અમદાવાદ : પિતાએ જ પુત્રની હત્યા કરી, કટરથી ટુકડા કરી એને શહેરમાં કેમ ફેંકી દીધા?

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી
  • નિવૃત્ત સરકારી અધિકારીએ અમદાવાદમાં પોતાના પુત્રની હત્યા કરી લાશ ઠેકાણે લગાવ્યાનો મામલો સામે આવ્યો
  • પોલીસતપાસમાં જાણવા મળ્યું કે પિતાએ પુત્રની લાશના કટર વડે ટુકડા કર્યા હતા
  • કથિતપણે કુટેવો ધરાવતા પુત્રથી ત્રસ્ત થઈ પિતાએ પગલું ભર્યું હોવાનું પોલીસતપાસમાં બહાર આવ્યું

20 જુલાઈએ અમદાવાદના વાસણા વિસ્તારમાં એક કચરાના ઢગલામાંથી અજાણી વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું.

22 જુલાઈએ જૂના શારદામંદિર ડૉક્ટર હાઉસની ગલીમાંથી માનવશરીરના બે બીજા અવશેષ મળી આવ્યા હતા.

આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસ થતાં પોલીસને જાણવા મળ્યું હતું કે ધડ અને અન્ય અવશેષ એક જ વ્યક્તિના છે.

સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી.

જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નિવૃત પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી આ અવશેષો ક્રૂરતાથી કાપી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેંક્યા હતા.

આ સમગ્ર મામલે હત્યાનું કારણ જાણવા અને પોલીસે આરોપીનું પગેરું મેળવવા કરેલ પ્રયાસો અંગે માહિતી મેળવવા બીબીસી ગુજરાતીએ મામલાની તપાસ કરી હતી.

સીસીટીવી ફૂટેજમાં થયો ખુલાસો

ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી.

પોલીસને નીલેશ જ્યંતિલાલ જોશી નામની વ્યક્તિ પર શંકા જતાં તેમના ઘર પાસેના સીસીટીવી ફૂટેજ તપાસી હતી.

નીલેશ જોશી એક થેલીમાં કોઈ ભારે વસ્તુ લઈને જતાં નજરે પડ્યા હતા.

વધારે તપાસમાં જાણ થઈ કે નીલેશ સ્ટેટ ટ્રાન્સપૉર્ટની બસમાં સુરત જવા નીકળ્યા છે.

આરોપી ગોરખપુરથી નેપાળ ભાગી જવા માંગતા હતા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સુરત તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી 22 જુલાઈના રોજ રાત્રે બે વાગ્યે અવધ એક્સપ્રેસમાં બેસ્યા હતા. જેમાં તેઓ ગોરખપુર જઈ રહ્યા હતા.

રેલવે પોલીસની મદદ લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. બ્રહ્મભટ્ટની સાથે અન્ય કર્મચારીઓની ટીમ બનાવી રાજસ્થાનના સવાઈ માધવપુર જિલ્લાના ગંગાપુર રેલવે સ્ટેશનથી નિલેશ જોશીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપીને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા.

પુત્ર નશીલા પદાર્થનું સેવન કરતો બરોજગાર હતો

સમગ્ર મામલે અમદાવાદ પોલીસના જેસીપી ક્રાઇમ પ્રેમવીરસિંહે પત્રકારપરિષદનું સંબોધન કરી વિગતો આપી.

તેમણે જણાવ્યું હતું કે, " આરોપી નીલેશ જોશીની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે તેણે પોતાના 21 વર્ષીય પુત્ર સ્વયં જોશીની હત્યા કરી છે. હત્યાના કારણ વિશે આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે નીલેશ અને તેમના પુત્ર સ્વયં છેલ્લાં છ વર્ષથી ઘરમાં એકલા રહેતા હતા. પુત્ર નશો કરતો હતો અને બેરોજગાર હતો."

"18 જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યે તે નશામાં ઘરે પહોંચ્યો હતો. પોતાના પિતા નીલેશ પાસે પૈસાની માંગણી કરતાં બિભત્સ ગાળો બોલ્યો હતો. અને ઘરમાં કાચ તોડ્યા હતા. જે લાકડાના હાથા દ્વારા આરોપી નીલેશ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ નીલેશ પગથી સ્વયંને પલંગ પર પાડી દીધો હતો અને રસોડામાંથી પથ્થરની ખાંડણી લઈ સ્વયંના માથામાં છથી સાત ઘા મારી તેની હત્યા કરી હતી."

લાશનો નિકાલ કરવા ઇલેક્ટ્રિક કટર વડે ટુકડા કર્યા

પોલીસતપાસમાં આરોપી નીલેશે જણાવ્યું હતું કે, "હત્યા કર્યા બાદ તેમણે અમદાવાદના કાલુપુર બજારમાંથી ઇલેક્ટ્રિક કટર તથા પ્લાસ્ટિકની થેલી ખરીદી હતી. જે બાદ લાશને ઘરના રસોડામાં ધડ, માથું, હાથ અને પગ અલગ અલગ છ ભાગમાં કર્યા હતા. આ ટુકડાને પોતાના સ્કૂટર પર લઈ શહેરના અલગઅલગ વિસ્તારમાં ફેંક્યા હતા.

નીલેશ જોશી સ્ટેટ ટ્રાન્સપૉર્ટના નિવૃત્ત કર્મચારી છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી પિતા અને પુત્ર આંબાવાડી વિસ્તારમાં એકલા રહેતા હતા. પોલીસનું કહેવું છે કે આરોપીનાં પત્ની અને દીકરી જર્મનીમાં વસવાટ કરે છે.

હત્યાના સમગ્ર મામલે પોલીસે IPC 302 અને ગુજરાત પોલીસ ઍક્ટ 135 (1) અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો