પાકિસ્તાન પણ શ્રીલંકાની જેમ દેવાળું ફૂંકવા તરફ આગળ વધી રહ્યું છે?

પાકિસ્તાનની આર્થિક સ્થિતિને લઈને અનેક પ્રકારની અટકળો લાંબા સમયથી થઈ રહી છે. ક્યારેક પાકિસ્તાન નાદાર થઈ ગયું હોવાના સમાચારો સામે આવે છે તો ક્યારેક દેવાદાર થઈ ગયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે.

ડિસેમ્બર 2021માં પાકિસ્તાનના નાણાકીય મામલાઓની તપાસ એજન્સી ફૅડરલ બોર્ડ ઑફ રૅવન્યૂના પૂર્વ ચૅરમેન સૈયદ શબ્બર ઝૈદીએ કહ્યું હતું કે જો હાલની પરિસ્થિતિ અને રાજકોષીય ખોટને જોઈએ તો તે પાકિસ્તાન દેવાળિયું થઈ ગયું હોવા સાથે જોડાયેલા મુદ્દા છે.

તેમણે કહ્યું હતું, "સરકાર દાવો કરી રહી છે કે બધું જ બરાબર છે અને પરિસ્થિતિ સુધરી રહી છે પણ આ દાવો ખોટો છે."

જોકે, બાદમાં ઝૈદીએ આ નિવેદનો વિશે સ્પષ્ટતા કરી હતી. વળી પાકિસ્તાનના નાણામંત્રીએ શક્યતા વ્યક્ત કરી હતી કે, જો ઑઇલ પર સબસિડી ઘટાડવામાં નહીં આવે તો પાકિસ્તાન ડિફૉલ્ટર થઈ જશે અને તેની હાલત શ્રીલંકા જેવી થઈ જશે.

શ્રીલંકાની હાલની પરિસ્થિતિ અને રાજકીય અસ્થિરતા જોતા પાકિસ્તાન માટે ચિંતા વ્યક્ત થવા લાગી હતી.

વૈશ્વિક બજારમાં ઑઇલના વધતા ભાવને લઈને પાકિસ્તાનના વિદેશી મુદ્રાભંડોળ પર ભારે દબાણ છે. જે તેને સંકટ તરફ ધકેલી રહ્યું છે.

પાકિસ્તાનનું વિદેશી મુદ્રાભંડોળ 9.3 અબજ ડૉલર સુધી પહોંચી ગયું છે. જે પાંચ અઠવાડિયાની આયાત માટે ચૂકવવા માટે પણ પૂરતું નથી.

ઝડપથી ખર્ચ ઘટાડવાની જરૂર

પાકિસ્તાની રૂપિયો તૂટીને રૅકર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે. એક ડૉલરની સામે પાકિસ્તાની રૂપિયો આશરે 210 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની નવી સરકારને હવે ઝડપથી ખર્ચ ઘટાડવાની જરૂર છે કારણ કે તેઓ વેરાપેટે મળતી રકમમાંથી 40 ટકા વ્યાજ ભરવા માટે ખર્ચી રહ્યા છે.

જોકે, વૈશ્વિક અનુમાનો, ફેક ન્યૂઝ અને લોકોમાં ગભરાટના કારણે સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાનના કાર્યકારી ગવર્નર અને ડૅપ્યુટી ગવર્નરે એક પ્રોગ્રામમાં પાકિસ્તાનની સ્થિતિને લઈને વિસ્તારથી વાત કરી.

યૂટ્યૂબ પર એસબીપીના આ પૉડકાસ્ટમાં કાર્યકારી ગવર્નર મુર્તઝા સૈયદ, ડૅપ્યુટી ગવર્નર ઇનાયત હુસૈન અને ડૅપ્યુટી ગવર્નર સીમા કામિલ હાજર હતા. તેમણે દેશ પરનું દેવું, વિદેશી હૂંડિયામણ અને રુપિયાની સ્થિતિ વિશે વાત કરી હતી.

પાકિસ્તાન હાલ કેવી પરિસ્થિતિમાં?

કાર્યકારી ગવર્નર ડૉક્ટર મુર્તઝા સૈયદે જણાવ્યું કે આગામી 12 મહિના વૈશ્વિક અર્થતંત્ર માટે મુશ્કેલ હશે.

તેમણે કહ્યું, "જેવા આપણે કોવિડની સ્થિતિમાંથી નીકળી રહ્યા છીએ તો જોઈ રહ્યા છીએ કે વૈશ્વિક કૉમૉડિટીની કિંમતો વધી રહી છે.

"ફૅડરલ રિઝર્વ કડક રીતે તેનો ઉકેલ લાવવા પ્રયાસો કરી રહ્યું છે. આ કારણે દુનિયાના તમામ દેશો પરેશાન છે અને મોઘવારી વધી રહી છે."

"જે દેશો પર દેવું વધારે છે ત્યાં સ્થિતિ વધારે ખરાબ છે પણ પાકિસ્તાન એટલું નબળું નથી જેટલું લોકો સમજી રહ્યા છે. તેનાં ત્રણ મુખ્ય કારણો છે."

  • સૌથી પહેલાં પાકિસ્તાન પર દેવાની વાત કરીએ. આ સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. પાકિસ્તાન પર આ સમયે જીડીપીનું 70 ટકા દેવું બાકી છે. જે દેશો સાથે પાકિસ્તાનને જોડવામાં આવી રહ્યું છે તેના કરતાં પાકિસ્તાનનું દેવું ઘણું ઓછું છે.
  • તેમાં મહત્ત્વપૂર્ણ એ છે કે કેટલું દેવું બહારથી છે. પાકિસ્તાનના મામલે જીડીપીના 40 ટકા દેવું બહારનું દેવું છે. ટ્યૂનિશિયામાં 90 ટકાથી વધુ દેવું બહારનું છે. અંગોલાનું 120 ટકા દેવું અને ઝામ્બિયાનું 150 ટકાથી વધુ દેવું બહારનું છે. પાકિસ્તાન પર ઘરેલું દેવું વધારે છે. જેને સંભાળવું સરળ છે કારણ કે તેની ચુકવણી સ્થાનિક ચલણમાં કરવાની હોય છે.
  • બીજું હોય છે બહારના દેવામાં ઓછી મુદ્દતનું દેવું. પાકિસ્તાનના માથે આ પ્રકારનું માત્ર સાત ટકા દેવું છે.
  • અંતિમ વસ્તુ એવી છે કે કઈ શરતો પર બહારથી દેવું લેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં માત્ર 20 ટકા કૉમર્શિયલ શરતો પર છે બાકી છૂટ આધારિત છે. જે આઈએમએફ અને વિશ્વ બૅન્ક પાસેથી લેવામાં આવ્યું છે, મિત્ર દેશો પાસેથી લેવામાં આવ્યું છે. તેની ચુકવણી પણ પાકિસ્તાન માટે સરળ છે.

આઈએમએફની મદદ સંજીવની સમાન

કાર્યકારી ગવર્નરે કહ્યું, "આપણી નીતિઓ એવી છે જેનાંથી આપણે અર્થવ્યવસ્થાને થોડી ધીમી કરી શકીએ. કોવિડથી આપણે સારી રીતે બહાર નીકળી ગયા. હા, આ વર્ષે બજેટ થોડું ટાઇટ હશે પરંતુ અમે તેની પર કામ કરી રહ્યા છીએ."

"સૌથી જરૂરી બાબત એ છે કે આગામી 12 મહિના જે દેશો પાસે આઈએમએફ પોગ્રામ હશે તેઓ બચીને રહેશે અને જેમની પાસે નહીં હોય તેઓ દબાણમાં રહેશે. ઘાના, ઝામ્બિયા, ટ્યુનિશિયા અને અંગોલા પાસે આઈએમએફ પ્રોગ્રામ નથી. તમે પાકિસ્તાનનું વિદેશી દેવું, દેશની નીતિ અને આઈએમએફનું કવર જોશો તો તમને સમજાશે કે જેવી લોકો માને છે એટલી નબળી સ્થિતિ અમારી નથી."

પાકિસ્તાનની આઈએમએફ સાથે સ્ટાફ સ્તરની સમજૂતી થઈ ગઈ છે પરંતુ બૉર્ડસ્તરની સમજૂતી બાકી છે. તે માટે પાકિસ્તાને કેટલીક શરતો પૂરી કરવી પડશે.

આમાં આવનારી મુશ્કલીઓ બાબતે મુર્તુઝા સૈયદે કહ્યું કે, આઈએમએફની સાથે સ્ટાફ સ્તરની સમજૂતી હોવી એ પણ કોઈ નાની વાત નથી. આ એક મોટી ઉપલબ્ધિ છે. આનો અર્થ એ છે કે આઈએમએફ સ્ટાફને એવું લાગે છે કે આ પ્રોગ્રામ હેઠળ અમારે જે કરવાનું હતું એ કરવામાં આવ્યું છે. આ પછી જો તમે નિષ્ઠા પૂરી દાખવો તો બોર્ડમાં જઈને વાત કરવામાં તમને ઘણી સરળતા રહે. આ પછી અમને પૈસા મળી જશે. દુનિયા જોશે કે પાકિસ્તાન ટ્રેક પર ચાલી રહ્યું છે.

ફૉરેક્સ રિઝર્વની સ્થિતિ

ડૅપ્યુટી ગવર્નર ઇનાયત હુસૈને કહ્યું, "પાકિસ્તાનનું વિદેશી દેવું 9.3 અબજ ડૉલર છે. આ એ સ્તર નથી જેનાંથી આપણે ખુશ થઈ શકીએ. આપણે ઇચ્છીશું કે તેને સુધારીએ. જોકે, ફૉરેક્સ રિઝર્વની સ્થિતિ એટલી ખરાબ નથી કે પરેશાન થવું પડે. સોશિયલ મીડિયા પર તેને લઈને ઘણી અફવાઓ પણ ઊડી રહી છે."

કોઈ પણ દેશની આયાત અને નિકાસમાં જે અંતર હોય છે તેને ફૉરેક્સ રિઝર્વ કહેવામાં આવે છે. જો કોઈ દેશ પાસે આ રિઝર્વ ન હોય તો તે આયાત કરી શકતો નથી.

ડેપ્યુટી ગવર્નરે કહ્યું, ''અમારી પાસે ઘણું રિઝર્વ છે જે અમને આગામી અમુક મહિના સુધી આગળ લઈ જઈ શકે છે. આઈએમએફના પ્રોગ્રામને પરવાનગી મળે એ પછી પૈસાનો ફ્લો આવવા લાગશે. કેટલીક બહુપક્ષીય સંસ્થાઓ પણ છે, ત્યાંથી પણ પૈસો આવશે. અમારું આકલન છે કે પાકિસ્તાનની આગામી વર્ષની નાણાકીય જરૂરિયાતો અમે સરળતાથી પૂરી કરી શકીશું. એ પછી બજેટ પણ વધી જશે.''

ઇનાયત હુસૈને પાકિસ્તાનના ગોલ્ડ રિઝર્વને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ''પાકિસ્તાન પાસે ગોલ્ડ રિઝર્વ છે જેનું મૂલ્ય 3.8 અબજ ડૉલરની આસપાસ છે. આ વિદેશી રિઝર્વ સિવાયનું છે. વિદેશ રિઝર્વ વધારવા ગોલ્ડની સામે કરજ લેવું પડે એવી કોઈ સ્થિતિ નથી.''

ડેપ્યુટી ગવર્નરે પાકિસ્તાની રૂપિયાની કિંમતમાં થયેલા ઘટાડાના કારણ વિશે પણ વાત કરી.

એમણે કહ્યું, ''પાકિસ્તાની રૂપિયાની કિંમતમાં ડિસેમ્બરથી અત્યાર સુધી 18 ટકા ઘટાડો થયો છે પરંતુ 12 ટકાનો ઘટાડો અમેરિકન ડૉલરની કિંમતમાં થયેલા વધારાને કારણે છે. રૂપિયો નીચો જવાના અમારા કારણોમાં પહેલું તો એ કે પાકિસ્તાનમાં ડૉલરના પુરવઠાની સરખામણીમાં માગ વધારે છે. બીજું કે, તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાનમાં આયાત ઘણી વધારે હતી. અમારી આશા છે કે આયાત ઘટશે અને રૂપિયો મજબૂત થતો જશે. રૂપિયા પર બજારના સેન્ટિમેન્ટની પણ અસર પડતી હોય છે.''

પાકિસ્તાનમાં લોકો સસ્તા ભાવે પોતાનું ઘર ખરીદી શકે એ માટે ''મારું પાકિસ્તાન, મારું ઘર'' યોજના ચલાવવામાં આવે છે જેને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે.

આ યોજના વિશે ડેપ્યુટી ગવર્નર સીમા કામિલે કહ્યું, ''જે ઘર નથી ખરીદી શકતો તે સામાન્ય માણસ ઘર લઈ શકે તે માટેની આ યોજના છે. આનો હપ્તો એવો હોય છે કે જે તે ભરી શકે છે અને સરકાર તેમાં સબસિડી આપતી હતી. હવે સબસિડી અર્થતંત્ર માટે મુશ્કેલીરૂપ બની રહી છે એટલે પાકિસ્તાને નિર્ણય કર્યો કે થોડો સમય આ યોજનાને રોકવામાં આવે અને તેને ફરીથી ગઠિત કરવામાં આવે. આ યોજના ફરી પાછી આવશે અને ઓછી આવકવાળા લોકોને તેનો ચોક્કસ ફાયદો થશે.''

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો