ચીને જ્યારે ચકલીઓ વિરુદ્ધ યુદ્ધ આરંભ્યું અને લાખો લોકોનાં મૃત્યુ થયાં

"1958 અને 1962 વચ્ચે ચીન નર્ક બની ગયું હતું."

ડચ ઇતિહાસકાર ફ્રૅંક ડિકૉતરે પોતાના પુસ્તક "ધ ગ્રેટ ફેમિન ઈન માઓઝ ચાઇના"ની શરૂઆત આ વાક્ય સાથે કરી છે.

ડિકૉતર "ધ ગ્રેટ લીપ ફૉરવર્ડ"ના રૂપે જાણીતા કાળનું વર્ણન કરે છે, જેમાં માઓત્સે તુંગે ( ચીનમાં સામ્યવાદની સ્થાપના કરનાર) ભૂમિના સામૂહિકરણ તેમજ ઝડપી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના માધ્યમથી દુનિયાના વિકસિત દેશોની રેસમાં ઝંપલાવ્યું હતું.

ઇતિહાસકારો "ધ ગ્રેટ લીપ ફૉરવર્ડ" બાદ આવેલા દુષ્કાળમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા મુદ્દે અસંમતિ ધરાવે છે.

ડિકૉતર પ્રમાણે આ કાળ દરમિયાન 15થી 32 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ ડચ ઇતિહાસકાર માને છે કે 1958થી 1962 વચ્ચે 45 મિલિયન જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.

બીબીસીને કિમ ડોટ જણાવે છે કે તે ઘટનાક્રમનાં વર્ષોનો સૌથી ખરાબ એપિસોડ હશે "ફોર પ્લેગ્સ".

"માઓનું ધ ગ્રેટ લીપ ફૉરવર્ડ પ્રાણીવિરોધી હતું. તેમને લાગતું કે ચીનના વિકાસમાં પ્રાણીઓ એક અડચણ સમાન છે. તેમણે ચાર પ્રકારના જીવોને નિશાન બનાવ્યા હતા. ઉંદર, મચ્છર, માખી અને ચકલી."

"ચાઇનીઝ લોકોને તેનાથી મુક્તિ મળે તે માટે તેમણે દરેક પ્રકારની શક્તિનો ઉપયોગ કર્યો હતો."

પહેલાં ત્રણ પ્રકારના જીવોને તુરંત જ જનતાના સ્વાસ્થ્યના નામે ખતમ કરી દેવામાં આવ્યા હતા પરંતુ ચકલીઓ હજુ બાકી હતી.

'સ્પૅરો' નામના પુસ્તકના લેખક ટોડ કહે છે, "ચકલીઓ માઓના નિશાને એટલા માટે હતી કે તેઓ ખૂબ અનાજ ખાય છે. માઓ ઇચ્છતા હતા કે આ અનાજ માત્ર મનુષ્યો માટે જ રહે."

પરંતુ આ દેશે આગળ ચકલીઓને મારવાની ભારે કિંમત ચૂકવવાની હતી અને જલદી જ ચકલીઓને રેડ લિસ્ટમાંથી હટાવવાની ફરજ પડી હતી. સાથે જ તેને આયાત પણ કરવી પડી હતી.

ચકલીઓ વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવું ચીનને કેવી રીતે ભારે પડવાનું હતું? સંક્ષિપ્તમાં

  • લોકોએ ચકલીઓને ભગાવવા માટે જે રીત અપનાવવામાં આવી હતી તે માત્ર ચકલીઓને જ નહીં, અન્ય પક્ષીઓને પણ અસર થઈ હતી
  • ચકલીઓ વિરુદ્ધ ચાલેલા અભિયાનથી મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં હતાં
  • પક્ષીવિદો અને અન્ય લોકો વચ્ચે યુદ્ધ શરૂ થયું. પક્ષીવિદો ચકલીઓથી છુટકારો મેળવવા માગતા હતા, જ્યારે અન્ય તેમનું સંરક્ષણ કરવા માગતા હતા.
  • અમેરિકામાં પણ એક સમયે ચકલીઓ વિરુદ્ધ યુદ્ધ શરૂ થયું હતું. જોકે, તે ચીનથી અલગ હતું
  • આ દેશે આગળ ચકલીઓને મારવાની ભારે કિંમત ચૂકવવાની હતી અને જલદી જ ચકલીઓને રેડ લિસ્ટમાંથી હટાવવાની ફરજ પડી હતી. સાથે જ તેને આયાત પણ કરવી પડી હતી

લુપ્ત થવાના આરે પહોંચી ચકલીઓ

પર્યાવરણ પત્રકાર અને 'ધ રિવિલેટર'ના તંત્રી ડૉન પ્લેટ જણાવે છે કે તે વર્ષો દરમિયાન શું-શું થયું હતું.

તેઓ કહે છે, "1958 એ વર્ષ હતું જ્યારે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના સંસ્થાપક માઓત્સે તુંગે નક્કી કર્યું હતું કે તેમના દેશમાં ચકલીઓ નહીં રહે. તેમણે આવા ઘણા નિર્ણયો લીધા હતા."

ચીનમાં ચકલીઓને મારવા માટે કેવાકેવા પ્રયોગો થયા એ અંગેની વાત અમેરિકાના પૉર્ટલૅન્ડથી પ્લેસ બીબીસીને જણાવે છે.

તેઓ કહે છે, "ચકલીઓને ગોળી મારી દેવાઈ હતી. લોકોએ ચકલીઓના માળા અને ઈંડાં તોડી પાડ્યાં હતાં. પરંતુ સૌથી વિચિત્ર રીત હતી તેમની પાછળ ભાગવું અને એટલો અવાજ કરવો કે તે મરી જાય."

ચકલીઓને માળામાં આરામ કરવાની જરૂર પડે છે. પક્ષીઓ માટે વધારે ભાગવું ગંભીર બાબત ગણાય છે. આ નાના એવા જીવ માટે ખોરાકની શોધમાં ઊડતાં રહેવું પણ ખૂબ મુશ્કેલ કામ હોય છે.

પ્લેટ અનુસાર લોકોએ ઘણી બધી ચકલીઓ મારી નાખી હતી. એ સમયની કહાણીઓમાં જોવા મળે છે કે લોકો મૃત ચકલીઓને કેવી રીતે રસ્તા પરથી ઉઠાવતા હતા. બે વર્ષમાં આ ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ હતી.

ટોડ ઉમેરે છે કે ચકલીઓને ભગાડવા જે રીત અપનાવવામાં આવી હતી તે માત્ર ચકલીઓને જ નહીં, અન્ય પક્ષીઓને પણ અસર કરી રહી હતી.

તેઓ કહે છે, "લોકોનાં ટોળાંએ નાની ચકલીઓના માળા તોડી પાડ્યા હતા. બેઇજિંગ જેવાં શહેરમાં લોકોએ ખૂબ અવાજ કર્યો હતો જેથી ચકલીઓ ડરીને ભાગી જાય. ભાગતાંભાગતાં થાકીને ચકલીઓ મરવા લાગી હતી. આ રીતથી ચકલીઓ જ નહીં, બીજાં પક્ષીઓ માટે પણ મુશ્કેલી સર્જાઈ હતી."

ચાઇનીઝ પત્રકાર અને પર્યાવરણ કાર્યકર તરીકે ડાઈ કિંગે વર્ષો પહેલાં લખ્યું હતું, "માઓને પ્રાણીઓ વિશે કંઈ જાણકારી નહોતી. તેઓ પોતાની યોજના કોઈને જણાવવા માગતા નહોતા કે કોઈ નિષ્ણાતની સલાહ લેવા માગતા નહોતા. તેમણે માત્ર નિર્ણય લઈ લીધો કે તેઓ આ ચાર જીવોને મારવા માગે છે."

પરંતુ આગળ શું થયું?

હવે વારો હતો તીડનો

ટોડ કહે છે, "અભિયાન બાદ એક જંતુનો ઉપદ્રવ થયો હતો. લોકોને લાગતું કે આ ઉપદ્રવ ચકલીઓ વિરુદ્ધ ચાલેલા અભિયાનના કારણે છે. આગળ ચાલીને ચકલીઓ રેડ લિસ્ટમાંથી બહાર આવી અને તેમની જગ્યા તીડે લીધી."

"પ્રાકૃતિક સંતુલન જાળવી રાખવા ચીને રશિયાથી હજારોની સંખ્યામાં ચકલીઓની આયાત કરવી પડી હતી."

બીબીસીના પત્રકાર ટીમ લુઆર્ડ પૂર્વ એશિયાના નિષ્ણાત છે. તેઓ કહે છે, "તીડને ખાનારી ચકલીઓ બચી નહોતી એટલે તેમનો ઉપદ્રવ થયો હતો. પાકને ખૂબ નુકસાન થયું હતું અને ત્યાર બાદ લાખો લોકોનાં મોત થયાં હતાં."

પરંતુ ટોડનું માનવું છે કે ચકલીઓની હત્યા અને તીડના ઉપદ્રવ તેમજ લોકોનાં મૃત્યુ વચ્ચેનો સંબંધ જોડવો એટલો સરળ નથી.

તેઓ કહે છે, "ચકલીઓ મોટા ભાગે અનાજ ખાય છે. કેટલોક સમય એ પોતાનાં બચ્ચાંને ખવડાવવા માટે જંતુ શોધે છે. જો તમને લાગે છે કે ચકલીઓની સંખ્યા ઘટી છે તો તમે વિચારી શકો છો કે તેનાથી જંતુઓની સંખ્યા ઘણી વધી શકે તેમ છે."

"એ જાણવું પણ જરૂરી છે કે આ અભિયાનથી માત્ર ચકલીઓ જ નહીં, અન્ય પક્ષીઓને પણ અસર પહોંચી હતી અને બીજાં પક્ષીઓ ચકલીઓ કરતાં પણ વધારે જંતુઓ ખાતાં હતાં."

પ્લેટનું માનવું છે કે "એ વાતમાં કોઈ બેમત નથી કે ચકલીઓ વિરુદ્ધ ચાલેલા અભિયાનથી મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં હતાં. જોકે, તેના સિવાય બીજાં પણ ઘણાં પરિબળો હતાં જે લોકોનાં મોતનું કારણ બન્યાં હતાં."

પ્લેટના મતે 1960માં આવેલા દુષ્કાળનું મુખ્ય કારણ સરમુખત્યારશાહી હતી, જેનાથી ચીનની સરકારને તેની ભૂલો દેખાઈ રહી નહોતી. પ્લેટના મતે આ અભિયાન ખેતઉત્પાદનવિરોધી હતું અને તે સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું હતું.

બીજા લેખકોએ પણ તે વાત તરફ ઇશારો કર્યો છે કે સ્ટીલનું નિર્માણ વધારવાની લાલચમાં ઘણા ખેડૂતો ગામડાં છોડીને ફેકટરી તરફ વળ્યા હતા અને તેના કારણે ગામડાંમાં તે વર્ષો દરમિયાન ખેતઉત્પાદન ખૂબ જ ઘટી ગયું હતું. જેના લીધે દુકાળ દરમિયાન જરૂરિયાતો પૂરી નહોતી થઈ શકી.

બીજી દિશામાં યુદ્ધ

પ્લેટ માને છે કે ઇતિહાસની ઘણી એવી ભૂલો છે જે આજે પણ ફરી કરવામાં આવી રહી છે.

તેઓ કહે છે, "મને ભૂતકાળ જેવી જ કેટલીક ભૂલો વર્તમાનમાં પણ દેખાય છે. આપણે ત્યાં સરમુખત્યારશાહી ફરી અડિંગો જમાવી રહી છે. આપણે ત્યાં એવા લોકો છે જેઓ વિજ્ઞાનના આધારે નિર્ણય લેતા નથી. આપણે દુષ્કાળ, હીટવૅવ અનુભવી રહ્યા છીએ. ઘણા કિસ્સાઓમાં પ્રકૃતિએ પોતાનું સંતુલન ગુમાવી દીધું છે."

ટોડ કહે છે કે ઇતિહાસમાં આ પહેલી ઘટના નહોતી જેમાં કોઈ પક્ષી વિરુદ્ધ યુદ્ધ છેડવામાં આવ્યું હોય.

તેઓ કહે છે, "અમેરિકામાં પણ એક સમયે ચકલીઓ વિરુદ્ધ યુદ્ધ શરૂ થયું હતું. જોકે, તે ચીનમાં જે થયું તેનાથી અલગ હતું."

19મી સદીના મધ્યમાં અમેરિકનોને લાગ્યું હતું કે જંતુઓને ચકલી ખાઈ જાય છે અને એ માટે ચકલીઓને લાવવી એક સારો વિચાર બની શકે એમ છે.

ટોડ કહે છે, "બ્રૂકલિન, ઑરેગોન, સિનસિનાટી સહિત સમગ્ર અમેરિકામાં ઘણી બધી ચકલીઓની આયાત કરવામાં આવી હતી અને ખૂબ જ જલદી થોડા જ દાયકાઓમાં ચકલીઓની વસતી વધી ગઈ હતી. "

"કેટલાક જાણકારો સહિત લોકોને લાગ્યું કે ચકલીઓ બીજાં પક્ષીઓ તરફ આક્રમક વલણ ધરાવતી હોવાથી દેશી પક્ષીઓની કેટલીક પ્રજાતિ લુપ્ત થવા લાગી છે અને તેમની જગ્યા ચકલીઓએ લઈ લીધી છે."

એવામાં એ લોકો આમનેસામને આવી ગયા જે ચકલીઓની વસતીને નિયંત્રિત કરવા માગતા હતા અને ચકલીઓને સંરક્ષિત કરવા ઇચ્છતા હતા.

જોકે, આ ટકરાવની એવી અસર નહોતી થઈ જેવી ચીનમાં થઈ હતી.

ટોડ કહે છે, "ચકલીઓ વિજેતા બની છે, કેમ કે હું બીબીસીને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું અને મારી બારીમાંથી મને ચકલીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. હું મધ્ય અમેરિકાના મિનિએપોલીસમાં છું. ચકલીઓએ અમેરિકાને પોતાનું ઘર બનાવી લીધું છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો