You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છોટુ કહે છે, 'સાહેબ, હું રમવા જાઉં તો કામે કોણ આવે? ખાવાનું ક્યાંથી આવે?'
- લેેખક, પાર્થ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી
"મારું આ લારી પર કામ કરવું ખોટું છે કે નહીં ખબર નથી, પણ અહીંથી મને રોજ 110 રૂપિયા મળે છે." આ શબ્દો પ્રકાશ (બદલેલું નામ)ના છે.
તે આપણી આજુબાજુ ઘરમાં ચાની લારીએ કે અન્ય કોઈ નાનામોટાં છૂટક કામ કરતો જોવા મળી જાય છે.
તેનું નામ હોવા છતાંય સમાજ તેને 'છોટુ'ના નામથી જ ઓળખે છે.
12 જૂન 'આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધી દિવસ'એ પ્રકાશના આ શબ્દો આપણને વિચારવા પર મજબૂર કરે એવા છે.
આ એ જ 'છોટુ' છે, કે જેને તમે પણ કદાચ ચાની લારીએ ચા આપતો કે ખાણીપીણીની લારી પર વાસણ સાફ કરતો જોયો હશે અથવા દરરોજ જોતા હશો.
આ છોટુ વડોદરાની મધ્યમાં ભીડભાડ ધરાવતા વિસ્તારમાં ઈંડાંની લારી પર વાસણ ધોવાનું અને ટેબલ સાફ કરવાનું કામ કરે છે.
12 વર્ષનો પ્રકાશ તેના ઘર પાસેની સરકારી સ્કૂલમાં પાંચમાં ધોરણમાં ભણે છે.
તેમના પિતા ટ્રક ડ્રાઇવર છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે લારી પર કામ કરે છે. જ્યારે બધાં બાળકો રમતા હોય છે, ત્યારે છોટુ લારી પર આવી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંચથી છ કલાક સુધી કામ કર્યા બાદ 110 રૂપિયા લઈને તે ઘરે પરત આવે છે.
તેમની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી હોવાથી તે કાયદાની દ્રષ્ટીએ 'બાળમજૂર' ગણાય. છોટુને તો એ પણ ખબર નથી કે એ જે કામ કરે છે તેને બાળ મજૂરી કહેવાય કે નહીં.
આ અંગે તેને પૂછ્યું તો ટેબલ સાફ કરતાં તેણે જવાબ આપ્યો, "એ મને ખબર નથી. અહીં કામ કરવું ખોટું હોય, તો પણ મારે 110 રૂપિયા માટે કરવું પડશે."
છોટુના સવાલ
વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસે આ છોટુ, સરકારને અને સમાજને આ સવાલ પૂછે છે.
1. મારા પપ્પા કહે છે કે આપણે બધાં કામ નહીં કરીએ તો ખાવાનું ક્યાંથી આવશે?
"મારા પપ્પા કલાકો સુધી ટ્રક ચલાવે છે, ઘણાં દિવસો સુધી ઘરે પણ નથી આવતા. મારા મમ્મી પણ ઘરે-ઘરે કામ કરવા જાય છે, જો હું કામ નહીં કરું તો એમને કદાચ વધારે કામ કરવું પડશે.
"મારો નાનો ભાઈ પણ છે, એ મારી જ સ્કૂલમાં ભણે છે. જો હું કામ નહીં કરું તો કદાચ ભાઈને પણ કામ કરવું પડશે, જે મને નહીં ગમે. કેમકે પછી એ પણ રમવા નહીં જઈ શકે, તેને પણ મારી જેમ રમવું બહું જ ગમે છે."
2. મારે પણ રોજ દોસ્તો સાથે રમવા જવું છે, પણ ખબર નહીં ક્યારે રમવા મળશે?
"ઘણી વખત હું કામે આવવા માટે સાંજે ઘરેથી નીકળતો હોઉં ત્યારે મારા દોસ્તો, મારો ભાઈ બધાં રમતા હોય છે. તેઓ મને પણ રમવા માટે બોલાવે છે, પણ હું રમવા જાઉં તો કામે કોણ આવે?
ત્યારે મને કામે આવવાનું બિલકુલ મન નથી થતું. હા, ક્યારેક નિશાળમાં રજા હોય તો સવારે રમવા મળે છે. એટલે જ રજાની હું રાહ જોઉં છું.
3. સરકાર કેમ અમારો વિચાર નથી કરતી?
"સરકાર શું છે એ મને બહુ ખબર નથી. પણ, કામ પર ઘણાં લોકો વાતો કરે છે કે સરકારે આ કર્યું કે પેલું કર્યું. અમને સ્કૂલમાં મૅડમ પણ કહે છે કે સરકારથી દેશ ચાલે છે. તો સરકાર અમારા માટે કેમ કંઈ કરતી નથી?
"હું નાનો હતો ત્યારથી મારા મમ્મી પપ્પા આ કામ કરે છે, પણ હજુ સુધી અમે એ જ જગ્યાએ રહીએ છીએ. અહીં લારી પર ખાવા માટે ઘણાં લોકો ગાડી લઈને આવી છે, મને ગાડી જોવાની મજા પડે છે, પણ હજુ સુધી ક્યારેય ગાડીમાં બેઠો નથી. મારે ગાડીમાં બેસવું છે."
4. ...પણ એમાં ખોટું શું છે?
"એ કાયદો કે કંઈ મને ખબર નથી, હું અહીં ત્રણ મહિનાથી કામ કરું છું. પહેલાં ત્યાં સામે જ ચા ની લારી પર જતો હતો, ત્યાં 80 રૂપિયા જ આપતા હતા. અહીં 110 રૂપિયા આપે છે એટલે અહીં કામ કરું છું.
"હું એકલો થોડી કામ કરું છું, ઘણાં છોકરાઓ અહીં કામ કરે છે. એ ખોટું કેવી રીતે છે મને ખબર નથી."
તમે આ વાંચ્યું કે નહીં?
'બાળમજૂરી' કે 'બાળ મજૂરી વિરોધી કાયદો' શું છે એ છોટુને ખબર નથી. છોટુએ મને-કમને રોજ અહીં કામ કરવા આવવું પડે છે.
અહીં આવવા માટે પૈસા સિવાય એની પાસે હજુ એક કારણ છે. કેટલીક વાર સાંજે લારીનો માલિક તેને ઘરે લઈ જવા માટે ખાવાનું આપે છે.
કાયદામાં શું લખ્યું છે?
બાળ મજૂરીના કાયદા અંગે ઍડ્વોકેટ રાજેન્દ્ર પટેલ કહે છે, "ચાઇલ્ડ લેબર ઍન્ડ રેગ્યુલેશન એક્ટ 1986 પ્રમાણે, 14 વર્ષથી નાના બાળકને કે મજૂરી પર રાખી ન શકાય.
"કાયદામાં એવી પણ જોગવાઈ છે કે કોઈ બાળક પાસે છ કલાકથી વધારે કામ કરાવી ન શકાય, અને ત્રણ કલાક કામ કરાવ્યા બાદ તેને આરામ માટે સમય આપવો પડે.
"સુપ્રીમ કોર્ટે એવો પણ ચુકાદો આપ્યો છે કે, જો કોઈ બાળ મજૂર હોવાનું ખબર પડે તો તેની જગ્યાએ તેના પરિવારની કોઈ એક પુખ્તવયની વ્યક્તિને કામ અપાવવામાં આવે."
ગુજરાતમાં બાળ મજૂરો
આવા અનેક 'છોટુ' વડોદરા કે ગુજરાત જ નહીં પણ દેશના લગભગ દરેક શહેરમાં 'બાળમજૂર' તરીકે કામ કરે છે અને એ જ કારણથી કે તેમને અને તેમના પરિવારને બે ટંકનું ખાવાનું મળી રહે.
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન(આઈએલઓ)એ વર્ષ 2002થી 12 જૂને 'વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ' મનાવવાની શરૂઆત કરી હતી.
નેશનલ સેમ્પલ સર્વે ઑર્ગેનાઇઝેશન(એનએસએસઓ)ના આંકડા પ્રમાણે, ગુજરાતમાં 2004-05માં 3.9 લાખ બાળમજૂર હતા, જે વધીને 2011-12માં 4.19 લાખ થઈ ગયા છે.
2011-12ના આંકડા પ્રમાણે બાળમજૂરની સંખ્યાની દ્રષ્ટીએ ગુજરાત છઠ્ઠા ક્રમે છે. પહેલાં ક્રમે ઉત્તર પ્રદેશ અને બીજા ક્રમે બિહાર છે.
4.19 લાખ બાળમજૂરો પૈકી આશરે 3.18 લાખ ગ્રામ્ય વિસ્તારમાં છે, જ્યારે અન્ય એકાદ લાખ બાળમજૂર શહેરી વિસ્તારમાં છે.
આ આંકડા આધારે એવું તારણ નીકળે છે કે શહેરોની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોમાં બાળમજૂરીનું પ્રમાણ વધારે છે.
અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો