You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂખ વગર પણ કેમ કંઈક ખાવાનું મન થાય છે?
- લેેખક, ઓનુર એરેમ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
આહાર સાથેનો આપણો સંબંધ જટિલ અને ઘણીવાર બિનઆરોગ્યપ્રદ હોય છે.
પૌષ્ટિક, સંતોષકારક ભોજન કર્યા પછી પણ તમે માત્ર આનંદ ખાતર તમે નાસ્તો કરો છો? આ સવાલનો જવાબ હા હોય તો તમે આહારની એવી આદતમાં ફસાઈ રહ્યા છો, જેને નિષ્ણાતો ‘હેડોનિક ઈટિંગ’ કહે છે.
વિજ્ઞાનીઓના કહેવા મુજબ, "હેડોનિક ઈટિંગ ભૂખથી પ્રેરિત ન આહાર નહીં, પરંતુ આનંદના હેતુસર ખાદ્ય પદાર્થના ઉપભોગની ઇચ્છાથી પ્રેરિત હોય છે." ખાવાની આ આદતને હેડોન નામ આપવામાં આવ્યું છે, જે એક ગ્રીક શબ્દ છે અને તેનો અર્થ છે આનંદ. ગ્રીક પૌરાણિક કથાઓમાં આનંદની દેવીનું નામ હેડોન છે.
તમામ સ્વૈચ્છિક ભોજનમાં કેટલીક હદે આનંદ સામેલ હોય છે, પરંતુ કૅલેરીની જરૂરિયાતના અભાવમાં હેડોનિક ઈટિંગને એવા સમાજ સાથે સાંકળવામાં આવે છે, જ્યાં ભોજન આસાનીથી ઉપલબ્ધ હોય છે અને ભૂખ દુર્લભ હોય છે.
હેડોનિક ભૂખ શું છે?
આપણું શરીર આહાર સંબંધી ઊર્જા કે કૅલેરી વડે કાર્યરત રહેતું હોય છે. તે ઊર્જા કે કૅલેરી આપણને ભોજન તથા પીણાંઓમાંથી પ્રાપ્ત થતી હોય છે. આપણે આહારમાં લીધેલી કૅલેરી કરતાં વધુ કૅલેરીનો વપરાશ કરીએ ત્યારે આપણું શરીર ભૂખ વધારીને પ્રતિભાવ આપે છે. તેનું કારણ આપણા શરીરમાંની એક હોર્મોનલ પ્રણાલી છે, જે આપણા મસ્તિષ્કને પેટ ખાલી થયું હોવાનું જણાવે છે. તેને વ્યાપક રીતે ‘શારીરિક ભૂખ’ તરીકે ઓળખવામાં આવે છે.
વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, આપણે જૈવિક રીતે ભૂખનો અનુભવ ન કરતા હોઈએ, પરંતુ મુખ્યત્વ આનંદના હેતુસર ખાદ્ય પદાર્થોના ઉપભોગની ઇચ્છાથી તરબતર હોઈએ ત્યારે ‘હેડોનિક ભૂખ’ની સ્થિતિ સર્જાય છે.
બ્રિટનની લીડ્સ યુનિવર્સિટીના ભૂખ અને ઊર્જા સંતુલન વિષયના પ્રોફેસર જેમ્સ સ્ટબ્સ કહે છે, "હેડોનિક ઈટિંગની આદત તમામ લોકોમાં હોય છે અને દરેકનું ધ્યેયલક્ષી વર્તન આનંદથી પ્રેરિત હોય છે."
"અન્ય લોકોની સરખામણીએ કેટલાક લોકો માટે આહાર આનંદની વાત વધુ હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રોફેસર સ્ટબ્સ ઉમેરે છે, આનંદ સિવાય આપણી ખાવાની ટેવ મોટા ભાગે વિવિધ લાગણીઓ, તાણ તથા અગવડ ટાળવા સાથે જોડાયેલી હોય છે. "તે શારીરિક ભૂખ અને હેડોનિક ભૂખ વચ્ચેની ભેદરેખાને ઝાંખી પાડી દે છે."
આનંદ ખાતર ભોજન કરવાની ઇચ્છા થાય ત્યારે લોકો મોટો બાઉલ ભરીને સલાડ જેમકે ભાજી કે સમારેલી કોબી કે બ્રસેલ્સ સ્પ્રાઉટ્સનો આહાર કરે છે? ના. એવું નથી.
લિવરપુલ યુનિવર્સિટીના ઍપેટાઇટ ઍન્ડ ઓબેસિટી રિસર્ચ ગ્રૂપના વ્યાખ્યાતા તથા સંશોધક ડૉ. બેથન મીડ કહે છે, "આપણને ચરબી, મીઠું અને ખાંડ વધારે હોય તેવો ખોરાક કુદરતી રીતે વધારે લાભદાયક લાગે છે, કારણ કે તેને ઊર્જાનો સારો સ્રોત માનવામાં આવે છે."
"આ ખાદ્યપદાર્થો ઊર્જા પ્રદાન કરતા હોવાથી અને તેને ખાતી વખતે આનંદ આવતો હોવાથી આપણે તેનાથી આકર્ષિત થઈએ છીએ. આવા ખોરાકનો તેમના આનંદદાયક ગુણધર્મો માટે આહાર અને શારીરિક ભૂખની જૈવિક અનુભૂતિ વચ્ચે ભેદ પામવાનું મુશ્કેલ હોઈ શકે."
સ્થૂળતાનું જોખમ
ચરબી, મીઠું અને ખાંડ વધુ હોય તેવા ખોરાકના વ્યાપને પણ હેડોનિક આહારને ઉત્તેજિત કરતાં પરિબળો પૈકીનું એક ગણવામાં આવે છે. આનંદ ખાતર આવો બિનઆરોગ્યપ્રદ આહાર કરવાની લાગણી સ્થૂળતા સાથે વ્યાપક રીતે સંકળાયેલી છે.
પ્રોફેસર સ્ટબ્સ કહે છે, "પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ બહુજ સ્વાદિષ્ટ, આસાનીથી ઉપલબ્ધ અને રેડી ટુ ઈટ ફૂડથી આપણે ઘેરાયેલા છીએ."
"આધુનિક સમાજમાં આવો આહાર વજન વધવાનું અને સ્થૂળતાનું કારણ બને છે. તેથી હાલ પૃથ્વી પરની પ્રત્યેક આઠ વ્યક્તિમાંથી એક વ્યક્તિ સ્થૂળ છે તે આશ્ચર્યની વાત નથી."
આપણે શું કરી શકીએ?
નિષ્ણાતોના મતે, આનંદ માટે આહાર કરવામાં સૈદ્ધાંતિક રીતે કશું ખોટું નથી, કારણ કે તે લાભદાયી લાગણીને ઉત્તેજિત કરે છે, પરંતુ અતિશય આહાર, તેનું વ્યસન અને સ્થૂળતાથી ચેતવું જોઈએ.
તુર્કીમાં જાન્યુઆરી, 2024માં જર્નલ ઑફ હ્યુમન ન્યુટ્રિશન ઍન્ડ ડાયેટિક્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સ્થૂળતા સાથે જીવતા પુખ્ત વયના લોકો અને હેડોનિક ભૂખ વચ્ચેના સંબંધનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
સંશોધકોને જાણવા મળ્યું હતું કે વધુ વજન ધરાવતા લોકોમાં હેડોનિક ભૂખનું પ્રમાણ વધવાની સાથે વજન પણ વધવાને કારણે આત્મગૌરવનું અને સ્વ-કલંકનું પ્રમાણ ઘટ્યું હતું.
હેડોનિક આહારથી સર્જાતી વધુ પડતું ભોજન કરવાની લાગણીને ટાળવા આપણે શું કરવું જોઈએ?
ડો. મીડ કહે છે, "લોકો વજન ઘટાડે ત્યારે હેડોનિક ભૂખનું પ્રમાણ ઘટી શકે છે, એવું સંશોધન જણાવે છે."
"આ બાબતને મૅનેજ કરતા લોકો આહાર પ્રત્યેના પોતાના પ્રતિભાવને બદલવામાં સક્ષમ હોય તે અથવા પોતાના માટે લાભદાયી હોય એવી રીતે તેમાં બદલાવ કરી શકતા હોય તે શક્ય છે."
વજન ઘટાડવું, આહારની નવી આદતો વિકસાવવી અથવા નવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ઘણા લોકો માટે આસાન ન હોય તે શક્ય છે, પરંતુ પ્રોફેસર સ્ટબ્સનું કહેવું છે કે તેને એક આનંદદાયક સુખદ ગતિવિધિમાં બદલી પણ શકાય છે.
"દાખલા તરીકે, તમે તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવા ઇચ્છતા હો તો એ પ્રવૃત્તિ બાબતે વિચારો, જે તમારા માટે વધારે આનંદદાયક હોય. તે જીમમાં કસરત કરવા જવાની પ્રવૃત્તિ હશે? કદાચ નહીં. તે દોસ્તો સાથે ચાલવા જવાનું કે ડાન્સ કરવાનું હશે?"
"આનંદનું ક્યું પાસું તમારા જીવનને પ્રેરિત કરે છે અને તમને શું કરવાથી આનંદ થાય છે તે સમજવાનો પ્રયાસ કરવાનું મહત્ત્વનું છે."
હેડોનિક આહાર પર આધારિત અતિ ઉપભોગથી બચવાનો એક ઉપાય માઈંડફુલ ઈટિંગ (સ્વસ્થચિત્ત આહાર) હોઈ શકે છે.
પ્રોફેસર સ્ટબ્સ કહે છે, "તેમાં કેબેજ ડાયેટ નહીં ચાલે. તેને બદલે આહાર માટે વધારે સંતુલિત દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ."
તેઓ ભારપૂર્વક કહે છે, "અમે લોકોને હેડોનિક આહાર કરવાથી રોકવા ઇચ્છતા નથી. અમે વધારે સ્વાસ્થ્યપ્રદ આહારની જરૂરિયાતનો આગ્રહ કરીએ છીએ."
તેમનું કહેવું છે કે અતિ-સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થોથી મળતા આનંદ સાથે સમાધાન કર્યા વિના, ભોજન સાથે વધારે સકારાત્મક સંબંધ વિકસાવવાનું શક્ય છે.
પ્રોફેસર સ્ટબ્સના કહેવા મુજબ, "આપણે જેને 80:20 જીવનશૈલી કહીએ છીએ તેના ભણી આગળ વધી શકીએ.”
"તમે તમારા આહારમાં 80 ટકા પદાર્થો ઓછી કેલેરીવાળા, પોષક તત્વોથી ભરપૂર તથા વધારે આનંદદાયક હોય તો તમારી પાસે 20 ટકા બાકી રહે છે અને એ 20 ટકાનો ઉપયોગ તમે જીવનને વધારે આનંદ આપતા તેમજ મહત્ત્વપૂર્ણ સામાજિક પ્રસંગો અને પરિસ્થિતિ સાથે સંકળાયેલા આહાર માટે કરી શકો છો."