એક ટેસ્ટ બચાવશે કેન્સરની બીમારીથી!

    • લેેખક, જેમ્સ ગૈલાઘર
    • પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

કેન્સરની બીમારીનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. આ બીમારી છે જ એટલી ખતરનાક. અને જો આ બીમારી વિશે જાણકારી મોડી મળે, તો તો બચવું ખૂબ અઘરૂં બની જાય છે.

જો તમને જણાવવા મળે કે એક ટેસ્ટની મદદથી કેન્સર જેવી ગંભીર બીમારી વિશે જલદી જાણકારી મળી શકાશે, તો?

મેડિકલની દુનિયામાં વૈજ્ઞાનિકોએ કેન્સર સામેની લડાઈમાં મોટી સિદ્ધિ મેળવી છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કેન્સર માટે 'યુનિવર્સલ બ્લડ ટેસ્ટ'ની શોધ કરી છે.

તમને આ પણ વાંચવું ગમશે

જેની મદદથી કેન્સરના આઠ પ્રકાર અંગે માહિતી મેળવી શકાય છે.

તેમનો ઉદ્દેશ છે કે આ પરીક્ષણની મદદથી કેન્સરની બીમારી હોવાની જલદી જાણકારી મળે અને જેમ બને તેમ વધુ લોકોનાં જીવ બચાવી શકાય.

1,005 દર્દીઓ પર પરીક્ષણ

યુકેના વિશેષજ્ઞો જણાવે છે કે આ લોહી પરીક્ષણ 'બેહદ રોમાંચક' હતું.

ટ્યૂમર પોતાનાં ઉત્પરિવર્તિત ડીએનએ અને પ્રોટીનના નાના નિશાન છોડે છે કે જે રક્તપ્રવાહમાં ભળી જાય છે.

કેન્સરનું પરીક્ષણ 16 પ્રકારના એવા રંગસૂત્રને તપાસે છે, જેમાં કેન્સરની બીમારીનાં કારણે ફેરફાર થાય છે.

આ પરીક્ષણથી આઠ પ્રકારના પ્રોટીન વિશે પણ જાણી શકાય છે કે જે કેન્સરની બીમારી દરમિયાન શરીરમાં છોડાય છે.

આ પરીક્ષણ 1,005 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું.

આ દર્દીઓને અંડાશય, પેટ, ફેફસા, લિવર,પૅન્ક્રિઅસ, અન્નનળી, આંતરડા, અને બ્રેસ્ટ કેન્સર થયું હતું.

જોકે, કેન્સરનો રોગ હજુ સુધી શરીરની બીજી કોશિકાઓ સુધી પહોંચ્યો ન હતો.

જેટલા દર્દીઓ પર પરીક્ષણ કરાયું તેમાંથી 70 ટકા દર્દીઓને કેન્સરની બીમારી હતી.

'કેન્સર મૃત્યુ દર પર ભારે પ્રભાવ પડી શકે છે'

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૉ. ક્રિસ્ટિયન ટોમાસેટ્ટીએ બીબીસીને જણાવ્યું, "શરૂઆતી તપાસ માટે આ ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ છે, અને પરિણામ ખૂબ જ રોમાંચક છે.

"મને લાગે છે કે તેનાથી કેન્સરથી થતા મૃત્યુ દરનો દર ઘટશે."

કેન્સરની બીમારી વિશે જેટલી જલદી ખબર પડે છે, તેનો ઇલાજ તેટલો જ સહેલો રહે છે.

આઠમાંથી પાંચ પ્રકારના કેન્સર એવા હોય છે કે જેના વિશે જલદી જાણવા માટે કોઈ પરીક્ષણ ઉપલબ્ધ નથી.

પૅન્ક્રિઅસના કેન્સરના ખૂબ જ ઓછા લક્ષણ હોય છે અને તેની જાણકારી એટલી મોડી મળે છે કે ઇલાજ કરાવતા પાંચમાંથી ચાર દર્દીઓ મૃત્યુ પામે છે.

'કેન્સર સીક' નામનું પરીક્ષણ હવે એવા લોકો પર કરવામાં આવી રહ્યું છે કે જેમનો કેન્સરની બીમારી અંગે ઇલાજ થયો નથી.

આ તેની ઉપયોગિતાનું વાસ્તવિક પરીક્ષણ હશે. આશા છે કે 'કેન્સર સીક' સ્તન કેન્સર માટે મોમોગ્રામ અને કોલોરેક્ટર કેન્સર માટે કોલોનોસ્કોપીનું પૂરક સાબિત થઈ શકે છે.

ડૉ. ટોમાસેટ્ટીએ જણાવ્યુ, " આ માટે વર્ષમાં એક વખત પરીક્ષણ કરવું જોઈએ."

વિશ્વવ્યાપક પરીક્ષણ?

જર્નલ સાઇન્સના રિપોર્ટ મુજબ, 'કેન્સર સીક' ટેસ્ટ નવીન પ્રકારનું પરીક્ષણ છે, કેમ કે અસરગ્રસ્ત DNA અને પ્રોટીનની શોધ કરે છે.

અસરગ્રસ્ત DNA અને પ્રોટીનની શોધથી કેન્સરની જાણકારી વિસ્તારપૂર્વક મેળવી શકાય છે.

લંડન સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેન્સર રિસર્ચમાં સેન્ટર ફોર ઇવૉલ્યુશન એન્ડ કેન્સરના ડૉ. ગેર્ટ અટ્ટાર્ડે જણાવ્યું, "આ મોટાપાયે શક્યતાઓ રહેલી છે."

તેઓ ઉમેરે છે, "હું ખૂબ જ ઉત્સાહિત છું. આ એક ખૂબ જ સારો રસ્તો છે, કે જેમાં લોહીના પરીક્ષણથી કેન્સરનો ઇલાજ કરી શકાય છે. તેના માટે કોઈ પ્રકારના સ્કેન કે કોલોનોસ્કોપીની જરૂર નથી."

તેઓ કહે છે, "કેન્સરની પરખ કરવા માટે લોહીના પરીક્ષણના ઉપયોગની અમે તેની ખૂબ જ નજીક છીએ. અમારી પાસે હવે ટેકનૉલૉજી છે."

કેટલાક કેસમાં કેન્સરની બીમારી સાથે જીવવા કરતા તેનો ઇલાજ કરાવવો પીડાદાયક હોઈ શકે છે.

ડૉ. અટ્ટાર્ડ કહે છે, "જ્યારે કેન્સરની પરખ અલગ રીતે કરવામાં આવે છે, ત્યારે આપણે એ નથી કહી શકતા કે દરેકે ઇલાજની જરૂર છે જ."

'કેન્સર સીક'નું પરીક્ષણ કરાવવા માટે ખર્ચ આશરે 500 ડોલર એટલે કે લગભગ 31,878 રૂપિયા થાય છે.

કોલોનોસ્કોપીમાં પણ આટલી જ રકમનો ખર્ચ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો