You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ સીન જેના કારણે પ્રિયંકાએ માગવી પડી માફી
પોતાના નવા અમેરિકન ટેલિવિઝન શો 'ક્વાંટિકો સીઝન 3'ના એક દૃશ્યને લઈને બોલીવૂડનાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિવાદોમાં ઘેરાયાં છે.
શોના આ દૃશ્યને લઈને સોશિયલ મીડિયામાં હંગામો થઈ ગયો અને લોકો આ શોમાં પ્રિયંકાના કામ કરવાના મામલે ટીકા કરવા લાગ્યા.
વિવાદને વકરતો જોઈને પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરીને માફી માગી લીધી હતી.
ટ્વીટમાં તેમણે લખ્યું, "મને ખૂબ દુ:ખ છે અને હું માફી માગુ છું. ક્વાંટિકોના તાજેતરના એપિસોડથી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. એવો કોઈ ઇરાદો ન હતો. મને ભારતીય હોવા પર ગર્વ છે અને તે ક્યારેય બદલાઈ ના શકે."
શું હતું એ એપિસોડમાં કે માફી માગવી પડી
આ વિવાદીત દૃશ્ય 'ક્વાંટિકો 3'ના પાંચમા એપિસોડનું હતું. તેની ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.
આ દૃશ્યમાં દેખાડવામાં આવ્યું છે કે પાકિસ્તાન-ભારત વચ્ચે શાંતિ વાર્તા થવાની છે.
આ પહેલાં ન્યૂ યોર્કમાં ઉગ્રવાદીઓ દ્વારા પરમાણુ હુમલાનું જે કાવતરું રચવામાં આવ્યું હતું તેનો પર્દાફાશ થાય છે.
પ્રિયંકા આ સીરિયલમાં એફબીઆઈ એજન્ટ એલેક્સ પૈરિશનો રોલ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
આ કાવતરાના સંદર્ભમાં એક શખ્સને પકડવામાં આવે છે અને પ્રિયંકાની ટીમના કેટલાક લોકોને શક હોય છે કે તે પાકિસ્તાની છે.
પરંતુ પ્રિયંકાને તે શખ્સના ગળામાં રુદ્રાક્ષની માળા મળે છે.
પ્રિયંકા કહે છે, "આ પાકિસ્તાની નથી. તેના ગળામાં રુદ્રાક્ષની માળા છે. પાકિસ્તાની મુસલમાન રુદ્રાક્ષની માળા પહેરતા નથી."
"આ ભારતીય રાષ્ટ્રવાદી છે જે હુમલા દ્વારા પાકિસ્તાનને ફસાવવાની કોશિશ કરી રહ્યો છે."
આ એપિસોડમાં હુમલાખોરની ધાર્મિક ઓળખ હિંદુ તરીકે કરવામાં આવી હતી.
આ વીડિયોને ભારત અને હિંદુઓની છબી ખરાબ કરનારો બતાવવામાં આવ્યો અને પ્રિયંકાને આ મામલે ટ્રોલ કરવામાં આવ્યાં હતાં.
આ પહેલાં પણ પ્રિયંકાની ટીકા થઈ હતી
સીરિયલના નિર્માતા એબીસી નેટવર્કે પણ આ દૃશ્યને લઈને થયેલા વિવાદ પર માફી માગી છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર કંપનીએ કહ્યું છે, "આ એપિસોડને લઈને ઘણા લોકો ભાવુક થઈ ગયા છે. તેમના નિશાન પર પ્રિયંકા ચોપરા છે."
"જેમણે ના તો શો બનાવ્યો છે, ના તો સ્ક્રિપ્ટ લખી છે કે ના તો ડિરેક્શન કર્યું છે."
ક્વાંટિકોની પહેલી બે સિઝન પણ આવી ચૂકી છે. પ્રિયંકાનો આ પહેલો અમેરિકન શો છે.
આ શો માટે તેને સતત બે વર્ષ સુધી પિપલ્સ ચૉઇસ ઍવૉર્ડ મળી ચૂક્યો છે.
ક્વાંટિકોની સિઝન ત્રણનું નામ 'ધી બ્લડ ઑફ રોમિયો' છે.
પ્રિયંકાએ આ પહેલાં પણ સોશિયલ મીડિયા પર ટીકાનો મારો સહન કરવો પડ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક મુલાકાત દરમિયાન તેમનાં કપડાંને લઈને સોશિયલ મીડિયામાં ટીકાઓ થઈ હતી.
તાજેતરમાં જ બાંગ્લાદેશમાં રોહિંગ્યા મુસલમાનોના બાળકોને મળવા જવા પર પ્રિયંકાને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો