દુનિયામાં એક અબજથી વધુ લોકો મેદસ્વી છે, ભારતની શું સ્થિતિ છે?

    • લેેખક, સ્મિતા મુંદાસાદ
    • પદ, હૅલ્થ રિપોર્ટર

દુનિયાભરના લોકોમાં મેદસ્વીપણાની સમસ્યા વધતી જાય છે. હાલમાં એક અબજથી વધુ લોકો મેદસ્વીતાના શિકાર બનેલા છે.

એક સમયે મેદસ્વીતાને માત્ર સમૃદ્ધ પશ્ચિમી દેશોની સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે તે ઓછી તથા મધ્યમ આવકવાળા દેશોની સમસ્યા બની રહી છે. આરોગ્ય નિષ્ણાતો અનુસાર મેદસ્વીતા કેટલીય ગંભીર બીમારીઓને નોતરે છે.

મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર દુનિયાભરમાં મેદસ્વીતાના શિકાર એક અબજ લોકોમાં 86 કરોડ લોકો પુખ્ત વયના છે જ્યારે 15 કરોડ 90 લાખ બાળકો છે.

મહિલાઓમાં મેદસ્વીતા વધવાની સૌથી વધુ ગતિ ટોંગા દેશમાં અને અમેરિકી દેશ સમોઆમાં નોંધાઈ છે.

સમોઆ અને નાઉરુમાં પુરુષોમાં મેદસ્વીતા વધવાનો દર સૌથી વધુ છે.

અહીં 70 અને 80 ટકા પુખ્ત લોકો મેદસ્વીતાના શિકાર છે.

સ્ત્રીઓમાં મેદસ્વીપણાના સંદર્ભમાં ભારત 19મા ક્રમે છે, જ્યારે પુરુષોમાં તે 21મા ક્રમે છે.

વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે કહ્યું છે કે મેદસ્વીતા સામે લડવા માટે નવા પગલાં ભરવાની જરૂર છે.

મેદસ્વીતાને કારણે હૃદયરોગ, ટાઇપ ટુ ડાયાબિટીસ અને કૅન્સર જેવી બીમારીઓ થઈ શકે છે.

મેદસ્વીતાની રેન્કિંગ (મેદસ્વીતાના શિકાર લોકોની ટકાવારી, તેમાં ઉંમરના અંતરને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે) ના હિસાબે કેટલાક દેશોની સ્થિતિ આ પ્રમાણે છે.

1. પુરુષોમાં મેદસ્વીપણામાં સૌથી ઝડપી વૃદ્ધિના સંદર્ભમાં અમેરિકા 10મા ક્રમે છે અને મહિલાઓમાં મેદસ્વીતાના સંદર્ભમાં 36મા ક્રમે છે.

2. પુરુષોમાં મેદસ્વીતા વધવાના મામલે સૌથી વધુ ઝડપ ધરાવતા દેશોમાં બ્રિટનનો ક્રમ 55મો છે.

3. મહિલાઓમાં મેદસ્વીપણાના સંદર્ભમાં ચીન 11મા ક્રમે અને પુરુષોમાં 52મા ક્રમે છે.

બાળકો અને કિશોરોમાં ઝડપથી વધ્યું મેદસ્વીપણાનું પ્રમાણ

ઇમ્પિરિયલ કૉલેજ લંડનના વરિષ્ઠ સંશોધક માજિદ એઝાતીએ બીબીસીને જણાવ્યું હતું કે, "આમાંના ઘણા દેશોમાં મેદસ્વીપણું એ તંદુરસ્તી વિરુદ્ધ બિનઆરોગ્યપ્રદ ખોરાકનો મામલો બની ગયો છે."

તેઓ કહે છે, "કેટલાક કિસ્સાઓમાં આ માર્કેટિંગ કંપનીઓની આક્રમક વ્યૂહરચના પણ છે જે બિનઆરોગ્યપ્રદ ખોરાકને પ્રોત્સાહન આપે છે."

આ સિવાય કેટલીકવાર જ્યારે હેલ્ધી ફૂડની કિંમત વધારે હોય અથવા તે ઉપલબ્ધ ન હોય ત્યારે પણ લોકો એવા ફૂડને પ્રાધાન્ય આપે છે જે મેદસ્વીતા વધારી શકે છે.

પ્રૉફેસર એઝાતીએ વર્ષોથી મેદસ્વીપણાના આંકડાઓ પર નજર રાખી રહ્યા છે. તેની વધતી જતી ગતિ અને તેના બદલાતા ચિત્રથી તેઓ આશ્ચર્યચકિત છે. હવે ઘણા બીજા દેશો પણ લોકોમાં વધતી મેદસ્વીપણાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

જ્યાં લોકોમાં ઓછું વજન એક સમસ્યા તરીકે સામે આવી રહ્યું હતું તેવાં સ્થળોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

રિપોર્ટ અનુસાર 1990 અને 2022 વચ્ચે બાળકો અને કિશોરોમાં મેદસ્વીપણાનો દર ચાર ગણો વધી ગયો છે.

પુખ્ત વયની મહિલાઓમાં આ દર બમણા કરતાં પણ વધુ ઝડપથી વધ્યો છે. પુખ્ત પુરુષોમાં આ ઝડપ ત્રણ ગણી છે.

આ દરમિયાન ઓછા વજનવાળા પુખ્ત વયના લોકોના પ્રમાણમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જોકે, સંશોધકોનું કહેવું છે કે આ સમસ્યા હજુ પણ ગરીબ દેશોમાં છે.

યુદ્ધ અને કોરોના પણ મેદસ્વીપણાનું કારણ

તેમણે કહ્યું કે,"જળવાયુ પરિવર્તનથી થઈ રહેલી અસરો, કોવિડ-19થી શરૂ થયેલી ઊથલપાથલ અને યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિઓએ વધુ વજન અને ઓછું વજન એમ બંને પ્રકારની સમસ્યાઓમાં વધારો કર્યો છે. કારણ કે આ પરિસ્થિતિઓથી ગરીબી વધી છે અને લોકો પોષક ભોજનથી દૂર થઈ ગયા છે."

"આ પરિસ્થિતિઓનો બીજો દુષ્પ્રભાવ એ ઊભો થયો છે કે કેટલાક દેશોમાં પરિવારોને પર્યાપ્ત ભોજન નથી મળી રહ્યું. તેઓ બિનસ્વાસ્થ્યપ્રદ ભોજનની તરફ વળી રહ્યા છે."

1500થી વધુ સંશોધકોના નેટવર્કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સહયોગથી પાંચ વર્ષ અને તેથી વધુ ઉંમરવાળા 22 કરોડ લોકોની ઊંચાઈ અને વજન માપ્યું છે.

તેના માટે તેમણે બૉડી માસ ઇન્ડેક્સ એટલે કે બીએમઆઈનો સહારો લીધો હતો.