ઘઉં કે ભાત? શું ખાવું સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે?

આપણા પૈકી મોટા ભાગનાએ ‘ખાવાની સ્પર્ધા’ વિશે સાંભળ્યું હશે. આ એક એવી સ્પર્ધા છે જેમાં જે-તે વ્યક્તિને વિજેતા તેની ખાવાની ઝડપને આધારે જાહેર કરવામાં આવે છે. પરંતુ ભોજનસામગ્રી વચ્ચે ચાલી રહેલી રસાકસી વિશે ક્યારેય સાંભળ્યું છે ખરું?

કંઈક આવી જ લડાઈ ઘણા સમયથી ચોખા અને ઘઉં વચ્ચે ચાલી રહી છે. અહીં મુદ્દો એ છે કે ઘઉં સ્વાસ્થ્ય માટે સારા કે ચોખા.

આપણે એ વાત જાણીએ છીએ કે ડાયાબિટીસ જેવી સમસ્યાથી પીડાતા લોકો ચોખાને બદલે ઘઉં પસંદ કરે છે. ઘણા ડૉક્ટરો પણ આવું કરવાની સલાહ આપે છે.

પરંતુ આ બંને વચ્ચે શું ફરક છે? શું ઘઉં ચોખા કરતાં ખરેખર વધુ સ્વાસ્થ્યપ્રદ છે? શું તેનું સેવન ખરેખર લાભકારી છે?

ચાલો, જોઈએ આ સવાલ વિશે મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો શું કહે છે?

ઘઉં-ચોખામાં કયાં પોષકતત્ત્વો હોય છે?

ઘણા લોકો માને છે કે ડૉક્ટરો ઘઉંની વાનગી ખાવાની એટલા માટે સલાહ આપે છે, કારણ કે તેમાં ચોખા કરતાં સ્ટાર્ચ (કાર્બોહાઇડ્રેટ) ઓછો છે.

પરંતુ એમજીએમ હેલ્થકેર હૉસ્પિટલનાં સિનિયર ડાયટિશિયન વિજયશ્રીના મતે બંનેમાં સ્ટાર્ચનું પ્રમાણ સમાન છે.

તેઓ કહે છે કે, “ઘઉં અને ચોખા બંનેમાં સ્ટાર્ચ સમાન છે. તેમાં થોડો ઘણો ફરક હોઈ શકે, પરંતુ મોટા ભાગે આ પ્રમાણ એક જેવું જ છે.”

તેઓ ઘઉં અને ચોખામાં રહેલાં પોષકતત્ત્વો વિશે સમજાવે છે.

નૅશનલ ન્યુટ્રિશન એજન્સી પ્રમાણે “100 ગ્રામ ચોખામાં 350 કૅલરી હોય છે. જ્યારે ઘઉંમાં 347 કૅલરી હોય છે. ચોખામાં પ્રાથમિક પ્રોટીન છથી સાત ટકા હોય છે, જ્યારે ઘઉંમાં ગૌણ પ્રોટીનનું પ્રમાણ 12 ટકા હોય છે.”

આ સિવાય આ બંને ખાદ્યસામગ્રીઓમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે.

ચોખામાં પણ ફાઇબર હોય છે

ફાઇબર વધુ હોવાને કારણે વજન ઘટાડવા માગતા લોકોથી માંડીને ડાયાબિટીસના દર્દીઓ માટે ચોખા પહેલી પસંદ હોય છે.

પરંતુ વિજયશ્રી કહે છે કે ચોખામાં પણ ફાઇબર હોય છે. પરંતુ પ્રોસેસિંગ દરમિયાન એ પોષકતત્ત્વ નાશ પામે છે. ઘઉંમાં આવી કોઈ પ્રક્રિયા ન થતી હોવાને કારણે તેમાં વધુ પ્રમાણમાં ફાઇબર જોવા મળે છે.

ન્યુટ્રિશનિસ્ટ વિજયશ્રી પ્રમાણે “ચોખામાં સ્ટાર્ચ, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કૅલ્શિયમ હોય છે. જ્યારે પૉલિશ કર્યા વગરના ચોખામાં થિયામિન અને ફાઇબર પણ હોય છે.”

“ઘઉંમાં સ્ટાર્ચ, પ્રોટીન, ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે. તેમજ ચોખા કરતાં લગભગ બમણું આયર્ન, કૅલ્શિયમ અને ફાઇબર હોય છે.”

શું ચોખા ખાવાથી શુગરનું પ્રમાણ વધે?

ડૉક્ટરો ડાયાબિટીસથી પીડાતા લોકોને ચોખાની વાનગીઓ લેવાનું ટાળવા સૂચવતા હોય છે. અમે આનું કારણ જાણવા માટે સિમ્સ હૉસ્પિટલના ડૉક્ટર અને ન્યુટ્રિશનિસ્ટ વિનિતા કૃષ્ણન સાથે વાત કરી.

તેમણે કહ્યું, “ઘઉંમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે શરીરમાં ખાંડનું પ્રમાણ વધવાથી રોકે છે, પરંતુ ચોખામાં ફાઇબર નથી હોતું, તેથી તેના સેવનથી તરત જ શુગર લેવલમાં વધારો નોંધાય છે.”

આ પ્રશ્નના જવાબમાં ડાયટિશિયન વિજયશ્રી કહે છે કે, “ચોખાની વાનગીઓમાં ફાઇબરનો અભાવ હોઈ તે પચવામાં સરળ હોય છે. પરંતુ તેનાથી બ્લડ શુગર લેવલ ખૂબ ઝડપથી વધે છે. આથી ડૉક્ટરો વધુ ફાઇબરવાળા મિલેટ અને ઘઉં લેવાની સલાહ આપે છે.”

શું ઘઉંથી કોઈ નવો રોગ થઈ શકે?

ડૉ. વિનિતા કૃષ્ણન કહે છે કે, “તાજેતરના નવા અભ્યાસો અનુસાર ઘણા લાંબા સમય સુધી ઘઉંની વાનગી લેનારને આંતરડાંની સમસ્યા થઈ શકે છે.”

તેઓ ઘઉંમાં રહેલા ગ્લુટન નામના તત્ત્વને આના માટે જવાબદાર ઠેરવે છે.

તેઓ કહે છે કે, “ગ્લુટન એ ઘઉંમાંથી રોટલી કે પરાઠા બનાવતી વખતે ખેંચાવાની પ્રક્રિયામાં મદદરૂપ થતું તત્ત્વ છે.”

આ વિશે વાત કરતાં વિજયશ્રી કહે છે કે, “ઘઉં સાથે સંકળાયેલી એકમાત્ર મુશ્કેલી ગ્લુટન છે.”

ઉપરાંત ગ્લુટન એ ખરેખર તો પ્રોટીન છે.

જોકે, વિજયશ્રી ઉમેરે છે કે એ સાબિત નથી કરી શકાયું કે ગ્લુટન બધા માટે યોગ્ય નથી. તે અમુક લોકો માટે ઍલર્જીનું કારક બની શકે છે.

ગ્લુટનને લીધે સોજાની તકલીફ કોને થઈ શકે?

વિજયશ્રી કહે છે કે આજના સમયમાં ઘણા લોકો ગ્લુટનને લગતી તકલીફોનો સામનો કરે છે. તેનું મુખ્ય કારણ છે વધુ પડતું પ્રોસેસ્ડ ફૂડ.

તેઓ કહે છે કે, “આંતરડાંની સમસ્યાથી પીડાતા લોકોને ગ્લુટનને કારણે થતી સોજાની તકલીફ હોય છે. તાજેતરમાં ગ્લુટનને ઇન્સુલિન માટેની સંવેદનશીલતા સાથે પણ સાંકળવામાં આવે છે. આ સિવાય ઘઉંના વધુ પડતા સેવનને ડાયાબિટીસની સમસ્યા સાથે પણ સાંકળવામાં આવે છે. પરંતુ હજુ સુધી આ અંગે કંઈ સાબિત થયું નથી.”

આ સિવાય ડૉ. વિનિતાના મતે ગ્લુટનને કારણે સોરાયસિસ અને આર્થરાઇટિસની સમસ્યા ધરાવતા લોકોને વધુ તકલીફ થઈ શકે છે.

ગ્લુટન કયા પ્રકારની વાનગીઓમાં હોય છે?

મોટા ભાગે ગ્લુટન અનાજમાં હોય છે.

ન્યુટ્રિશનિસ્ટ વિજયશ્રી કહે છે કે, “ગ્લુટન ઘઉં, મેંદો, જવ અને ઓટ્સમાં જોવા મળે છે. જોકે, કોઈ પણ શાકભાજીમાં એ મળતું નથી.”

મોટા ભાગના ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે ઘઉં અને મેંદો એ મોટા ભાગે એકસમાન છે. મેંદો એ ઘઉંની આડપેદાશોમાંથી બને છે. એવું મનાય છે કે પાછલા ઘણા સમયથી મેંદો એ સ્વાસ્થ્યલક્ષી ઘણી સમસ્યાઓનું કારક બની રહ્યું છે.

ડૉ. વિનિતા કહે છે કે, “મેંદો કેમિકલપ્રક્રિયા કરીને બનાવાય છે. તેથી ઘઉંમાંથી સારાં તત્ત્વો નીકળી જાય છે અને માત્ર કાર્બોહાઇડ્રેટ રહે છે.”

ડાયટિશિયન વિજયશ્રી કહે છે કે માત્ર વધુ કાર્બોહાઇડ્રેટને કારણે મેંદો નકામો બની જતો નથી, પરંતુ તેમાં રહેલાં અન્ય તત્ત્વો પણ તેને સ્વાસ્થ્ય માટે હાનિકારક બનાવે છે.