You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાંદરાઓએ બદલો લેવા 200 ગલુડિયાઓને મારી નાખ્યાં? શું છે હકીકત?
- લેેખક, નીતિન સુલતાને
- પદ, લવુલ ગામથી બીબીસી ગુજરાતી માટે
મહારાષ્ટ્રના મરાઠવાડાના માજલગાંવ નજીકનું લવુલ ગામ છેલ્લા એક અઠવાડિયાથી દુનિયાભરમાં ચર્ચામાં છે. તેનું કારણ છે, વાંદરા અને કૂતરા વચ્ચેના સંઘર્ષના સમાચાર.
વાંદરા અને કૂતરા વચ્ચેના સંઘર્ષના સમાચારમાં ઘણા દાવા કરવામાં આવ્યા હતા. વાંદરાઓએ કૂતરાઓના 200 બચ્ચાંઓને મારી નાખ્યાં હોવાનું પણ ઘણા સમાચારમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે, બીબીસી મરાઠીએ લવુલ ગામની મુલાકાત લીધી અને દાવાઓની હકીકત તપાસી ત્યારે થોડું અલગ ચિત્ર બહાર આવ્યું હતું.
મરાઠવાડાના બીડ જિલ્લાના માજલગાંવથી માત્ર પાંચ-સાત કિલોમીટરના અંતરે આવેલું ગામ છે, લવુલ નંબર એક. 1980માં એક ડૅમના નિર્માણ માટે જૂનું લવુલ ગામ ડૂબમાં ગયું હતું. એ પછી જૂના ગામનું પુનર્વસન કરવામાં આવ્યું અને એ રીતે વસેલું નવું ગામ તે લવુલ નંબર એક.
ગામની વસ્તી પાંચ હજારથી વધુ છે અને ગામનું ક્ષેત્રફળ પણ તેને મોટું ગામ ગણાવવા માટે પૂરતું છે. ગામમાં શાળા, બૅન્ક અને અન્ય પ્રાથમિક સુવિધાઓ સહિતની ઉત્તમ સુવિધાઓ છે. માજલગાંવ ડૅમના બૅકવૉટરને કારણે ખેતી માટે અહીં વિપુલ પ્રમાણમાં પાણી છે અને શેરડીની ખેતી પણ ફૂલીફાલી રહી છે.
કેટલાક લોકોના જણાવ્યા મુજબ લવુલ ગામનો સમાવેશ બીડ જિલ્લાનાં સૌથી સમૃદ્ધ ગામોમાં થાય છે. શેરડીનું ઉત્પાદન કરતા મજૂરો અહીં ઠેકઠેકાણે જોવા મળે છે.
ગામમાં બનેલી ઘટનાની તમામ વિગત મેળવવા માટે અમે લવુલ પહોંચ્યા, ત્યારે સવારનો સમય હતો અને ગામના લોકો અનેક ઠેકાણે વાતચીત અને ચર્ચામાં વ્યસ્ત હતા.
ગામમાં પ્રવેશ પછી અમે થોડે દૂર આવેલી લવુલ ગ્રામપંચાયતની ઑફિસે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની ચર્ચા શરૂ થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામમાં કામસર આવેલા લોકો, ગ્રામપંચાયતના સભ્યો તથા અન્ય કર્મચારીઓએ ચર્ચામાં ભાગ લીધો અને શું ઘટના બની હતી, એ સમજાવ્યું.
વાંદરાઓનું આગમન
ગ્રામજનો સાથેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે ગયા અઠવાડિયાથી ચર્ચાઈ રહેલી ઘટનાની શરૂઆત લવુલ ગામમાં ત્રણ મહિના કરતાં વધુ સમય પહેલાં એટલે કે સપ્ટેમ્બરમાં થઈ હતી.
સપ્ટેમ્બરની શરૂઆતમાં બે વાંદરા લવુલ ગામમાં આવ્યા હતા.
ગ્રામપંચાયતના સભ્ય રવીન્દ્ર શિંદેએ કહ્યું હતું કે "ગામમાં વાંદરાઓ નથી, ક્યારેક આવે છે; પણ બહુ પરેશાન કરતા નથી, પરંતુ આ વખતે વાંદરા આવ્યા એ પછી અલગ જ ઘટનાઓ બનવા માંડી હતી."
એ વાંદરાઓ ગલુડિયાઓને ઊંચાં ઝાડ પર કે ઘરના છાપરે લઈ જતા હતા. આ બાબત ગ્રામજનોને શરૂઆતમાં સમજાઈ ન હતી. એ પછી વાંદરાઓ ગલુડિયાઓને લઈને ભાગી જતા હોવાનું ગ્રામજનોના ધ્યાનમાં આવ્યું હતું.
ગામમાં બની અજબ ઘટનાઓ
વાંદરાઓ ગલુડિયાઓને ઊંચાં ઝાડ કે ઊંચાં મકાનોની છત પર લઈ જતા હતા, પણ કેટલાંક ગલુડિયાં ઝાડ કે છત પરથી ગબડી પડવાને લીધે ખરાબ રીતે ઘવાયાં હતાં. તેથી વાંદરાઓ ગલુડિયાંની હત્યા કરતા હોવાની ચર્ચા શરૂ થઈ અને ઝડપભેર પ્રસરવા પણ લાગી.
એ પછી ગામમાં એવી વાતો ફેલાઈ કે વાંદરાઓ લોકોનો પીછો કરી રહ્યા છે અને એ બાદ વાંદરા અચાનક સામે આવવાને કારણે લોકો પડીને ઘવાયા હોય, એવી પણ ઘટનાઓ ઘટી.
આવી જ એક દુર્ઘટના સીતારામ નાયબળ સાથે થઈ, તેઓ ગલુડિયાંને નીચે ઉતારવા ઘરની છત પર ચડ્યા હતા, પરંતુ એ વખતે વાંદરો અચાનક આવી જતાં તેઓ ગભરાઈ ગયા અને તેમણે ગલુડિયાને છત પર છોડીને ભૂસકો મારી દીધો.
આ ઘટનામાં વાયબળના બંને પગની એડીમાં ફ્રૅક્ચર થયું અને બંને પગમાં સળિયા નાખવા પડ્યા હતા. તેમણે કહ્યું કે સારવાર માટે લગભગ એકથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
ઘટનાના ત્રણ મહિના પછી પણ તેઓ ધીમે-ધીમે નાનાં ડગલાં ભરીને ચાલતા થયા છે, પણ તેઓ એક-બે મિનિટથી વધારે ચાલી શકતા નથી.
એ પછી તો ક્યાંક વાંદરા બાળકોની પાછળ દોડ્યા અને કેટલાક ભયભીત લોકોએ ઘરનાં બારણાં બંધ કરીને બહાર બેસવાનું શરૂ કર્યું; એ પછી સમગ્ર મામલો ગ્રામપંચાયત સુધી પહોંચ્યો હતો.
'વન વિભાગે શરૂમાં ઉપેક્ષા કરી'
સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું, તેથી ગ્રામપંચાયતે આ બાબતે વનવિભાગને ફરિયાદ કરી અને તે બાદ કાર્યવાહી શરૂ થઈ.
ગ્રામવિકાસ અધિકારી નાનાસાહેબ શેળકેએ કહ્યું હતું કે "મેં આ બાબતે 12-13 સપ્ટેમ્બરે વનવિભાગને પત્ર લખ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો."
એ પછી ફરી પત્ર લખવામાં આવ્યો હતો અને એ પત્રની પણ ઉપેક્ષા કરવામાં આવી હતી. ગ્રામજનોએ મુદ્દો દૃઢપણે ઉઠાવ્યો, એ પછી વનવિભાગે એક વખત એક ટુકડી મોકલી, પરંતુ એ ટુકડી માત્ર નિરીક્ષણ કરીને રવાના થઈ ગઈ, એવું ગામના વિવાદનિવારણ પંચના અધ્યક્ષ રાધાકિશન સોનવણેએ જણાવ્યું હતું.
એ પછી ગ્રામજનો મીડિયા પાસે ગયા અને મીડિયામાં સમાચાર પ્રસારિત થયા અને તેની ચર્ચા થવા લાગી, એ પછી તત્કાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ સોનવણેએ જણાવ્યું હતું.
ગલુડિયાંની મદદથી પકડાયા વાંદરા
મીડિયામાં આ ઘટના બાબતે ચર્ચા વધી પછી ધારૂરના વનવિભાગે વાંદરાઓને પકડવા માટે નાગપુરમાં ખાસ ટુકડીનો સંપર્ક સાધ્યો અને એ ટીમને ગામમાં બોલાવવામાં આવી હતી.
નાગપુરની ટુકડીએ જાળ બિછાવીને 19 ડિસેમ્બરે વાંદરાઓને પકડી પાડ્યા હતા. વાંદરાઓ ગલુડિયાઓને ઊંચકી જતાં હોવાથી તેમને પકડવા માટે પણ પાંજરામાં ગલુડિયાંને રાખવામાં આવ્યાં હતાં.
વાંદરાઓ ગલુડિયાંને લઈ જવા માટે પાંજરામાં ઘૂસ્યા ત્યારે તેમને પકડી પાડવામાં આવ્યા હતા.
વનઅધિકારી ડી. એસ. મોરેએ બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પકડી પાડવામાં આવેલા વાંદરાઓને તેમના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
'ગલુડિયાંનો મૃત્યુઆંક વધતો રહ્યો'
મીડિયામાં સમાચાર પ્રકાશિત થયા, એ પછી આ ઘટના પરત્વે લોકોનું વધારે ધ્યાન ખેંચાયું હતું; પરંતુ તેનું મુખ્ય કારણ આ ઘટનામાં મૃત્યુ પામેલાં ગલુડિયાઓની કુલ સંખ્યા હતું.
મૃત્યુ પામેલાં ગલુડિયાઓની કુલ સંખ્યા 10થી 15 હોવાનું પ્રારંભિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું, પણ થોડા દિવસમાં તે આંકડામાં અનેકગણો વધારો થયો. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો કે વાંદરાઓએ 250 ગલુડિયાઓની હત્યા કરી છે.
લવુલના રહેવાસીઓ સાથેની વાતચીતના આધારે જાણવા મળેલો મૃત્યુઆંક અને મીડિયામાં પ્રકાશિત મૃત્યુઆંક વચ્ચે મોટો તફાવત જોવા મળે છે.
ગ્રામજનો સાથેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે ઉપરોક્ત આંકડો અતિશયોક્તિભર્યો છે અને ગલુડિયાઓનો વાસ્તવિક મૃત્યુઆંક 50થી પણ ઓછો છે. આવા ગૂંચવાડાને કારણે ગલુડિયાઓનો સાચો મૃત્યુઆંક કેટલો છે, એ પ્રશ્ન નિરુત્તર રહી જાય છે.
જોકે, ગ્રામજનો મારફત મળેલો મૃત્યુઆંક કમસેકમ 50થી 60 છે.
બીજી તરફ વનઅધિકારી મોરેએ આ તમામ આંકડા ખોટા હોવાનું જણાવ્યું હતું. માત્ર ત્રણથી ચાર ગલુડિયાં જ માર્યાં ગયાં હોવાનું તેમણે બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
અફવાએ વેગ પકડ્યો
ગલુડિયાઓનો કથિત મૃત્યુઆંક વધવા લાગ્યો તેમ-તેમ ગામમાં અફવાની ચક્કી પણ વેગથી ચાલવા લાગી હતી.
તેમાં જાતજાતની અફવાઓનો સમાવેશ થાય છે, પણ તેમાં સૌથી મહત્વની બાબત એટલે કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ એ વિશેની અફવા ચર્ચાનું કેન્દ્ર બની હતી.
પહેલાં કૂતરાઓએ વાંદરાનાં બચ્ચાને મારી નાખ્યું હતું. તેથી વાંદરાઓ ગલુડિયાઓને છત પર લઈ ગયા અને ત્યાંથી નીચે ફેંકીને હત્યા કરી હોવાની અફવા ચાલી હતી.
અમે આ વિશે ગામલોકોને સવાલ કર્યો, ત્યારે જાણવા મળ્યું કે ગામમાં આ બાબતે ચર્ચા થઈ હતી, પણ એ વિશે કોઈ નક્કર માહિતી નથી.
ગ્રામપંચાયતના સભ્ય રવીન્દ્ર શિંદેએ કહ્યું કે "પોતાનાં બચ્ચાંનાં મોત પછી વાંદરા પાગલ થઈ ગયા હતા અને તેઓ ગલુડિયાઓને પોતાનાં બચ્ચાં સમજીને સાથે ફેરવી રહ્યા હોવાનું કેટલાક ગ્રામજનો કહેતા હતા."
'કેટલાંક ગલુડિયાઓને બચાવ્યાં'
લક્ષ્મણ ભગતે કહ્યું હતું કે "બાળકો શાળાએ જતાં ગભરાતાં હતાં. ગામના પુરુષો ખેતી કે કામસર ઘરની બહાર જાય, ત્યારે મહિલાઓ ઘરની બહાર જ નીકળતી ન હતી."
વાંદરાઓએ અનેક દિવસો સુધી લક્ષ્મણ ભગતના મકાનની છત પર અડિંગો જમાવ્યો હતો. એ છત પર વાંદરાઓ આઠથી દસ ગલુડિયાઓને લાવ્યાં હતાં.
લક્ષ્મણ ભગતે કહ્યું હતું કે "વાંદરાઓ અને ગલુડિયાઓ રાત્રે જોરદાર અવાજ કરતાં હતાં. તેથી ઘરમાં બાળકો ગભરાઈ જતાં હતાં. ગલુડિયાઓ ભૂખ્યાં હોવાને કારણે કરાંજતાં હશે, એમ ધારીને મેં બીજા દિવસથી ગલુડિયાઓ માટે રોટલી અને દૂધ મૂકવાનું શરૂ કર્યું હતું."
એ દૂધ અને રોટલીને કારણે છત પરનાં કેટલાંક ગલુડિયાઓનો જીવ બચી ગયો અને આજે એ ગલુડિયાઓ લક્ષ્મણ ભગતના ઘર સામે ફરતાં જોવા મળે છે.
વાંદરાઓએ એવું શું કામ કર્યું?
વાંદરાઓ કૂતરાનાં ગલુડિયાઓને શા માટે પાળતા હોય છે, તેની માહિતી વનઅધિકારી મોરેએ આપી હતી.
ગલુડિયાનાં શરીર પર ઝીણી જૂ હોય છે, જે વાંદરાઓ ખાતા હોય છે. એવી જૂ ખાવા માટે વાંદરાઓ ગલુડિયાઓને ઉઠાવતાં હોય છે.
મોટા કૂતરા વાંદરાઓના હાથમાં આવતા નથી, એટલે ગલુડિયાઓ તેમના આસાન ટાર્ગેટ હોય છે અને ગલુડિયાઓ વાંદરાઓનો પ્રતિરોધ પણ કરી શકતાં નથી.
ગલુડિયાને ઉઠાવ્યા પછી તેના શરીર પરની તમામ જૂ ખાઈ લીધા બાદ વાંદરાઓ ગલુડિયાઓને ઝાડ કે છત પર છોડી દેતા હોય છે. ત્યાં ગલુડિયાઓને બે-ત્રણ દિવસ સુધી અન્ન કે જળ મળતું નથી. તેથી તેઓ ભૂખને કારણે મૃત્યુ પામે છે.
એ ઉપરાંત આટલી ઉંચાઈ પરથી ગલુડિયાઓ જાતે નીચે આવી શકતાં નથી. તેઓ નીચે ઊતરવાનો પ્રયાસ કરે છે, ત્યારે નીચે પટકાવાને કારણે મૃત્યુ પામે છે, એવું મોરેએ જણાવ્યું હતું.
નિષ્ણાતો શું કહે છે?
ઔરંગાબાદસ્થિત સિદ્ધાર્થ ઉદ્યાનમાંના પ્રાણીસંગ્રહાલયમાં અનેક પ્રકારનાં પ્રાણીઓ છે.
ડૉ. બી. એસ. નાઇકવાડે તે સંગ્રહાલયમાં લાંબો સમય ફરજ બજાવી છે. વાંદરાઓના વર્તન બાબતે તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ડૉ. નાઇકવાડે કહ્યું હતું કે "વાંદરાઓ તેમને ત્રાસ આપનારાઓ પર ગુસ્સે થાય છે અને બદલો લેવા માટે કંઈ પણ કરી શકે છે, એ વાત સાચી છે. જોકે, પ્રસ્તુત ઘટના બાબતે જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે અતિશયોક્તિભરી વાતો છે."
લાઇફ કૅર ઍનિમલ ઍસોસિયશનના અધ્યક્ષ ધનરાજ શિંદેએ આ અંગે એક અલગ શક્યતા વ્યક્ત કરી હતી.
તેમના જણાવ્યા મુજબ વાનર એક અત્યંત જિજ્ઞાસુ પ્રાણી છે, તેથી તેમણે જિજ્ઞાશાવશ આવું વર્તન કર્યું હોય તે શક્ય છે.
'અફવાથી વધશે સંઘર્ષ'
વાંદરાઓએ ગામમાં કોઈ પર હુમલો કર્યો ન હતો. વાંદરાથી ગભરાવાને કારણે લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા, પણ વાંદરાએ માણસ પર હુમલો કર્યાની કોઈ ઘટના બની નથી, એવું મોરેએ જણાવ્યું હતું.
આ રીતે વાંદરાના વિરોધમાં ગૅંગવોર થાય, વાંદરાઓ એક ગામમાંથી બીજા ગામમાં જાય અને લોકો ગભરાઈને વાંદરાઓ સામે કંઈ પણ કરી શકે તો વાંદરાઓ પણ પોતાના રક્ષણ માટે કશુંક તો કરશે જ.
તેમના જણાવ્યા મુજબ, વાંદરાઓ ફરી હુમલો કરશે તેવી અફવા પણ ફેલાઈ હતી. આવી અફવાને કારણે ભવિષ્યમાં મુશ્કેલી વધવાની ભીતિ તેમણે વ્યક્ત કરી હતી.
લવુલ ગામમાં ત્રણ મહિના પહેલાં શરૂ થયેલા નાટક પર આખરે પડદો પડ્યો છે. ગામમાં ઘણા કૂતરા જોવા મળી રહ્યા છે. કેટલાક ઠેકાણે તેમનાં ગલુડિયાઓ પણ ફરતાં જોવા મળે છે.
અહીં વાંદરાઓ જોવા મળતા નથી. વાંદરાઓને તેમના કુદરતી આવાસમાં મોકલી આપવામાં આવ્યા છે. જોકે, વાંદરાઓએ ગલુડિયાઓને મારી નાખ્યાની વાત ગામમાં કાયમ ચર્ચાતી રહેશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો