દારૂ અચાનક છોડી દેવામાં આવે તો શરીરમાં કેવા ફેરફાર થાય?

    • લેેખક, અશ્વિન ઢાંડા
    • પદ, ધી કન્વર્સેશન*

ગ્રીક પૌરાણિક કથાઓ અનુસાર, ઝિઉસે પ્રોમિથિયસને મનુષ્યોને અગ્નિની ભેટ આપવા બદલ સજા કરી હતી. પ્રાચીન ગ્રીક ધર્મ અને પૌરાણિક કથાઓ પ્રમાણે ઝિઉસ એ દેવતાઓના રાજા ગણાય છે, જ્યારે પ્રોમિથિયસ એ અગ્નિના દેવતા ગણાય છે.

તેમણે પ્રોમિથિયસને સાંકળે બાંધ્યા અને તેનું લિવર (કલેજું) ગીધોની મિજબાની માટે છોડી દીધું. પરંતુ દરરોજ રાત્રે લિવર ફરીથી જાણે કે મોટું થતું અને દરરોજ ગીધ ફરીથી ખાવા માટે આવતા હતા.

તો હકીકતમાં શું લિવર આપોઆપ ફરીથી વધી શકે કે મોટું થઈ શકે?

લિવર એ માનવશરીરનું સૌથી મોટું આંતરિક અવયવ છે. શરીરની સેંકડો પ્રક્રિયાઓ માટે લિવર સૌથી આવશ્યક અંગ છે. દારૂ પીવાને કારણે શરીરમાં ફેલાતા ઘટકોને નિયંત્રિત કરવા પણ તે જરૂરી છે.

એ શરીરનું પહેલું અંગ છે જે દારૂના સીધા સંપર્કમાં આવે છે. એ સ્પષ્ટ વાત છે કે આ પ્રકારની અસર માટે તે સૌથી વધુ સંવેદનશીલ અંગ છે.

જોકે, આપણે મગજ અને હૃદય જેવા અન્ય સંવેદનશીલ અંગોને પણ ભૂલી ન શકીએ જેને દારૂના સતત સેવનથી નુકસાન થાય છે.

લિવરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરીકે મારી પાસે દારૂને કારણે જેમને નુકસાન થયું હોય તેવા દર્દીઓ દરરોજ આવે છે.

દારૂને કારણે રોગોની એક જાણે કે શ્રેણી રચાય છે જેમાં ફેટી લિવર એટલે કે ચરબીના સંચયથી લિવર ફૂલી જવું, ડાઘ પડી જવા (સિરોસિસ)નો સમાવેશ થાય છે. જ્યાં સુધી આ રોગો ખૂબ આગળ ન વધી જાય ત્યાં સુધી તેનાં લક્ષણો જોવા મળતાં નથી.

ફેટી લિવર અને સિરોસિસ

દારૂને કારણે લિવર પર ચરબી જામે છે. આ ચરબીને કારણે લિવરમાં બળતરા થતી હોય એવું લાગે છે.

દારૂને કારણે થતા નુકસાનને ટાળવા માટે તે ‘સ્કાર ટીશ્યૂ’ બનાવે છે. જો તેનાથી આ નુકસાન કાબૂમાં ન આવે તો જાણે કે આખા લિવરમાં આ પ્રકારના ડાઘ પડી જાય છે અને વચ્ચે વચ્ચે લિવરનો કેટલોક ભાગ સારો રહી જાય, એવી પરિસ્થિતિ સર્જાય છે. જેને સિરોસિસ કહેવાય છે.

સિરોસિસ જ્યારે ગંભીર તબક્કામાં પ્રવેશે છે ત્યારે કમળો, રસી થવી, સતત ઊંઘ આવવી, મૂંઝવણ વગેરે થાય છે. આ ગંભીર લક્ષણો છે અને તે જીવલેણ પણ નીવડી શકે છે.

જે લોકો અઠવાડિયામાં નિયત કરવામાં આવેલ 14 યુનિટ (જેમાં 14 ટકા આલ્કોહોલ હોય તેવા વાઈનના છ ગ્લાસ)થી વધુ દારૂ પીએ છે તેમને ફેટી લિવરની સમસ્યા થાય છે.

લાંબા ગાળે તેમને સિરોસિસની બીમારી થાય છે.

એકાએક દારૂ છોડી દેવાય?

ફેટી લિવરની સમસ્ચા ધરાવતા જે લોકો દારૂ પીવાનું છોડી દે છે તેમના માટે સારા સમાચાર છે. બે કે ત્રણ અઠવાડિયાં બાદ જ તેમના લિવરની સ્થિતિમાં સુધારો થવા લાગે છે અને જાણે કે તે નવું જ હોય તે રીતે કામ કરવા લાગે છે.

લિવરમાં બળતરા અથવા હળવા ડાઘ હોય તેવા લોકોમાં, દારૂ છોડ્યાના સાત દિવસ પછી લિવરની ચરબી, બળતરા અને ડાઘમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

કેટલાક મહિના સુધી દારૂ છોડી દેવાથી લિવર સાજું અને સામાન્ય થઈ જાય છે.

અતિશય દારૂ પીનારા લોકો કે જેમના લિવરમાં વધુ ગંભીર ડાઘ હોય અથવા તો લિવર ફેઇલ થવાની નજીક પહોંચી ચૂક્યું હોય તેવા લોકો પણ જો દારૂ છોડી દે તો લિવર ફેલ્યોર અને મૃત્યુની શક્યતાને થોડાં વર્ષો સુધી ટાળી શકે છે.

જોકે, જે લોકો વધુ પડતો દારૂ પીએ છે, તેઓ શારીરિક રીતે દારૂ પર નિર્ભર થઈ ગયા હોય તેવું બની શકે છે. અચાનક દારૂ છોડી તેમને અમુક પ્રકારની અસરો થઈ શકે છે.

ક્યારેક તેમને ધ્રુજારી કે પરસેવો થાય છે. પરંતુ ક્યારેક તેમને આભાસ થવો, હુમલો આવવા જેવી ઘટનાઓ પણ બની શકે છે અથવા તો તે તેમના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

એટલા માટે જે લોકો પુષ્કળ પ્રમાણમાં દારૂ પીતા હોય તેમને એકાએક દારૂ છોડી ન દેવાની સલાહ આપવામાં આવે છે. ડૉક્ટરની સલાહ લઈને ધીમેધીમે દારૂ ઓછો કરવાનું કહેવામાં આવે છે.

દારૂ છોડવાના અન્ય ફાયદા

દારૂ પીવાનું બંધ કરવાથી ઊંઘ, મગજની કામગીરી અને બ્લડપ્રેશર પર પણ હકારાત્મક અસર થાય છે.

લાંબા સમય સુધી દારૂ ટાળવાથી ઘણાં પ્રકારનાં કૅન્સર (લિવર, સ્વાદુપિંડ), તેમજ હૃદયરોગ અને સ્ટ્રૉકનું જોખમ પણ ઓછું થાય છે.

જોકે, ખરાબ સ્વાસ્થ્યનું એકમાત્ર કારણ દારૂ નથી. દારૂ છોડી દેવાને કારણે ઘણા સ્વાસ્થ્યલક્ષી લાભો થાય છે, પરંતુ તે રામબાણ ઉપાય નથી.

તેને પણ સંતુલિત આહાર અને નિયમિત શારીરિક વ્યાયામ જેવી તંદુરસ્ત જીવનશૈલીના ભાગરૂપે માનવું જોઈએ.

તેથી, પ્રોમિથિયસની પૌરાણિક કથામાં પૂછવામાં આવેલા પ્રશ્ન પર આપણે પાછા ફરીએ તો લિવર પાસે તેને નુકસાન થયા પછી પોતાને જ સુધારવાની અદભુત શક્તિ છે ખરી.

પરંતુ જો તે પહેલાંથી જ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય તો તે ફરીથી પાછું પોતાને યોગ્ય બનાવી શકતું નથી.

જો આપણે દારૂ પીવાનું બંધ કરીએ અને માત્ર ફેટી લિવરની જ સમસ્યા હોય, તો તે ઝડપથી પાછું સામાન્ય થઈ શકે છે.

જો તમારું લિવર પહેલેથી જ ડાઘવાળું હોય એટલે કે સિરોસિસ હોય, તો દારૂ પીવાનું બંધ કરવાથી તે મટવા લાગશે અને તેની કાર્યક્ષમતામાં સુધારો કરશે. પરંતુ તેને પહેલેથી જ જે નુકસાન થઈ ચૂક્યું હોય તો એ પાછું સાજું નહીં થઈ શકે.

જો તમે તમારા લિવરની સંભાળ રાખવા માગતા હો, તો દારૂ ન પીવો જોઈએ.

પરંતુ જો તમે પણ દારૂ પીતા હો, તો ઓછા પ્રમાણમાં પીઓ અને અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ દારૂ ન પીઓ.

જો આમ કરશો તો તમારે સ્વસ્થ રહેવા માટે લિવરની જાદુઈ સ્વ-ઉપચાર શક્તિ પર આધાર રાખવો પડશે નહીં.

*અશ્વિન ઢાંડા યુનિવર્સિટી ઑફ પ્લેમાઉથ, ઇંગ્લૅન્ડ ખાતે હીપેટોલોજીના ઍસોસિયેટ પ્રોફેસર છે.