You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દરરોજ એક જ સમયે શા માટે ઊંઘવું જોઈએ?
આપણામાંથી ઘણાં લોકોને એવી આદત હોય છે કે રજાનાં દિવસે દરરોજ કરતાં અલગ સમયે સૂવું અને અલગ સમયે ઊઠવું.
તાજેતરમાં થયેલ એક અભ્યાસ દર્શાવે છે કે આપણી આ પ્રકારની આદતોને કારણે આપણાં આંતરડાંમાં રહેલાં અમુક બૅક્ટેરિયામાં એવાં પરિવર્તનો થાય છે કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
અઠવાડિયામાં અમુક દિવસોએ વહેલાં સૂવું અને અમુક રજાનાં દિવસોમાં મોડા સૂવું એ સૉશિયલ જૅટલેગ તરીકે ઓળખાય છે.
બ્રિટિશ સંશોધનકારોએ તારણ કાઢ્યું છે કે સૉશિયલ જૅટલેગવાળા લોકોની સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી ખાણાપીણીની આદતો પણ આ બૅક્ટેરિયાને પ્રભાવિત કરે છે.
શિફ્ટમાં કામ કરનાર કર્મચારીઓ દરરોજ નિશ્ચિત સમયે ઊંઘી શકતા નથી. આ રીતે કામ કરવાને કારણે તેમની ઊંઘમાં અતિશય વિક્ષેપ પડે છે. સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર થાય છે.
નિયમિત ઊંઘવા અને નિયમિત ઊઠવાને કારણે અનેક બીમારીઓનાં ખતરાને ટાળી શકાય છે.
સૉશિયલ જૅટલેગની કેવી અસરો થાય છે?
કિંગ્સ કૉલેજ લંડનનાં વૈજ્ઞાનિકો અનુસાર લગભગ એક હજાર પુખ્ત વયનાં લોકો પર કરવામાં આવેલા એક અધ્યયનમાં એવું સામે આવ્યું છે કે રાત્રિની ઊંઘમાં જો 90 મિનિટનો પણ ફેરફાર આવે તો મનુષ્યનાં આંતરડામાં રહેલા આ બૅક્ટેરિયા પ્રભાવિત થાય છે.
આપણા પાચન તંત્રમાં વિવિધ પ્રકારનાં બૅક્ટેરિયાનું હોવું ખૂબ જરૂરી છે અને શરીરને જરૂરી એટલી ચોક્કસ માત્રામાં હોવું પણ એટલું જ આવશ્યક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ થયેલાં કેટલાંક સંશોધનો જણાવે છે કે સૉશિયલ જૅટલેગ એ વજનમાં વધારો, માંદગી અને માનસિક તાણ સાથે પણ જોડાયેલ છે.
હૅલ્થ સાયન્સમાં કામ કરતી કંપની ઝૉનાં સિનિયર ન્યુટ્રિશન સાયન્ટિસ્ટ ડૉ. કૈથ બર્મિંઘમ કહે છે કે, "ઓછી ઊંઘને કારણે લોકોની નિર્ણયક્ષમતા પર પણ અસર થાય છે. તેમને વધુ કાર્બોહાઈડ્રેટ અને ગળ્યા પદાર્થો ખાવાની ઇચ્છા થાય છે."
આ પ્રકારનો હાનિકારક આહાર આંતરડામાં જરૂરી એવા આ વિશિષ્ટ બૅક્ટેરિયાની માત્રાને પ્રભાવિત કરી શકે છે.
સંશોધકોએ તારણ કાઢ્યું છે કે આંતરડામાં રહેલાં આ છ પ્રકારના માઇક્રોબાયોટા બૅક્ટેરિયામાંથી ત્રણ પ્રકારના બૅક્ટેરિયા ખોરાકની ખરાબ ગુણવત્તા, મેદસ્વીપણા અને સ્ટ્રૉક આવવાની સંભાવના સાથે જોડાયેલા છે. આ બૅક્ટેરિયા સૉશિયલ જૅટલેગ સાથે પણ જોડાયેલા છે.
સંશોધકોની ટીમ કહે છે કે ઊંઘ, આપણા ખોરાક અને આંતરડાંમાં રહેલા આ બૅક્ટેરિયા વચ્ચે ખૂબ જટિલ સંબંધો છે અને તેના વિશે હજુ ઘણું સંશોધન બાકી છે.
ત્યાં સુધી આપણે એટલું જ કરી શકીએ છીએ કે આપણી ઊંઘને નિયમિત રાખીએ.
ઊંઘમાં નિયમિતતા શા માટે જરૂરી છે?
ફેફસાંનાં તજજ્ઞ ડૉક્ટર એસ. જયારમણ કહે છે કે, "આપણે કયા સમયે ઊંઘીએ છીએ તેની અસર સીધી આપણા સ્વાસ્થ્ય પર થાય છે."
"આપણે દરરોજ એક જ સમયે ઊંઘવાની અને ઊઠવાની આદત પાડવી જોઇએ. જેને સ્લીપ ડિસિપ્લિન કહી શકાય."
દસ વાગ્યે ઊંઘી જવું અને છ વાગ્યે ઊઠી જવું એ આદર્શ સમયગાળો છે. અઠવાડિયામાં પાંચ દિવસ આ સાયકલ જાળવી રાખવી અને બાકીનાં દિવસોઓ વીકૅન્ડમાં અલગ સમયે ઊઠવું એ આપણા મગજ પર સીધી અસર કરે છે.
આંતરડાનાં બૅક્ટેરિયામાં થતા બદલાવોને કારણે હાઈ બ્લડ પ્રૅશર, ડાયાબીટિસ અને મેદસ્વિતા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
શિફ્ટમાં કામ કરનારા લોકો પાસે શું વિકલ્પ છે?
કેટલાક લોકો તેમની નોકરીનાં સમયને કારણે પોતાની ઊંઘમાં નિયમિતતા જાળવી શકતા નથી. કારણ કે તેઓ ક્યારેક રાત્રે તો ક્યારેક દિવસે કામ કરતા હોય છે.
આ અંગે ડૉ. જયારમણ જણાવે છે, "ઊંઘની બાબતમાં આપણે હંમેશાં સીસીડી( કૂલ, કામ અને ડાર્ક) ફૉર્મ્યૂલાને અનુસરવી જોઈએ. આપણે ઊંઘ રાત્રે જ લાંબા સમય સુધી ખેંચી શકીએ છીએ."
"જો તમારી પાસે કોઈ વિકલ્પ જ નથી અને તમારે દિવસે જ ઊંઘવું પડે તેવું છે તો એ વાતનું ધ્યાન રાખો કે તમારો રૂમ ઠંડો, શાંત હોય તથા તેમાં અંધારું પણ હોય."
ઊંઘતા પહેલાં શું કરવું અને શું ન કરવું?
ડૉ.જયારમણ અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ...
- દસ વાગ્યે ઊંઘી જવું અને સવારે છ વાગ્યે ઊઠી જવું
- જો તમે દસ વાગ્યે ઊંઘી જવાના હોવ તો રાત્રે આઠ વાગ્યે મોડામાં મોડું રાત્રિનું ભોજન લઈ લેવું જોઇએ.
- રાત્રે જલ્દીથી પચી જાય એવો જ ખોરાક લેવો, તેલવાળો ખોરાક ન લેવો.
- દૂધમાં પ્રૉટીન હોવાથી તે સારી ઊંઘમાં મદદ કરે છે એટલે ઊંઘતાં પહેલાં તે લઈ શકાય.
- જે લોકોને ડાયાબિટીસ નથી એ લોકો કેળું ખાઈને પણ ઊંઘી શકે છે.
- ઊંઘ્યા પહેલાના અડધા કલાકમાં ધ્યાન કરી શકાય, સંગીત પણ સાંભળી શકાય.
- ઊંઘતા પહેલાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનો ઉપયોગ પણ ટાળવો જોઈએ.
(આ લેખમાંની કેટલીક બાબતો ફિલિપા રૉક્સબી દ્વારા લખાયેલ લેખમાંથી લેવામાં આવી છે.)