કથિત સજાતીય સંબંધો મામલે બે મહિલાઓની આત્મહત્યા

ગુજરાતમાં એક સજાતીય સંબંધમાં આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં સાબરમતી નદીમાં પડીને બે મહિલાઓએ આત્મહત્યા કરી લીધી હતી.

આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશસના પોલીસ સબ ઇન્સ્પેક્ટરના એમ. એચ. સિંઘના જણાવ્યા પ્રમાણે એલિસબ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ પાસે આ ઘટના બની હતી.

તેમણે કહ્યું, "પોલીસને રાત્રે 2:50ની આસપાસ જાણ કરવામાં આવી હતી. અહીં બે મહિલાઓ અને એક બાળકીની લાશ મળી આવી હતી.

"આત્મહત્યાના સ્થળે પેપરની ડીશ મળી આવી હતી. જેમાં બંનેએ લખેલો મૅસેજ મળ્યો હતો.

"ઉપરાંત દિવાલ પર પણ આવો જ મૅસેજ લખેલો હતો. જેના આધારે પોલીસે હાલ આ મામલે આગળની તપાસ કરી રહી છે."

'એક થવા દુનિયાથી દૂર થઈ ગયા'

પોલીસે બહાર પાડેલી પ્રેસનોટ મુજબ આશાબહેને ઠાકોર અને ભાવનાબહેન ઠાકોરે સાબરમતી નદીમાં આત્મહત્યા કરી લીધી હતી.

બંનેએ આશાબહેનની ત્રણ વર્ષની દીકરી સાથે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, એકબીજા સાથે દુપટ્ટો બાંધીને તેઓ પાણીમાં કૂદ્યાં હતાં.

આત્મહત્યાના સ્થળેથી લિપસ્ટિક દ્વારા લખાયેલો મેસેજ પણ પોલીસને મળ્યો છે.

આ મૅસેજમાં લખવામાં આવ્યું કે "અમે બંને એક થવા માટે દુનિયાથી દૂર થઈ ગયાં હતાં, દુનિયાએ તો પણ જીવવા ના દીધા. અમારી સાથે કોઈ પુરુષ ન હતા. લી. આશા, ભાવના."

આથી પોલીસે પણ સજાતીય સંબંધોને કેન્દ્રમાં રાખીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

મરનાર આશાબહેનના કાકા ભરતભાઈ વાધેલાએ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે એમની સાથેના ભાવના બહેન વિશે અમને કોઈ માહિતી નથી.

તેમણે કહ્યું, "ભાવનાબહેને વિશે અમે કશું જાણતા નથી. આશાબહેન એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતાં હતાં.

"હમણા તેમણે કંપનીમાંથી બે દિવસની રજા લીધી હતી, જે બાદ કંપનીએ તેમને નોકરીમાંથી છૂટાં કરી દીધાં હતાં.

"તેઓ ઘરેથી પગાર લેવાના બહાને નીકળ્યા હતા. જ્યારે પોલીસ ઘરે આવી, ત્યારે તેમના મૃત્યુ અંગે અમને જાણ થઈ હતી."

ભરતભાઈએ કહ્યું, "તેમના પતિ છૂટક મજૂરી કરે છે, તેમને બે દીકરીઓ હતી, જેમાંની એકનું આશાબહેનની સાથે જ મૃત્યુ થયું છે. જ્યારે બીજી દીકરી તેમના પતિ સાથે છે."

સ્થાનિક મીડિયામાં આવતી માહિતી પ્રમાણે, આશાબહેન અને ભાવનાબહેન બંને એક કંપનીમાં કામ કરતાં હતાં.

ભારતમાં સજાતીય સંબંધો ગુનો

હાલમાં ભારતમાં બે વયસ્ક વ્યક્તિ વચ્ચેના સજાતીય સંબંધોને સજાપાત્ર ગુનાની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમ 377 મુજબ સજાતીય સંબંધો ગુનો બને છે.

આ કલમની જોગવાઈઓ મુજબ કોઈ પુરુષ, મહિલા કે જાનવર સાથે અપ્રાકૃતિક સંબંધો બનાવવા અપરાધ છે.

આ કાયદા હેઠળ ગુનો સાબિત થતાં 10 વર્ષની જેલની સજાથી લઈને આજીવનકેદની સજાની જોગવાઈ છે.

ભારતમાં આ કાયદો 1861 એટલે કે બ્રિટિશ રાજના સમયથી ચાલ્યો આવે છે.

જોકે, એમાં સુધારો કરવા માટે ભારતમાં ચળવળ ચાલી રહી છે અને ઘણા સામાજીક કાર્યકર્તાઓ તેની સામે અપીલ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો