે મહેનત કરી હતી."

સિતારામ કેસરીએ માત્ર 1000 રુપિયા જ આપ્યા

પણ ચૂંટણી પ્રચાર માટે પૈસા એકઠા કરવા માટે પાઇલટ દંપતિને ધરતી-આકાશ એક કરવા પડયા.

કોંગ્રેસના એ વખતના કોષાધ્યક્ષ સિતારામ કેસરી ભારે મુશ્કેલીઓ બાદ તેમને મામૂલી રકમ આપવા માટે તૈયાર થયા.

રમા પાઇલટ જણાવે છે, "અમે જ્યાં રહેતા એ આનંદલોક કોંગ્રેસ કાર્યાલય 24 અકબર રોડથી બહુ જ દૂર પડતું અને ત્યાંથી અકબર રોડ માટે કોઈ બસ પણ નહોતી.

"ઑટોમાં પણ 15 રૂપિયા આવવાના અને 15 રૂપિયા જવાના થતા. હું રોજ એમના પાસે જતી અને તેઓ રોજ મને ટાળી દેતા.

"હું જ્યારે તેમની પાસેથી પૈસા માગતી તો તેઓ કહેતા કે કૉંગ્રેસ પક્ષ સત્તા પર નથી અને તેઓ ખુદ લોકો પાસેથી પૈસા એકઠા કરી રહ્યા છે.

"મેં એમને એ પણ કહ્યું કે તમારી પાસે જે લોકો પૈસા લેવા આવે છે એ તમામને પૈસા મળે છે બસ અમને જ નથી મળતા, પણ એ વાતની તેમના પર કોઈ જ અસર ના થઈ. "

રમાએ ઉમેર્યું, "એક દિવસ તો હું આનંદલોકથી પાંચ વાર અકબર રોડ પહોંચી. તેઓ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે તેમની પાસે માત્ર દસ હજાર રૂપિયા જ છે અને એનાથી જ કામ ચલાવવું પડશે.

"એટલું જ નહીં, એક કાગળ પર તેમણે મારી સહી લીધા પછી તેમણે રૂ. 1000 જેવી નાની એવી રકમ મને આપી. "

ડીટીસીની હડતાળ

સાંસદ બનતાની સાથે જ તેમણે કોંગ્રેસના નેતૃત્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. 1984માં જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા તો તેમણે રાજેશને વાહન અને વ્યવહાર રાજ્યમંત્રી બનાવ્યા.

તેમની શરૂઆતથી સૌને સમજાઈ ગયું કે રાજેશ પાઇલટ સ્ટીરિયો ટાઇપ રાજકારણી નથી.

તેમના અંગત સચિવ રહેલા અને બાદમાં ઇન્ડિયન ઑયલ કૉર્પૉરેશનના અધ્યક્ષ અને વ્યવસ્થા નિયામક બનેલા આરએસ બુટોલા જણાવે છે:

"જ્યારે પાઇલટ સાહેબ વાહન અને વ્યવહાર મંત્રાલયમાં હતા, ત્યારે ડીટીસી (દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ના કર્મચારીઓએ હડતાળ પર જવાનું નક્કી કર્યું.

પાઇલટ સાહેબે આ હડતાળથી દિલ્હીના લોકોને પડનારી હાલાકીથી બચાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી. તેમણે ડીટીસીના ચેરમેનને પૂછ્યું કે હડતાળને પહોંચી વળવા માટે તમારી પાસે કઈ યોજના છે?"

બુટોલા ઉમેરે છે, "તેમણે જણાવ્યું છે કે જૂની હડતાળોનો અભ્યાસ કર્યો છે. દરેક વખતે આ પ્રકારની હડતાળથી ડીટીસીની સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે.

"અમારી પ્રાથમિક્તા રહેશે કે આ વખતે અમારી સંપત્તિને કોઈ નુકસાન ના પહોંચે. એ વખતે રાજેશજીએ એક વાત કરી હતી જે હું આજ સુધી નથી ભૂલ્યો. "

"પાઇલટ સાહેબે તેમનું નામ લઈને કહ્યું કે તમને દિલ્હીના લોકોને બસ પર મુસાફરી કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે, પણ તમે એક સુરક્ષા વિશેષજ્ઞની માફક વાત કરો છો.

"આ મુદ્દે સલાહ આપવા માટે પોલીસ કમિશનર પણ અહીં હાજર છે. તમારું કામ દિલ્હીના લોકોને બસ ઉપલબ્ધ કરાવવાનું છે અને તમે સંપત્તિને બચાવવાની વાત કરો છો.

"આપણે આ બેઠક રદ્દ કરી દેવી જોઈએ, કારણ કે તમે કદાચ બેઠક માટે પૂરી તૈયારી કરીને નથી આવ્યા."

કાશ્મીર પ્રત્યે પ્રેમ

ઉત્તર-પૂર્વ અને કશ્મીર એ બન્ને રાજેશ પાઇલટના પ્રિય વિષયો હતા. કશ્મીરની સ્થિતિ સામાન્ય બનાવવા માટે તેમણે પોતાનાથી બનતા પ્રયાસો કર્યા હતા.

જોકે, ત્યાં જ તેમના પર કેટલાય હુમલા પણ થયા હતા.

તેમના અંગત મિત્ર રહેલા રમેશ કૌલ જણાવે છે: "લોકો મને કહેતા હતા કે કશ્મીરમાં જો કોઈની વાત સાંભળવવામાં આવે છે તો એ રાજેશની વાત છે.

"ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી ઇનપુટ મળ્યા બાદ નરસિમ્હારાવે તેમને કશ્મીરની બાબતોના ઇન્ચાર્જ બનાવ્યા હતા.

"તેઓ એવા સમયે કુપવાડામાં સભા કરતા હતા કે, જ્યારે ત્યાં કોઈ બહાર નીકળવાનું પણ નહોતું વિચારી શકતા.

"ત્રણ વખત તેમના પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો, પણ સ્વીકારવું પડશે કે તેમના સ્થાનિક ડ્રાઇવરોએ જીવ પર ખેલીને તેમને બચાવ્યા હતા."

અકસ્માતમાં મૃત્યુ

રાજેશ પાઇલટને ભારતીય રાજકારણમાં હજુ ઘણુ કરવાનું હતું પણ માત્ર 55 વર્ષની ઉંમરે માર્ગ અકસ્માતમાં તેમનું અકાળે અવસાન થયું. એ વખતે તેઓ જાતે જ કાર ડ્રાઇવ કરી રહ્યા હતા.

રમા પાયલટ કહે છે, "મને આજે પણ નથી લાગતું કે તેઓ મારી સાથે નથી. મને કાયમ મારી આસપાસ તેમની હાજરી અનુભવાય છે.

"ક્યારેકક્યારેક તો મને લાગે છે કે તેઓ મને કહેતા ના હોય કે આ કર કે પેલું ના કર. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો