દારૂ નાની ઉંમરે પીવાથી મગજ પર કેવી ખતરનાક અસર થાય?

    • લેેખક, ડેવિડ રોબસન
    • પદ, બીબીસી ફ્યુચર માટે

યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ઘરેથી રવાના થયાના એક દિવસ પહેલાં હું 18 વર્ષનો થયો હતો. સ્ટુડન્ટ્સ પબ તથા બાર્સમાં જવાની તેમજ દારૂ ખરીદવાની બ્રિટનની નિર્ધારિત વય મર્યાદાને મેં પાર કરી હતી.

મારા નવા ઘરની બાજુમાં હું એક ડૉક્ટર પાસે ગયો ત્યારે તેમણે મને સવાલ કર્યો હતો કે હું દર અઠવાડિયે કેટલા યુનિટ દારૂ પીઉં છું. (યુનિટ બ્રિટનમાં દારૂના સેવનને માપવાની એક સામાન્ય રીત છે. 1.5 યુનિટનું પ્રમાણ વાઈનના એક નાના ગ્લાસ જેટલું ગણાય છે) સ્કૂલના દોસ્તો સાથે રાતે કરેલા વોડકા તથા ઓરેન્જના સેવનની ઉતાવળે ગણતરી કરીને મેં તરત કહ્યું, “લગભગ સાત યુનિટ.” મને એમ હતું કે આ પ્રમાણ ઓછું છે, પરંતુ મેં ક્યારેય નિયમ તોડ્યો નથી.

ડૉક્ટરે હળવું સ્મિત કરતાં કહ્યું, “તમે અહીં આવ્યા છો એટલે તેનું પ્રમાણ વધશે.” ડોક્ટરની વાત ખોટી ન હતી. તેના થોડા સપ્તાહ પછી જ સ્ટુડન્ટ્સ બારમાં થોડા શોટ્સ લીધા પછી હું વાઈનની બૉટલ ભણી વળ્યો હતો. મોટા પ્રમાણમાં શરાબ પીવાથી આજીવન નુકસાન થઈ શકે છે એ હું જાણતો હતો, પરંતુ 30, 40 કે 50 વર્ષની વ્યક્તિની સરખામણીએ મારી યુવાવસ્થા દરમિયાન વધારે જોખમ સર્જાશે એ મેં વિચાર્યું ન હતું. તમામ વયસ્કો માટે જોખમ સમાન હોય છે?

દારૂની યુવા મગજ પર અત્યંત માઠી અસર થાય છે એ હું હવે જાણું છું, પરંતુ ત્યારે જાણતો હોત તો હું થોડો વધારે સતર્ક રહ્યો હોત. 18 વર્ષની વયે મારું મગજ વિકસી રહ્યું હતું અને તે કમસે કમ સાત વર્ષ સુધી પરિપકવ થવાનું ન હતું. તેને લીધે દારૂ પ્રત્યેની આપણી પ્રતિક્રિયા બદલાઈ જાય છે. વધુ મહત્ત્વની વાત એ છે કે જીવનના આ સમયગાળામાં દારૂ પીવાથી આપણા જ્ઞાનાત્મક વિકાસ પર દીર્ઘકાલીન અસર થાય છે.

દારૂની યુવા લોકો પર થતી અસર વિશે સંશોધકો સાથે વાત કરતાં મને આ સિવાયનાં અનેક આશ્ચર્યજનક તારણોની ખબર પડી હતી.

બ્રિટન અને અમેરિકાની સરખામણીએ યુરોપના લોકોમાં દારૂ પીવાનું કલ્ચર વધારે સ્વસ્થ છે તેમજ યુવા લોકોને ઘરમાં ભોજન વખતે દારૂ પીવાની છૂટ આપવાથી તેઓ દારૂનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે છે, એવી માન્યતા છે.

દુનિયાભરમાં થઈ રહેલાં સંશોધનોએ વય અને દારૂ વિશેની આવી અનેક માન્યતાને પલટવાનું શરૂ કરી દીધું છે.

આ નવા વિજ્ઞાને દારૂ વિશેના આપણા વર્તમાન કાયદાઓ બદલવા જોઈએ કે નહીં, તે એક જટિલ રાજકીય મુદ્દો છે, પરંતુ હકીકત વિશે વધારે જાગૃતિ લાવવાથી આગામી પેઢીઓને પાર્ટી કરવાની રીતો બાબતે વધારે માહિતીપૂર્ણ વિકલ્પ પસંદ કરી શકશે અને પોતાના ઘરમાં આલ્કોહોલના ઉપયોગ બાબતે વધારે સારો નિર્ણય કરવામાં માતા-પિતાને પણ મદદ મળશે.

નાનું શરીર, મોટું મગજ

એક વાત સ્પષ્ટ સમજી લોઃ દારૂ એક ઝેર છે. તે પીવાથી જીવલેણ અકસ્માતો, લીવરની બીમારી અને ઘણાં પ્રકારનાં કૅન્સર થાય છે. ઓછી માત્રામાં પણ દારૂ પીવાથી કૅન્સર થવાની શક્યતા છે. તેથી જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેરાત કરી છે કે “દારૂનું સેવન ભલે કોઈ પણ માત્રામાં કરવામાં આવે, પરંતુ તેની સ્વાસ્થ્ય પર માઠી અસર ચોક્કસ થાય છે.”

જોકે, કેટલીક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે જોખમ-મુક્ત હોય છે અને તેનાં જોખમોની સરખામણી મદ્યપાનથી થતા આનંદ સાથે કરવામાં આવે છે. તેથી આપણી આરોગ્ય નીતિઓ માફકસરના મદ્યપાનની મર્યાદાના સિદ્ધાંત પર આધારિત છે.

અમેરિકામાં પુરુષો માટે તેની મર્યાદા દિવસના વધુમાં વધુ બે ડ્રિંક અને સ્ત્રીઓ માટે માત્ર એક ડ્રિંકની છે. અન્ય ઘણા દેશોમાં પણ આ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે છે. અલબત્ત, બીયર અને વાઈનને સામાન્ય રીતે સલામત ડ્રિંક્સ ગણવામાં આવે છે.

અમેરિકાની ભલામણ મુજબ, પીણાનો પ્રકાર મહત્ત્વનું પરિબળ નથી, પરંતુ પીવામાં આવતા આલ્કોહોલનું પ્રમાણ છે. “એક 12 આઉન્સ બીયરમાં પાંચ આઉન્સના વાઈનના ગ્લાસ અથવા દારૂના 1.5 આઉન્સ એક શોટ જેટલો જ આલ્કોહોલ હોય છે.” આલ્કોહોલ ખરીદવાની વય મર્યાદાનો કાયદો પણ નુકસાનની મર્યાદાના સમાન તર્કને અનુસરે છે.

કાયદો બાળકોનું રક્ષણ કરે છે, જ્યારે યુવા પુખ્ત વયના લોકોને તેમની પસંદગીની છૂટ આપે છે. મોટા ભાગના યુરોપિયન દેશોમાં લઘુતમ મર્યાદા 18 વર્ષની છે, જ્યારે અમેરિકામાં તે 21 વર્ષની છે.

જોકે, કાનૂની લઘુતમ વય મર્યાદા વટાવ્યા પછી પણ યુવા લોકો માટે દારૂ વધારે જોખમી હોવાનાં અસંખ્ય કારણો છે. તેમાં એક છે શરીરનું કદ અને આકાર, કિશોર વયના લોકો 21 વર્ષ સુધી તેમની પુખ્ત ઊંચાઈ સુધી પહોંચતા નથી અને તેમની ઊંચાઈ વધવાનું બંધ થાય પછી પણ જોખમ તો હોય જ છે. “

આ કારણસર એક ગ્લાસ આલ્કોહોલ પીવાથી પુખ્ત વયના લોકોની સરખામણીએ યુવા લોકોના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ જોવા મળે છે,” એમ માસ્ટ્રિક્ટ યુનિવર્સિટીના પોસ્ટ-ડૉક્ટરલ સંશોધક તથા ‘બિયોન્ડ લેજિસ્લેશન’ના લેખક રુડ રુડબીન કહે છે.

‘બિયોન્ડ લેજિસ્લેશન’ પુસ્તકમાં ડ્રિંકિંગની લઘુતમ વય વધારવાની અસરને નાણવામાં આવી છે.

કિશોર વયના લોકોનું પાતળું શરીર પણ હાયર હેડ-ટુ-બોડી રેશિયો દ્વારા વર્ગીકૃત હોય છે. હું જાણું છું કે હું બોબલહેડ રમકડાં જેવો દેખાતો હતો અને આ પ્રમાણ પણ નશાને પ્રભાવિત કરી શકે છે. તમે આલ્કોહોલ પીઓ છો ત્યારે તે તમારા લોહીમાં પ્રવેશ કરે છે અને તમારા શરીરમાં ફેલાય છે. પાંચ જ મિનિટમાં તે, તમારા મગજને હાનિકારક પદાર્થોથી સલામત રાખતા લોહી-મગજના અવરોધને સરળતાથી પાર કરીને તમારા મગજ સુધી પહોંચે છે.

રુડબીન કહે છે, “આલ્કોહોલનો પ્રમાણમાં મોટો હિસ્સો યુવા લોકોના મગજમાં જાય છે અને તે, યુવા લોકોને દારૂની ઝેરીલી અસર થવાનું વધુ એક કારણ છે.”

મગજનો આકાર

ખોપરીમાં થતા ફેરફાર પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. ભૂતકાળમાં એવું માનવામાં આવતું હતું કે ન્યૂરલ ડેવલપમૅન્ટ કિશોરાવસ્થાનાં પ્રારંભિક વર્ષોમાં જ બંધ થઈ જાય છે, પરંતુ તાજેતરનાં સંશોધન દર્શાવે છે કે કિશોર વયના મગજમાં એક જટિલ રિવાયરિંગ થાય છે, જે ઓછામાં ઓછા 25 વર્ષની વય સુધી ચાલુ રહે છે.

સૌથી મહત્ત્વપૂર્ણ ફેરફારોમાં ‘ગ્રે મેટર’માં ઘટાડાનો સમાવેશ થાય છે, કારણ કે એક કોષને બીજા કોષ સાથે સંચારની સુવિધા આપતા સીનાપ્સીસને મગજ હટાવી દે છે. એવી જ રીતે અવાહક ફેટી આવરણથી ઢંકાયેલ એક્સોન્સ તરીકે ઓળખાતું વાઈટ મેટર પ્રસરે છે.

મેડિકલ યુનિવર્સિટી ઑફ સાઉથ કેરોલિનાના ન્યુરોસાયકૉલૉજિસ્ટ લિન્ડસે સ્ક્વેગ્લિયા કહે છે, “તેઓ મગજના સુપર-હાઈવે જેવા હોય છે.” તે અત્યંત કાર્યક્ષમ ન્યૂરલ નેટવર્ક છે, જે વધારે ઝડપથી માહિતી પ્રોસેસ કરી શકે છે.

આનંદ અને ઈનામ સાથે સંકળાયેલી લિમ્બિક સિસ્ટમ સૌથી પહેલાં પરિપકવ થાય છે. સ્ક્વેગ્લિયા કહે છે, “આ પ્રદેશ કિશોરાવસ્થા દરમિયાન સંપૂર્ણપણે પુખ્ત જેવી હોય છે.”

કપાળની પાછળના હિસ્સામાંનું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ ધીમે-ધીમે પરિપક્વ થાય છે. આ પ્રદેશ હાયર ઑર્ડર થિન્કિંગ માટે જવાબદાર હોય છે. તેમાં ભાવનાત્મક નિયમન, નિર્ણય લેવાની આવડત અને જાત પર નિયંત્રણનો સમાવેશ થાય છે.

પુખ્ત વયના લોકો કરતાં કિશોર તથા યુવાન વયના લોકો વધારે જોખમ લેવાનું વલણ શા માટે ધરાવતા હોય છે તે આ બે પ્રદેશોના વિકાસ સંબંધિત અસંતુલન સમજાવી શકે.

સ્ક્વેગ્લિયા કહે છે, “કિશોરાવસ્થાનું મગજ બ્રેક વિનાના, સંપૂર્ણપણે વિકસિત ગૅસ પેડલ ધરાવતા હોવાનું ઘણા લોકો જણાવે છે.”

ચેતાકોષોને દારૂથી તરબોળ કરી દેવાથી પારાવાર થ્રિલની લાગણી સર્જાય છે. ખાસ કરીને કિશોર વયના અધીરા લોકો માટે દારૂ ખરાબ વર્તન અને અપરાધનું દુષ્ચક્ર સર્જી શકે છે.

સ્ક્વેગ્લિયા કહે છે, “વધુ આવેગ ધરાવતાં બાળકો વધારે દારૂ પીતાં હોય છે અને દારૂ પીવાથી તેમનામાં આવેગ વધતો હોય છે.”

કિશોર વયના લોકો વધુ વખત અને વધુ પ્રમાણમાં દારૂ પીએ તો તેમના મગજના લાંબા ગાળાના વિકાસ પર માઠી અસર થઈ શકે છે.

અભ્યાસો દર્શાવે છે કે મદ્યપાન જીવનમાં વહેલું શરૂ કરવાથી ગ્રે મેટરમાં ઝડપી ઘટાડો થાય છે, જ્યારે વાઈટ મેટરની વૃદ્ધિ અટકી જાય છે. સ્ક્વેગ્લિયા કહે છે, “જે બાળકો વહેલાં દારૂ પીવાનું શરૂ કરે છે તેમના સુપર-હાઈવે મોકળા થતા નથી.”

તેનું પરિણામ જ્ઞાનાત્મક પરીક્ષણમાં તત્કાળ જોવા મળી શકે. યુવા મગજમાંના સમસ્યાના નિરાકરણ માટે જવાબદાર પ્રદેશોએ નુકસાનની ભરપાઈ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. જોકે, તે સતત એવું કરી શકતું નથી. “વર્ષો સુધી મદ્યપાન કરવાથી આપણા મગજની સક્રિયતા ઓછી થાય છે અને આવી પરીક્ષણોમાં તેનું પર્ફૉર્મન્સ નબળું હોય છે.”

કિશોર વયથી જ મદ્યપાન શરૂ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ માઠી અસર થાય છે અને પછીના જીવનમાં દારૂની લત્ત લાગવાનું જોખમ રહે છે. ખાસ કરીને વડીલો મદ્યપાન કરતા હોય તેવા પરિવારોના લોકો આ વધારે સાચું છે.

એવા પરિવારનાં બાળકો જેટલાં વહેલાં મદ્યપાન શરૂ કરે તેટલી દારૂની લત્ત લાગવાની શક્યતા વધારે હોય છે. દારૂની લત્તના વધુ જોખમ સાથે સંકળાયેલા જનીનો પર, મગજના વિકાસના આ નિર્ણાયક સમયગાળા દરમિયાન સૌથી વધુ માઠી અસર થાય છે.

સ્ક્વેગ્લિયા કહે છે, “વ્યક્તિ જેટલો લાંબો સમય રાહ જોઈ શકે એટલો વધુ લાભ આ જનીનો થાય છે.”

યુરોપિયન મોડેલ શું છે?

આ તારણો, કિશોર વયના લોકોની પસંદગી પર અને તેમને ઘરમાં મદ્યપાનની મંજૂરી કેવી રીતે તથા ક્યારે આપવી તે અંગેના તેમનાં માતા-પિતાના નિર્ણયો પર કેવી રીતે અસર કરી શકે છે?

સ્ક્વેગ્લિયા કહે છે, “અમારી ભલામણ એ છે કે મદ્યપાન બને તેટલું મોડું શરૂ કરવું જોઈએ, કારણ કે કિશોર વયના લોકોનું દિમાગ વિકાસશીલ હોય છે અને આલ્કોહોલ તથા અન્ય પદાર્થોનું સેવન શરૂ કરો તે પહેલાં તેને બને તેટલું વિકસવા તેમજ સ્વસ્થ થવા દેવું જોઈએ.”

આ ભલામણનો સમાવેશ કાયદામાં કરવો જોઈએ કે નહીં એ અલગ વાત છે. સ્ક્વેગ્લિયાના કહેવા મુજબ, મદ્યપાન વિશેના તેમનાં જાહેર પ્રવચનોમાં પ્રેક્ષકો “મદ્યપાનના યુરોપિયન મૉડલ” વિશે વારંવાર સવાલ કરે છે. ફ્રાંસ જેવા કેટલાક દેશોમાં સગીરોને પારિવારિક ભોજન વખતે વાઈન અથવા બીયર પીવાની છૂટ હોય છે.

યુરોપની બહાર પણ ઘણાં માતા-પિતા માને છે કે બાળકોને નિયંત્રિત સંદર્ભમાં મદ્યપાનની છૂટ આપવાથી તેમને દારૂનો પરિચય થાય છે અને તેઓ સલામત રીતે મદ્યપાન કરવાનું શીખે છે તેમજ ચિક્કાર દારૂ પીવાનું ઓછું કરે છે. બીજી તરફ તેમને મદ્યપાનની છૂટ ન આપવામાં આવે તો તેઓ છાના ખૂણે દારૂ પીતા થઈ જાય છે.

આ નરી માન્યતા છે. સ્ક્વેગ્લિયા કહે છે, “માતા-પિતા તેમનાં સંતાનોને મદ્યપાનની જેટલી વધારે છૂટ આપે તેટલા જ વધારે પ્રમાણમાં તેમનાં સંતાનોને મદ્યપાનની લત્ત લાગવાની શક્યતા હોય છે, એવું સંશોધનો દર્શાવે છે.”

એક વ્યાપક સમીક્ષા સૂચવે છે કે “માતા-પિતા તેમનાં કિશોર વયનાં સંતાનો પર દારૂ પીવા બાબતે જેટલા વધારે કડક રહે તો તેમનાં સંતાનો ઓછું મદ્યપાન કરે છે અને તેમને મદ્યપાન સંબંધી સમસ્યાઓ પણ સર્જાતી નથી.”

મોટા ભાગના પુરાવા સૂચવે છે કે દારૂ ખરીદવાની લઘુતમ વયના જૂના કડક કાયદા પણ જવાબદારીપૂર્વકના મદ્યપાનને પ્રોત્સાહિત કરે છે.

ઑસ્ટ્રિયામાં જોહાન્સ કેપ્લર યુનિવર્સિટી લિન્ઝ ખાતેના એલેકઝાન્ડર અહેમરના અભ્યાસની વાત કરીએ. ઑસ્ટ્રિયામાં 16 વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિ બીયર અથવા વાઈન ખરીદી શકે છે. આકરા કાયદાને લીધે શરાબ પીવાની ઇચ્છામાં વધારો થતો હોય તો મદ્યપાન કરવાની કાયદેસરની લઘુતમ વય 21 વર્ષ છે તે અમેરિકા કરતાં ઑસ્ટ્રિયામાં વધુ સ્વસ્થ ડ્રિંકિંગ કલ્ચર હોવું જોઈએ, પરંતુ હકીકતમાં આવું નથી.

બન્ને દેશોમાં લઘુતમ વય વટાવી ગયા પછી લોકો ચિક્કાર મદ્યપાન કરતા જોવા મળે છે, “પરંતુ અમેરિકાની સરખામણીએ ઑસ્ટ્રિયામાં આ ઉછાળો 25 ટકા વધુ હતો,” એમ અહમેર કહે છે.

બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકામાં દારૂ ખરીદવાની લઘુતમ વય વધારે હોવાથી લોકો વધારે જવાબદાર બન્યા હોય તેવું લાગે છે.

અભ્યાસમાં સહભાગી બનેલા લોકોને તેમની વર્તણૂક વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે અહમેરને જાણવા મળ્યું હતું કે મદ્યપાન સાથે સંકળાયેલાં જોખમો વિશેની ઑસ્ટ્રિયનોની ધારણા, તેમના સોળમા જન્મદિવસ સુધીમાં નાટ્યાત્મક રીતે બદલાઈ ગઈ હતી.

અહમેર કહે છે, “મદ્યપાન કાયદેસર બને છે ત્યારે કિશોર વયના લોકો તેને પહેલાં કરતાં ઓછું જોખમી માનવા લાગે છે.” સોળ વર્ષની વયે સલામતીની ખોટી ભાવના વધારે ખતરનાક બની શકે છે, જ્યારે 21 વર્ષની વયે પરિપક્વ મગજ મદ્યપાનની ઇચ્છાને નિયંત્રિત કરવા કંઈક અંશે સજ્જ હોય છે.

યુરોપનો હેલ્ધી ડ્રિંકિંગ કલ્ચરનો આઇડિયા આજીવન સાચો નથી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ, ઓછું અને મધ્યમસરનું મદ્યપાન, યુરોપિયન પ્રદેશમાં મદ્યપાન સાથે સંકળાયેલા કૅન્સર પૈકીના અડધોઅડધનું કારણ છે.

વૈજ્ઞાનિક પુરાવાને ધ્યાનમાં લઈને સરકારોએ, કાયદેસર મદ્યપાનની લઘુતમ વયમર્યાદા મગજનો વિકાસ બંધ થઈ જાય પછીની એટલે કે 25 કે તેથી વધુની નક્કી કરવી જોઈએ?

નિષ્ણાતો જણાવે છે કે તે આટલું આસાન નથી, કારણ કે જાહેર આરોગ્યના લાભો સાથે વ્યક્તિગત સ્વાતંત્ર્ય વિશેની લોકોની ધારણાઓનું સંતુલન કરવું જરૂરી છે.