You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક શોધ થઈ અને એકલો પરિવાર દુનિયાનો સૌથી વધુ ધનાઢ્ય બની ગયો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વેપારજગતના સમાચાર આપતી ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર 2023 દરમ્યાન વિશ્વના કેટલાક સૌથી ધનિક પરિવારોની કુલ સંપત્તિમાં દોઢ ટ્રિલિયન ડૉલરનો વધારો થયો છે.
અબુ ધાબીના શાસક પરિવાર અલ નાહયાન અને ફ્રેન્ચ લક્ઝરી ફૅશન હાઉસ હર્મેસના માલિકના પરિવારની સંપત્તિમાં પણ 2023માં વધારો થયો છે.
આ વર્ષે વિશ્વના સૌથી ધનિક પરિવારોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવનાર અબુ ધાબીના રાજવી પરિવાર અલ નાહયાનની કુલ સંપત્તિ 305 અબજ ડૉલર છે અને તેમણે અમેરિકન સ્ટોર ચેઇન વોલમાર્ટના માલિક વોલ્ટન પરિવારને 45 અબજ ડૉલરના માર્જિનથી પાછળ છોડી દીધો છે.
છેલ્લાં પાંચ વર્ષમાં પહેલી વાર કોઈએ વોલમાર્ટના માલિક એવા વોલ્ટન પરિવારને પાછળ છોડીને વિશ્વના સૌથી ધનિક પરિવારોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
અલ નાહયાન પરિવાર યુએઇના ક્રૂડઑઇલથી સમૃદ્ધ રાજ્ય અબુ ધાબીનું સંચાલન કરવાની સાથે જ વિશ્વની સૌથી લોકપ્રિય ફૂટબૉલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડની માલિકી પણ ધરાવે છે.
આ સાથે આ યાદીમાં કતારના અલથાની પરિવારે પણ પાચંમા ક્રમાંક પર પોતાની જગ્યા બનાવી છે.
એવું માનવામાં આવે છે કે બ્લૂમબર્ગની આ યાદીમાં સમાવિષ્ટ ખાડી પ્રદેશના પરિવારો પાસે અંદાજ કરતાં ઘણી વધુ સંપત્તિ છે.
બ્લૂમબર્ગ અનુસાર અબુ ધાબીના આ રાજવી પરિવાર સંચાલિત ટ્રેડિંગ સ્ટૉક કંપની ઇન્ટરનૅશનલ હોલ્ડિંગનું કદ છેલ્લાં ચાર વર્ષમાં લગભગ સાત હજાર ટકા વધ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેલની સંપત્તિથી સમૃદ્ધ આ ખાડી દેશના પરિવારે માત્ર પોતાની સંપત્તિ જ નહીં, પરંતુ પ્રદેશના અર્થતંત્રની દિશા પણ બદલી નાખી છે.
શાહી પરિવાર અલ નાહયાનનો સંક્ષિપ્ત ઇતિહાસ
સંયુક્ત આરબ અમીરાતનાં સાત રાજ્યોમાંનું એક અબુ ધાબી દેશની રાજધાની છે અને તેની પાસે વિપુલ પ્રમાણમાં ઑઇલનો ભંડાર છે.
શાસક અલ નાહયાનનો પરિવાર ઑઇલની શોધના ઘણા દાયકાઓ અગાઉથી આ પ્રદેશ પર શાસન કરી રહ્યો હતો. જોકે, તો પણ તે હાલ છે એટલો સમૃદ્ધ ન હતો.
સંયુક્ત આરબ અમીરાત અને અલ નાહયાન પરિવારની અમીરાત (શાસનક્ષેત્ર અથવા રાજ્ય)ની કહાણી 1960ના દાયકામાં આ પ્રદેશમાં ઑઇલની શોધ સાથે શરૂ થઈ હતી.
અગાઉ દેશની મોટા ભાગની વસ્તીમાં પાયાની સુવિધાઓનો અભાવ હતો, પરંતુ ઑઇલની શોધ પછી તરત જ અબુ ધાબીના તત્કાલીન શાહ શેખ બિન સુલતાન અલ નાહયાને દેશનું ભાગ્ય બદલી નાખ્યું અને આ ક્ષેત્રની તમામ અમીરાતને એકઠી કરી યુનાઇટેડ આરબ અમીરાત નામે એક દેશ બનાવ્યો.
યૂએઈના ‘રાષ્ટ્રપિતા’
શેખ ઝૈદ બિન સુલતાન અલ નાહયાનને 'રાષ્ટ્રપિતા' પણ કહેવામાં આવે છે અને તેમને 1971માં દેશના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.
2004માં તેમના પુત્ર શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાને યુએઇના વડા તરીકે તેમના પિતાની જગ્યા લીધી, જ્યારે 2022માં સેન્ડહર્સ્ટમાં બ્રિટનની રૉયલ મિલિટરી એકૅડૅમીમાં શિક્ષિત શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન યુએઇના ત્રીજા પ્રમુખ બન્યા.
અલ નાહયાન પરિવારના અન્ય લોકો સંયુક્ત આરબ અમીરાતની સરકાર અને ખાનગી ક્ષેત્રમાં ભૂમિકા ભજવે છે.
દુબઈમાં બનેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાનું નામ પણ UAEના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ખલીફા બિન ઝૈદ અલ નાહયાનના સન્માનમાં રાખવામાં આવ્યું છે.
ઑઇલની શોધ
થોડા સમય અગાઉ બીબીસી સાઉન્ડ સાથે વાત કરતી વખતે અબુ ધાબીના એક લેખક મોહમ્મદ અલ ફહીમે કહ્યું હતું કે અબુ ધાબીના શાસક ઝૈદ બિન સુલતાને માત્ર તેમના પરિવારનું જ નહીં, પરંતુ પ્રદેશનું ભાગ્ય બદલી નાખ્યું.
એક ડૉક્યુમૅન્ટરી ફિલ્મ 'વિટનેસ હિસ્ટ્રી' માટે બીબીસી સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે ઑઇલની શોધ પહેલાં અહીંની વસતી મૂળભૂત સુવિધાઓથી વંચિત હતી. લોકો પાસે માત્ર તંબુ હતા અને પીવાનું શુદ્ધ પાણી મેળવવા પણ માઇલો દૂર જવું પડતું હતું.
તેમના મતે ઑઇલની શોધ પછી અબુ ધાબીના સ્વપ્નદૃષ્ટા શાસક શેખ ઝૈદ બિન સુલતાન અલ નાહયાને દેશમાં રસ્તા, હૉસ્પિટલો અને ઇમારતોનું નિર્માણ કરાવવાનું શરૂ કર્યું.
જ્યારે અંગ્રેજ ત્યાં પહોંચ્યા
તેમણે પોતે પણ પોતાની સંપત્તિ વધારી અને પોતાના લોકોને પૈસા કમાવવાની તકો પણ પૂરી પાડી.
1960ના દાયકાના અંત સુધીમાં બ્રિટને અરેબિયન દ્વીપકલ્પના દેશોમાં તેમની વસાહતોમાંથી પીછેહઠ કરવાનું શરૂ કર્યું હતું. એક સદી પહેલાં અંગ્રેજો ત્યાં એવા સમયે આવ્યા હતા, જ્યારે કેટલીક લડાયક જાતિઓ ત્યાંથી પસાર થતાં માલવાહક જહાજોને લૂંટી લેતી હતી.
અંગ્રેજો તેમના પર નિયંત્રણ મેળવવા માટે જ ત્યાં પહોંચ્યા હતા. જોકે, ત્યાં ઑઇલની શોધ તો થઈ પણ અંગ્રેજોને ત્યાં રહેવામાં ફાયદા કરતાં જોખમ વધુ હોવાનું જણાતા દેશ છોડી દીધો.
તેની પાછળનું મુખ્ય કારણ છ અમીરાત (દુબઈ, અબુ ધાબી, શારજાહ, અજમાન, ઉમ્માલ ક્વાઇન, ફુજૈરાહ)ના શેખે પરસ્પર બાબતોમાં સમજૂતી અને સંકલન માટે કાઉન્સિલ રચવાનો લીધેલો નિર્ણય હતો.
અર્થતંત્રમાં મૂડીરોકાણ
18 ફેબ્રુઆરી, 1968ના રોજ તેઓ દુબઈના તત્કાલીન શાસક શેખ રાશીદ બિન સઇદ અલ મક્તૂમ સાથે ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે તરત જ દુબઈ ગયા હતા અને બંને તેમની વચ્ચે ફેડરેશન કરાર પર સંમત થયા હતા અને એક ફેડરેશનની માગણી કરી હતી જેમાં ફક્ત એ સાત અમીરાતનો સમાવેશ થશે જે કરાર માટે તૈયાર હોય.
અબુ ધાબીના તત્કાલીન અમીર ઝૈદ બિન સુલતાન અલ નાહયાન દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ઑઇલની શોધ થઈ હતી અને અર્થતંત્રમાં મોટા પાયે મૂડી રોકાણ કરવામાં આવ્યું હતું.
સંયુક્ત આરબ અમીરાતની રચનામાં શેખ ઝૈદનો ઉત્સાહ મહત્ત્વપૂર્ણ પરિબળ હતું. તેમણે તેમના સાથી શાસકો વચ્ચે સર્વસંમતિ અને સમાધાન માટે સમર્થન પણ મેળવ્યું.
આખરે છ અમીરાતના શાસકો (રાસ અલ ખૈમાહ સિવાય) સર્વાનુમતે શેખ ઝાયેદને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટ્યા.
રાસ અલ ખેમા 10 ફેબ્રુઆરી 1972ના રોજ સંયુક્ત આરબ અમીરમા સામેલ થયું હતું.
આ પ્રક્રિયા ફારસની ખાડીના અન્ય સુન્ની દેશો (સાઉદી અરબેયા, ઓમાન, કતાર, બહેરિન અને કુવૈત) જેવી જ હતી.
નોંધનીય છે કે સંયુક્ત આરબ અમીરાત સાત સ્વતંત્ર રાજ્યોવાળો દેશ છે, જેમાં અબુ ધાબી, દુબઈ, શારજાહ, ઉમ્મૂલ કવી, ફુઝૈરા, અજમાન અને રાસ અલ ખેમા સામેલ છે.
અબુ ધાબી સંયુક્ત આરબ અમીરાતની સૌથી મોટી અમીરાત (રાજ્ય) છે, જે દેશની 84 ટકા ભાગ પર ફેલાયેલી છે.
‘ફ્રૉમ ડેઝર્ટ્સ કિંગડમ ટુ ગ્લોબલ પાવર : ધ રાઇઝ ઑફ ધ અરબ ગલ્ફ’માં ઇતિહાસકાર રૂરી મિલરનો દાવો છે કે એ દેશોની અથાક આર્થિક સફળતા પાછલ ઑઇલની આવકને વિભિન્ન પક્ષકારોમાં વિભાજિત કરવાની અને અઘોષિત સંપત્તિ જેમ કે રિયલ એસ્ટેટ, આર્ટ અને સ્ટૉકમાં રોકવાની રીત કામ કરી રહી હતી.