લમ્પી વાઇરસ : ગુજરાતમાં ગાયોનો જીવ લઈ રહેલા વાઇરસથી કઈ રીતે બચવું? માણસને ચેપ લાગે?

લમ્પી વાઇરસનાં લક્ષણો

  • મુખ્યત્વે પશુનાં શરીર (ચામડી) પર ગૂમડાં જેવી ગાંઠો ઊપસી આવે છે.
  • પશુને સામાન્ય તાવ આવવો, દૂધ ઉત્પાદન ઘટી જવું, કેટલાક કિસ્સાએ પશુઓમાં ગર્ભપાત જોવા મળે છે.
  • કોઈકવાર પશુઓમાં વંધ્યત્વ જોવા મળે છે તેમજ નિર્બળ/અશક્ત પશુઓમાં ક્યારેક મૃત્યુ પણ જોવા મળે છે
  • ચેપગ્રસ્ત પશુની આંખ અને નાક્માંથી સ્ત્રાવ નીકળે છે અને મોઢામાંથી લાળ પડે છે.

ગુજરાતના 11 જેટલા જિલ્લામાં હાલ હજારો પશુઓ જીવલેણ લમ્પી વાઇરસની ચપેટમાં આવી ગયાં છે અને રોજ મોટી સંખ્યામાં પશુઓનાં મૃત્યુ પણ થઈ રહ્યાં હોવાના દાવા કરાઈ રહ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, લમ્પી વાઇરસથી સૌથી વધુ કચ્છ જિલ્લો પ્રભાવિત છે. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે.

અહેવાલમાં એક અંદાજ પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લામાં છેલ્લા દોઢ મહિનામાં 27 હજારથી વધુ ગાયો આ રોગની ચપેટમાં આવી ગઈ છે. જોકે, આ સત્તાવાર આંકડા નથી.

આ જ રીતે જામનગર તેમજ પોરબંદર જિલ્લામાં પણ આ વાઇરસ અને તેનાથી થતાં મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

'આ વાઇરસ મનુષ્યને સંક્રમિત કરતો નથી'

જામનગર જિલ્લા પંચાયતના પશુપાલનવિભાગના ડેપ્યુટી ડાયરેકટર અનિલ વિરાણીએ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ એક વાઇરલ રોગ છે. આ રોગ પશુઓમાં જોવા મળે છે. પશુઓના સીધા સંપર્કથી અથવા તો માખી, મચ્છર કે ઇતરડી દ્વારા ફેલાય છે."

"આ રોગ બે વર્ષ પહેલાં ગુજરાતમાં સૌપ્રથમ જોવા મળ્યો હતો. આ રોગમાં ગૉટ પૉકસ નામની વૅક્સિન અસરકારક છે. વૅક્સિનની અસર થતાં 15થી 20 દિવસ થાય છે. આ રોગમાં મરણનું પ્રમાણ એકથી પાંચ ટકા સુધીનું છે. આ વાઇરસ મનુષ્યને સંક્રમિત કરતો નથી."

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પશુપાલનવિભાગના ડેપ્યુટી ડાયરેકટર મહેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝનો પ્રથમ કેસ 9 મે 2022ના રોજ જોવા મળ્યો હતો."

સરકાર શું કરી રહી છે?

ગુજરાતના વિવિધ જિલ્લામાં લમ્પી વાઇરસના કેસો વધી રહ્યા છે ત્યારે પશુઓમાં આ રોગ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ મુજબ, રાજ્ય સરકારે 'ગોટ(બકરી) પૉક્સની રસી'ના 11 લાખ ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલને ટાંકીને અખબાર લખે છે, "ઘણા સમયથી પશુઓમાં બીમારીનું કારણ બનેલા આ વાઇરસને નિયંત્રણમાં લેવા સૌરાષ્ટ્ર અને કચ્છમાં યુદ્ધના ધોરણે રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે."

રાઘવજી પટેલે મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે જ્યાં-જ્યાં આ બીમારી જોવા મળી છે, ત્યાં-ત્યાં રસીકરણ હાથ ધરાઈ રહ્યું છે. પશુઓના મૃત્યુનો ચોક્કસ આંકડો તો નથી પણ મૃત્યુ થઈ રહ્યા છે એ વાત સત્ય છે.

તેમણે વધુમાં જણાવ્યું, "અત્યાર સુધી અમે ત્રણ લાખ પશુઓને રસી આપી છે. હાલ અમારી પાસે બે લાખ ડોઝ ઉપલબ્ધ છે. વધુ ડોઝની જરૂર હોવાથી 11 લાખ ડોઝ ખરીદવાનો નિર્ણય પણ લીધો છે."

લમ્પી સ્કિન ડિસીઝ (LSD)ના નિયંત્રણ અર્થે ભારત સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે મુજબ...

અસરગ્રસ્ત પશુઓની આસપાસ પાંચ કિલોમિટરની ત્રિજ્યામાં રસીકરણ કરવામાં આવે.

અસરગ્રસ્ત પશુની જગ્યાને ડિસઇન્ફૅક્ટ રાખવા જણાવેલ છે. આસપાસના તંદુરસ્ત પશુઓને ઍક્ટો- પેરાસિટિસાઇડ દવાઓના ડોઝ આપવા જણાવ્યું છે.

આ રોગવાહક જંતુઓથી ફેલાતો હોઈ રોગવાળા અને આસપાસના વિસ્તારોમાં જંતુનાશક દવાઓ, ફ્લાયરીપેલન્ટસનો ઉપયોગ કરવો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો