You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
RSSએ ઉઠાવ્યો મોંઘવારીનો મુદ્દો, કહ્યું - જીવનજરૂરી વસ્તુઓની કિંમતો ઘટાડો - પ્રેસ રિવ્યૂ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે મોંઘવારી અને ખાદ્ય વસ્તુઓની કીમતોના સંબંધો અંગે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂરિયાત છે.
તેમણે એ વાત પર ભાર મૂક્યો કે લોકો ઇચ્છે છે કે ભોજન, કપડાં અને રહેઠાણ સસ્તાં થાય કારણ કે તે મૂળભૂત જરૂરિયાતો છે.
હોસબોલેએ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અત્યાર સુધીની સરકારોને શ્રેય આપતાં કહ્યું કે જરૂરી વસ્તુઓ એટલી સસ્તી હોય કે તે ગમે તે ખરીદી શકે. જોકે, ખેડૂતોને તેના કારણે નુકસાન ન થવું જોઈએ.
સંઘનેતાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સરકાર જરૂરી સામાનોની વધતી જતી કિંમતો અને લોટ અને દહીં જેવી આઇટમો પર જીએસટી લગાવવાના કારણે ટીકાનું પાત્ર બની છે.
ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી, ક્યાકયા જિલ્લાઓમાં યલો ઍલર્ટ?
ગુજરાતમાં ચોમાસાની ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 79% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ગુજરાત ડિવિઝનમાં સામાન્ય કરતાં 50% વધુ વરસાદ નોંધાયો છે.
આ દરમિયાન ગુજરાતમાં હજુ બે દિવસ ભાર વરસાદની આગાહી કરાઈ છે. ભારતીય હવામાનખાતા (આઈએમડી) રવિવાર અને સોમવારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકાભડાકા ભારે વરસાદ પડી શકે એમ છે.
હવામાનખાતાએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં રવિવારે, જ્યારે કચ્છમાં રવિવાર-સોમવાર એમ બે દિવસ યલ ઍૅલર્ટ જાહેર કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન સંસ્થા સ્કાયમેટ અનુસાર, દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા ગુજરાત તથા પાકિસ્તાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય તેવી શક્યતા છે.
આ સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં ફરી એકવાર વરસાદ વધવાની અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકવાની શક્યતા સર્જાઈ છે.
આ વરસાદી ગતિવિધિઓ કચ્છ અને પૂર્વ ગુજરાતમાં વધુ રહેશે.
મારી પુત્રી 18 વર્ષની છે અને કોઈ બાર ચલાવતી નથી: સ્મૃતિ ઈરાની
કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની પર શનિવારે કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો કે તેમની પુત્રી ગોવામાં "ગેરકાયદેસર" બાર-કમ-રેસ્ટોરાં ચલાવી રહી છે' અને તેમના રાજીનામાની માંગણી કરી હતી.
અંગ્રેજી અખબાર ધ હિંદુ અનુસાર, સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસ પર "દુર્ભાવનાપૂર્ણ ઝુંબેશ" ચલાવવાનો આક્ષેપ કરતાં કહ્યું, "18 વર્ષની પુત્રી પ્રથમ વર્ષની કૉલેજ વિદ્યાર્થિની છે અને કોઈ બાર ચલાવતી નથી".
તેમણે ઉમેર્યું, "મારી પુત્રીની ભૂલ એ છે કે તેની માતાએ સોનિયા અને રાહુલ ગાંધી દ્વારા રૂપિયા 5000 કરોડની લૂંટ અંગે પ્રેસ કૉન્ફરન્સ કરી. એની ભૂલ એ છે કે તેણીની માતાએ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે લડી હતી."
અગાઉ, કૉંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને પવન ખેરા તેમજ મહિલા કૉંગ્રેસનાં વડા નેટ્ટા ડિસોઝાએ એક સંયુક્ત પત્રકારપરિષદ સંબોધીને આરોપ લગાવ્યો કે બારનું લાઇસન્સ એક એવી વ્યક્તિના નામે લેવામાં આવ્યું હતું જે હવે હયાત નથી અને આબકારીવિભાગની અધિકારી છે.
જયરામ રમેશે ઉમેર્યું હતું, "શ્રીમતી ઈરાનીના પરિવાર સામેના આરોપો માહિતીઅધિકાર (RTI) અધિનિયમ દ્વારા મેળવેલા દસ્તાવેજો પર આધારિત છે. ખેરાએ કહ્યું હતું કે, "અમે વડા પ્રધાન પાસેથી માગ કરીએ છીએ કે સ્મૃતિ ઈરાનીને કેન્દ્રીય કૅબિનેટમાંથી તાત્કાલિક મંત્રીપદેથી હઠાવી દેવામાં આવે."
લોકોને ઘરમાં 24 કલાક તિરંગો લહેરાવવાની છૂટ, કેન્દ્ર સરકારે ફ્લેગ કૉડમાં સુધારો કર્યો
હિંદુસ્તાન ટાઇમ્સ અનુસાર, કેન્દ્ર દ્વારા 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત 'ફ્લેગ કૉડ ઑફ ઈન્ડિયા' 2002માં પણ ફેરફારો કરાયા છે, જે અંતર્ગત દિવસે અને રાત્રે પણ લોકોને તિરંગો લહેરાવવાની મંજૂરી આપવામાં આવી છે.
સ્વતંત્ર ભારતનાં 75 વર્ષની સ્મૃતિમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે 'હર ઘર તિરંગા' અભિયાન 13થી 15 ઑગસ્ટ સુધી ચાલશે.
ભારતીય રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ફ્લેગ કૉડ ઑફ ઈન્ડિયા, 2002 અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971 દ્વારા નિયંત્રિત થાય છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ફ્લેગ કૉડ ઑફ ઈન્ડિયા, 2002માં 20 જુલાઈ, 2022માં સુધારા અનુસાર હવે ભાગ-2ના ફકરા 2.2ની કલમ (xi) હવે આ પ્રમાણે હશે: - (xi ) "જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય છે અથવા જાહેર સભ્યના ઘર પર પ્રદર્શિત કરવામાં આવે છે, તે દિવસ-રાત લહેરાવી શકાય છે".
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો