બ્રેસ્ટ કૅન્સર માટે કીમોથેરેપી કરાવવી જરૂરી છે કે નહીં

    • લેેખક, ભૂમિકા રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

જમ્મૂમાં રહેતા કમલ કામરાને બ્રેસ્ટ કૅન્સર હતું. નવેમ્બરમાં તેમની બ્રેસ્ટ સર્જરી થઈ અને જાન્યુઆરીમાં કીમોથેરેપી કરવામાં આવી.

કમલ કહે છે કે જો હું મારા કેસના આધારે કહું તો મને લાગે છે કે લોકોના મનમાં બહુ ડર હોય છે. જ્યારે વાસ્તવમાં ડરવા જેવું કંઈ જ નથી.

પોતાના અનુભવો અંગે કમલ કહે છે કે, "પહેલા કીમો સેશન વખતે મને પણ ડર લાગતો હતો."

"મને કીમોનાં આઠ સેશન લેવા માટે કહ્યું હતું. પછી મને કહેવામાં આવ્યું કે ચાર જ સેશન પૂરતાં છે."

તમે આ વાંચ્યું કે નહીં?

"આ પ્રક્રિયા ગ્લુકોઝ ચઢાવીએ એવી જ છે. ત્રણ કલાકમાં દવા શરીરમાં ભળી જાય છે."

"જોકે, થોડી કમજોરી અનુભવાય છે અને મોઢાંમાં ચાંદાં પણ પડે છે, પણ બહુ ડરવાની જરૂર નથી."

કમલ કહે છે કે બ્રેસ્ટ સર્જરી પછી સૌથી વધારે સાઇકૉલૉજિકલ દબાણ હોય છે.

શરીરનો એક હિસ્સો કાપી દેવાયો હોય છે. વાળ ખરવા લાગે છે. લોકોના પ્રશ્નોના કારણે સૌથી વધારે મૂંઝવણ અનુભવાય છે.

કમલ જેવી ઘણી મહિલાઓ છે કે જે પહેલાં કૅન્સરની પીડા સહન કરે છે અને પછી સાઇકૉલૉજિકલ દબાણનો પણ સામનો કરે છે.

રિસર્ચ આધારે ડૉક્ટરોનું કહેવું છે કે નવા રિસર્ચ બાદ મહિલાઓએ કીમોથેરેપીની પીડા સહન કરવી નહીં પડે.

ફક્ત સર્જરી અને હાર્મોન થેરેપીની મદદથી જ ઇલાજ થઈ શકશે.

કીમોથેરેપી સામાન્ય રીતે સર્જરી પછી કરાય છે જેથી બ્રેસ્ટ કૅન્સર ફરી વખત ન થાય અથવા વધે નહીં.

હાલમાં જે પદ્ધતિ છે એ પ્રમાણે જો મહિલાઓનો કૅન્સર ટેસ્ટનો સ્કોર લો હોય તો કીમો કરાવવાની જરૂર પડતી નથી, પણ જો સ્કોર હાઈ હોય તો ડૉક્ટર કીમો કરાવવા માટે કહે છે.

પણ એવો એક મોટો વર્ગ છે જે લો સ્કોરમાં પણ ના હોય કે હાઈ સ્કોરમાં પણ ના હોય.

આ સ્થિતિમાં સામાન્ય રીતે મૂંઝવણ હોય છે કે શું કરવું અને શું ન કરવું.

જો આંકડાના આધારે વાત કરીએ તો કીમો પહેલાં અને પછી આ મહિલાઓની બચી શકવાની સ્થિતિ એક સરખી જ હોય છે.

આ સ્ટડી કેટલી યોગ્ય?

અપોલો હોસ્પિટલમાં બ્રેસ્ટ કૅન્સર સર્જન તરીકે કામ કરતા ડૉક્ટર શોએબ ઝૈદી કહે છે કે આ સંશોધન પશ્ચિમના દેશો સંદર્ભે જેટલું યોગ્ય છે એટલું ભારતીય સંદર્ભમાં નથી.

ડૉક્ટર ઝૈદી કહે છે કે, "પશ્ચિમના દેશોમાં બ્રેસ્ટ કૅન્સરના જે કેસ આવતા હોય છે, એમાંથી મોટા ભાગના(આશરે 70 ટકા) પ્રાથમિક સ્ટેજમાં હોય છે."

"જ્યારે ભારતમાં આવતા મોટાભાગના કેસ એડવાન્સ સ્ટેજમાં હોય છે. એ સ્થિતિમાં કીમોથેરેપી કરવી જરૂરી હોય છે."

"આ સ્ટડી એ લોકો માટે છે જેમનું કૅન્સર પ્રાથમિક સ્ટેજમાં હોય. કોઈને કીમોથેરેપીની જરૂર છે કે નહીં તે જાણવું સરળ નથી."

"ઘણી વખત કેટલાક ટેસ્ટ કરવા પડે છે(જેમકે 'ઑન્કૉટાઇપ ડી એક્સ') જે ઘણી વખત મોંઘા પણ હોય છે."

"એવામાં બહુ મોટાવર્ગ માટે આ ટેસ્ટ કરાવવા અશક્ય બની જાય છે. આ ટેસ્ટની કિંમત કીમોથેરેપી કરતાં વધારે હોય છે."

ડૉક્ટર ઝૈદી કહે છે કે જો આ ટેસ્ટ કરીએ તો ખ્યાલ આવી જાય છે કે ફરી વખત કૅન્સર થવાની શક્યતા કેટલી છે.

તેમના કહેવા મુજબ જો ડૉક્ટરને એવું લાગે કે કૅન્સર ફરીથી નહીં થાય તો કીમોથેરેપી કરાતી નથી, પણ જો એવી શંકા હોય કે કૅન્સર ફરી થવાની શક્યતા છે તો જ કીમો આપવામાં આવે છે.

ડૉક્ટર ઝૈદીના કહેવા પ્રમાણે ડૉક્ટર દ્વારા કીમોથેરેપીની સલાહ એટલે આપવામાં આવતી હોય છે કે કૅન્સરના ઊથલાની કોઈ શક્યતા ન રહી જાય.

કારણકે બ્રેસ્ટ કૅન્સર અંગે હજુ પણ મહિલાઓ જાગૃત નથી અને એટલે જ કૅન્સરના મોટાભાગના કેસો ઍડવાન્સ સ્ટેજમાં હોય છે. એવામાં ડૉક્ટર કીમો કરવાની સલાહ આપે એ જ યોગ્ય છે.

શું અસર થાય છે?

કીમોથી ઘણા લોકોની જિંદગી તો બચી જાય છે પણ કીમો દરમિયાન આપવામાં આવેલી દવાઓની અસર લાંબા સમય સુધી રહે છે.

જેના કારણે ઊલટી થવી, ચક્કર આવવાં, વાળ ખરી જવા અને નસોમાં પીડા થવા જેવી તકલીફો થતી હોય છે.

કેટલાક કિસ્સાઓમાં હ્યદય રોગની બીમારી પણ થઈ શકે છે. કેટલીક મહિલાઓમાં કીમો બાદ લ્યૂકૉમેનિયાની ફરીયાદ પણ આવે છે.

બ્રેસ્ટ કૅન્સરના કારણે શું-શું થઈ શકે?

  • જે મહિલાઓ પરણેલી નથી, એવી મહિલાઓને કૅન્સર થવાની શક્યતા વધારે હોય છે.
  • જે મહિલા સ્તનપાન કરાવતી નથી, એવી મહિલાઓ માટે કૅન્સરનો ખતરો વધારે રહેલો છે.
  • જે મહિલાઓનો પીરિયડ્સનો સમય લાંબો હોય છે, એવી મહિલાઓને બ્રેસ્ટ કૅન્સર થવાની શક્યતા અન્ય મહિલાઓની તુલનામાં વધારે હોય છે.
  • વધતી ઉંમર સાથે કૅન્સરનો ખતરો પણ વધે છે.
  • જો પહેલી વખત ગર્ભ રહેવામાં મોડું થાય તો પણ કૅન્સર થવાનો ભય વધી જાય છે.

ન્યૂયૉર્કના આલ્બર્ટ આઇન્સટાઇન કૅન્સર સેન્ટરમાં થયેલા આ સંશોધન આધારે જાણવા મળે છે કે સમયસર જો કૅન્સર અંગે જાણી શકીએ તો કીમોની પીડાની સાથે બિનજરૂરી ખર્ચથી પણ બચી શકાય છે.

જોકે, આ અભ્યાસ ફક્ત એ મહિલાઓ માટે છે જેમને બ્રેસ્ટ કૅન્સરને પ્રાથમિક તબક્કામાં જ શોધી કાઢ્યું છે અથવા તો હૉર્મોન થેરેપી કરાવી રહ્યાં છે અને જેમનું કૅન્સર લિમ્ફ નોડ્સ સુધી પહોંચ્યું નથી.

બ્રેસ્ટ કૅન્સરનું લક્ષણ

ડૉક્ટર ઝૈદી માને છે કે ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સરનો ભય વધી રહ્યો છે.

ચિંતાની બાબત એ છે કે ભારતીય મહિલાઓમાં જાગૃતિનો અભાવ છે.

બ્રેસ્ટમાં ગાંઠ ધ્યાને આવે તો પણ તેઓ ગંભીરતાથી લેતાં નથી.

જો લક્ષણોની વાત કરીએ તો શરૂઆતના તબક્કામાં બ્રેસ્ટમાં ગાંઠ છે એવું તમે અનુભવી શકો છો.

શરૂઆતમાં ગાંઠના કારણે પીડા થતી નથી પણ થોડા સમય પછી ગાંઠના કારણે પીડા થવા લાગે છે અને ગાંઠ મોટી પણ થવા લાગે છે.

સમયસર જો ડૉક્ટર પાસે ન જાય તો ગાંઠ વધવાની સાથે તેમાં પરુ થઈ જાય છે અને જો ગાંઠ ફાટી જાય તો આ પરુ બહાર નીકળવા લાગે છે.

બ્રેસ્ટ કૅન્સરમાં સર્જરી સૌથી મહત્ત્વની હોય છે. ઍડવાન્સ કેસમાં સર્જરી ઉપરાંત કીમોથેરેપી કરવામાં આવે છે. સાથે-સાથે હૉર્મોનલ ઇન્જેક્શન પણ આપવામાં આવે છે.

આ ઉપરાંત રેડિયો થેરેપી પણ હોય છે. જેમાં ટ્યૂમરને ખતમ કરવા માટે એક્સ-રેઝ આપવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો