ગુજરાત: દારૂ પીવાની રોજ ટેવ હોય અને છોડી દેવામાં આવે તો શું થાય?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કેટલાક કિસ્સામાં 'દારૂ પીવાની છૂટ' આપવામાં આવી છે અને સરકારે તેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવાથી ફરી એક વાર રાજ્યમાં દારૂ, પરમિટ વગેરેની ચર્ચા શરૂ થઈ છે.

નવા વર્ષમાં ઘણા લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવાનું નક્કી કરે છે. ઘણા લોકો એવું પણ વિચારશે કે ‘હવે તો દારૂ છોડી જ દઈશ.’

આવું કરવાથી સ્વાસ્થ્યની સાથે સાથે સીધો ફાયદો ખિસ્સાને પણ થતો હોય છે.

દરમિયાન લોકો દારૂના ફાયદા અને નુકસાનની ચર્ચા પણ કરતા રહે છે. ત્યારે આ અહેવાલ એ જાણવાની કોશિશ કરીએ કે દારૂથી થતા ફાયદા શું છે અને નુકસાન શું છે?

દારૂ પીવાનું છોડી દેવાય તો શરીરમાં કેવા ફેરફાર થાય?

શરૂઆતના દિવસ

પહેલા અમુક દિવસમાં તમારું શરીર હકારાત્મક ફેરફારો દેખાડશે. દારૂથી શરીરમાં જે પાણીનું સ્તર ઘટી ગયું હતું તે વધવા લાગે છે. આનાથી ત્વચા સારી થશે અને શરીરમાં ઊર્જા વધશે.

તદુપરાંત દારૂ પીવાથી તમારા લિવરનું મેટાબૉલિઝમ ઓછું થયું હશે તે સુધારવાની શરૂઆત થશે.

જો તમે નિયમિત દારૂ પીતા હશો અને છોડશો તો કેટલાક દિવસો શરીર દારૂની માગ કરતું રહેશે.

પહેલા થોડાંક અઠવાડિયાં

હવે તમને દારૂ છોડવાના ફાયદા સ્પષ્ટપણે અનુભવાશે.

દારૂના લીધે જે તમારા મગજ પર જે ધુમ્મસ છવાયું હતું તે દૂર થાશે અને તમારી એકાગ્રતા વધશે.

જોકે હજુ એવું લાગે કે દારૂની જરૂર છે, બે અઠવાડિયાં સુસ્તી જેવું અનુભવાશે, પરંતુ તે પછી ધીરે ધીરે ઓછી થઈ જશે.

શરૂઆતના મહિના

હવે તમારું શરીર સુધારા તરફ વેગ પકડશે. લીવરમાં એ ક્ષમતા હોય છે કે તે ધીરે ધીરે પહેલાં જેવું કાર્ય કરવાની કોશિશ કરે. લીવર એન્ઝાઇમ સામાન્ય સ્તર પર આવે છે અને ફેટી લીવરને લગતા રોગ અને સિરોસિસ જેવી સમસ્યાનું જોખમ ઘટાડે છે.

જેવું તમારું બ્લડપ્રેશર રાબેતા મુજબ સ્થિર થશે ત્યારે તમારા હૃદયની તંદુરસ્તી સુધરશે અને હૃદયને લગતા રોગની સંભાવનાઓ ઓછી થશે.

કેટલાક દિવસો પછી તમે તમારી લાગણીઓ પર કાબૂ રાખી શકશો.

શરૂઆતનાં વર્ષો

લીવરના રોગો, સ્વાદુપિંડનો સોજો અને અમુક કૅન્સર જેવી દીર્ઘકાલીન બીમારીઓનું જોખમ ઓછું થશે.

ધીરે ધીરે તમારી યાદશક્તિ અને માનસિક સ્થિતિમાં સતત સુધારો થશે. ચિંતા અને હતાશાનાં લક્ષણો ઘટે છે અને જાતીય કાર્યમાં પણ સુધારો થઈ શકે છે.

દારૂ છોડવાના ફાયદા શું છે?

બ્રિટનની જાહેર આરોગ્ય સેવા એનએચએસ મુજબ, જ્યારે તમે દારૂ પીવાનું ઓછું કરો છો ત્યારે શરીરમાં આવા કેટલાક ફાયદા થઈ શકે:

  • સવારે ઊઠીને સારું લાગશે
  • આખા દિવસમાં ઓછો થાક લાગશે
  • તમે વધારે ફીટ અનુભવશો
  • વજન ઓછું થશે અથવા વધવાનું બંધ થઈ જશે

તમને આ ફેરફારો તરત જ અનુભવાશો. જો તમે દારૂ પીવાનું સતત ઘટાડતા રહેશો અથવા છોડી દેશો તો તમે તમારા શરીરમાં લાંબા ગાળે આવા ફેરફારો થશે:

ઊંઘ સારી આવશે

આમ તો દારૂ પીધા પછી તરત જ ઊંઘ આવી જાય છે, પણ તે ગાઢ નથી હોતી.

2013માં વિજ્ઞાનની એક જર્નલ “અલ્કોહોલિસ્મ”માં દારૂની ઊંઘ પર થતી અસરને લગતો એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેમાં કહેવાયું હતું કે ગમે તેટલી માત્રામાં દારૂ પીધો હોય તો ઊંઘ તરત આવી જાય છે. ઊંઘના પહેલા તબક્કામાં તો ગાઢ ઊંઘ આવી જશે, પરંતુ બીજા તબક્કામાં ઊંઘ વારે ઘડીએ તૂટતી રહેશે.

એનએચએસ મુજબ, જો તમે દારૂ પીવાનું ઘટાડી દેશો તો સવારે વધુ તાજગી અનુભવશો.

રોગો સામે લડવાની ક્ષમતા વધશે

વધારે પડતો દારૂ પીવાથી રોગપ્રતિકારશક્તિ ઘટી જાય છે અને અનેક રોગો થવાનો ખતરો વધી જાય છે.

એનએચએસ મુજબ જે લોકો વધારે દારૂ પીએ છે તેમને ચેપી રોગો થવાની શક્યતાઓ વધી જાય છે.

આવું એટલે થાય છે કે વધુ પડતો દારૂ શરીરમાં સાયટોકિન બનાવવામાં અવરોધરૂપ બને છે. સાયટોકિન એ તત્ત્વ છે જે શરીરના ચેપ સામે લડવાની ક્ષમતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આલ્કોહોલ અબ્યૂજ ઍન્ડ આલ્કોહોલિજ્મના એક રિપોર્ટમાં લખ્યું છે કે દારૂ પીવાના 24 કલાક પછી પણ શરીરમાં સાયટોકિનનું ઉત્પાદન ધીમું રહે છે.

મૂડ સારો રહે છે

એનએચએસ મુજબ, દારૂ અને ડિપ્રેશન વચ્ચે મજબૂત સંબંધ છે. હેંગઓવર પણ ઘણી વાર લોકોનો મૂડ બગાડે છે અને તેમને અસ્વસ્થતા અનુભવાય છે.

જો તમે પહેલેથી જ હતાશ અથવા ઉદાસ છો તો દારુ તેને વધારશે છે. એનએચએસ મુજબ, તમે દારૂનું પ્રમાણ ઓછું કરવાથી તમારો મૂડ સુધારી શકો છે.

ત્વચા સારી થશે

ઘણા લોકો દારૂ છોડતાની સાથે જ તમને ત્વચામાં ફેરફાર જોવા લાગે છે. અમેરિકન ઍસોસિયેશન ઑફ ડર્મેટોલૉજી અનુસાર, દારૂ ત્વચા માટે ખરાબ છે. તે ત્વચાને સૂકી કરી દે છે અને ધીમે ધીમે તેને બરબાદ કરે છે, જેથી દારૂ પીનાર વ્યક્તિ તેની ઉંમર કરતાં મોટી દેખાય છે.

ડબ્લ્યુએચઓના એક અહેવાલ દારૂનું નુકસાનકારક સેવન એ 200 કરતાં વધુ રોગો અને ઈજાની સ્થિતિ સાથે કાર્યકારણનો સંબંધ ધરાવતું પરિબળ છે.

  • દર વર્ષે આખા વિશ્વમાં દારૂના નુકસાનકારક સેવનને કારણે 30 લાખ મૃત્યુ થાય છે. જે કુલ મૃત્યુના આંકડાના 5.3 ટકા છે.
  • વિશ્વમાં રોગ અને ઈજાના કુલ ભાર પૈકી 5.1 ટકામાં દારૂની સીધી ભૂમિકા છે.
  • સ્વાસ્થ્ય સંબંધિત દુષ્પરિણામો સિવાય દારૂના નુકસાનકારક સેવનથી વ્યક્તિ અને સમાજે મહત્ત્વપૂર્ણ સામાજિક અને આર્થિક ખોટ ભોગવવી પડે છે.
  • દારૂનું સેવન જીવનમાં અન્ય પરિસ્થિતિની સરખામણીએ જલદી મૃત્યુ અને અપંગતા માટે કારણભૂત બને છે. 20-39 વર્ષની વયે મૃત્યુ પામતા લોકો પૈકી લગભગ 13.5 ટકા મૃત્યુના કિસ્સા દારૂના કારણે બનતા હોય છે.
  • આ સિવાય નુકસાનકારક રીતે દારૂના સેવન અને ઘણી માનસિક-વ્યવહાર સંબંધિત અવસ્થાઓ માટે જવાબદાર બની શકે છે. આટલું જ નહીં તે બિનચેપી અવસ્થાઓ અને ઈજાઓ માટે પણ કારણભૂત બની શકે.