તમારા મળનું પાણીમાં તરતા રહેવું એને આંતરડાંનાં સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે?

    • લેેખક, રિચર્ડ ગ્રે
    • પદ, બીબીસી ફ્યુચર

આપણે આગળ વધીએ એ પહેલાં નાગરાજન કન્નનનો એક સવાલ છેઃ તમે ફ્લોટર છો કે સિન્કર? તમે જેની સાથે માત્ર ઈમેલની આપ-લે કરી હોય તેવી વ્યક્તિ આવો અત્યંત અંગત સવાલ પૂછે તે આશ્ચર્યજનક છે પરંતુ આ જ વિચાર અમેરિકાના મિનિસોટા રાજ્યના રોચેસ્ટરમાં મેયો ક્લિનિકની સ્ટેમ સેલ એન્ડ બાયોલોજી લેબોરેટરીના ડિરેક્ટરને તેમના પ્રિય પ્રોજેક્ટ તરફ દોરી ગયો હતો.

તેઓ મોટાભાગે સ્તન કૅન્સરનું કારણ બનતાં સેલ્યુલર અને મોલેક્યુલર મિકેનિઝમ્સનો અભ્યાસ કરતા હોય છે, પરંતુ નવરાશની દુર્લભ પળોમાં કન્નન પોતે એક કોયડાનો જવાબ મેળવવાની મથામણમાં સપડાયા હતા. કોયડો એ હતો કે માણસનો મળ ક્યારેક પાણીમાં તરતો શા માટે રહે છે?

આપણા પૈકીના મોટાભાગના લોકોએ આ સ્થિતિનો અનુભવ ક્યારેક તો કર્યો જ હશે. ગમે તેટલું ફ્લશ કરો, પણ મળ સપાટી પર માફક ઉછળતો રહે છે, વહી જતો નથી. ક્યારેક આપણો મળ ટોઇલેટમાં જરા સરખી નિશાની છોડ્યા વિના વહી જાય છે. આ પણ ખરેખર એક રહસ્ય છે.

અલબત, કન્નન માને છે કે આ વૈજ્ઞાનિક કોયડાનો પહેલો જવાબ આપણા શરીરમાં શું ચાલી રહ્યું છે તેના વિશે અને શરીરમાં રહેતાં રોગાણુઓનાં સ્વાસ્થ્ય બાબતે આશ્ચર્યજનક સમજ આપે છે.

અગાઉ એવું માનવામાં આવતું હતું કે મળ તરતો રહેવાનું કારણ તેમાંની ચરબીનું પ્રમાણ છે, પરંતુ 1970ના દાયકાની શરૂઆતમાં મિનિસોટા યુનિવર્સિટીના કેટલાક ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટોએ શ્રેણીબદ્ધ પ્રયોગો સાથે તેનાં પરીક્ષણનો નિર્ણય કર્યો હતો. 39 લોકોનાં મળ-મૂત્રનું પરીક્ષણ કર્યા બાદ તેમને જવાબ મળ્યો હતો કે મળ તરતો રહેવાનું કારણ ચરબી નહીં, પરંતુ ગૅસ છે.

મળની અંદર મળતા ગૅસની માત્રા એટલી હદે ભિન્ન હોય છે કે કાં તો તે સપાટી પર તરતો રહે છે અથવા ઈંટની માફક પાણીમાં ડૂબી જાય છે (અને થોડોઘણો મળ પાણીની સપાટી અને તળિયા વચ્ચે તરતો રહે છે.)

તરતા મળમાંના ગૅસને દબાવવામાં આવે તો તે મળ ડૂબી જાય છે, એવું શોધકર્તાઓને જાણવા મળ્યું હતું. તેમનાં તારણો મુજબ, ફરકનું કારણ વધુ પ્રમાણમાં મીથેનનું ઉત્પાદન હતું. બીજા શબ્દોમાં કહીએ તો વધુ પ્રમાણમાં પેટનું ફૂલવું.

કન્નન અહીં જ આ બહુચર્ચિત ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. વચ્ચેનાં વર્ષોમાં, સ્થૂળતાથી માંડીને હૃદયરોગ સુધીનાં આપણાં સ્વાસ્થ્યનાં અનેક પાસાંઓમાં માઇક્રોબાયોટાની વ્યાપક ભૂમિકા હોવાનો ખુલાસો ચિકિત્સા વિજ્ઞાને કર્યો હતો.

કન્નનને શંકા હતી કે આપણો મળ તરણક્ષમ છે કે નહીં તેના માટે આપણાં આંતરડાંને પોતાનું ઘર માનતા 100 ટ્રિલિયન બૅક્ટેરિયા, ફંગી અને બીજાં માઇક્રોઓર્ગેનિઝમ્સ જવાબદાર હોઈ શકે છે.

તેમનું કહેવું છે કે “મળમાંના મોટાભાગના પદાર્થમાં મુખ્યત્વે રૂપાંતરિત ખાદ્ય કણો હોય છે, જે બૅક્ટેરિયાના સમૂહનું નિર્માણ કરે છે.”

આ થિયરીનું પરીક્ષણ કરવા માટે તેમણે અને મેયો ક્લિનિક ખાતેના તેમના સહયોગીઓએ જંતુરહિત વાતાવરણમાં ઉછેરવામાં આવેલા ઉંદરડાઓની લીંડીનો અભ્યાસ કર્યો હતો.

જંતુમુક્ત વાતાવરણમાં ઉછરેલા હોવાને લીધે આ ઉંદરડાઓનાં આંતરડામાં રોગાણુંઓ હોતાં નથી. આ ટીમ દ્વારા વિકસાવવામાં આવેલા ફીકલ ફ્લોટેશન ટેસ્ટ્સમાં જંતુરહિત ઉંદરડાઓની લીંડીઓ પાણીમાં તરત ડૂબી ગઈ હતી.

જ્યારે આંતરડામાં રોગાણુંઓ ધરાવતા ઉંદરડાઓની લીંડી પાણીમાં તરતી રહી હતી અને આખરે નીચે વહેવા લાગી હતી. તેમણે ઝીણવટભરી તપાસ કરી ત્યારે કારણ સ્પષ્ટ થઈ ગયું હતું.

કન્નન કહે છે, “રોગાણુ-મુક્ત મળ અતિ સુક્ષ્મ અપાચ્ય ભોજન કણોથી ભરપૂર હોય છે અને તેમાં માઇક્રોબ્ઝથી ભરપૂર મળની તુલનામાં વધારે ઘનત્વ હોય છે.”

એ પછી સંશોધકોની ટીમે કેટલાક જંતુરહિત ઉંદરડાઓના મળને, જે ઉંદરડાઓનો મળ પાણીમાં તરી રહ્યો હતો તેમાં પ્રત્યારોપિત કર્યો હતો. તેનો અર્થ એ હતો કે તેમને આંતરડામાંના બૅક્ટેરિયા મળ્યા હતા. એ પછી જંતુરહિત ઉંદરડાઓ પણ એવી લીંડી પાડવા લાગ્યા હતા, જે પાણીમાં તરતી હતી.

એટલું જ નહીં, ઉંદરડાઓમાં માનવ દાતાઓના બૅક્ટેરિયા પ્રત્યારોપિત કરવામાં આવ્યા ત્યારે એ પણ તરવા લાગ્યા હતા.

કન્નન કહે છે, “એવું લાગે છે કે એક વખત માઇક્રોબ્સ પોતાની જગ્યા બનાવી લે પછી ઉંદરડાના મળ માટે તરતા રહેવાની સ્થિતિ સર્જાય છે, દાતા ભલે ગમે તે પ્રજાતિ હોય.”

કન્નન અને તેમના સહયોગીઓએ ઉંદરડાના તરતા મળમાંના બૅક્ટેરિયાની પ્રજાતિનું વ્યાપક આનુવંશિક વિશ્લેષણ પણ કર્યું હતું. તેમને જાણવા મળ્યું હતું કે તેમાં ગૅસ પેદા કરવા માટે જાણીતી 10 બૅક્ટેરિયા પ્રજાતિનું પ્રમાણ મોટું હતું. તેમાં મુખ્ય બૅક્ટેરોઇડ્સ ઑવેટસ હતા, જે કાર્બોહાઇડ્રેટ્સના ફર્મેન્ટેશનથી ગૅસ પેદા કરવા માટે જાણીતા છે અને તેને માનવ રોગીઓમાં વધુ પેટ ફૂલવા સાથે સંબંધ છે.

ઉંદરડાના મળ પર કરવામાં આવેલા પ્રયોગના તારણોને સાવધાનીપૂર્વક ધ્યાનમાં લેવા જરૂરી છે. તેને માનવ ‘ફ્લોટર્સ’ અને ‘સિન્કર્સ’ સાથે સંબંધ હોવાની પુષ્ટિ હજુ થઈ નથી. કન્નન માને છે કે માનવમળનું બોયાની માફક સપાટી પર તરતા રહેવું આપણા બૅક્ટેરિયાના વિવિધ સમુદાયમાં પરિવર્તનનો સંકેત હોઈ શકે છે.

તેઓ કહે છે, “ઍન્ટિબાયોટિક્સ લેવાથી ફ્લોટર થોડા સમય માટે સિન્કર બની શકે છે, એ હું જાણું છું,” પરંતુ આ સંદર્ભે કોઈએ પ્રયોગ કર્યા હોય એવું તેમના ધ્યાનમાં નથી. તેમણે ઉમેર્યું હતું, “કમનસીબે આવા પ્રયોગ કરવા માટે નાણાકીય સહાય મેળવવાનું આસાન નથી.”

આપણો આહાર, ધુમ્રપાનની આદત, માનસિક તણાવ અને આપણે લેતા હોઈએ તે દવાઓ સહિતના સંખ્યાબદ્ધ કારણો આપણા આંતરડામાં બૅક્ટેરિયાના ગઠનની સ્થિતિને બદલી શકે છે. કન્નન હવે એ જાણવા ઉત્સુક છે કે ખાસ કરીને ગૅસ પેદા કરતા બૅક્ટેરિયામાં વધારો થવાનું કારણ શું છે.

તેઓ કહે છે, “તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં હોવ કે અવકાશયાત્રાએ ગયા હોવ, તમને એવી વ્યક્તિની બાજુમાં બેસવું નહીં ગમે, જેનાં આંતરડા આવા ગૅસોજેનિક રોગાણુઓથી ભરેલાં હોય અને વારંવાર વાછૂટ કરતા હોય.”

આ કામ ગંદુ છે, પરંતુ કોઈકે તો કરવું જ પડશે.