You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોટાદ લઠ્ઠાકાંડ : 'પતિ જતો રહ્યો, હવે ત્રણ બાળકોને કઈ રીતે ઉછેરવાં? 39નાં મૃત્યુ, 20થી વધુ ગામોમાં લોકો બીમાર
- બોટાદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 39 સુધી પહોંચ્યો, વધવાની શક્યતા
- 60 જેટલા દર્દીઓ ભાવનગર તેમજ અમદાવાદની હૉસ્પિટલોમાં સારવાર હેઠળ
- બોટાદના ત્રણ તાલુકામાં નોંધાયેલી પોલીસ ફરિયાદોમાં 14 આરોપીઓની ધરપકડ
- રોજિદમાં સૌથી વધુ 11 લોકોનાં મૃત્યુ, હજી પણ ગામમાં શોકમગ્ન વાતાવરણ
"એણે ગટરમાં ઊતરવું પડતું, લોકો જેની ગંધથી જ દૂર ભાગતા એવો કચરો પોતાને હાથે ઊપાડવો પડતો. બસ, તો મગજને થોડી શાંતિ મળે એ માટે દારૂ પી લેતો હતો. પણ એ દારૂએ જ મારો ભાઈ છીનવી લીધો. એની પત્ની, આ બાળકો, તેમનું શું?"
આ શબ્દો છે બોટાદના રોજિદ ગામે રહેતા વશરામભાઈનાં બહેનના. તેઓ કહે છે, "એ તો જતો રહ્યો. હવે જે લોકોને પાછળ છોડીને ગયો છે તેમને સહન કરવું પડશે."
વશરામભાઈ એ લોકો પૈકી એક હતા, જેમનું કથિતપણે ઝેરી દેશી દારૂ પીવાથી મૃત્યુ થયાં છે. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે.
વશરામભાઈનાં પત્ની આરતીબહેન છૂટક મજૂરી કરીને દિવસના આશરે 200 રૂપિયા કમાઈને બાળકો અને પરિવારજનોની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ કરતાં હતાં.
જોકે, આ રીતે દારૂના કારણે પતિ ગુમાવ્યા બાદ હવે તેઓ નિરાધાર થઈ ગયાં છે. તેઓ કહે છે, "આ મોંઘવારી વચ્ચે રોજના 200-250 રૂપિયા કમાઈને ત્રણ છોકરાઓને પાળવા અઘરા છે."
બોટાદ જિલ્લાનાં વિવિધ ગામોમાં કથિતપણે ઝેરી દેશી દારૂ પીધા બાદ સેંકડો લોકો બીમાર પડી ગયા છે. બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાના જણાવ્યા પ્રમાણે કુલ મૃત્યુઆંક 39 પર પહોંચી ગયો છે.
આરતીબહેન કહે છે,"રોજિદ અને તેની આસપાસમાં આવેલાં અન્ય 20 જેટલા ગામોમાં દારૂ પીધા બાદ લોકોની તબિયત બગડી રહી છે અને તેમને સારવાર માટે મોકલાઈ રહ્યા છે."
ગ્રામજનોનું શું કહેવું છે?
રોજિદ ગામના સરપંચ જિગર ડુંગરાણીએ બીબીસી સાથેની વાતમાં જણાવ્યું કે ગામના 33 દર્દીઓ હાલમાં ભાવનગરની સર ટી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું, "આ પહેલાં ભૂતકાળમાં પણ મેં એસપી અને પીએસઆઈને લેખિતમાં આ અંગે રજૂઆતો અને ફરિયાદો કરી પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં."
ધારાસભ્ય રાજુ ગોહિલે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમણે પણ આ અંગે રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરી છે. તેમણે કહ્યું, "મે મહિનામાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ઊઠાવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું."
ઉલ્લેખનીય છે કે સરપંચ અને ધારાસભ્ય બંનેએ આ મુદ્દાને લઈને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં દારૂની ભઠ્ઠીઓ અને વેચનારાઓનું દૂષણ દૂર થયું નહોતું.
ગામનાં એક મહિલાએ બીબીસી સંવાદદાતા રૉક્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "ગામમાં સૌથી મોટી સમસ્યા દારૂ અને જુગારની છે, જે બંધ થવી જ જોઈએ."
તેમણે કહ્યું,"અમે લોકો પણ ઘણી વખત પોલીસને ફરિયાદ કરવા ગયા પણ પોલીસ એમ કહે છે કે રોજિદમાં તો દારૂ વેચાતો જ નથી."
અન્ય એક મહિલાએ કહ્યું, "મારો ખુદનો દીકરો પુષ્કળ દારૂ પીતો હતો. તેણે પત્ની, બાળકો અને પરિવાર બધાં જ છોડી દીધાં હતાં."
"ઘરમાંથી બધા ના પાડતા તો ઝઘડવા લાગતો હતો. જેથી મેં દારૂ વેચનારી મહિલાને જઈને કહ્યું હતું. તેમ છતાં પણ કંઈ સુધર્યું નહીં."
ઈલાબહેન નામનાં એક મહિલા કહે છે, "અહીં સામસામે બે ઘરોમાં જુવાનજોધ છોકરા જતા રહ્યા છે. બંને પરણેલા હતા, બંનેને સંતાનો હતાં. એ લોકો તો દારૂ પીવામાં જતા રહ્યા પણ હવે તેમના પરિવારનું શું?"
પોલીસનું શું કહેવું છે?
આ મામલે બોટાદ જિલ્લાના બરવાળા, ધંધુકા અને રાણપુરમાં ફરિયાદ નોંધાઈ છે. આ ત્રણ ફરિયાદોમાં કુલ 33 આરોપીઓ છે. જે પેકી પોલીસ 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
ગુજરાતમાં લઠ્ઠાકાંડ મામલે DGP આશિષ ભાટીયાએ મંગળવારે પ્રેસકૉન્ફરન્સ કરીને પોલીસ કાર્યવાહી અંગે જાણકારી આપી હતી.
તેમણે પોલીસ કાર્યવાહી અને બનાવ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, "અમદાવાદ ગ્રામ્યના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બનાવના સ્થળે પહોંચ્યા હતા જે દરમિયાન તેમને જાણકારી મળી હતી કે જે લોકોની તબિયત ખરાબ છે તેઓ કોઈ કેમિકલની અસરમાં હતા."
"આ સમગ્ર બનાવની તપાસ કરતાં જણાયું છે કે બોટાદ જિલ્લાનાં અમુક ગામડાંમાં ખાસ કરીને રોજિદ અને ચોકડી ગામમાં આ બનાવની અસર જોવા મળી છે."
તેઓ કેસની તપાસ અંગે વિગતો જણાવતાં કહે છે કે, "આ બાબતની જાણ થતાં બોટાદ એસપી ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથે જ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ અને ભાવનગર રૅન્જ આઈજીને પણ મોકલવામાં આવ્યા હતા."
અત્યાર સુધીની પરિસ્થિતિ અંગે વાત કરતાં ડીજીપી આશિષ ભાટીયા કહે છે કે, "બનાવ માટે જવાબદાર આરોપીઓને 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં રાઉન્ડઅપ કરી લેવાયા છે."
"ઘટના માટે જવાબદાર કેમિકલ મિથાઇલ આલ્કોહૉલ પણ કબજે કરાયું છે. ભોગ બનેલા લોકોના લોહીના નમૂનાની તપાસ કરતાં પણ મિથાઇલ આલ્કોહૉલની હાજરી જણાઈ આવી છે."
ડીજીપી આશિષ ભાટીયા જણાવે છે કે, "નારોલ ખાતેની એક કંપનીમાંથી ઔદ્યોગિક ઉપયોગ માટે લવાયેલ મિથાઇલ આલ્કોહૉલના બૅરલમાંથી જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિ જે ત્યાં જ કામ કરતી હતી, કેમિકલ ચોર્યું હતું. જયેશે 22 જુલાઈના રોજ નાભોઈ ગામના સંજયને તગડી ફાટક પાસે 600 લિટર ચોરીનો મિથાઇલ આલ્કોહૉલ સપ્લાય કર્યો હતો."
જયેશે વિનોદ દેખુ ઉર્ફે ફાંટો, પિન્ટુ અને અજિત, દિલીપ નામના લોકોને આ પ્રવાહી વેચ્યું હતું.
પિન્ટુએ આ કેમિકલ વહિયા ગામના બવાન નારાયણ, વલ્લભ, રાણપરી ગામના જટુભા, રોજિંદ ગામનાં ગજુબહેન અને વિપુલ વિનુને આપ્યું હતું.
તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "મિથાઇલ આલ્કોહૉલ એ ઔદ્યોગિક વપરાશ માટેનું સૉલ્વન્ટ છે, આનું વેચાણ આગળ લોકો સુધી થતાં તેની માઠી અસર થઈ છે. "
આશિષ ભાટીયાએ હાલમાં દર્દીઓની હાલત અંગે વાત કરતાં કહ્યું હતું કે, "આ કેમિકલ પીનાર લોકો પૈકી મોટા ભાગના લોકો ભાવનગર અને અમદાવાદમાં સારવાર હેઠળ છે, જે પૈકી મોટા ભાગનાની હાલત સારી છે. તેમને યોગ્ય સારવાર અપાઈ રહી છે."
આરોપ-પ્રત્યારોપ
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેમણે આ ઘટનાને લઈને સરકાર પર નિશાન તાક્યું હતું.
તેમણે કહ્યું, "ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં આ રીતે દારૂ પીવાથી લોકોનાં મૃત્યુ થાય છે. લોકોને ખબર છે કે આ દારૂના પૈસા ક્યાં જાય છે. જો અમારી સરકાર આવશે તો અમે દારૂબંધીનો ચુસ્ત અમલ કરીશું."
કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ ધ હિંદુને જણાવ્યું, "બૂટલેગરો અને પોલીસની સાઠગાંઠથી બેફામ દારૂ વેચાઈ રહ્યો છે અને આવા લોકોને ભાજપ દ્વારા છાવરવામાં આવે છે. પોલીસ રૅગ્યુલર તેમની પાસેથી હપ્તા લે છે."
આ મામલે સંડોવાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરતાં ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું, "ગુજરાતમાં દરરોજ સરકારના સંરક્ષણમાં કરોડો રૂપિયાનો ગેરકાયદે દારૂ પિવાય છે. સરકાર દારૂબંધી પર સર્ક્યુલર બહાર પાડવામાં વ્યસ્ત છે અને અસામાજિક તત્ત્વો મુક્તપણે દારૂ વેચવામાં."
"બૂટલેગિંગમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ સરકાર કડક પગલાં ભરે અને દારૂબંધીનો કડકડાઈથી અમલ કરે એવી અમારી માગ છે."
જ્યારે ભાજપના જ નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું, "સરકારે દારૂબંધીનું કડક પાલન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હું સરકારને વિનંતી કરું છું કે દારૂબંધીના કડક પાલન અને ગેરકાયદેસર દારૂવેચાણને લઈને ચુસ્ત કાયદો બનાવે અને તે પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં..."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો