દારૂ પીવાથી શરીરમાં કેવા-કેવા ફેરફાર થાય છે?

ઘણા લોકો તેમના સ્વાસ્થ્યની સંભાળ લેવા માટે દૃઢ નિશ્ચય કરે છે. કેટલાક લોકો એવું પણ વિચારે છે 'હવે હું દારૂ પીવાનું છોડી દઈશ'.

આનો લાભ ખીસાખરચી અને આરોગ્ય સાથે પણ જોડાયેલો હોય છે.

બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા એન.એચ.એસ. મુજબ, ઓછી માત્રામાં દારૂ પીવાથી તમારા શરીરમાં આ ફેરફારો દેખાશેઃ

  • સવારે ઊઠીને વધારે સારું લાગશે
  • દિવસમાં ઓછો થાક અનુભવાશે
  • વધુ ફિટ અનુભવશો
  • વજનમાં વધ-ઘટ થવાની બંધ થશે

આ ફેરફારો તમે તરત જ અનુભવશો. જો તમે તાત્કાલિક જ દારૂ પીવાનો છોડી દો અથવા તેને ઓછી માત્રામાં પીશો, તો તમારા શરીરમાં લાંબા સમય સુધી આ ચાર ફેરફારો દેખાશે.

ઊંઘ વધારે સારી રીતે આવશે

દારૂ પીવાથી તરત જ ઊંઘ આવે છે, પરંતુ તે ગાઢ ઊંઘ નથી ગણાતી.

વર્ષ 2013માં વિજ્ઞાન જર્નલ 'ઍલકોહોલિસમ'માં ઊંઘ પર દારૂની અસરો સાથે સંકળાયેલા એક અહેવાલને આધારે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ માત્રામાં દારૂ પીવાથી ઊંઘ તાત્કાલિક આવે છે. ઊંઘની પહેલી સાઇકલમાં ગાઢ ઊંઘ આવે છે પરંતુ ઊંઘની બીજી સાઇકલમાં ઊંઘ વારંવાર તૂટી જાય છે.

એન.એચ.એસ. મુજબ, ઓછી માત્રામાં દારૂ પીવાથી તમે સવારે વધારે તરોતાજા લાગશો.

બીમારીઓ સામે લડવાની સારી ક્ષમતા

ભારે માત્રામાં દારૂ પીવાથી ચેપનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂદ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

જેના કારણે ઘણા રોગોનું જોખમ વધી જાય છે. વધુ દારૂ પીવાથી સાઇટોકિન પ્રોટિન બનવાની પ્રક્રિયામાં અડચણ આવે છે.

સાઇટોકિન પ્રોટિન્સ ચેપ સામે લડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અમેરિકાના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍલકોહૉલ અબ્યૂઝ ઍન્ડ ઍલકોહૉલિઝમનો એક અહેવાલ જણાવે છે કે દારૂ પીવાના 24 કલાક બાદ શરીરમાં સાઇટોકિનનું નિર્માણ ધીમું થઈ જાય છે.

બહેતર મિજાજ

એન.એચ.એસ. મુજબ દારૂ અને ડિપ્રેશન વચ્ચે ઘણો સંબંધ છે. હૅંગઓવરના કારણે કેટલાક લોકોનો મિજાજ ખરાબ થઈ જાય છે અને તેમને અસ્વસ્થતા પણ અનુભવાય છે.

જો તમે પહેલેથી જ ડિપ્રેશનથી અસરગ્રસ્ત અથવા દુ:ખી છો, તો દારૂ પીવાથી આ લાગણીઓની તીવ્રતા વધી શકે છે.

એન.એચ.એસ.ના જણાવ્યા અનુસાર દારૂની માત્રામાં ઘટાડો કરવાથી તમારો મિજાજ વધારે સારો થઈ શકે છે.

ત્વચા સારી થશે

દારૂ છોડવાથી ઘણા લોકો તેમની ત્વચામાં ફેરફાર જુએ છે.

અમેરિકાના ઍસોસિયેશન ઑફ ડર્મટૉલોજિના મુજબ, દારૂ ત્વચા માટે નુકસાનકારક છે.

તે ચામડીને શુષ્ક કરે છે અને સમય જતાં તેને બગાડે છે, જેથી દારૂ પીનાર વ્યક્તિ તેમની ઉંમર કરતાં વધુ વૃદ્ધ દેખાય છે.

દારૂની કેટલી માત્રા યોગ્ય ગણાય?

એન.એચ.એસ.નું કહેવું છે કે એક અઠવાડિયામાં કોઈ પુરુષ કે સ્ત્રીએ 14થી વધુ 'યુનિટ' દારૂ પીવો નહીં જોઈએ. બ્રિટનની સરકાર 10 મિલી અમિશ્રિત દારૂને એક 'યુનિટ' તરીકે ગણે છે.

બ્રિટનના લોકોને એક અઠવાડિયામાં અધિકતમ માત્રામાં 10 નાની પ્યાલી વાઇન પીવાની સલાહ આપવામાં આવે છે.

(આ લેખ સૌપ્રથમ વાર 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો