વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ : નીરજ ચોપરા માટે કઈ રીતે 90 મીટરનું અંતર અસલ પડકાર બની ગયું?

    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, બીબીસી માટે
  • નીરજ ચોપરાએ વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં 88.13 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો
  • આ ઐતિહાસિક પ્રદર્શન બાદ પણ ટોક્યોની ખુશી તેના ચહેરા પર દેખાતી ન હતી
  • તેણે સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94 મીટર ભાલો ફેંક્યો હતો

ટોક્યો ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપરા વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ઍથ્લેટ બન્યા છે.

તેમણે યુજેન (યુએસએ)માં ચાલી રહેલી વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં 88.13 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે.

આ પહેલા ઍથ્લેટિક્સમાં માત્ર લાંબી કૂદમાં અંજુ બૉબી જ્યોર્જ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતી શક્યાં હતાં. તેમણે 2003 પેરિસ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એક વર્ષ પહેલાં ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ હાંસલ કરનારા નીરજ ચોપડાએ ભલે સિલ્વર જીતીને દેશનું ગૌરવ વધાર્યું હોય, પરંતુ આ ઐતિહાસિક પ્રદર્શન બાદ પણ ટોક્યોની ખુશી તેના ચહેરા પર દેખાતી નહોતી.

આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર ગ્રેનાડાના ઍન્ડર્સન પીટર્સ ઇવેન્ટના અંતે અભિનંદન આપવા આવ્યા ત્યારે નીરજ ખુશ દેખાતા નહોતા. કદાચ તેમને ગોલ્ડ મેડલ ચૂકી જવાનો અફસોસ હશે.

ટોક્યો કરતાં સારું પ્રદર્શન

જોકે, નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિકમાં 87.53 મીટરના થ્રો સાથે સુવર્ણચંદ્રક જીત્યો હતો. જોકે, અહીં તેઓ ઍન્ડર્સન પીટર્સને ટક્કર આપતા જોવા મળ્યા નહોતા. પીટર્સ 90 મીટરથી આગળ જતાની સાથે જ ગોલ્ડ મેડલ જીતવાનું નિશ્ચિત હતું.

ઍન્ડર્સન પીટર્સ 2019 વર્લ્ડ ચૅમ્પિયનશિપના પણ ગોલ્ડ મેડાલિસ્ટ છે. નીરજ ઈજાના કારણે એ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈ શક્યા નહોતા. આ ઇવેન્ટમાં ચેક રિપબ્લિકના વેલ્દાચે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

નીરજે જૅવલિન ઇવેન્ટના ક્વૉલિફાયરમાં 88.29 મીટરના સિંગલ થ્રો સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ તેઓ ફાઇનલમાં ક્વૉલિફાયર્સના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યા નહીં. નીરજ ચોપરા વિશે કહેવાય છે કે તેઓ પ્રથમ અને બીજા પ્રયાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે.

પરંતુ ફાઇનલમાં તેઓ આમ કરવામાં સફળ થઈ શક્યા નહોતા. પ્રથમ થ્રોમાં તેમનો થ્રો ફાઉલ ગયો હતો અને બીજા થ્રો પર તેઓ માત્ર 82.39 મીટર દૂર જ ભાલો ફેંકી શક્યા હતા.

નીરજે ત્રીજા પ્રયાસમાં 86.37 મીટરના થ્રો સાથે ટોચના ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું હતું.

તેમણે ચોથા પ્રયાસમાં 88.13 મીટરના પ્રદર્શન સાથે સિલ્વર જીતવાનું પાક્કું કર્યું, પરંતુ ઍન્ડર્સન પીટર્સને હરાવવાના આગામી બે પ્રયાસોમાં તેઓ સફળ થઈ શક્યા નહીં. બંને પ્રયાસો નિષ્ફળ ગયા. જેના કારણે તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

90 મીટરની સમસ્યા

નીરજ ચોપરાનું સ્વપ્ન 90 મીટરના અવરોધને પાર કરવાનું છે. તેમણે જે રીતે સિઝનની શરૂઆત કરી હતી, તેનાથી એવું લાગતું હતું કે તેઓ આ ચૅમ્પિયનશિપમાં તેમનું સ્વપ્ન સાકાર કરશે કારણ કે તેમણે સ્ટૉકહોમ ડાયમંડ લિગમાં 89.94 મીટર ભાલો ફેંક્યો હતો અને તેમને માત્ર છ સેન્ટિમીટરનું અંતર હાંસલ કરવાનું હતું. પરંતુ તેઓ આ ચૅમ્પિયનશિપમાં સિઝનની શરૂઆતના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યા નહોતા.

એવું માનવામાં આવે છે કે જૅવલિનમાં પ્રદર્શન તાકાત અને ઝડપના સંતુલનમાંથી પરિણમે છે. કેટલીકવાર તમે સંતુલન રાખી શકતા નથી. આમાં, ખેલાડીના માનસિક દબાણની ભૂમિકા મહત્ત્વની હોય છે.

નીરજ ચોપરા આશા વગર ટોક્યો ગયા હતા. પરંતુ હવે ઑલિમ્પિક સુવર્ણ વિજેતા તરીકે જઈને 1.25 અબજ દેશવાસીઓની અપેક્ષાઓનું તેમના પર દબાણ હોય એ સ્વાભાવિક છે.

નીરજ વિશે એવું માનવામાં આવે છે કે લાગણીઓને કાબૂમાં રાખીને તે અંદરના ડર પર કાબુ મેળવે છે. અલબત્ત, નીરજે જે સિદ્ધિ અંકે કરી છે, તે સિદ્ધિ અન્ય કોઈ મેળવી શક્યું નથી.

નીરજ ચોપરા કદાચ એ વાત સાથે સહમત ન હોય કે તે શરૂઆતના થ્રોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેણે ટોક્યોમાં પણ એ જ રીતે ગોલ્ડ જીત્યો હતો. જોકે અહીં તે શરૂઆતના થ્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ થઈ શક્યા નહોતા.

આના કારણે સર્જાયેલા દબાણને કારણે તેઓ કદાચ 90 મીટરનો અવરોધ પાર કરવામાં નિષ્ફળ ગયા હતા.

જોકે, તેઓ તેમના મુદ્દાની તરફેણમાં દલીલ કરે છે કે વર્ષ 2017 એશિયન ચૅમ્પિયનશિપમાં તેમણે છેલ્લા પ્રયાસમાં 85.23 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ જ રીતે, તેમણે ગયા વર્ષે ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિકસમાં છેલ્લા થ્રો પર 88.07 મીટરનો નેશનલ રેકૉર્ડ બનાવ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો