નાઈટ ટેરરઃ 'મારો દીકરો રાતે અલગ જ વ્યક્તિ બની જાય છે, ઊંઘમાં ચીસ પાડે છે, ભયભીત થઈ જાય છે'

    • લેેખક, ફર્નાન્ડો પોલ
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ

"પહેલીવાર એવું બન્યું ત્યારે મને લાગ્યું કે મારા પુત્રને ચિત્તભ્રમ થયો છે. મેં તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેને શાંત થવા કહ્યું હતું, પરંતુ એ સમયે મારો પુત્ર એક અલગ જ દુનિયામાં હોય છે. તે મારાથી દૂર હોય છે."

ઓલિવિયા ગાર્સિયાએ તેમના ચાર વર્ષના પુત્ર જુઆન વિશેના અનુભવને યાદ કરતાં આમ કહ્યું હતું.

આ ઊંઘ સંબંધી બીમારી છે અને તેને પેરાસોમ્નિયા કહેવામાં આવે છે.

તેમાં વ્યક્તિને ગુસ્સો આવે છે, અકળામણ થાય છે. તે બૂમો પાડે છે. તેને પરસેવો વળે છે. ક્યારેક બાળકો ઊંઘમાં હિંસક વર્તન કરે છે.

સેન્ટિયાગો ડી ચિલીમાં રહેતાં ઓલિવિયાએ કહ્યું હતું, "મારો દીકરો અલગ વ્યક્તિ બનશે. તે ઘણી અગમ્ય વાતો કરે છે."

"ચીસો પાડે છે અને રડે છે. હું તેને ચુસ્તપણે ગળે વળગાડું છું અને મારો સ્નેહ આપું છું."

"ક્યારેક તે બીજા કોઈનું હોય એવું લાગે છે. તે આંખો ખોલે છે અને પાંપણ પટપટાવે છે. એ સમયે તે બહુ ભયભીત હોય છે."

અમેરિકન એકૅડેમી ઑફ સ્લીપ મેડિસિન(એએએસએમ)ના અંદાજ મુજબ, ઊંઘ દરમિયાન સર્જાતી આવી સ્થિતિ એટલે કે નાઇટ ટેરરનાં કારણોનો સંપૂર્ણપણે અભ્યાસ કરવામાં આવ્યો નથી. બાળકોમાં આવી તકલીફનું પ્રમાણ એકથી સાડા છ ટકા સુધીનું હોય છે.

એએએસએમનો અભ્યાસ જણાવે છે કે પાંચથી ઓછી વયના 25 ટકા બાળકો આ સમસ્યાથી પીડાય છે. અન્ય અભ્યાસોમાં આ પ્રમાણ 40 ટકા સુધીનું હોવામાં જણાવવામાં આવ્યું છે.

આ સમસ્યાથી પીડાતા બાળકોનું પ્રમાણ બધા દેશોમાં એકસરખું નથી. મોટાભાગે તેનો આધાર બાળકની વય પર હોય છે.

સામાન્ય રીતે એકથી સાડા પાંચ વર્ષની વયનાં બાળકોમાં આ સમસ્યા જોવા મળે છે. છ મહિનાથી 12 વર્ષની વયનાં બાળકોમાં તેને કૉમન માનવામાં આવે છે.

પુખ્ત વયના લોકોમાં આ સમસ્યા મહદઅંશે જોવા મળતી નથી. 65 વર્ષથી વધુની વયના એક ટકા લોકોમાં જ આવી સમસ્યા જોવા મળે છે.

બાળકોને આવી તકલીફ શા માટે થાય છે?

સામાન્ય રીતે બાળક ગાઢ ઊંઘમાં સરી પડે પછી ત્રીજા તબક્કામાં નાઇટ ટેરરની સમસ્યા સર્જાય છે. તે પાંચથી 15 મિનિટ સુધી ચાલે છે. કેટલાક કિસ્સામાં એ ભય લાંબો સમય રહે છે.

આ સમસ્યાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ વધુ પડતા થાક, ઓછી ઊંઘ અને વધારે પડતા તાવને કારણે તે થઈ શકે છે. એ ઉપરાંત તે આનુવાંશિક પણ હોઈ શકે છે. બાળકના મહિલા કે પુરુષ સગાને આવી સમસ્યા હોય તો બાળકને પણ તે થવાની શક્યતા વધુ હોય છે, એવું મેયો ક્લિનિકે જણાવ્યું હતું.

આ પ્રકારની સમસ્યાથી પીડાતાં બાળકોની પ્રતિક્રિયા કેવી હોય છે તે ચાઇલ્ડ ન્યૂરોલૉજિસ્ટ તાતિયાના મુનોઝે બીબીસી સાથેની વાતચીતમાં સમજાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, "બાળક અચાનક ઊંઘમાંથી જાગી જાય છે. પલંગમાં બેસી જાય છે અથવા પલંગ પરથી પડી જાય છે."

"જોરદાર ચીસો પાડે છે. તે બહુ ડરી જાય છે. તેમની સામે નજર પણ કરી શકાતી નથી."

"એ સમયે બાળકનું હૃદય ઝડપથી ધબકે છે. તે ઝડપથી શ્વાસ લે છે. તેને ખૂબ પરસેવો થાય છે. તેનો આખો ચહેરો લાલ થઈ જાય છે. આંખો મોટી થઈ જાય છે. તેની હાલત ચિંતાજનક લાગે છે."

અલબત, નાઈટ ટેરરથી પીડાતાં બાળકોને આગલી રાતે બનેલી ઘટના બીજી સવારે યાદ હોતી નથી. બધું થયા પછી પણ બાળકો શાંત થઈ જાય છે અને ઘસઘસાટ ઊંઘી જાય છે.

જુઆન સાથે પણ આવું બન્યું હતું. તેનાં માતાએ જણાવ્યું હતું કે આગલી રાતે તેણે શું કર્યું હતું એ તેને કહેશો તો તેને કશું સમજાશે નહીં.

સામાન્ય રીતે આ પ્રકારનો ડર લાંબા સમય સુધી ટકતો નથી.

ક્રાઇસ્ટ્સ કેથલિક યુનિવર્સિટી હેલ્થ નેટવર્ક ખાતે ઊંઘ નિષ્ણાત તરીકે કાર્યરત ડૉ. પાબ્લો બ્રોકમેને બીબીસીને કહ્યું હતું, "સરળ શબ્દોમાં કહીએ તો તે મગજમાં શૉર્ટ સર્કિટ જેવું હોય છે. મોટાભાગના નાઈટ ટેરરનું કોઈ ચોક્કસ કારણ હોતું નથી."

"તે બાળકોમાં એપીલેપ્સી અથવા બીજી બીમારીને કારણે થતો નથી. 90 ટકા કેસમાં તે આપોઆપ સર્જાય છે અને આપોઆપ તેનું નિવારણ થઈ જાય છે."

આ દુઃસ્વપ્ન નથી

આ સમસ્યા દુઃસ્વપ્ન કે ઊંઘમાં ચાલવાની બીમારીથી અલગ છે. ડો. પાબ્લો બ્રોકમેને કહ્યું હતું કે “બાળકને દિવસ દરમિયાન થયેલા આઘાતજનક અનુભવ અથવા સમસ્યા સાથે નાઈટ ટેરરને કોઈ લેવાદેવા નથી. મહદઅંશે તેને મૂડ સાથે સંબંધ છે.”

તેમણે ઉમેર્યું હતું કે "ગાઢ નિંદ્રામાં હોઈએ ત્યારે નહીં, પરંતુ ઊંઘના આરઈએમ તબક્કામાં આપણને દુઃસ્વપ્ન આવે છે."”(આરઈએમ સ્લીપ એટલે બંધ પાપણે આંખો ઝડપથી ફરતી હોય એ તબક્કો)

ઊંઘમાં ચાલવાની બીમારીની વાત કરીએ તો તેમાં શરીરનાં મોટાભાગનાં અંગો સામેલ હોય છે, એમ જણાવતાં ડૉ. પાબ્લો બ્રોકમેને ઉમેર્યું હતું કે "ઊંઘમાં ચાલવાની બીમારીથી પીડાતા લોકો જરાય ડર્યા વિના ચાલતા હોય છે."

"બેસીને વાતો કરતા હોય છે, પરંતુ નાઈટ ટેરરમાં એવું થતું નથી, જે અત્યંત ચિંતાજનક છે. તેમાં વધારે તણાવ અનુભવાય છે. તે ખતરનાક બની જાય છે. તેઓ જાત પરનો અંકુશ સંપૂર્ણપણે ગુમાવી દે છે."

નિષ્ણાતો જણાવે છે કે નાઈટ ટેરરનો અનુભવ કરતાં બાળકો મોટાં થાય ત્યારે ઊંઘમાં ચાલવાની બીમારી થવાની શક્યતા હોય છે.

આપણે શું કરી શકીએ?

નાઈટ ટેરરની સમસ્યાથી પીડાતા લોકોએ બાળકોની નજીક રહેવા ઉપરાંત બીજું ઘણું બધું કરવું પડે.

ઓલિવિયાએ કહ્યું હતું, "હું મારા સંતાનની નજીક રહેવાનો પ્રયાસ કરું છું. હું તેને ધરપત આપું છું કે મમ્મી કાયમ તારી સાથે જ છે. બધું સારું થઇ જશે. હું અજાણી વ્યક્તિ છું એવું તેને લાગે ત્યારે મને નિંદ્રાવસ્થામાં પોકારે છે."

તાતિયાના મુનોઝના કહેવા મુજબ, એ સમયે બાળકને જગાડવાનું અને ધરપત આપવાનું મુશ્કેલ હોય છે. આવું કરવાથી તેમની ચિંતા વધવાને બદલે ઓછી થઈ શકે. તે પીડામાંથી બહાર આવી શકે.

ડૉ. પાબ્લો બ્રોકમેનને જણાવ્યા અનુસાર, શમનના કેટલાક ઉપાય પણ મદદરૂપ થઈ શકે.

ઊંઘના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રાતે ઊંઘના પહેલા તબક્કા દરમિયાન તેમને ખલેલ ન પહોંચે અને ઊંઘતા પહેલાં ટીવી નિહાળવામાં ન આવે તેવી આદત પાડીને તેને દૂર કરી શકાય છે.

દાખલા તરીકે, બાળકો ઘણીવાર સામાન્ય સ્થિતિમાં ન હોય ત્યારે આવું થતું હોય છે. એ પરિસ્થિતિમાં તબીબી સલાહ લેવી બહેતર હોય છે.

જુઆનની નાઈટ ટેરરની સ્થિતિ વણસી ત્યારે ઓલિવિયા તેને ડોક્ટર પાસે લઈ ગયાં હતાં.

ઓલિવિયાએ કહ્યું હતું, "પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી છે એવું લાગ્યું ત્યારે અમે તેને ડૉક્ટર પાસે લઈ જવાનો નિર્ણય કર્યો હતો."

"જુઆન જાત પરનું નિયંત્રણ ગુમાવી રહ્યો હતો. તે વિચિત્ર વર્તન કરતો હતો. એ વખતે તેનામાં ગજબની શક્તિ આવી જતી હતી."

જુઆનનો ઇલેક્ટ્રો એન્સફાલોગ્રામ (ઈસીજી) કરાવવામાં આવ્યો હતો. મગજમાંની ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટીને જાણવા માટે ઈસીજી કરવામાં આવે છે. તેનાથી બાળકની ઊંઘની પેટર્ન જ નહીં, પરંતુ સંબંધીત અન્ય બીમારીઓ વિશે પણ જાણી શકાય છે.

ઈસીજીના પરિણામે જાણવા મળ્યું હતું કે જુઆનની ઊંઘની પ્રક્રિયા નોર્મલ, બીજા બાળકો જેવી જ હતી. તેને અન્ય કોઈ તકલીફ ન હતી.

કોરોના પછી અપૂરતી ઊંઘની સમસ્યા વધી છે?

કોરોના મહામારી પછી જુઆનને નાઈટ ટેરરની તકલીફ થઈ હતી.

ઓલિવિયાએ કહ્યું હતું, "જુઆન પર મહામારીની માઠી અસર થઈ છે. જુઆન એ વખતે બહુ નાનો હતો. તેણે આખો દિવસ ઑનલાઇન ક્લાસીસમાં વ્યસ્ત રહેવું પડતું હતું. ઘરમાં જ રહેવું પડતું હતું. બહુ મુશ્કેલ પરિસ્થિતિ હતી."

અનેક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના મહામારીને લીધે સમગ્ર વિશ્વમાં લોકોની ઊંઘ સંબંધી સમસ્યાઓમાં વધારો થયો છે.

કેટલાક નિષ્ણાતો તેને કોરોનાસોમ્નિયા અથવા કોવિડ-સોમ્નિયા કહે છે.

બ્રિટનની સાઉધમ્પ્ટન યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ, 2020માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના તારણ મુજબ, અપૂરતી ઊંઘની સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યામાં કોરોના પછી વધારો થયો છે. તેમાં બાળકો પણ અપવાદ નથી.

ડૉ. પાબ્લો બ્રોકમેને જણાવ્યું હતું કે કોરોના મહામારીને લીધે ઊંઘની વિકૃતિમાં મોટો ફેરફાર થયો છે.

બાળકોમાં તે બહુ સામાન્ય હોવાનું કહેવાય છે.