કુપોષણની સમસ્યા ધરાવતા ગુજરાતમાં બાળકો મેદસ્વી કેમ થઈ રહ્યાં છે?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય મનાય છે. છતાં રાજ્ય વર્ષોથી કુપોષણની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. હવે એક તરફ રાજ્યમાં બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે તો મેદસ્વીતા ધરાવતાં બાળકોની સંખ્યા પણ વધી રહી છે.

સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં 21 ડિસેમ્બર-2022 સુધીમાં 30 જિલ્લામાં 1 લાખ 25 હજાર કુપોષિત બાળકો છે. એવી જ રીતે નૅશનલ ફૅમિલી હેલ્થ સરવે-5 અનુસાર વર્ષ 2015-16થી વર્ષ 2018-19 દરમિયાન સ્થૂળતા ધરાવતા બાળકોની સંખ્યા રાજ્યમાં બમણી થઈ છે.

જાણકારો કહે છે કે ભારતમાં બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે અને આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો તે રોગચાળાની જેમ તે ફેલાતી રહેશે.

ગુજરાતમાં એવું વિરોધાભાસી ચિત્ર સર્જાયું છે જેમાં એક તરફ કુપોષિત બાળકોની સંખ્યા છે તો બીજી તરફ બાળકોમાં વધી રહેલી મેદસ્વીતાની સમસ્યા.

દેશમાં સ્થૂળતા ધરાવતા બાળકોની સંખ્યા ડબલ

નૅશનલ ફૅમિલી હેલ્થ સરવે-5 અનુસાર વર્ષ 2015-16થી વર્ષ 2018-19 દરમિયાન સ્થૂળતા ધરાવતા બાળકોની સંખ્યા રાજ્યમાં બમણી થઈ છે.

જોકે, માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય કેટલાંક રાજ્યોમાં પણ આવાં બાળકોની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે.

સરવેના આંકડા પ્રમાણે શહેરી વિસ્તારોમાં 5 વર્ષથી ઓછી વયજૂથના મેદસ્વી બાળકોનું પ્રમાણ 4.6 ટકા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 3.5 ટકા છે.

ભારત સરકારના ‘નેશનલ ફૅમિલી હેલ્થ સરવે-5’ અનુસાર ભારતમાં લગભગ 23 ટકા પુરુષો અને 24 ટકા મહિલાઓનો બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ - BMI) 25 અથવા એનાથી વધારે છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) આવા BMI (બીએમઆઈ) ધરાવતા લોકોને ‘ઓવરવેઇટ’ એટલે કે વધારે વજન ધરાવતી વ્યક્તિ ગણે છે.

જોકે આંકડા દર્શાવે છે કે ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં પુરુષો અને બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધારે છે.

વિશ્વનો સૌથી મેદસ્વી કિશોર

2017માં દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં 14 વર્ષના મિહિર જૈનને દાખલ કરવામાં આવ્યો ત્યારે તેને વ્હિલચૅરમાં જોઈને બૅરિયાટ્રિક સર્જન ડૉ. પ્રદીપ ચૌબે પણ ચોંકી ગયા હતા.

"મિહિર બહુ જ મેદસ્વી થઈ ગયો હતો. તે પોતાના પગ પર ઊભો પણ રહી શકતો નહોતો અને ચહેરા પર ચરબીના એવા થર જામેલા હતા કે આંખોનાં પોપચાં પણ ખૂલતાં નહોતાં. તે વખતે તેનું વજન 237 કિલોનું હતું અને તેનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 92 હતો."

વિશ્વ આરોગ્ય સંસ્થાના ધોરણ અનુસાર કોઈનો પણ BMI 25થી ઉપર હોય તેને સ્થૂળ કહેવામાં આવે છે.

કેટલાંક અઠવાડિયાં સુધી મિહિરની સારવાર કરવામાં આવી અને પછી 2018ના ઉનાળામાં તેની ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી પણ કરવામાં આવી. ત્યારબાદ મિહિરનું વજન ઘટીને 165 કિલોનું થયું હતું.

તે વખતે મિહિરની ગણના "વિશ્વના સૌથી મેદસ્વી કિશોર" તરીકે થઈ હતી. તે કદાચ અતિશયોક્તિ હતી, પણ એ વાત સાચી છે કે ભારતમાં અંદાજે 1.8 કરોડ બાળકો વધારે પડતું વજન ધરાવે છે અને આ સંખ્યામાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે.

કેમ વધી રહી છે બાળકોમાં મેદસ્વીતા?

ગુજરાતમાં બાળકોમાં મેદસ્વીતા વધી રહી છે એ વિશે બીબીસીએ પિડિયાટ્રિક ક્ષેત્રના તબીબો સાથે વાત કરી.

આ મામલે બીબીસી સાથેની વાતચીતમાં અમદાવાદના પિડિયાટ્રિશિયન ડૉ. હાર્દિક પટેલનું કહેવું છે કે રાજ્યમાં ગ્રામ્ય કરતા શહેરોમાં આ સમસ્યા વધુ રહેતી આવી છે.

બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધવાના કારણો વિશે જણાવતા ડૉ. હાર્દિક કહે છે, “પહેલું કારણ છે બાળકોની ખાનપાનની આદત. જેમાં જંકફૂડ એક મોટું પરિબળ છે. મોટાભાગે શનિ-રવિમાં બાળકો જંકફૂડ ખાતા હોય છે. અને એનાથી વજન વધી જાય છે.”

“બીજું કારણ શારીરિક પ્રવૃત્તિ ઓછી કરવી. બાળક જો ઘરમાં જ રહે અને કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરે તો સ્થૂળતા આવે છે. આઉટડોર ગૅમ અને ઇતર પ્રવૃત્તિઓની ભૂમિકા મહત્ત્વની છે.”

“ત્રીજું કારણ છે વારસાગત સમસ્યા. માતાપિતાને કોઈ સમસ્યા રહી હોય તો એ બાળકમાં જોવા મળે છે. વળી પહેલાં કરતાં હવે જીવન વધુ તણાવયુક્ત થતા માતાપિતામાં હાઇપર ટૅન્શન હોવાથી એ બાળકોમાં પણ ઊતરી આવે એવું બની શકે.”

“બાળકોને શક્ય હોય ત્યાં સુધી ઘરે બનેલું ભોજન આપવું. પાંઉભાજી-ઢોસા જેવી વસ્તુ ઘરે જ સારા તેલ-બટરમાં બનાવી આપવી. વીડિયો ગૅમને બદલે ઘરની બહાર મોકલીને ક્રિકેટ સહિતની રમતો રમાડી શકાય. એનાથી સ્થૂળતાનું પ્રમાણ ઘટી શકે છે.”

‘છોકરા અને છોકરી બંનેમાં સ્થૂળતા વધી રહી છે’

બીબીસીએ બાળકોમાં સ્થૂળતા માટે જવાબદાર કારણો વિશે સમજવાની કોશિશ કરી તેમાં જંકફૂડ એક અગત્યનું જવાબદાર પરિબળ જોવા મળી રહ્યું છે.

આ વિશે વધુ જણાવતા સુરતના પિડિયાટ્રિક એસોસિયેશનના પ્રમુખ ડૉ. મનીષ શર્મા કહે છે, ”ડાંગ-આહવાના વિસ્તારોમાં કુપોષણ-એનિમિયાની સમસ્યા છે, જ્યારે સુરત જેવાં શહેરોમાં બાળકોમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળે છે.”

“છોકરા અને છોકરીઓ બંનેમાં સ્થૂળતા જોવા મળે છે. બંનેનું પ્રમાણ સરેરાશ સરખું છે. એમાં જંકફૂડ ખાસ જવાબદાર છે. ઉપરાંત મોબાઇલનો વપરાશ વધતા બાળકો બહાર શારીરિક શ્રમ પડે એવી પ્રવૃત્તિ-રમતો ઓછી કરે છે. જે પરિવાર શ્રીમંત છે અને બાળકની જીવનશૈલી વૈભવી છે ત્યાં આ સમસ્યાનું પ્રમાણ ખાસ જોવા મળે છે.”

“બાળકોને જંકફૂડ ખાતાં રોકવાં જોઈએ અને ઘરે બનેલી વાનગીઓ આપવી. વાસ્તવિકતા એવી છે કે હવે તો માબાપ નાનપણથી જ બાળકને જંકફૂડ આપવાનું શરૂ કરી દે છે. એટલે બાળકને એનો સ્વાદ સારો લાગતા પછી આદત લાગી જાય છે.”

સ્થૂળકાય બાળકોની સંખ્યા વધીને 2.7 કરોડ થશે?

  • ભારતમાં અંદાજે 1.8 કરોડ બાળકો વધારે પડતું વજન ધરાવે છે
  • નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (2019-21) - 5 વર્ષથી ઓછી ઉંમરના 3.4% બાળકો મેદસ્વી
  • 2015-16માં 2.1% બાળકો જ વધારે વજન ધરાવતાં હતાં
  • યુનિસેફના વર્લ્ડ ઓબેસિટી એટલાસ અનુસાર 2030 સુધીમાં ભારતમાં સ્થૂળકાય બાળકોની સંખ્યા વધીને 2.7 કરોડ થઈ જવાની શક્યતા છે
  • વિશ્વનાં દર દસ મેદસ્વી બાળકોમાંથી એક ભારતમાં હશે
  • છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં પુખ્ય વયના લોકોમાં પણ મેદસ્વીતા વધી છે
  • મેદસ્વીતા ધરાવતા પુખ્તોની સંખ્યા બાબતે દુનિયાના ટોચના પાંચ દેશોમાં ભારતનું સ્થાન છે
  • બાળરોગ વિશષજ્ઞો અનુસાર બાળકોને વધારે ચરબીયુક્ત, ગળ્યાં અને મીઠા સાથેનાં પીણાં વધારે આપવામાં આવે છે