You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં દારૂ કયા જિલ્લામાં સૌથી વધારે પીવાય છે, આંકડા શું કહે છે?
ગુજરાતમાં આમ તો દારૂબંધીનો કાયદો લાગુ છે પરંતુ લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલમાંજ કાયદાનો કડક અમલ અંગે માહિતી આપી હતી.
ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલી પ્રેસનોટમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, "બુટલેગરોની કમર તોડવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949માં સુધારો કરી વર્ષ-2017થી આ કાયદાને વધુ કડક બનાવી દેવામાં આવ્યો છે. ક્વૉલિટી કેસમાં સંડોવાયેલા આરોપીઓની સજામાં વધારો કરવામાં આવ્યો અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલાં વાહનને જપ્ત કરવા અંગે પણ જોગવાઈ કરવામાં આવી. એટલુ જ નહીં, એક કરતા વધુ વખત આ પ્રકારના ગુના આચરનાર તત્ત્વોને ગ્રેડેડ પનિશમેન્ટ માટેની કડક જોગવાઈ કરવામાં આવી છે."
શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં લોકો વધુ
નેશનલ ફૅમિલી હૅલ્થ સર્વે-5(એનએફએચએસ-5)ના આંકડા મુજબ ગુજરાતમાં 15 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા 5.8 ટકા પુરુષો અને 0.6 ટકા મહિલાઓ દારૂ પીવે છે.
ટકાવારીમાં નાના લાગતા આ આંકડાને જો ગુજરાતની વસતીના આધારે જોવામાં આવે તો તેને નાની સંખ્યા ન કહી શકાય.
ગુજરાતમાં શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ પીનારા લોકોની સંખ્યા વધારે છે. એનએફએચએસ-5 મુજબ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 0.2 ટકા મહિલાઓ અને 6 ટકા પુરુષો દારૂ પીવે છે. જ્યારે શહેરી વિસ્તારમાં 0.1 ટકા મહિલાઓ અને પાંચ ટકા પુરુષો દારૂ પીવે છે.
દારૂ પીનારા પુરુષોમાં 35 ટકા પુરુષો અઠવાડિયામાં એકાદ વખત દારૂ પીવે છે. જ્યારે 31 ટકા પુરુષો દરરોજે દારૂ પીવે છે.
આંકડા મુજબ દરેક જિલ્લામાં પુરુષો અને મહિલાઓના આંકડામાં ઊંચો ફેરફાર જોવા મળે છે. રાજ્યનો એક પણ જિલ્લો એવો નથી, જેમાં પાંચ ટકાથી વધુ મહિલાઓ દારૂનું વ્યસન ધરાવતી હોય.
ડાંગ જિલ્લો મોખરે, રાજકોટમાં સૌથી ઓછા દારૂ પીનારા લોકો
નેશનલ ફૅમિલી હૅલ્થ સર્વે-5ના આંકડા પ્રમાણે ગુજરાતના 33 જિલ્લા પૈકી ડાંગ જિલ્લામાં સૌથી વધુ દારૂ પીનારા લોકો છે. ડાંગમાં 18.3 ટકા પુરુષો અને 4.6 ટકા મહિલા દારૂ પીવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની વાત કરવામાં આવે તો 4.6 ટકા સાથે ડાંગ જિલ્લો જ સૌથી મોખરે છે. તેના પછી 2-3 ટકા સાથે તાપી જિલ્લો આવે છે અને ચાર જિલ્લા એવા છે જેમાં દારૂ પીનારી મહિલાઓની સંખ્યા 0.1 ટકા એટલે કે ખૂબ જ નજીવી છે.
આ જિલ્લામાં બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
આંકડા પ્રમાણે ગુજરાતમાં સૌથી ઓછો દારૂ પીતા લોકો રાજકોટમાં છે. રાજકોટમાં 1.2 ટકા પુરુષો અને 0.1 ટકા મહિલા દારૂ પીવે છે.
ઘરેલુ હિંસા અને દારૂનો સંબંધ
ગયા વર્ષના ઉપલબ્ધ આંકડા અનુસાર, ઘરેલુ હિંસાની કુલ 1,12,292 ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ હતી. તેનો અર્થ એ થયો કે ગયા વર્ષે લગભગ દર પાંચ મિનિટે ઘરેલુ હિંસાની એક ફરિયાદ નોંધાઈ હતી.
ભારતમાં આ પ્રકારની હિંસા કોઈ નવી વાત નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, વિશ્વમાં દર ત્રણ પૈકીની એક મહિલા લિંગ આધારિત હિંસાનો સામનો કરે છે અને એવી હિંસા મોટા ભાગે મહિલાના નજીકના સગા જ આચરતા હોય છે. ભારતમાં પણ પ્રમાણ આવું જ છે.
ભારતમાં મોટા ભાગે મહિલાઓ તેમની સાથે આચરવામાં આવતી ઘરેલુ હિંસા બાબતે મૌન રહે છે અને વધારે આઘાતજનક વાત એ છે કે આ પ્રકારની હિંસાને વ્યાપક સ્વીકૃતિ મળેલી છે. કર્મશીલોએ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
નેશનલ ફેમિલી હેલ્થ સરવે (એનએફએચએસએસ) સરકાર દ્વારા ભારતીય સમાજનું સૌથી વ્યાપક ઘરેલુ સર્વેક્ષણ છે અને લેટેસ્ટ એનએફએચએસએસના આંકડા ઘણાં રહસ્યનો ભેદ ખોલે છે.
કુલ પૈકીની 40 ટકાથી વધુ મહિલાઓ અને 38 ટકાથી વધુ પુરુષોએ સરકારી સર્વેક્ષણકર્તાઓને જણાવ્યું હતું કે કોઈ પત્ની તેનાં સાસરિયાનો અનાદર કરે, પોતાના ઘર કે બાળકોની યોગ્ય સંભાળ ન રાખે, પતિને જણાવ્યા વિના ઘરની બહાર જાય, સેક્સનો ઈનકાર કરે અથવા યોગ્ય ભોજન ન રાંધે તો પતિ તેને માર મારે તેમાં કશું ખોટું નથી. ચાર રાજ્યોમાંની 77 ટકા મહિલાઓએ પતિ દ્વારા પત્નીને ફટકારવાની ઘટનાને ન્યાયોચિત ગણાવી હતી.
ઘરેલુ હિંસા અને દારૂ વચ્ચે સીધો સંબંધ છે. સમાજના દરેક વર્ગની મોટા ભાગની મહિલાઓને ઘરમાં નાનીથી મોટી હિંસાનો સામનો કરવો પડતો હોય છે.
ઘરેલુ હિંસાનો સામનો કરનારી મહિલાઓએ તેમનો પતિ દારૂ પીવે છે કે કેમ? તેવો પ્રશ્ન પૂછવામાં આવતા 12 ટકા મહિલાઓએ તેમના પતિ દારૂ ન પીતા હોવાનું કહ્યું. જ્યારે, 43 ટકા મહિલાઓ એવી હતી, જેમનો પતિ ક્યારેક દારૂ પીતો હતો.
જોકે, ચોંકાવનારી બાબત એ હતી કે 66 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેમનો પતિ લગભગ દરરોજે દારૂ પીવે છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે ઘરેલુ હિંસાનો સામનો કરતી 60 ટકાથી વધુ મહિલાના પતિ દારૂની લત ધરાવે છે.
આ મહિલાઓમાંથી માત્ર 12 ટકા મહિલાઓ એવી છે જેઓ આ હિંસાને લઈને કોઈની મદદ લે છે. 71 ટકા મહિલા આ વિશે કોઈની સાથે વાત પણ કરતી નથી. જ્યારે પોલીસ સુધી જતી મહિલાઓની સંખ્યા માત્ર ત્રણ ટકા છે.
દારૂબંધી છતાં દારૂ વેચાતા સરકાર શું કહે છે?
બીબીસી ગુજરાતીએ આ અંગે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રાલયમાં સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ લખાય છે ત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી.
જોકે બોટાદ લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલમાંજ કાયદાનો કડક અમલ અંગે માહિતી આપી હતી.
ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલી પ્રેસનોટમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, "બુટલેગરોની કમર તોડવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949માં સુધારો કરી વર્ષ-2017થી આ કાયદાને વધુ કડક બનાવી દેવામાં આવ્યો છે. ક્વૉલિટી કેસમાં સંડોવાયેલા આરોપીઓની સજામાં વધારો કરવામાં આવ્યો અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલાં વાહનને જપ્ત કરવા અંગે પણ જોગવાઈ કરવામાં આવી. એટલુ જ નહીં, એક કરતા વધુ વખત આ પ્રકારના ગુના આચરનાર તત્ત્વોને ગ્રેડેડ પનિશમેન્ટ માટેની કડક જોગવાઈ કરવામાં આવી છે."
હર્ષ સંધવીએ ઉમેર્યું કે, "ગેરકાયદેસર દેશી અને ભારતીય બનાવટના વિદેશી દારૂના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને પીવાવાળા વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે."
"2021માં 123 કરોડ રૂપિયાથી વધુ કિંમતનાં દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી 1.67 લાખથી વધારે કેસો સાથે 1.67 લાખથી વધુ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા હતા. તે ઉપરાંત 920 થી વધારે બુટલેગરોની પાસા અધિનિયમ હેઠળ અટકાયત કરી સઘન કાર્યવાહી કરવામાં આવી છે."
"ગુજરાત પોલીસ દ્વારા બુટલેગરોની યાદી તૈયાર કરી તે તમામની ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખી, ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને પીવાવાળા વિરુદ્ધ સતત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે."
તેમણે વધુમાં કહ્યું કે, "પોલીસ વિભાગના સ્ટેટ મૉનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર દેશી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી અને વેચાણ અંગે શહેર તેમજ જિલ્લા પોલીસ દ્વારા થતી કાર્યવાહી ઉપર પણ સતત મૉનિટરિંગ કરવામાં આવે છે અને રાજ્ય સ્તરે સ્વતંત્ર ઍન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે આ ટીમો દ્વારા સમગ્ર રાજ્યમાં દરોડા અને સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવે છે."
હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, "દારૂ અને અન્ય વ્યસનોની મુક્તિ માટે રાજ્ય સરકાર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો અને વ્યસન મુક્તિ કાર્યક્રમો ચલાવવામાં આવે છે."
ગુજરાત અને દારૂબંધી
દરમિયાન ગુજરાતમાં લિકર કન્ઝમ્પશન (દારૂના સેવનનું પ્રમાણ)ની વાત કરીએ તો ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગે આર.ટી.આઈ. (રાઇટ ટુ ઇન્ફર્મેશન)ની એક અરજીના જવાબમાં કહ્યું હતું કે રાજ્યમાં 2011-12થી 2017-18 દરમિયાન કુલ 3.85 લાખ લિટર દારૂ વેચાયો હતો, જેમાંથી 3.65 લાખ લિટર દારૂ પરવાનાધારકોને વેચવામાં આવ્યો હતો.
આ પરવાનાધારકોમાંથી માત્ર 52,000 પરમિટધારકો ગુજરાતી હતા, જ્યારે 3.13 લાખ પરવાનગીઓ ગુજરાતથી બહાર આવેલા પ્રવાસીઓ તેમજ બિઝનેસ ડેલિગેટ્સને આપવામાં આવી હતી.
લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં 'પરમિટ લિકર શૉપ' બહાર લોકોની લાંબી લાઈનો પણ તેની સાક્ષી છે.
જોકે, બીજી તરફ ગુજરાતમાં કૅમિકલયુક્ત શરાબના લીધે પણ ગંભીર ઘટનાઓ બની ચૂકી છે.
વર્ષ 2009 દરમિયાન અમદાવાદમાં ઘટેલી લઠ્ઠાકાંડની ઘટનામાં 130થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ગુજરાતની વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, વર્ષ 2012થી 2014 દરમિયાન ગેરકાયદે દારૂએ રાજ્યમાં 177 લોકોનો ભોગ લીધો હતો.
'પહેલાં ઘરમાં શાક-રોટલીની જેમ દારૂ પણ બનતો હતો'
ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીએ બીબીસી ગુજરાતી સાથે અગાઉ કરેલી વાતચીતમાં કહ્યું હતું કે :
"આ પ્રકારની નીતિ, દારૂના ગેરકાયદેસર વેચાણને પ્રોત્સાહન આપે છે અને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓના ખતરાને અવકાશ આપે છે."
દારૂબંધીની અસરો પર દક્ષિણ ગુજરાતના લોકો સાથેના તેમના અભ્યાસ વિશે વાત કરતા વિદ્યુત જોષી કહે છે, "ગુજરાતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં, ઘણા સમાજ પોતાના ખાન-પાનના ભાગરૂપે જાતે દારૂ બનાવતા હતા, જેનું વેચાણ થતું નહોતું."
"ઘરમાં જેમ શાક-રોટલી બને તેવી રીતે દારૂ પણ બનતો હતો અને તે સાવ સામાન્ય બાબત હતી."
વિદ્યુત જોષી કહે છે, "અંગ્રેજોના આગમન બાદ તેના ઉપર કંટ્રોલ આવ્યો, દારૂ બનાવવાના પરવાનાઓ પારસી સમાજના અનેક લોકોને આપવામાં આવ્યા."
વિદ્યુત જોષી માને છે કે રાજયમાં દારૂબંધીનો અમલ અસરકારક નથી અને તેનાથી સીધી રીતે એવા સમાજોની સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યું છે કે જેમના માટે દારૂ એ લકઝરી નહીં, પણ સામાજિક જીવનનો એક ભાગ હતો.
તેઓ માને છે કે ગેરકાયદેસર દારૂના વેચાણની બદીને દૂર કરવા માટે, તાડી, રાઇસ-બિયર, મહુડો જેવા દારૂ કે જેમાં અલ્કોહોલની માત્રા પાંચ ટકાથી વધારે ન હોય તેને બનાવવાની પરવાનગી અમુક સમાજને આપવી જોઈએ.
આનાથી ગુજરાત રાજ્યમાં થતી લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ અને ખરાબ ગુણવત્તાના દારૂનું વેચાણ ઓછું થઈ જશે.
"ગુજરાતની અલગ રાજ્ય (તત્કાલીન મુંબઈ રાજ્યમાંથી) તરીકેની સ્થાપના બાદ અહીં દારૂબંધી લાગુ કરવામાં આવી હતી, જેના પછી દારૂનું ગેરકાયદેસર વેચાણ શરૂ થયું."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો