You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોટી ઉંમરે પિતા બનવાના ખતરા શું છે અને પિતા બનવાની યોગ્ય ઉંમર કઈ?
- લેેખક, એન્દ્રે બિયરનેથ
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ
સંશોધન પ્રમાણે જે પુરુષો 35 વર્ષની ઉંમરે પિતા બનવા વિશે વિચારે છે તેમને ખતરો રહે છે કે તેમનું બાળક અવિકસિત અથવા ઑટિસ્ટિક હોઈ શકે છે.
વધુમાં, દર વર્ષની સાથે પુરુષોના શુક્રાણુની ગુણવત્તા અને સંખ્યા ઘટવા લાગે છે.
આ માહિતી ખાસ એવી પરિસ્થિતિના લોકો માટે છે જેઓ માતાપિતા બનવાની યોજનાને કામ અથવા ભણવાના ખાતર મોડી કરે છે.
સામાન્યપણે વધુ વયે માતા બનવાના ખતરા વિશે લોકો જાણતા હોય છે. લોકોને ખબર છે કે 35 કે 40 વર્ષની ઉંમરે ગર્ભવતી થવામાં કેવી મુશ્કેલીઓ આવે છે.
જ્યારે પિતા વિશે લોકોને ખૂબ ઓછી માહિતી છે. જોકે, સારી વાત એ છે કે કેટલાક ટેસ્ટ, સલાહ અને ઉપચાર એવા છે જે બાળકને પડતા ખતરાને ઓછો કરે છે.ન
વધુને વધુ સામાન્ય ઘટના
ડૉ. કાર્લા ગિયુસ્ટી ઝેકેરિયાઝ એક નિષ્ણાત છે અને તેઓ બ્રાઝિલમાં સાઓ પાઉલો ખાતે રેડ ડી'ઓર- હૉસ્પિટલ સાઓ લુઈઝ ઇટાઇમની ક્લિનિકલ ટીમનો ભાગ છે. તેઓ જણાવે છે કે તેમને સતત એવા પુરુષો મળે છે જેમની ઉંમર વધારે છે અને તેઓ બાળકની ઇચ્છા ધરાવે છે.
તેઓ જણાવે છે, "મને એવા લોકો મળે છે કે જેઓ 50 કે 60 વર્ષની ઉંમરના હોય છે, તેમણે નાની મહિલા સાથે લગ્ન કર્યા હોય છે અને હવે તેઓ બાળક ઇચ્છે છે."
તેઓ સ્વાસ્થ્ય અધિકારીને સવાલ પૂછે છે કે એક વૃદ્ધ પિતા હોવાના ખતરા શું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય ભાષામાં કહીએ તો પુરુષની પ્રજનન સિસ્ટમ મહિલાથી સંપૂર્ણપણે અલગ રીતે કામ કરે છે.
તરુણાવસ્થા, જેની શરૂઆત 10થી 14 વર્ષની શરૂઆતમાં થાય છે, ત્યારે પુરુષો શુક્રાણુ ઉત્પન્ન કરવા લાગે છે. આ એવી વસ્તુ છે જીવન દરમિયાન હંમેશાં ચાલે છે.
મહિલાઓ તૈયાર ઈંડા સાથે જન્મ લે છે અને તે પણ તરુણાવસ્થા બાદ દરેક મેન્સ્ટ્રુઅલ સાઇકલ બાદ મુક્ત થાય છે.
પરંતુ તે ઈંડાની સંખ્યા મર્યાદિત હોય છે (પહેલા પિરિયડ્સ દરમિયાન તે ઈંડાની સંખ્યા ત્રણ લાખથી પાંચ લાખની વચ્ચે હોય છે.) અને 45 થી 55 વર્ષની ઉંમર સુધી પહોંચતા તે ઈંડાં સમાપ્ત થઈ જાય છે અને મૅનોપૉઝ થઈ જાય છે.
પણ અહીં મહત્ત્વનો સવાલ એ છે કે પુરુષો આખા જીવન દરમિયાન શુક્રાણુ ઉત્પન્ન કરી શકે છે પણ એક ઉંમર બાદ તેની ગુણવત્તા પહેલા જેવી નથી રહેતી.
પ્રાકૃતિક રીતે શુક્રાણુની સંખ્યા ઘટવા લાગે અને તેમાં કોઈ ખોટખાપણ પણ હોય.
આ ખોટખાપણ ગર્ભધારણને અટકાવી શકે છે અને બાળક માટે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
કેટલાક સંશોધનો જણાવે છે કે શુક્રાણુમાં સફળતા મળે, પણ એવો ખતરો રહે છે કે બાળકના સ્વાસ્થ્યની સ્થિતિમાં કેટલીક તકલીફો રહે જેમ કે સમય પહેલાં જન્મ, જન્મ બાદ તકલીફો અને ઑટિઝમ પણ.
સંશોધન શું કહે છે?
2018માં અમેરિકામાં સ્ટેનફૉર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિને કેટલાક ડેટાનું વિશ્લેષણ કર્યું જેમાં જાણવા મળ્યું હતું કે પિતા જેટલા વૃદ્ધ હોય છે બાળકને તેટલો વધારે ખતરો રહે છે.
જે પુરુષ 35 વર્ષ બાદ બાળક માટે પ્રયાસ કરે છે તેમના બાળકને ખતરો રહે છે જેમ કે તેનું વજન ઓછું હોઈ શકે છે, તેને આંચકીઓ આવી શકે છે અને જન્મ બાદ શ્વાસ લેવા માટે મેકેનિકલ વૅન્ટિલેશનની જરૂર પડી શકે છે.
જે લોકોની ઉંમર 45 કરતાં વધારે હોય છે તેમાંથી 14 ટકા લોકોની એવી શક્યતા રહે છે કે તેમનું બાળક સમય પહેલાં જન્મે એટલે કે આશરે 37 અઠવાડિયામાં.
જે લોકોની ઉંમર 50 વર્ષ કે તેનાથી વધારે હોય છે તેમાંથી 28 ટકા લોકોને ખતરો રહે છે કે તેમનું બાળક વધારે સમય ઇન્ટેન્સિવ કેર યુનિટમાં વિતાવશે.
સંશોધનના મુખ્ય લેખક અને યુરોલૉજીના પ્રોફેસર માઇકલ આઇસનબર્ગે એ સ્પષ્ટ કર્યું છે કે આવા આંકડાંને ખતરાની ઘંટી સમાન રજૂ ન કરવા જોઈએ.
તેમના મતે, આ સંશોધન પરિવાર નિયોજનમાં મદદ કરે છે.
"જન્મના ખતરા વિશે જાણવા માટે લોકો પહેલાં માતાનું જ વિશ્લેષણ કરે છે. પરંતુ અમારું સંશોધન જણાવે છે કે એક સ્વસ્થ બાળક ટીમ ઍફૉર્ટ (સંયુક્ત પ્રયાસ)છે અને સ્વસ્થ બાળક માટે પિતાની ઉંમર પણ મહત્ત્વની હોય છે."
- તજજ્ઞો પ્રમાણે મોટી ઉંમરે માતાપિતા બનવાથી બાળક પર વિપરિત અસર પડી શકે
- જે પુરુષ 35 વર્ષ બાદ બાળક માટે પ્રયાસ કરે છે તેમના બાળકને ખતરો રહે છે
- 45 વર્ષ બાદ બાળક માટે પ્રયાસ કરતાં 14 ટકા લોકોના બાળક સમયથી પહેલાં જન્મે છે
- 50 વર્ષ કે તેનાંથી વધુ ઉંમરના 28 ટકા લોકોના બાળકો ઇન્ટેન્સિવ કેર યુનિટમાં જવાનો ભય
2017માં પબ્લિશ થયેલા એક સંશોધનમાં વધુ એક ખતરા વિશે જાણવા મળ્યું હતું, તે હતું બાળકમાં ઑટિઝમનો ખતરો.
સંશોધન જણાવે છે કે પિતાની ઉંમર 10 વર્ષ વધે છે, તો 21 ટકા શક્યતા રહે છે કે બાળક ન્યુરોલૉજિકલ ડેવલપમૅન્ટ ડિસઑર્ડરનો સામનો કરશે. તેનાથી બાળકને લોકો સાથે વાતચીત કરવામાં, હળવા-મળવામાં અને સારો વ્યવ્હાર કરવામાં તકલીફ પડે છે.
બ્રાઝિલિયન સોસાયટી ઑફ યુરોલૉજીના પ્રમુખ એલફ્રેડો કેનાલિની જણાવે છે કે એવા પુરાવા છે જેમાં મોડા પિતૃત્વ અને સ્કિઝોફ્રેનિયા જેવી બીમારીની શક્યતા વધવા વચ્ચે સંબંધ છે. જોકે, આ વિષય પર જે સંશોધન થયા છે તે હજુ એટલા મજબૂત નથી.
નિષ્ણાતો એ પણ જણાવે છે કે સ્પર્મ એટલે કે શુક્રાણુની ગુણવત્તા અને સંખ્યા સમયની સાથે ઘટવા લાગે છે.
તેઓ સરખામણી કરતાં કહે છે, "ઈંડા સુધીનો રસ્તો એક રેસ જેવો હોય છે અને સામાન્યપણે એક સ્વસ્થ શુક્રાણુ જ ત્યાં સુધી પહોંચી શકે છે."
પરંતુ આ બધા ખતરાઓને ધ્યાનમાં રાખીને શું આ સમસ્યાઓને ટાળવાનો અને સ્વસ્થ ગર્ભાવસ્થા જાળવવાનો કોઈ રસ્તો છે?
કેવી રીતે સુરક્ષિત રહેવું?
કેનાલિની કહે છે કે સંભવિત ખતરાને રોકવાના સામાન્યપણે કોઈ રસ્તા નથી.
તેઓ કહે છે, "પુરુષોની પ્રજનનક્ષમતા દરેક પુરુષ પ્રમાણે અલગ હોય છે. હંમેશાં પિતૃત્વ ધારણ કરતાં પહેલાં તેમણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જેનાથી એ સમજી શકાય કે શું ચાલી રહ્યું છે અને શું કરી શકાય છે."
ડૉક્ટરની સલાહ માટે તેઓ સામાન્ય ડૉક્ટર અથવા યુરોલૉજિસ્ટની મુલાકાત લઈ શકે છે.
બાળકની ઇચ્છા હોય ત્યારે એક સામાન્ય ચેક-અપ થાય છે. આ ચેક ત્યારે પણ કરવામાં આવે છે જ્યારે કેટલાંક લક્ષણો જણાય જેમ કે ખંજવાળ વધુ હોવી, ઇરેક્શન બરોબર રીતે ન થવું અને વારંવાર ગર્ભાધાનના પ્રયાસ છતાં નિષ્ફળતા મેળવવી.
"આવી બાબતો પર સામાન્ય સલાહો પણ આપવામાં આવે છે જે આખા શરીરને અસર કરે છે જેમ કે સારો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લો, બેઠા રહેવાની આદત ટાળો, શારીરિક કસરત કરો, ધૂમ્રપાન ન કરો અને યોગ્ય વજન જાળવી રાખો."
ઝેકેરિયાઝ યાદ અપાવે છે કે જ્યારે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાથી ફેર નથી પડતો, ત્યારે ખાસ પ્રકારના ઉપચાર અને ટેસ્ટ પણ કરવા પડે છે.
તેઓ કહે છે, "જ્યારે શુક્રાણુ નબળા હોય છે ત્યારે અમે કેટલાક ઉપચાર વિશે કહીએ છીએ જેનાથી ગુણવત્તા અને સંખ્યા બંને વધી શકે."
અંતે નિષ્ણાતો જણાવે છે કે વધુ એક ખતરો છે જે સીધો વૃદ્ધ માતાપિતાને અસર કરે છે તે છે બાળકને મોટું કરવામાં કામનું ભારણ વચ્ચે આવવું.
તેઓ કહે છે, "આપણે એ ભૂલી શકતા નથી કે પુરુષની ઉંમર જેટલી વધારે હોય છે તેટલું જ વધારે તેમણે કામ કર્યું હોય છે અને તેઓ વધારે થાકેલા હોય છે."
"તમારે એ વિશે પણ વિચારવું પડે છે કે તમારે બાળકના વિકાસમાં સહયોગ આપવાનો હોય છે, અડધી રાત્રે ઊઠીને ડાઇપર બદલવાના હોય છે, તેની સાથે રમવાનું હોય છે, વગેરે..."
અંતે તેઓ કહે છે, "દંપતીએ આ વિશે વાત કરવી જોઈએ જેથી તેઓ પોતાના અને પોતાના પરિવાર માટે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો