જરૂર કરતાં વધુ મીઠું ખાવાથી કેવી બીમારીઓ થાય? ભોજનમાં મીઠાનું પ્રમાણ કેવી રીતે ઘટાડવું?

    • લેેખક, ક્રિસ્ટોફર ડેમન
    • પદ, ધી કન્વર્સેશન

મીઠાનો ઉપયોગ માનવસભ્યતાના ઉદયથી જ થઈ રહ્યો છે. મીઠું મુખ્ચત્વે ખાવા-પીવાની વસ્તુઓને સ્વાદિષ્ટ બનાવવા અને તેમને પ્રિઝર્વ અને પ્રોસેસ કરવા માટે વપરાય છે.

કહેવાય છે કે એક સમયે પ્રાચીન રોમમાં વેપાર માટે મીઠું એટલું મહત્ત્વપૂર્ણ હતું કે સૈનિકોને તેમના પગાર તરીકે મીઠું આપવામાં આવતું હતું.

ખાદ્ય પ્રિઝર્વેટિવ તરીકે મીઠું અનિચ્છનીય બૅક્ટેરિયાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ફાયદાકારક બૅક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે.

જો મીઠામાં બૅક્ટેરિયાના વિકાસને અંકુશમાં રાખવાની આ ક્ષમતા ન હોય, તો પનીર, બ્રેડ, સલામી જેવા આથાવાળા ખોરાક તૈયાર કરવા સરળ ના હોત.

મીઠાના વધુ પડતા ઉપયોગનાં જોખમો શું છે?

મીઠું હાલમાં એક દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતો ખાદ્ય પદાર્થ છે. તેનો ઉપયોગ પ્રોસેસ્ડ ફૂડમાં વધી રહ્યો છે.

જોકે તેનાં કેટલાંક જોખમો પણ છે. હવે એ વાતના પુરાવા મળવા લાગ્યા છે કે મીઠાનો વધુ પડતો ઉપયોગ લોકોને બીમાર કરી શકે છે.

ખાસ કરીને એવા પ્રોસેસ્ડ ફૂડમાં જેમાં ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા અને પ્રિઝર્વ (જાળવણી) કરવા માટે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું ઉમેરવામાં આવે છે.

આ હાઈ બ્લડપ્રેશરનું કારણ બની શકે છે અને હાર્ટ ઍટેક તથા સ્ટ્રોકનાં જોખમને વધારે છે.

મીઠાનું વધારે પ્રમાણમાં સેવન પેટ અને મળાશયનાં કૅન્સર, કાનના રોગ, મેદસ્વિતા અને હાડકાં નબળા થવાનું પણ જોખમ વધારે છે.

મીઠાને એક સમયે સોનાથી પણ વધારે કિંમતી માનવામાં આવતું હતું. જ્યારે આજે કેટલીક મેડિકલ સંસ્થાઓ તેને કેટલીક બીમારીઓનું મુખ્ય કારણ બતાવે છે.

મીઠાના હિમાયતીઓ પાસે આનો જવાબ હોઈ શકે છે.

યુનિવર્સિટી ઑફ વૉશિંગટનના રિસર્ચ વૈજ્ઞાનિક અને ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજિસ્ટ હોવાને કારણે હું જણાવવા માંગુ છું કે તમારાં આંતરડામાં રહેલાં બૅક્ટેરિયા પણ કહી શકે છે કે મીઠું કેવી રીતે બીમારીઓને નોતરે છે.

વિશ્વ આરોગ્ય સંગઠન શું કહે છે?

સોડિયમની ભૂમિકા બ્લડપ્રેશર અને હૃદયની બીમારીઓમાં મુખ્ય છે. કારણ કે તે રક્તવાહિનીઓમાં પાણીનાં પ્રમાણને નિયંત્રિત કરે છે.

સરળ ભાષામાં કહીએ તો લોહીમાં જેટલા પ્રમાણમાં સોડિયમ હશે તે જ પ્રમાણમાં તે રક્તવાહિનીઓમાં પાણીનું પ્રમાણ નિયંત્રિત કરશે.

આ કારણે હાઈ બ્લડપ્રેશર જેવી બીમારી થઈ શકે છે અને હાર્ટ ઍટેકનું જોખમ પણ વધી જાય છે.

બ્લડપ્રેશરમાં મીઠાની અસર અલગ-અલગ લોકો પર ઓછી કે વધારે થઈ શકે છે.

તાજેતરનાં સંશોધનો દર્શાવે છે કે મીઠું આંતરડાંનાં બૅક્ટેરિયાનો નાશ કરીને બ્લડપ્રેશરની સમસ્યામાં વધારો કરી શકે છે.

મીઠાનાં કારણે શરીરમાં હાજર સ્વસ્થ બૅક્ટેરિયા ઓછાં થઈ જાય છે અને તેનાથી તમારી પાચન પ્રક્રિયા પર પણ નકારાત્મક અસર પડે છે.

લોકો લાંબા સમયથી ખોરાકને સાચવવા અને તેને બૅક્ટેરિયાથી દૂર રાખવા મીઠાનો ઉપયોગ કરી રહ્યા છે.

આજકાલ ખોરાકમાં સોડિયમની માત્રા ખૂબ હોય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, પુખ્ત વ્યક્તિએ એક દિવસમાં સરેરાશ 2000 મિલિગ્રામથી વધુ સોડિયમનું સેવન ન કરવું જોઈએ.

વિશ્વમાં સોડિયમના સેવનની સરેરાશ માત્રા 4310 મિલિગ્રામ છે, જેના કારણે આરોગ્યપ્રદ મીઠાનો ઉપયોગ પણ વધ્યો છે.

સ્થૂળતા અને મીઠું કેવી રીતે જોડાયેલાં છે?

બ્લડપ્રેશર ઉપરાંત મીઠું તમારાં આરોગ્યને અન્ય રીતે પણ અસર કરી શકે છે અને અહીં પણ તમારા બૅક્ટેરિયા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

ખોરાક અને પીણાંમાં સોડિયમની વધુ પડતી માત્રા અને મળમાં સોડિયમનું ઊંચું પ્રમાણ ચયાપચય પ્રક્રિયામાં થતી ગરબડ સાથે સંબંધિત છે, જેમાં ડાયાબિટીસ, ફેટી લીવર અને સ્થૂળતાના પડકારોનો પણ સમાવેશ થાય છે.

એક રિસર્ચમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે રોજિંદા ખોરાકમાં એક ગ્રામ સોડિયમનો વધારો સ્થૂળતાનું જોખમ 15 ટકા સુધી વધારી દે છે.

યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના એક અભ્યાસ પરથી જાણવા મળે છે કે જેમણે બે અઠવાડિયાં સુધી અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ખાધો તેમણે બીજા લોકો કરતાં 500 કેલરી જેટલું વધારે સેવન કર્યું અને તેમનું વજન એક કિલોગ્રામ વધી ગયું.

લોકો અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકમાં વધારાનું 1.2 ગ્રામ સોડિયમ લે છે. સામાન્ય પ્રોસેસ્ડ ખોરાકની સરખામણીમાં આ એક મોટો તફાવત છે.

કેલરી ન હોવા છતાં મીઠાના વધુ પડતા ઉપયોગથી વજન કેવી રીતે વધી શકે? આનો એક જવાબ એ છે કે સોડિયમ ખોરાકની તલબને વધારે છે.

જ્યારે ખાંડ સાથે સોડિયમ ભળે છે, ત્યારે તે સ્વાસ્થ્ય માટે સારું નથી. જેને કારણે ખાદ્યપદાર્થો તમને વારંવાર ખાવાનું મન થાય છે તે તમારું વજન વધારી શકે છે.

આ ખોરાક તમારા મગજને અસર કરે છે અને તમે તેના વ્યસની બની જાઓ છો.

મીઠું ખાવાની તલબ પણ વધારે છે અને તમારાં આંતરડાંમાં રહેલા બૅક્ટેરિયાને પણ અસર કરે છે.

માઇક્રોબાયોમ મેટાબોલિટ્સ કુદરતી રીતે એવા પદાર્થો છોડે છે જે વજન ઘટાડવા તરફ દોરી શકે છે જેમ કે વેગોવી અને ઓઝેમ્પિકાય.

જીએલપી-1 દ્વારા એક તંદુરસ્ત માઇક્રોબાયોમ થકી બ્લડ સુગરનાં સ્તરને પણ નિયંત્રિત કરી શકાય છે.

મીઠાનો વપરાશ ઘટાડવાના પ્રયાસો

ઘણા દેશો મીઠાના વધતા ઉપયોગને સંતુલિત કરવા માટે પગલાં લઈ રહ્યા છે, તેમ છતાં વિશ્વના ઘણા ભાગોમાં સોડિયમનો વપરાશ સતત વધી રહ્યો છે.

અમેરિકા ખોરાકમાં મીઠાના ઉપયોગને ઘટાડવા માટે ખાસ કશું કરી શક્યું નથી, પરંતુ યુરોપના ઘણા દેશોમાં હવે તેના સારાં પરિણામો દેખાઈ રહ્યાં છે.

તેઓ મીઠાની માત્રાના સંદર્ભમાં પેકેજ્ડ ફૂડને વધુ સારી રીતે લેબલ કરી રહ્યા છે, ફૂડ રિફોર્મ્યુલેશનનો આશરો લેવામાં આવી રહ્યો છે. ફૂડ રિફોર્મ્યુલેશન હેઠળ, પેકેજ્ડ ફૂડમાં મીઠું, ખાંડ અને ચરબીનું પ્રમાણ ઓછું થાય છે. કેટલીક જગ્યાએ મીઠા પર ટેક્સ પણ લાદવામાં પણ આવ્યો છે.

વિવિધ દેશોમાં પીરસવામાં આવતાં ફાસ્ટફૂડમાં હાજર મીઠાનો તુલનાત્મક અભ્યાસ પણ તેમની વિવિધતાનો ખ્યાલ આપે છે.

ઉદાહરણ તરીકે, અમેરિકામાં મૅકડોનાલ્ડના ચિકન નગેટ્સ વધું ખારાં હોય છે. અમેરિકામાં ઉપલબ્ધ કોકા કોલામાં પણ મીઠું હોય છે જ્યારે અન્ય દેશોમાં એવું નથી.

તેમાં અમેરિકાની સૉલ્ટ ઇન્ડસ્ટ્રીની પણ ભૂમિકા છે.

2010 ના દાયકામાં સૉલ્ટ ઇન્ડસ્ટ્રીએ તેના પ્રભાવનો ઉપયોગ કરીને સરકારને આ અંગે કોઈ કાયદો બનાવતા અટકાવી હતી.

એંસીના દાયકામાં તમાકુ કંપનીઓએ સિગારેટના કિસ્સામાં પણ આમ જ કર્યું હતું.

કારણ કે ખારી ખાદ્ય વસ્તુઓ સારી રીતે વેચાય છે.

આપણા આહારમાં મીઠાનો ઉપયોગ ઘટાડવાની જરૂરિયાત વધી રહી છે અને તેના પુરાવાઓ પણ આવવા લાગ્યા છે.

સરકારી સંસ્થાઓએ પણ આ જરૂરિયાતને સમજવાનું શરૂ કર્યું છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચરે વર્ષ 2021માં ઉદ્યોગને અપીલ કરી હતી કે તેઓ પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડમાં મીઠાનો ઉપયોગ ધીમે ધીમે ઘટાડવા તરફ પગલાં ભરે.

કાર્ગિલ જેવી કેટલીક અમેરિકન કંપનીઓ પણ આ અપીલ સાથે સહમત થઈ હતી.

સંતુલનની જરૂર છે

અહીં સવાલ એ ઊભો થાય છે કે તમે જેટલા મીઠાનું સેવન કરી રહ્યા છો તે જોતાં તમે તમારા આંતરડાંમાં રહેલા બૅક્ટેરિયાનાં પોષણનું ધ્યાન કેવી રીતે રાખશો?

તમે પ્રોસેસ્ડ ફૂડ્સના તમારા વપરાશને મર્યાદિત કરીને તેની શરૂઆત કરી શકો છો.

મીઠાના પ્રમાણને લઈને મીઠાવાળું પ્રોસેસ્ડ મીટ, ક્રૈકર્સ અને ચિપ્સ જેવી ખારી વસ્તુઓ, ચટણી, બ્રેડ અને સોડા જેવો ખારા નાસ્તાને અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકની શ્રેણીમાં રાખવામા આવે છે.

હાલમાં અમેરિકામાં 70 ટકા મીઠું પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડમાંથી આવે છે.

ઓછા સોડિયમ અને ઓછી ખાંડવાળી ખાદ્યપદાર્થો તરફથી ધ્યાન હઠાવીને વધુ પોટેશિયમ અને ફાઇબર ધરાવતી ખાદ્ય વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

કઠોળ, અખરોટ, બદામ, બીજ, આખાં અનાજ, ફળો અને શાકભાજી જેવા ખાદ્યપદાર્થો મોટાભાગે પ્રોસેસ કરવામાં નથી આવતાં.

આથાવાળા ખોરાક કે જેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે, તે પણ સારી પસંદગી હોઈ શકે છે. કારણ કે તેમાં ફાઇબર, પોટેશિયમ અને પૉલિફીનોલ્સ જેવાં સૂક્ષ્મ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.

આપણે આપણા આહારમાં સોડિયમ અને પોટેશિયમનાં સંતુલનનું ધ્યાન રાખવું પડશે. સોડિયમ રક્તવાહિનીઓમાં અને પોટેશિયમ કોષોમાં પ્રવાહી જાળવવામાં મદદ કરે છે.

જો તેનું સેવન સંતુલિત પ્રમાણમાં કરવામાં આવે તો સારાં પરિણામ મળે છે.

જો તમે મીઠાને લગતી તમામ સલાહો પર પૂરેપૂરો વિશ્વાસ નથી કરતા અને તેના ઉપયોગ અંગે સાવધાન રહેશો તો તમારા શરીરમાં રહેલા બૅક્ટેરિયા તમારો આભાર માનશે.

(ક્રિસ્ટોફર ડેમન યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન સ્કૂલ ઑફ મેડિસિન ખાતે ગૅસ્ટ્રોએન્ટેરોલૉજીના એસોસિયેટ પ્રોફેસર છે.)