You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપે મનીષ સિસોદિયાનું રાજીનામું કેમ માંગ્યું? - પ્રેસ રિવ્યૂ
દિલ્હીની નવી એક્સાઇઝ પૉલિસી 2021-22ને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકરોએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું.
હાથમાં ભાજપના ઝંડા સાથે પ્રદર્શનકારીઓ પોલીસ બેરિકેડિંગ પર ચઢી ગયા હતા અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીરસિંહ બિધુડી અને દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા પણ પ્રદર્શનમાં સામેલ થયા હતા.
રામવીરસિંહ બિધુડીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર નવી શરાબ નીતિના નામે હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના રાજીનામાની પણ માંગ કરી હતી.
ઉપરાજ્યપાલે કરી સીબીઆઈ તપાસની ભલામણ
નવી આબકારી નીતિને દિલ્હીમાં ગત વર્ષે 17 નવેમ્બરથી લાગુ કરાઈ હતી. આ અંતર્ગત 32 ઝોનમાં વહેંચાયેલ દિલ્હીમાં 849 દુકાનો માટે ખાનગી વ્યક્તિઓને બોલી લગાવાયા બાદ રિટેલ લાઇસન્સ અપાયાં હતાં.
જ્યારથી આ નીતિ અરવિંદ કેજરીવાલ સરકારે પાસ કરી છે ત્યારથી ભાજપ તેના વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ આ નીતિ વિરુદ્ધ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ ભલામણ કથિત ઉલ્લંઘન અને પ્રક્રિયાત્મક ખામીઓ બાદ કરાઈ છે.
અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
તેમજ આ મામલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારના રોજ પ્રેસ કૉન્ફરન્સ કરીને ભાજપ પર હુમલો કર્યો. તેમણે કહ્યું, "અમુક દિવસમાં સીબીઆઈ મનીષજીની ધરપકડ કરવાની છે. મેં તમને ત્રણ-ચાર મહિના પહેલાં જ જણાવી દીધું હતું. આમના લોકોએ જણાવ્યું હતું કે મનીષજીની ધરપકડ થવાની છે."
"મેં કહ્યું મનીષે શું કર્યું અને શાનો કેસ છે. તેમણે જણાવ્યું કોઈ કેસ નથી. શોધી રહ્યા છીએ, કંઈક બનાવી રહ્યા છીએ. હવે આપણા દેશમાં એક નવી સિસ્ટમ લાગુ કરાઈ છે. પહેલાં એ નક્કી કરાય છે કે કોને જેલભેગા કરવાના છે પછી તેની વિરુદ્ધ બનાવટી કેસ કરવામાં આવે છે અને તેમને જેલભેગા કરવામાં આવે છે."
બંગાળ : ઈડીના દરોડામાં ટીએમસીના મંત્રીનાં સહયોગીના ઘરેથી 20 કરોડ રોકડા મળ્યા
પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ શુક્રવારે પશ્ચિમ બંગાળના ઉદ્યોગમંત્રી પાર્થ ચેટરજીના નજીકનાં સહયોગી અર્પિતા મુખરજીના ઘરે દરોડા પાડી 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.
આ દરોડા કથિત શિક્ષકભરતી કૌભાંડના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા.
તપાસ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું છે કે દરોડામાં જપ્ત કરાયેલી રકમ એસએસસી કૌભાંડ સાથે સંબંધિત હોઈ શકે છે.
અર્પિતા મુખરજીના ઘરેથી 20થી વધુ મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. એજન્સી તપાસ કરી રહી છે કે આ ફોન કયા હેતુ માટે ઉપયોગમાં લેવાતા હતા.
આ સિવાય ઈડી દ્વારા શિક્ષણ રાજ્યમંત્રી પરેશ અધિકારી અને ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્યનાં ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
હાઈકોર્ટના નિર્દેશને પગલે, સીબીઆઈ પશ્ચિમ બંગાળમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગ્રુપ-સી અને ડી સ્ટાફ તેમજ શિક્ષકોની ભરતીમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે.
ઈડી આ કથિત કૌભાંડમાં પૈસાની લેવડદેવડ પર નજર રાખી રહી છે, જેને લઈને દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પાર્થ ચેટરજી વર્તમાન પશ્ચિમ બંગાળ સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી છે. કથિત ભરતીકૌભાંડ પ્રકાશમાં આવ્યું ત્યારે ચેટરજી શિક્ષણમંત્રી હતા. સીબીઆઈએ તેમની બે વખત પૂછપરછ કરી છે.
ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારાશે?
મહેસૂલ સચિવ તરુણ બજાજે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22 માટે 20 જુલાઈ સુધીમાં 2.3 કરોડથી વધુ ઇન્કમટૅક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યાં હતાં અને સંખ્યા વધી રહી છે.
મહેસૂલ સચિવ તરુણ બજાજે શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવાનું વિચારી રહી નથી કારણ કે એ અપેક્ષા રાખે છે કે મોટાં ભાગનાં રિટર્ન 31 જુલાઈની નિયત તારીખ સુધીમાં આવી જશે.
છેલ્લા નાણાકીય વર્ષ (2020-21) દરમિયાન, 31 ડિસેમ્બર, 2021ની વધારેલી નિયત તારીખ સુધીમાં 5.89 કરોડ ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યાં હતાં.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં બજાજે જણાવ્યું હતું કે, "લોકોને લાગતું હતું કે હવે કાયમ તારીખો લંબાવવામાં આવશે. તેથી તેઓ શરૂઆતમાં રિટર્ન ભરવામાં થોડા ધીમા હતા પરંતુ હવે દૈનિક અમને 15 લાખથી 18 લાખ રિટર્ન મળી રહ્યાં છે. જે વધીને 25 લાખથી 30 લાખ રિટર્ન થશે."
સીબીએસઈનું ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર
સૅન્ટ્રલ બોર્ડ ઑફ સૅકન્ડરી ઍજ્યુકેશન (સીબીએસઈ)નું ધોરણ-10 અને 12નું પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું.
આ વર્ષે સીબીએસઈ-12મા ધોરણમાં પાસની ટકાવારી 92.71% નોંધાઈ છે.
સીબીએસઈ 12મી ટૉપર્સની યાદી આ વર્ષે જાહેર કરવામાં આવી નથી. શાળાઓએ CBSE 12મીની પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓનાં નામ જાહેર કર્યાં છે.
સીબીએસઈ ધોરણ 10ના પરિણામમાં એકંદરે પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી 94.04 ટકા નોંધાઈ હતી.
ધોરણ-10માં નોઈડાની એમિટી ઈન્ટરનેશનલ સ્કૂલના મયંક યાદવ ટૉપ પર છે. મયંકે 500માંથી 500 માર્કસ મેળવ્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો