બોટાદ લઠ્ઠાકાંડ : 'પોલીસે દારૂભઠ્ઠી બંધ કરાવી હતી એટલે કેમિકલ વેચવા મજબૂર થયા' - રિવ્યૂ

બોટાદમાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી આશરે 40 લોકોનાં મૃત્યુ થયાં છે. હજુ પણ કેટલાય લોકો હૉસ્પિટલમાં દાખલ છે.

બીજી તરફ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સિંઘવીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને આ કેસમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહીની માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, "કેમિકલ ચોરાયું ત્યાંથી લઈને વેચનાર સુધી તમામ લોકોને પકડી લેવામાં આવેલા છે. આ ઘટના અત્યંત દુ:ખદ છે અને ત્યાર બાદ પોલીસે બે દિવસમાં તમામ દિશામાં કામગીરી કરતા આટલી જલદી ઉંડાણ સુધી આ કેસમાં પહોંચી શકાયું છે. "

"હજી પણ જે કોઈ ગામડાંઓમાં કોઈ દેશી દારૂનું સેવન કરતા હોય, કોઈ આદત હોય અને જો તેમનું મૃત્યુ થતું હોય તો એની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપજો."

ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર આ કેસ સંદર્ભે ત્રણ ગુના દાખલ કરીને કુલ 38 આરોપીઓમાંથી અત્યાર સુધી 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

"આ કેસમાં તમામ લોકોને ન્યાય મળે તે માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને રાત દિવસ કામ કરીને કામગીરી આગળ વધારશે."

"છેલ્લા દોઢ મહિનામાં જે ગુજરાતના મોસ્ટ વૉન્ટેડ બૂટલેગરો હોય, જેમકે નાથદાન ગઢવી કે દાહોદથી અલ્કેશ બાખરોલિયા હોય કે પછી બુધવારે સાંજે સ્ટેટ મૉનિટરિંગ પિંટુ ઉર્ફે ભીમરાવ ગડરી જે 2019થી ભાગતા ફરતા હતા તેને પણ પકડવામાં આવ્યા છે."

"છેલ્લા બે દિવસમાં મળેલી માહિતી અનુસાર અન્ય કેસ પકડવામાં આવ્યા છે."

તેમણે ઉમેર્યું કે, "બરવાળા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302, 328, 120(બી), 65(એ), 67-1(એ) મુજબ દાખલ કરવામાં આવેલા ગુનામાં ઝીણવટભરી તપાસ કરતાં 14 આરોપીઓની સંડોવણી ધ્યાને આવી છે જેમાંથી 12 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તે જ પ્રમાણે રાણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા આ ગુનામાં પણ 11 આરોપીઓની સંડોવણી ધ્યાને આવી છે જેમાંથી નવ આરોપીઓની ધરપકડ કરાઈ છે."

બોટાદ જિલ્લાનાં વિવિધ ગામોમાં કથિતપણે ઝેરી દેશી દારૂ પીધા બાદ સેંકડો લોકો બીમાર પડી ગયા છે.

હર્ષ સંઘવી અનુસાર, "ગેરકાયદેસર દેશી અને ભારતીય બનાવટના વિદેશી દારૂના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને પીવાવાળા વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. વર્ષ-2021માં 123 કરોડથી વધુ કિંમતનાં દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી 1.67 લાખથી વધારે કેસો સાથે 1.67 લાખથી વધુ આરોપીઓને જેલમાં ઘકેલવામાં આવ્યા હતા."

"તે ઉપરાંત 920થી વધારે બુટલેગરોની પાસા અધિનિયમ હેઠળ અટકાયત કરી સઘન કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા બુટલેગરોની યાદી તૈયાર કરી તે તમામની ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખી, ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને પીવાવાળા વિરુદ્ધ સતત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે."

હર્ષ સંઘવી અનુસાર, "મીડિયાના આધારે સોશિયલ મીડિયામાં સરપંચનો પત્ર પ્રસિદ્ધ કરેલો છે તેના આધારે આ ગામ અને આજુબાજુના ગામડાંઓમાં રેચ પાડવામાં આવી હતી. ગામલોકોના કેહવા અનુસાર દેશી દારૂની ભઠ્ઠીઓ એ તમામ પોલીસે બંધ કરાવી હતી તેથી દેશી દારૂની બદલે આ પ્રકારનું કેમિકલ લાવવા માટે મજબૂર થયા હતા."

"આવું ભવિષ્યમાં ન બને તે માટે કેમિકલ કેવી રીતે નિયંત્રણમાં અને નિરીક્ષણમાં રાખી શકાય તે માટે, ઉંડાણપૂર્વ ચર્ચા થઈ છે. આવનારા દિવસોમાં આ દિશામાં પગલાં ભરશે. "

"આ સામાજિક દૂષણ છે. ગુજરાતનો કોઈ નાગરિક આ દૂષણમાં સામેલ ન થાય તે માટે પોલીસ કટિબદ્ધ છે, લૉ ઍન્ડ ઑર્ડર કે પોલિસીંગના આધારે પગલાં ભરવામાં આવશે."

"આ માત્ર લૉ ઍન્ડ ઑર્ડરનો પ્રશ્ન થયો છે એવું નથી. આ સામાજિક દૂષણ બંધ કરવા માટે સાથે મળીને કામ કરવા માગીએ છીએ."

"કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડ, સરકાર કોઈ રીતે હાથ ઊંચા કરવા નથી માગતી. આ લઠ્ઠો છે કે કેમિકલ, તે વિવાદમાં નથી પડવા માગતા. સરકાર સો ટકા કડકમાં કડક પગલાં ભરશે. "

અત્યાર સુધી લઠ્ઠાકાંડમાં બીમાર પડેલા 97 લોકો સારવાર લઈ રહ્યા છે. હર્ષ સંઘવીએ કહ્યું કે "તમામ ગામોમાં કોમ્બિંગનું કામ છે. ત્રણ દર્દી ગંભીર છે."

ગુજરાત : લમ્પી વાઇરસથી હજારથી વધુ પશુઓનાં મૃત્યુ, સરકારે શું પગલાં લીધાં?

ગુજરાતમાં ગાયો-ભેંસોને પોતાના સકંજામાં જકડનાર લમ્પી વાઇરસથી એક હજાર જેટલાં પશુઓનાં મૃત્યુ થયાં હોવાનું કૃષિ અને પશુપાલનમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

સીએનબીસીટીવી-18ના અહેવાલ મુજબ, રાઘવજી પટેલે જણાવ્યું હતું કે હાલ રાજ્યના 14 જિલ્લાનાં 880 ગામોમાં 37,121 પશુઓમાં આ બીમારીનાં લક્ષણો જોવાં મળ્યાં છે. જેમને સારવાર આપવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્યભરમાં 2.68 લાખ પશુઓને લમ્પી વાઇરસ માટેની રસી આપી દેવામાં આવી છે. આ સિવાય પણ રોગને કાબૂમાં રાખવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે.

પશુપાલનવિભાગ 152 પશુચિકિત્સકો અને 438 લાઇવસ્ટૉક ઇન્સપૅક્ટરો દ્વારા સર્વે, વૅક્સિનેશન તેમજ સારવાર આપવાની કાર્યવાહી કરાવી રહ્યું છે.

લમ્પી વાઇરસનાં લક્ષણો

  • મુખ્યત્વે પશુનાં શરીર (ચામડી) પર ગૂમડાં જેવી ગાંઠો ઊપસી આવે છે.
  • પશુને સામાન્ય તાવ આવવો, દૂધઉત્પાદન ઘટી જવું, કેટલાક કિસ્સાએ પશુઓને ગર્ભપાત થવો
  • કોઈકવાર પશુઓમાં વંધ્યત્વ જોવા મળે છે તેમજ નિર્બળ/અશક્ત પશુઓ ક્યારેક મૃત્યુ પણ પામે છે
  • ચેપગ્રસ્ત પશુની આંખ અને નાક્માંથી સ્ત્રાવ નીકળે છે અને મોઢામાંથી લાળ પડે છે.

સેક્સ રૅકેટમાં ફસાયેલા મેઘાલય ભાજપના ઉપાધ્યક્ષની ઉત્તર પ્રદેશથી ધરપકડ

મેઘાલયમાં ભાજપના ઉપાધ્યક્ષ બર્નાર્ડ એન મરાકની તેમના ફાર્મ હાઉસમાં સેક્સ રૅકેટ ચલાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેમની ધરપકડ મંગળવારે થઈ છે.

વેસ્ટ ગારો હિલ્સના પોલીસ અધીક્ષક વિવેકાનંદ સિંહે સમાચાર એજન્સીને જણાવ્યું, "બર્નાર્ડ એન મરાક ઉર્ફ રિમ્પૂની ઉત્તર પ્રદેશના હાપુડથી ધરપકડ કરવામાં આવી છે. તેમને પાછા લાવવા માટે ટીમ મોકલાઈ રહી છે."

વિવેકાનંદ સિંહે જણાવ્યું કે મેઘાલયમાં અધિકારીઓએ તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે બર્નાર્ડને પહેલા હાપુડની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાદમાં તેમને તુરા પાછા લાવવામાં આવશે.

શનિવારે પોલીસે ચરમપંથી નેતા રહી ચૂકેલાં બર્નાર્ડ એન મરાકના વેસ્ટ ગારો હિલ્સ જિલ્લાના તુરામાં આવેલા ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો.

પોલીસે પ્રમાણે ફાર્મ હાઉસમાં સેક્સ રૅકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસે ત્યાંથી છ સગીરોને છોડાવી હતી અને 73 લોકોની ધરપકડ કરી હતી.

વેસ્ટ ગારો હિલ્સ પોલીસ પ્રમાણે, 22 જૂને સાંજે છ વાગ્યે ફાર્મ હાઉસ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જે બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી ચાલ્યો હતો.

પોલીસે જાહેર કરેલી પ્રેસ રિલીઝ મુજબ ત્રણ માળની ઇમારતમાં સેક્સ રૅકેટ ચલાવવામાં આવતું હતું. આ ઇમારતમાં બે માળ બેઝમેન્ટમાં હતા, જેમાં નાના એવા 30 રૂમ હતા. પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે ઘણા છોકરા, છોકરીઓ ખુલ્લામાં દારૂ પી રહ્યાં હતાં. કેટલાક લોકો ગાડીમાં કપડાં વગર બેઠા હતા.

પોલીસે ફાર્મ હાઉસમાંથી 36 વાહનો, 47 મોબાઇલ ફોન, 500 કૉન્ડોમ, મોટી માત્રામાં દારૂ અને અન્ય આપત્તિજનક વસ્તુઓ પકડી પાડી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો