ગુજરાત : કુપોષણને નાથવાની અનેક યોજના છતાં સમસ્યાનો અંત કેમ આવતો નથી?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

દાહોદ જિલ્લાના લીલેર ગામના વતની આશાબહેન હાલ ગર્ભવતી છે. તેઓ સવારથી સાંજ અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરે છે અને પરિવારના બીજા સભ્યની જેમ સવાર-સાંજ શાક-રોટલો ખાય છે. તેમને યાદ નથી કે છેલ્લે તેમણે ક્યારે દૂધ પીધું હતું કે ભરપેટ ક્યારે ખાધું હતું?

અનીતાબહેન બાબરિયા છ બાળકનાં માતા છે. તેમના એક પણ બાળકના જન્મસમયે તેમને પૌષ્ટિક આહાર નસીબ નહોતો. તેઓ દાહોદ જિલ્લાના આણાજ ગામનાં વતની છે.

ઉપરના બે કિસ્સા ગુજરાતમાં કુપોષણની સમસ્યા પર ઈશારો કરે છે.

ગુજરાતમાં કુપોષણ મામલે કામ કરનારા કર્મશીલોનું માનવું છે કે સરકાર અને વિવિધ બિનસરકારી સંસ્થાઓના પ્રયાસો ઉપરાંત પણ તેનું યોગ્ય સમાધાન નીકળતું નથી.

એક તરફ સરકારની વિવિધ યોજનાઓ છે, તો બીજી બાજુ કુપોષિત બાળકો અને મહિલાઓની પરેશાન કરી દે તેવી સંખ્યા.

આ સમસ્યાને સમજવા માટે બીબીસી ગુજરાતીએ કેટલીક આદિવાસી મહિલાઓ સાથે વાત કરી હતી.

શું કહે છે કુપોષણથી પીડાતી ગર્ભવતી મહિલાઓ?

19 વર્ષીય આશાબહેન ભીલવાયાના હાથમાં એક વર્ષનું બાળક છે અને તેમના પેટમાં પાંચ મહિનાનો ગર્ભ ઉછરી રહ્યો છે.

બીબીસી ગુજરાતીએ જે દિવસે તેમની સાથે વાત કરી હતી, તે દિવસે સવારે તેમણે એક મકાઈનો રોટલો અને થોડું શાક ખાધાં હતાં. તેઓ સાંજે પણ આવું જ કંઈક ખાવાનાં હતાં.

બીબીસી ગુજરાતીએ જ્યારે તેમને પૂછ્યું કે, તેમણે છેલ્લે પોષણયુક્ત આહાર (જેમ કે દૂધ, સૂખડી કે ફાડા-લાપસી વગેરે) છેલ્લે ક્યારે ખાધો હતો?

તો જવાબમાં આશાબહેને કહ્યું, “તેમને યાદ નથી.”

તેઓ કુપોષણને કારણે આવેલી નબળાઈ વર્ણવતા કહે છે, “મને નબળાઈ રહે છે અને કામ કરતી વેળા ચક્કર પણ આવે છે, પરંતુ જો હું કામ ન કરું, તો મારી એક દિવસની રોજી જતી રહે. તેથી હું જે મળે તે ખાઈને કામે જતી રહું છું.”

દાહોદ જિલ્લાના કઠવારા ગામનાં વતની શર્મિલા આમલિયાને પાંચ દીકરી બાદ એક દીકરો થયો છે. શર્મિલાબહેનનો દાવો છે કે તેમની છ ડિલિવરી સમયે તેમને ક્યારેય કોઈ સરકારી યોજનાનો લાભ મળ્યો નથી.

તેમના ગામમાં આંગણવાડી તો છે, પરંતુ તેનો સગર્ભા મહિલા તરીકે તેમને કોઈ ફાયદો થયો નહોતો.

બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં તેઓ જણાવે છે, “સરકારી લાભ મેળવવા માટે ઘણા ધક્કા ખાવા પડે છે, અનેક વખત હું મારા આધારકાર્ડ વિવિધ કચેરીઓમાં જમા કરાવી આવી છું, ફૉર્મ પણ ભર્યાં છે, પરંતુ આજ દિન સુધી મને કોઈ પણ સરકારી સહાય મળી નથી. મારાં બાળકો ઓછાં વજનનાં પેદા થયાં હતાં. અમે મજૂરી કરીને જ તેમને મોટાં કર્યાં.”

અનીતાબહેન બાબરિયા પાંચ દીકરીનાં માતા છે. તેમની મોટી દીકરી હાલમાં 12 વર્ષની છે. તેઓ ગામડામાં હોય ત્યારે તેમને મળવાપાત્ર રાશનની કીટ લઈ આવે છે.

પણ તેમનો પણ દાવો છે કે જ્યારે તેઓ ગર્ભવતી હંતા ત્યારે તેમને જે વધારાનું રાશન મળવું જોઈએ તે નહોતું મળ્યું.

તેઓ કહે છે, “એવું નથી કે મને આ યોજનાઓની ખબર નથી. આ લાભ લેવા માટે અમારે અનેક વખત પંચાયતની કચેરીએ, દવાખાનાએ જવું પડતું હોય છે, મને યાદ નથી કે મેં કેટલા ફૉર્મ ભર્યાં હશે, અને કેટલી જગ્યાએ મારું આધારકાર્ડ અને ફોટા આપ્યાં હશે, પરંતુ મારા ખાતામાં ક્યારેય કોઈ દિવસ સરકારી સહાય આવી નથી.”

ગુજરાતના કુપોષણના આંકડાઓ શું સૂચવે છે?

સરકારી આંકડાની વાત કરીએ તો એપ્રિલ, મે અને જૂન મહિનાના આંકડા પ્રમાણે ગુજરાતમાં 156 મહિલા સગર્ભા અવસ્થામાં અથવા તો ડિલિવરી સમયે મૃત્યુ પામી છે.

ગુજરાતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ‘ટેકો પ્લસ’ મોબાઇલ ઍપ્લિકેશન પ્રમાણે સિવિયર એક્યુટ માલ્ન્યુટ્રિશન (SAM) એટલે કે ગંભીર રીતે કુપોષિત બાળકોની સંખ્યા 121000થી વધારે છે. આ સમયગાળા દરમિયાન આશરે 2400 બાળકો જન્મતાંની સાથે જ મૃત્યુ પામ્યાં છે, જેમાં કુપોષિત બાળકોનો પણ સમાવેશ થાય છે.

જો આ આંકાડાઓને નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5, 2019-20) સાથે જોવામાં આવે તો રાજ્યમાં કુપોષણની સમસ્યા ખૂબ ગંભીર જણાય છે. આ સર્વે પ્રમાણે ઉંમરની સરખામણીમાં ઓછું વજન હોય એટલે કે ‘શન્ટેડ’ બાળકોની ટકાવારી 39 ટકા હતી.

ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઈ ધરાવતા એટલે કે ‘વેસ્ટેટ’ બાળકોની ટકાવારીની સંખ્યા 25 ટકા હતી.

જ્યારે ઓછા વજન સાથે જન્મતાં બાળકોની સંખ્યા 39.7 ટકા હતી. નિષ્ણાતોનું માનવું છે કે આ આંકડા કુપોષણની સમસ્યાને ગુજરાત રાજ્યમાં ગંભીર બનાવે છે.

સરકારી અધિકારીઓ શું કહે છે?

આ વિશે બીબીસી ગુજરાતીએ હેલ્થ કમિશનર શાહમીના હુસૈન સાથે વાત કરી. તેઓ કહે છે કે, "એવું નથી કે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. તમે જોઈ શકો છો કે SAMના આંકડામાં ઘટાડો થયો છે, તેની સાથે સાથે MMRમાં ઘટાડો થઈ રહ્યો છે."

"MMRના આંકડામાં ડિલિવરી સમયે મરણ જનાર મહિલાઓનો આંકડો હોય છે, જેમનું મૃત્યુ માલ્ન્યુટ્રીશનથી જ થયું હોય તે જરૂરી નથી, માટે અમુક આંકડાને ખોટી રીતે પણ રજૂ કરવામાં આવે છે."

બીબીસી ગુજરાતીએ આ વિશે હેલ્થ સેક્રેટરી (મહિલા અને બાળવિકાસ વિભાગ) કેકે નિરાલા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, "સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચવાના હેતુથી જ કામ કરતી હોય છે અને એવી રીતે જ કામ કરી રહી છે."

"જોકે, ઘણી વખત એ જોવા મળે છે કે લાભાર્થી પોતાના ગામમાં રહેતા જ નથી હોતા અને તેઓ કામકાજ અર્થે બીજે જતા રહે છે, તેવામાં શક્ય છે કે અમુક લોકો લાભથી વંચિત રહી ગયા હોય, પરંતુ વિવિધ યોજના જેમ કે ટેક હોમ રાશન વગેરેનો લાભ અનેક સગર્ભા મહિલાઓ લેતી હોય છે."

કુપોષણની સમસ્યા સામે લડતાં કર્મશીલો શું કહે છે?

બીબીસી ગુજરાતીએ આ પ્રકારની સ્કીમ વિશે દાહોદ જિલ્લાની મહિલાઓ, તેમજ ફિલ્ડમાં કામ કરતી મહિલાઓ સાથે વાત કરી હતી. દાહોદના બારૈયા તાલુકામાં સક્રિય એવાં શિલ્પાબહેન સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.

તેઓ કહે છે કે, “એ વાતમાં કોઈ બે મત નથી કે સરકારી યોજનાઓ અનેક લોકો સુધી નથી પહોંચતી. જેમાં સૌથી મોટું કારણ લોકોનું સ્થળાંતર છે. સરકારી લાભ મળે તે માટે મહિલા પોતાના ગામડે ન રહે, કારણ કે તેને કમાવવા માટે શહેરમાં જવું પડે છે, માટે સરકારે એવું સમાધાન લાવવું પડે કે ગામડેથી પલાયન થયેલી મહિલાને પણ તેના કામના સ્થળે જ લાભો મળી જાય.”

બીબીસી ગુજરાતી એ આ વિશે આનંદી સંસ્થાના અન્ન સુરક્ષા પ્રોજેક્ટનાં કન્વીનર નીતાબહેન હાર્દિકર સાથે વાત કરી.

તેઓ કહે છે કે, “કામગીરી હોય અને કામગીરી સતત ચાલતી હોય તેમાં ફરક છે. સરકારી કામગીરીમાં સાતત્યપૂર્ણ દૃષ્ટિકોણની જરૂર છે. અનેક પ્રયાસો બાદ પણ આંકડા તો કંઈક જુદું જ ચિત્ર રજૂ કરી રહ્યા છે.”

તેમનું કહેવું છે કે પંચમહાલ, દાહોદ જેવા વિસ્તારોમાં સ્ટન્ટેડ, વેસ્ટેડ બાળકોની સંખ્યામાં કોઈ નોંધપાત્ર ઘટાડો નથી થઈ રહ્યો.

તેઓ ઉમેરે છે, “સરકારી કામગીરી પાછળ વિચાર, છેલ્લા માણસ સુધી પહોંચવાનો પ્લાન અને એક સર્વાંગી દૃષ્ટિકોણની જરૂર છે. આજે પણ લોકો રૅશનમાં દાળ જેવા પ્રોટીનયુક્ત આહારમાં વધારો કરાવવા માટે મથી રહ્યાં છે. બીજું કે કુપોષણને લઈ સરકારનું ખોટું તારણ પણ આ સમસ્યાને વધારો આપી રહ્યું છે, જેમ કે આયોડિન અને આયન જરૂરી છે, પરંતુ તેના કરતાં વધુ જરૂરી પ્રોટીન છે.”

કુપોષણને નાથવા માટે સરકારી યોજના કઈ છે?

ગુજરાત અને કેન્દ્ર સરકારની કુપોષણને નિવારવા માટે 17 જેટલી અલગ-અલગ યોજનાઓ હાલમાં અમલમાં છે.

સ્વાસ્થ્ય વિભાગમાં નાણાના ખર્ચનો એક મોટો ભાગ કુપોષણની સમસ્યાને નિવારવા માટે વાપરવામાં આવે છે, જેમાં 14 અલગ-અલગ પ્રકારની યોજનાઓ છે.

  • મમતા અભિયાન- ગ્રામ્યકક્ષાએ આરોગ્ય અને પોષણને લગતી પ્રોત્સાહન સેવાઓ ઉપલબ્ધ કરાવવી. આ યોજના મહિલા અને બાળક વિકાસ ખાતા સાથે સંકલનમાં ચલાવવામાં આવે છે.
  • માઇક્રોન્યુટ્રીયન્ટ પ્રોગ્રામ- એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ, વિટામિન Aની ઊણપ દૂર કરવા માટેની યોજના, National Iodine Deficiency Disorder Control Program (NIDDCP), વર્ષમાં બે વખત ડી-વોર્મિંગની યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે લાભાર્થીએ આંગણવાડી અથવા નજીકના હેલ્થ સેન્ટરથી મદદ લેવાની હોય છે.
  • કુપોષણમુક્ત ગુજરાત અભિયાન- ગુજરાત રાજ્યના છેલ્લા સોશિયો-ઇકૉનૉમિક સર્વે પ્રમાણે સ્વાસ્થ્ય વિભાગ હાલમાં કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન ચલાવી રહ્યો છે. રાજ્ય સરકારની છેલ્લી પ્રકાશિત માહિતી પ્રમાણે રાજ્યમાં 2021-22 સમયગાળામાં 1.64 લાખ બાળકો SAM અથવા ગંભીર રીતે કુપોષિત હતાં, જ્યારે 2020-21માં આ સંખ્યા 1.82 લાખ બાળકોની હતી. (source: socio-economic survey, GoG)
  • મધર્સ એબસોલ્યુટ અફેક્શન- એક સંકલ્પ (MAA-Ek Sankalp) – રાજ્ય સરકારની આ યોજના અંતર્ગત ધાત્રી માતાઓને બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરવા માટેનું પ્રોત્સાહન અને તે માટેનો યોગ્ય આહાર મળે તે રીતે તેમની સાથે સંવાદ કરવામાં આવે છે.
  • કસ્તૂરબા પોષણ સહાય યોજના- આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓ ગર્ભ ધારણ કરે ત્યારે 2000 રૂપિયા, ગર્ભ છ મહિનાનો થાય ત્યારે બીજા 2000 રૂપિયા અને ડિલિવરી બાદ ફરી 2000 રૂપિયા આપવામાં આવે છે. જોકે આ યોજનાનો લાભ ઘણા ગરીબ પરિવારની મહિલાઓને યોગ્ય સમય મળતો નથી તેવી ફરિયાદ છે.
  • જેમ કે દાહોદના બારૈયામાં રહેતાં 22 વર્ષીય દક્ષાબહેન સંગાડિયાએ આ યોજના માટે તેમના પ્રથમ બાળકના જન્મ પહેલાં ફૉર્મ ભર્યું છે પરંતુ તેમને કોઈ સહાય મળી નહોતી.
  • દક્ષાબહેન બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “મને આ યોજના વિશે ખબર છે, મારા પ્રથમ બાળક સમયે મેં આ ફૉર્મ ભર્યું હતું, પરંતુ મને હજી સુધી પૈસા મળ્યા નથી. હવે હું ફરી ગર્ભવતી છું પણ મને ખાતરી છે કે આ વખતે પણ સહાય નહીં મળે, તેથી મેં ફૉર્મ નથી ભર્યું.”
  • જનની સુરક્ષા યોજના- આ યોજના હેઠળ બાળકનો જન્મ હૉસ્પિટલ કે હેલ્થ સેન્ટરમાં થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓને ડિલિવરીના 8થી 12 અઠવાડિયાં પહેલાં 700ની રોકડ સહાય કરવામાં આવે છે. જોકે આ યોજના પર પણ ફિલ્ડમાં કામ કરતા લોકો તેમજ લાભાર્થીઓએ સવાલો ઊભા કર્યા છે.
  • પ્રધાનમંત્રી માતૃ સુરક્ષા અભિયાન- મહિલાને સર્ગભાવસ્થા સમયે વિવિધ ટેસ્ટ કરવા માટેની આ યોજના છે.
  • પ્રધાનમંત્રી માતૃવંદના યોજના- સગર્ભા મહિલાઓનો મૃત્યુદર (MMR) ઓછો કરવા માટે અને ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ ઓછો કરવા માટે 5000ની સહાય ત્રણ ભાગમાં આપવામાં આવે છે.
  • ICDS- આંગણવાડી હેઠળ છ વર્ષની ઓછી ઉંમરનાં બાળકો અને સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર આપવા માટેની આ યોજના છે. સરકારનો દાવો છે કે દર વર્ષે રૂપિયા 50 લાખથી વધુની રકમ આ યોજના હેઠળ ખર્ચાય છે.

આ યોજનાઓ ઉપરાંત ટેક હોમ રૅશન, બાલસખા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજના સહિત 17 જેટલી વિવિધ યોજનાઓ આ બે ખાતાં અંતર્ગત કાર્યરત્ છે.

જોકે, અનેક લોકોનો સવાલ છે કે આટલી બધા વિવિધ નામોની યોજનાઓ હોવા છતાં ગુજરાતમાં કુપોષણની સમસ્યાનું યોગ્ય સમાધાન કેમ આવતું નથી.