જાણો, પીડાશામક દવાઓની ખરેખર અસરકારકતા વિશે

    • લેેખક, એડિટોરિયલ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

માથાના દુખાવા તથા અપચાથી માંડીને શરદી તથા સ્નાયુપીડાના ઇલાજ માટે આપણે દર વર્ષે મોટા પ્રમાણમાં નાણાં ખર્ચીએ છીએ, પણ આ દવાઓ ખરેખર અસરકારક હોય છે? આ દવાઓની આપણા શરીર પર કેવી અસર થાય છે?

બીબીસીની 'ધ ટ્રુથ અબાઉટ..' શ્રેણીના ડૉ. ક્રિસ વેન તુલ્લેકેને આ સવાલના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના માટે પહેલો પડકાર હતી એનેલ્જીસિક્સ એટલે કે પીડા શમાવતી દવાઓ.

આ દવાઓ ઑવર ધ કાઉન્ટર મળતી હોય છે એટલે કે તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાની કોઈ પણ દુકાનેથી ખરીદી શકાય છે. એનેલ્જીસિક્સનો વિશ્વમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

આ દવાઓ માથાનો, દાંતનો, સ્નાયુનો દુખાવો અને માસિક સમયે થતી પીડા શમાવતી હોવાનો દાવો કરવામાં આવે છે.

આ પૈકીની કેટલીક દવાઓ ચોક્કસ પ્રકારની બીમારી સામે લડવામાં મદદરૂપ થતી હોવાનો દાવો પણ કરવામાં આવે છે.

સૌથી વધુ લોકપ્રિય એનેલ્જીસિક્સમાં એસિટામિનોફેન, આઈબુપ્રોફેન અને એસ્પિરિનનો સમાવેશ થાય છે.

કેટલાક દેશોમાં આ દવાઓ માત્ર ફાર્મસીમાંથી જ મેળવી શકાય છે. અન્ય દેશોમાં આ દવાઓ સુપરમાર્કેટ્સ તથા અન્ય દુકાનોમાં વેંચવામાં આવે છે.

સવાલ એ છે કે આપણા દવાના ડબ્બામાંની આવી બધી પ્રોડક્ટ્સ વિશે આપણે ખરેખર કેટલું જાણીએ છીએ? આ દવાઓ ખરેખર ઉપયોગી સાબિત થાય છે ખરી?

કઈ રીતે કરે છે અસર?

એનેલ્જીસિક્સ કઈ રીતે કામ કરે છે તેની ઊંડાણભરી તપાસ ડૉ. વેન તુલ્લેકેને કરી હતી. એ તપાસ માટે 'પિલ કેમ' નામના એક ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પિલ કેમ એક અત્યંત નાનકડો કૅમેરા છે, જેને દવાની સાથે ગળવામા આવે છે. તમે દવા મોંમાં નાખો ત્યાર બાદ એ અન્નનળીમાં થઈને તમારા પેટમાં પહોંચે ત્યાં સુધીની પ્રક્રિયાનું ફિલ્મિંગ એ કેમેરા કરે છે.

દવા પેટમાં પહોંચી ગયાની ખબર પડે છે, પણ નિષ્ણાતો કહે છે, "દવા આપણા શરીરમાં પ્રવેશે પછી તેનું શું થાય છે તે આપણે સામાન્ય રીતે જાણી શકતા નથી."

"એ બરફના નાના ગોળા જેવી લાગે છે," એમ જણાવતાં ડૉ. વેન તુલ્લેકેન કહે છે, "પીડાશામક દવા રક્તશીરાઓ સુધી પહોંચે નહીં, ત્યાં સુધી કામ કરવાનું શરૂ કરતી નથી."

પેટમાં પહોંચ્યા પછી દવા ધીમે-ધીમે ઓગળે છે અને નાના આંતરડામાં પ્રવેશે છે, જ્યાં તે રક્તશીરાઓમાં શોષાઈ જાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

માર્કેટિંગનો ખેલ

ચોક્કસ પીડાને દૂર કરવાની ખાતરી આપતી એનેલ્જિસિક્સ ખરેખર ઉપયોગી હોય છે?

ડો. વેન તુલ્લેકેન સ્પષ્ટ શબ્દોમાં કહે છે, "ના."

નિષ્ણાત કહે છે, "દવા તમારા લોહીમાં પ્રવેશે પછી તેને શરીરના ચોક્કસ ભાગ સુધી પહોંચવાનું માર્ગદર્શન આપી શકાતું નથી."

તેનો અર્થ એ થયો કે માથાના, સાંધાના કે માસિક વખતે થતા દુખાવામાંથી મુક્તિ મેળવવા માટે તમે જે નાણાં ખર્ચો છો એ નિરર્થક છે. એટલું જ નહીં, એ જોખમી પણ પૂરવાર થઈ શકે છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર, બધા ઉપચારમાં સામાન્ય રીતે એક જ દવા હોય છે. તેથી એક વખતે એક સાથે એકથી વધુ ગોળીઓ લેવાથી ઓવરડોઝની સ્થિતિ સર્જાઈ શકે છે.

તેથી ડો. વેન તુલ્લેકેન માર્કેટિંગને લીધે મુર્ખ ન બનવાની સલાહ આપે છે.

અસરકારકતા

અલબત, એનેલ્જિસિક્સનું ઉત્પાદન કરતા ફાર્માસિસ્ટ્સ એક બાબત વિશે ખોટું કહી શકે તેમ નથી. તે બાબત એ છે કે આ દવાઓ પીડા ઘટાડવામાં મદદ જરૂર કરે છે.

ડૉ. વેન તુલ્લેકેન કહે છે, "દવા લેતા પહેલાં તેના ઘટક તત્વો વિશે માહિતી મેળવવી જરૂરી છે. એ ઉપરાંત કેટલી પ્રમાણમાં અને કેટલી વખત એ દવા લેવી જોઈએ તે પણ જાણવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો