You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ભાજપને AAPની મફત યોજનાઓની જાહેરાત સામે શો વાંધો છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
21 જુલાઈએ સુરત આવેલા દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે, 'જો ગુજરાતમાં આપની સરકાર ચૂંટાશે તો દિલ્હી અને પંજાબની જેમ 300 યુનિટ વીજળી મફત આપશે. સાથે 24 કલાક વીજળી અને વીજબિલ માફીનો પણ વાયદો કર્યો છે.'
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે, તો અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં સભાઓ વધી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ લગભગ દર મહિને એકાદ બે વખત તેઓ ગુજરાત આવે છે.
અગાઉ મે મહિનામાં રાજકોટમાં યોજાયેલી સભામાં કેજરીવાલે કહ્યું હતું કે, 'દિલ્હીના વરિષ્ઠ નાગરિકોને અમે 12 સ્થળોએ તીર્થયાત્રા કરાવીએ છીએ. છેલ્લાં ત્રણ વર્ષમાં મેં 50,000 વડીલોને મફતમાં તીર્થયાત્રા કરાવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી જીતશે તો ગુજરાતના વડીલોને અમે તીર્થયાત્રા કરાવીશું.'
વાત જો ફ્રી આપતી યોજનાઓની કરીએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે મહિલાઓ માટે મફત બસયાત્રા, 20 હજાર લિટર સુધી પાણી મફત જેવી સેવાઓ લાગુ કરી છે.
મહોલ્લા ક્લિનિક પણ કાર્યરત્ છે જ્યાં દરદીઓને સારવાર મફત મળે છે.
બીજી તરફ ભાજપે પણ રાજ્યમાં કેટલીક યોજનાઓ લાગુ કરી છે. જેમાં જરૂરિયાતમંદોને મફત સહાય મળે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ
આમ આદમી પાર્ટી તેમની વિવિધ મફત યોજનાઓની જાહેરાતો કરે છે અને લોકો સુધી એ વાત પહોંચાડવામાં કોઈ કસર રાખતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂન મહિનામાં ગુજરાતમાં મફત વીજળી માટે આમ આદમી પાર્ટીએ ઝુંબેશ પણ કરી હતી. ટૂંકમાં, કેજરીવાલે મફત વીજળીનો વાયદો કર્યો એની પહેલાં એની ચર્ચાનો માહોલ ગુજરાતમાં ઊભો કર્યો હતો.
જો આપ મફત યોજના આપતી હોય તો ગુજરાત અને કેન્દ્રની ભાજપ – એનડીએ(નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ) સરકારે પણ મફત સહાયની યોજનાઓ આપી જ છે.
જો ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપની મફત યોજનાઓ 'રેવડી કલ્ચર' કદાચ લાગતી હોય તો ભાજપ સરકારની યોજનાઓ રેવડી કલ્ચર કહેવાય કે નહીં? આ એક સવાલ ભાજપ સામે પણ થઈ રહ્યો છે.
સૌપ્રથમ એ જોઈ લઈએ કે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપ સરકારની એવી કઈ કઈ યોજનાઓ છે જેમાં મફત સહાય આપવામાં આવે છે.
આપ મફત સુવિધા આપવાની જાહેરાત કરે તેનાથી ભાજપને કેમ તકલીફ છે?- સંક્ષિપ્તમાં
- દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે મહિલાઓ માટે મફત બસયાત્રા, 20 હજાર લિટર સુધી પાણી મફત જેવી સેવાઓ લાગુ કરી છે.
- ગુજરાતમાં ભાજપે કેટલીક યોજનાઓ લાગુ કરી છે. જેમાં જરૂરિયાતમંદોને મફત સહાય મળે છે.
- ગુજરાતમાં સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને એક હજાર દિવસ સુધી દર મહિને એક કિલો તુવેર દાળ, બે કિલો ચણા અને એક લિટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવે છે.
- આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પણ સત્તામાં આવવા માટે મતદારોને વિવિધ વાયદા કરી રહી છે.
- સરકારની યોજનાઓ કે વિપક્ષના વાયદાને રાજકીય નિષ્ણાતો ચૂંટણીલક્ષી જાહેરાતના રૂપમાં જુએ છે
ભાજપ સરકારની યોજનાઓ કઈ કઈ છે?
- ખુલ્લામાં શાકભાજી ફળફળાદિ વેચતા ફેરિયાઓ માટે મફત છત્રી યોજના રાજ્ય સરકારે લાગુ કરી હતી.
- વર્ષ 2021ના બજેટમાં સરકારે રાજ્યના ચાર લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિનામૂલ્યે આપવાની યોજના જાહેર કરી હતી.
- વિધવા મહિલાઓને ગંગાસ્વરૂપ સહાય યોજના હેઠળ દર મહિને 1250 રૂપિયાની સહાય આપવામાં આવે છે. બજેટ સ્પીચમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ બહેનોની સંખ્યા ત્રણ વર્ષમાં દોઢ લાખથી વધીને 11 લાખ સુધી પહોંચી ગઈ છે. આ યોજના અંતર્ગત સહાય માટે બજેટમાં 917 કરોડ ફાળવવામાં આવ્યા છે.
- વિધવા મહિલાઓના પુનઃલગ્ન કરીને સમાજના સાંપ્રત પ્રવાહમાં સ્થાપિત કરવા ગંગાસ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના લાગુ કરી છે. જેમાં 18થી 50 વર્ષની મહિલાને પુનઃલગ્ન કરવાં હોય તો પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. સ્વધારગૃહ યોજના અંતર્ગત પીડિત મહિલાને રહેવા જમવાની સગવડ ઉપરાંત દર મહિને એક સો રૂપિયા તેમના અંતેવાસીને આપે છે.
- ધો. નવથી 12માં અભ્યાસ કરતી કન્યાઓના શૈક્ષણિક વિકાસ અને શાળા ન છોડે તે માટે એટલે કે સ્કૂલ ડ્રૉપ આઉટ રેશિયો ઘટાડવા માટે વિનામૂલ્યે સાઇકલ સહાય આપે છે.
- ગુજરાતમાં સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને એક હજાર દિવસ સુધી દર મહિને એક કિલો તુવેર દાળ, બે કિલો ચણા અને એક લિટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજ્યના વર્ષ 2022-23ના બજેટમાં એના માટે 811 કરોડ રુપિયા ફાળવીને સરકારે આ જાહેરાત કરી હતી.
- વિવિધ હિંસાથી પીડિત મહિલા કે યુવતીને આર્થિક રીતે સહાયરૂપ થવા વિક્ટિમ કમ્પન્સેશન ફંડની જોગવાઈ છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યમાં અને દેશમાં વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી દેશના 80 કરોડથી વધુ લોકોએ તેનો લાભ લીધો છે. એવું ખુદ વડા પ્રધાને કહ્યું છે.
ચૂંટણી અને વચનોની ભરમાર
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન બીમારીની ચકાસણી માટે મફત રેપિડ ટેસ્ટિંગ દેશમાં ઠેકઠેકાણે કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે મફત કોરોના પ્રતિકારક રસીકરણની પણ ઝુંબેશ હાથ ધરી હતી.
આમ આદમી પાર્ટી વડીલોને મફત તીર્થયાત્રા કરાવે છે, તો ગુજરાતમાં શ્રવણતીર્થ યોજના રાજ્ય સરકાર ચલાવી રહી છે. જેમાં સાઠ વર્ષથી ઉપરના લોકોને બસ મારફતે તીર્થયાત્રા કરવી હોય તો પંચોતેર ટકા રકમ સરકાર ભોગવે છે. આ યોજનામાં જોડાવા માટે કમસે કમ 27 વરિષ્ઠ નાગરિકોનું જૂથ હોવું જરૂરી છે.
ઉત્તર પ્રદેશ, ગોવામાં પણ આમ આદમી પાર્ટીએ મફત વીજળીનો 'તાર' અજમાવી જોયો હતો.
ઉત્તર પ્રદેશમાં પણ 2022ની વિધાનસભાની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીએ મફત વીજળીનો વાયદો કર્યો હતો.
સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ એ જ અનુસાર પર 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી હતી.
જોકે, છતાં ત્યાં આપ કે સમાજવાદી પાર્ટીની સરકાર બની શકી નહોતી. આમ આદમી પાર્ટીએ મફત વીજળીના વાવટા ઉત્તરાખંડ અને ગોવામાં પણ લહેરાવ્યા હતા પણ પંજાબની જેમ વિજય મેળવી શક્યા નહોતા.
ગુજરાત ભાજપના વરિષ્ઠ પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "જ્યાં ભાજપની સરકાર હતી ત્યાં કેજરીવાલના કોઈ વાયદા ચાલ્યા નથી. તેમણે પંજાબમાં સરકાર બનાવી ત્યાં અગાઉ કૉંગ્રેસની સરકાર હતી."
મુંબઈસ્થિત વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રમેશ ઓઝાને લાગે છે કે મફત વીજળીના વચનથી ગુજરાતમાં આપ ખાસ કશું કરી શકશે નહીં.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "વીજળીના વાયદાથી કોઈ ફેર નહીં પડે. ગુજરાતમાં હજુ મોદીમય માહોલ જે છે તે કાયમ છે.”
વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈ પણ આજ વાત કહે છે. તેઓ બીબીસીને જણાવે છે કે, "ગુજરાતમાં ચૂંટણીમાં છેલ્લે કોમી કાર્ડ જ રમાઈ જાય છે અને મુદ્દા ગૌણ બની જાય છે. તેથી આ મફત વીજળી યોજનાથી આમ આદમી પાર્ટીને બહુ ફાયદો થાય એવું નથી લાગતું."
ભાજપ અને આપની "મફત" યોજનામાં કોઈ ફેર ખરો કે નહીં?
દિલ્હીમાં અને પંજાબમાં આપની સરકાર છે. જ્યાં તેમણે કેટલીક મફત યોજનાઓ લાગુ કરી છે. ગુજરાતમાં ભાજપે અને દેશમાં ભાજપ સંચાલિત એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)ની સરકારે કેટલીક મફત યોજના અમલી બનાવી છે.
યમલ વ્યાસ કહે છે કે, "કેન્દ્ર કે ગુજરાત સરકારની જે કંઈ પણ યોજના જે છે એમાં સમાજનો એક ચોક્કસ વર્ગ છે જેને તકલીફ છે તેને મફત સહાય મળે છે. જેમ કે, વિધવા કે અંતરિયાળ વર્ગ. જ્યારે કે 'આપ'ની યોજના માત્રને માત્ર મત ખેંચવા માટેનો પેંતરો છે."
"ગુજરાતના ખેડૂતોને વીજળી સબસિડાઇઝ દરે આજે નહીં 1995થી આપવામાં આવે છે, પણ એ વોટ મેળવવા માટે નથી કે સરકારે ક્યારેય એ રીતે યોજનાને રજૂ પણ કરી નથી."
રમેશ ઓઝાને લાગે છે કે આપ હોય કે ભાજપ બંનેની મફત યોજનામાં વૈચારિક રીતે કોઈ ફરક નથી.
તેઓ કહે છે કે, "વર્ષો અગાઉ સમાજની અસમાન વ્યવસ્થાને ખેરાત દ્વારા વાજબી ઠેરવવાનો પ્રયાસ થતો હતો. એ અસમાન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેઓ થોડો હિસ્સો દાનમાં આપતા હતા. એ વખતે મોટા મોટા દાનવીરો આવું કરતા હતા."
તેમના મતે, "અત્યારે ભાજપ અને આપની સરકારો મફત યોજનાઓની આવી ખેરાત કરી રહી છે. આર્થિક વિકાસ થંભી ગયો છે. ચૅરિટી સિવાય તેઓ કશું ઑફર કરી શકે તેમ નથી. તેથી વિવિધ વર્ગને શોધીને તેમને સખાવત આપવામાં આવશે. વ્હીલચેર મફતમાં આપશે, લાકડી મફત આપશે. વગેરે."
"સબસિડીની પણ આવી જ ડિઝાઈન છે. અસમાનતા અને શોષણને આ રીતે વાજબી ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાદી ભાષામાં કહીએ તો લૂંટો, શોષણ કરો અને દાન કરો જેવી વાત છે. તેમનો અંતિમ ટાર્ગેટ તો વોટ બૅન્ક જ છે. માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં આવું થઈ રહ્યું છે, કારણ આગળ કહ્યું તેમ આર્થિક વિકાસ થંભી ગયો છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો