You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વજન ઘટ્યા પછી ફરીથી ન વધે તેના માટેના 7 નુસખા
- લેેખક, હેન્રીઍટા ગ્રેહામ, ક્લૅર મૅડિગન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
વજન ઘટાડવું એ કોઈપણ વ્યક્તિ માટે પડકારજનક હોઈ શકે છે. પરંતુ જે લોકો પોતાનું વજન ઘટાડવામાં સફળ રહ્યા છે એ લોકો માટે પણ તેમના વજનને નિયંત્રણમાં રાખવું અને તે ફરીથી વધે નહીં તેનું ધ્યાન રાખવું પણ મોટો પડકાર છે.
તમે કોઈપણ પ્રકારે તમારું વજન ઘટાડ્યું હોય, તેમ છતાં આ પડકાર સૌની સામે આવે છે.
સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે જે લોકો રોજ 800થી 1200 કૅલરી ધરાવતું ભોજન લે છે, તેમનું વજન ઘટાડ્યાનાં પાંચ વર્ષ બાદ ફરીથી 26 ટકાથી 121 ટકા સુધી વધી ગયું હતું.
જે લોકો વજન ઘટાડવા માટે કોઈ ચોક્કસ વેઇટ લૉસ પ્રોગ્રામનો સહારો લે છે, તેમનું વજન એક વર્ષ બાદ 30થી 35 ટકા સુધી વધી જાય છે.
જે લોકો વજન ઘટાડવા માટે દવાઓ લે છે, દવાઓ બંધ કર્યાના એક વર્ષ બાદ તેમનું વજન બે તૃતીયાંશ જેટલું વધી જાય છે.
તો આવી પરિસ્થિતિમાં વજન ફરીથી વધે નહીં તેના માટે શું કરવું? જાણીએ આ અહેવાલમાં...
ફરીથી વજન વધવાનાં કારણો કયા છે?
એવાં ઘણાં કારણો છે જેના લીધે વજન ઘટાડ્યા બાદ ઝડપથી વજન વધી શકે છે.
- વજન ઘટવા લાગે ત્યારે આનંદ થાય છે, પણ સતત ઘટાડવું મુશ્કેલ છે
- વજન ઘટાડવા જીવનશૈલીમાં જે ફેરફાર કરવામાં આવે છે, તેને યથાવત્ રાખવા મુશ્કેલ
- જીવનશૈલીમાં લાવવામાં આવતું પરિવર્તન અવાસ્તવિક હોય, તો તેને લાંબા સમય સુધી જાળવીને રાખવું મુશ્કેલ બની જાય ઉ.દા. ઓછી કૅલરીવાળો આહાર લેવો એ કાયમ શક્ય નથી બની શકતું.
- વજન ઘટાડવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભૂખ લગાડનારા હૉર્મોન વધી જાય છે. જે ચયાપચયની ક્રિયાને ધીમી પાડી દે છે. આ ફેરફારથી વધારે ખાવાનું બંધ કરવું મુશ્કેલ બની જાય છે.
આમ, આવા કારણોને લીધે લાંબા સમય સુધી મહેનત કર્યા બાદ ઘટાડેલું વજન પાછું વધવા લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વજન ઘટાડ્યા બાદ ફરી વખત વજન વધવું એ હાલના સમયમાં સામાન્ય બાબત બની ગઈ છે.
જોકે, કેટલાક રસ્તા અપનાવીને આ વજનને વધતું પણ અટકાવી શકાય છે.
ફરી વખત વજન ન વધે તે માટેના સાત ઉપાયો જાણીએ.
1. પાલન ન થઈ શકે તો માઠું ન લગાડો, ફરીથી શરૂઆત કરો
એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે સ્વસ્થ વજન ટકાવીને રાખવું એ આજીવન પ્રક્રિયા છે.
નિયમિતરૂપે જીવનશૈલીમાં થતા ફેરફારનું પાલન કરવા અંગે વિચારવું કે સકારાત્મક ભવિષ્યવાણી કરવી વાસ્તવિક રીતે શક્ય નથી.
જ્યારે આ અશક્યતા વિશે વિચાર આવે ત્યારે માઠું ન લગાડવું જોઈએ. જેટલું જલદી બને એટલું પોતાની યોજનાઓનું પુનઃ પાલન કરવાનું શરૂ કરો.
★ જો તમને લાગે કે આ અઠવાડિયે વધારે પડતું ખાઈ લીધું છે, તો આવતા અઠવાડિયે થોડુંક વધારે ચાલવાનું રાખો.
જ્યારે પણ આપણે પોતાના લક્ષ્યાંક સુધી ન પહોંચીએ તો એમ લાગતું હોય છે કે કંઈક ખોટું કર્યું છે. એવામાં વજન ઘટાડાની પ્રક્રિયા છોડી પણ શકીએ છીએ.
2. પાર્ટીઓમાં જતાં પહેલાં વિચારી લો
તમારે એ જાણવાની જરૂર છે કે રજાઓ, લગ્નો કે પછી જન્મદિવસ સહિતની પાર્ટીઓને કારણે તમારી વેઇટ લૉસની પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે.
આ અડચણોનો સફળતાપૂર્વક સામનો કરવા માટે તમારે પહેલેથી યોજના બનાવવાની જરૂર છે.
★ જો તમે બારબેક્યૂ પાર્ટીમાં જઈ રહ્યા છો, તો ઓછી કૅલરી ધરાવતા ભોજનના વિકલ્પો પહેલેથી શોધીને રાખો.
આ પ્રકારની યોજનાઓ બનાવવાથી તમે કોઈ પણ અડચણ વગર પાર્ટીઓનો પણ આનંદ મેળવી શકશો અને તમારી વેઇટલૉસની સફરને પણ ખલેલ નહીં પહોંચે.
3. પોતાની સિદ્ધિ પર ગર્વ કરો
ક્યારેક-ક્યારેક આપણા વજનમાં કુદરતી રીતે વધઘટ થાય છે. જ્યારે આપણે નક્કી કરેલા લક્ષ્યાંક પર પહોંચીએ ત્યારે ગર્વ કરવો મહત્ત્વપૂર્ણ બાબત છે.
ઘણાં સંશોધનોથી જાણવા મળ્યું છે કે જે લોકો વજન 'કેટલું' ઘટાડ્યું, એના કરતાં વજન 'કેવી રીતે' ઘટાડ્યું, એના પર વધારે ધ્યાન આપતા હતા, તેમણે સરળતાથી વજન ઘટાડ્યું હતું અને તેમનું ફરીથી વજન વધવાની શક્યતા પણ ઓછી હતી.
4. આદત પાળો
આદતો પાળવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.
આ આદતો એ સુનિશ્ચિત કરશે કે વજન ઘટાડવાની તમારી પ્રેરણાને કોઈ ખલેલ ન પહોંચે.
એટલે કે જ્યારે આપણે પ્રયાસ ન કરવા માગીએ, ત્યારે પણ આ આદતો વેઇટલૉસની દિનચર્યામાં મદદરૂપ બની શકે છે.
★ વજન ઘટાડ્યા બાદ પણ તમે નવી આદતો પાળી શકો છો. એનો અર્થ એ છે કે રાત્રે જમ્યા બાદ ચાલવા જવું અથવા તો થોડુંક શ્રમ પડે એવું કામ કરી લેવું, વગેરે.
5. શરીરને સક્રિય રાખો
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વજન ઘટાડવા માટે શારીરિક શ્રમ સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ છે.
શારીરિક ગતિવિધિના કારણે શરીરમાં એકત્ર થયેલી કૅલરી બર્ન થાય છે.
★ સંશોધનથી જાણવા મળ્યું છે કે ઘટાડેલું વજન યથાવત્ રાખવા માટે દર અઠવાડિયે ઓછામાં ઓછી 250 મિનિટ વ્યાયામ કરવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ.
6. નિયમિતરૂપે વજન તપાસો
શરીરમાં એક અઠવાડિયામાં એકથી બે કિલો વજનની વધઘટ થઈ શકે છે.
નિયમિતરૂપે વજન તપાસીને અંદાજ મેળવી શકાય છે કે સરેરાશ વજન કેટલું છે. જે વજન ટ્રૅક કરવામાં મદદ કરી શકે છે.
પોતાના વજન પર નજર રાખીને તમે એ પણ સમજી શકો છો કે આહાર અને વ્યાયામમાં શું ફેરફાર કરવા જોઈએ.
★ જે લોકો નિયમિતરૂપે પોતાનું વજન માપે છે અને તેના અનુસાર આહાર અને વ્યાયામનું આયોજન કરે છે, તેઓ ફરી વખત વજન વધવાથી બચી શકે છે.
7. નાસ્તો કરો
વેઇટલૉસમાં નાસ્તાના મહત્ત્વ પર મિશ્રિત પરિણામ સામે આવ્યાં છે.
એક સંશોધનમાં 97 ટકા લોકોએ કહ્યું કે તેઓ રોજ નાસ્તો કરીને પોતાનું વજન નિયંત્રિત રાખવામાં સક્ષમ હતા.
અન્ય એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે રોજ શાકભાજી અને ઉચ્ચ ફાઇબરયુક્ત ખાદ્યપદાર્થોથી પણ વજન નિયંત્રિત કરી શકાય છે.
આ પ્રકારના ભોજનનું સેવન કરવાથી પેટ ભરાયેલું રહે છે, જેનાથી ઓછું ખાવું શક્ય બની શકે છે.
★ યાદ રાખો કે, વજન ઘટાડવાની પ્રક્રિયા નિયંત્રણમાં રાખવી કપરી છે, પરંતુ અશક્ય નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન