ભારતે જ્યારે રશિયાથી મિસાઇલ બોટ લાવીને કરાચી બંદરને ખેદાનમેદાન કરી નાખ્યું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

1971ના યુદ્ધ પહેલાં ભારતના નૈસેનાધ્યક્ષ એડમિરલ નંદાએ બ્લિટ્ઝ અખબારને એક ઇન્ટરવ્યૂ આપેલો, તેમાં તેમણે કહેલું કે એમણે નૌસેનામાં પોતાની કરિયરની શરૂઆત કરાચીથી કરી હતી.

એટલે એમને કરાચી બંદરના ભૂગોળની સંપૂર્ણ માહિતી છે. જો એમને તક મળે તો કરાચી બંદરને આગ લગાડવાનું તેઓ ન ચૂકે.

દરમિયાનમાં ભારતીય નૌસેનાએ પોતાની નૌકામથકોનું રક્ષણ કરવા માટે સોવિયેટ સંઘ પાસેથી કેટલીક મિસાઇલ બોટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો.

એ માટે કૅપ્ટન કે.કે. નૈયરના નેતૃત્વમાં ભારતીય નૌસૈનિક અધિકારીઓનું એક દળ સોવિયેટ સંઘ મોકલવામાં આવેલું, જેથી તેઓ સોવિયેટ વિશેષજ્ઞો સાથે અટપટી રચનાવાળી મિસાઇલ બોટના સંચાલનનું પ્રશિક્ષણ મેળવી શકે.

એ દળે સોવિયેટ શહેર વ્લાડિવૉસ્ટકમાં માત્ર એ મિસાઇલ બોટ્સને ચલાવવાની ટ્રેનિંગ જ ન લીધી, બલકે રશિયાન ભાષામાં મહારત પણ મેળવી.

જ્યારે ભારતીય નૌસૈનિકો સોવિયેટ સંઘમાં પ્રશિક્ષણ લઈ રહ્યા હતા ત્યારે કૅપ્ટન નૈયરે પોતાની ટીમને પ્રશ્ન પૂછેલો કે એ મિસાઇલ બોટ્સનો રક્ષણને બદલે આક્રમણ માટે ઉપયોગ કરી શકાય?

મેજર જનરલ ઇયાન કારડોજોએ પોતાના પુસ્તક '1971: સ્ટોરીઝ ઑફ ગ્રિટ ઍન્ડ ગ્લોરી ફ્રૉમ ઇન્ડિયા પાકિસ્તાન વૉર'માં લખ્યું છે, "એ બોટ્સ સ્પીડવાળી તો હતી પણ એ ખુલ્લા સમુદ્રમાં ઘણે દૂર સુધી જવા માટે ડિઝાઇન નહોતી કરાઈ."

"ઝડપી હોવાને કારણે એમાં ઈંધણ વધારે વપરાતું હતું અને કંઈ પણ કરો, 500 નૉટિકલ માઈલથી આગળ નહોતી જઈ શકતી. એ ઉપરાંત એ નીચી નૌકાઓ હતી, જેના કારણે સમુદ્રની ઊંચી લહેરો એના પરથી જઈ શકતી હતી."

સોવિયેટ સંઘથી લાવીને મિસાઇલ બોટ્સને કોલકાતામાં ઉતારાઈ

એ મિસાઇલ બોટ્સનો આક્રમણ માટે ઉપયોગ કરવાના વિષયમાં નૌસેનાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મંત્રણા થઈ અને કમાન્ડર વિજય જયરથને એ વિશે એક પેપર લખવા કહેવામાં આવ્યું.

કૅપ્ટન નૈયરે જોઈ લીધા બાદ એ પેપરને દિલ્લી નૌસેના મુખ્યાલયમાં નેવલ ઑપ્સ ઍન્ડ પ્લાન્સને મોકલી દેવાયું.

1971ના જાન્યુઆરીમાં એ મિસાઇલ બોટ્સને સોવિયેટ સંઘથી ભારત લવાઈ હતી. પ્રત્યેક મિસાઇલ બોટનું વજન લગભગ 180 ટન હતું. ખબર પડી કે એ બોટ્સને ઉતારવા માટે જરૂરી એવી ક્રેન મુંબઈના બંદર પર ઉપલબ્ધ નથી, તેથી એ બધી બોટ્સને કોલકાતા લઈ જવામાં આવી.

ત્યારે મુશ્કેલી એ હતી કે મુંબઈથી એને કોલકાતા કઈ રીતે લઈ જવી? ઘણા પ્રયોગ કર્યા પછી લેફ્ટનન્ટ કમાન્ડર ક્વાત્રાએ એક ટોઇંગ ગૅઝેટ બનાવ્યું, જેની મદદથી એ આઠ મિસાઇલ બોટ્સને આઠ નૌકા-જહાજ વડે ઊંચકીને કોલકાતા લઈ જવામાં આવી. દૂરના લક્ષ્યને ભેદવા માટે આ મિસાઇલ બોટ્સ દ્વારા ઘણા અભ્યાસ કરવામાં આવ્યા.

એ મિસાઇલ બોટ્સની રડાર રેન્જ અને એનાં મિસાઇલ્સનાં સટિક નિશાન જોઈને નૌકાદળના અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પછી એવું નક્કી કરવામાં આવ્યું કે જો ભારત–પાકિસ્તાનનું યુદ્ધ થાય તો આ મિસાઇલ બોટ્સનો ઉપયોગ કરાચી પર હુમલો કરવા માટે કરાશે.

નિપાત, નિર્ઘટ અને વીરે કરાચી પર પહેલો હુમલો કર્યો

ચોથી ડિસેમ્બર 1971ની રાત્રે નિપાત, નિર્ઘટ અને વીર નામની ત્રણ મિસાઇલ બોટ્સ કરાચી માટે રવાના થઈ હતી. એમને કિલ્ટન અને કછાલ નામના બે પેટ્યા-ક્લાસ ફ્રિગેટ (ઝડપી ગતિવાળું નાનું જહાજ જે અન્ય જહાજોની સુરક્ષા માટે સાથે હોય) લઈ જતાં હતાં.

1971ના યુદ્ધ દરમિયાન ભારતના નૌસેનાધ્યક્ષ હતા એ એડમિરલ એસ.એમ. નંદાએ પોતાની આત્મકથા 'ધ મૅન હૂ બૉમ્બ્ડ કરાચી'માં લખ્યું છે, "આશંકા એવી હતી કે કરાચીના તટ પર કાર્યરત રડાર્સ દિવસના ભાગમાં એ મિસાઇલ બોટ્સની ગતિવિધિની નોંધ લઈ શકતાં હતાં, અને એના પર હવાઈ હુમલાનું જોખમ આવી શકે એમ હતું."

"એટલે એવું નક્કી થયું કે હુમલો રાત્રે કરાશે. સૂરજ આથમતાં સુધી એ મિસાઇલ બોટ્સ કરાચીમાં હાજર ફાઇટર વિમાનોની પહોંચથી દૂર રહેશે. રાત્રે ઝડપથી પોતાનું કામ પૂરું કરીને સવાર થતાં થતાંમાં તો એ પાકિસ્તાની વાયુસેનાની પહોંચથી દૂર નીકળી જશે."

ખૈબરને પહેલાં ડુબાડી દેવાયું

પાકિસ્તાની નૌસેનાનું જહાજ પીએનએસ ખૈબર કરાચીથી દક્ષિણ–પશ્ચિમમાં પેટ્રોલિંગ કરતું હતું. આ એ જ જહાજ હતું જેણે 1965ના યુદ્ધમાં ભારતના દ્વારકા નૌકામથક પર હુમલો કર્યો હતો.

ઇન્ડિયન ડિફેન્સ રિવ્યૂના જુલાઈ 1990ના અંકમાં ટાસ્ક ગ્રૂપના કમાન્ડર કે.પી. ગોપાલરાવના લેખમાં આ અભિયાનનું વર્ણન કરતાં લખાયું છે કે, "ખૈબરને રાત્રે છેક 10 વાગ્યા ને 15 મિનિટે ખબર પડી કે ભારતનાં જહાજો કરાચી તરફ આગળ વધી રહ્યાં છે. એણે પોતાનો માર્ગ બદલીને એમને આંબી જવા માટે પોતાની ગતિ વધારી હતી. 10 વાગ્યા ને 40 મિનિટે ખૈબર જ્યારે અમારી રેન્જમાં આવી ગયું તો નિર્ઘટે એના પર પહેલી મિસાઇલ છોડી."

"ખૈબરે પણ પોતાની વિમાનભેદક તોપોમાંથી ગોળા વરસાવવા શરૂ કર્યા પણ એ પોતાના પર છોડાયેલી મિસાઇલને ટકરાતાં રોકી ન શક્યું. એના બૉઇલરમાં આગ લાગી ગઈ. ત્યાં જ મેં બીજી મિસાઇલ છોડવાનો આદેશ આપ્યો. બીજી મિસાઇલ વાગતાં જ એની ગતિ શૂન્ય થઈ ગઈ અને જહાજમાંથી ખૂબ ધુમાડો નીકળવા લાગ્યો. 45 મિનિટ પછી પીએનએસ ખૈબર કરાચીથી 35 માઈલ દૂર દક્ષિણ–પશ્ચિમમાં ડૂબી ગયું."

'ધ સ્ટોરી ઑફ ધ પાકિસ્તાન નેવી'માં આ હુમલાનું વર્ણન કરતાં લખાયું છે કે, "ખૈબરના કમાન્ડિંગ ઑફિસરને શરૂઆતમાં લાગ્યું કે ચમકદાર સફેદ પ્રકાશ ભારતીય વિમાન દ્વારા ફેંકવામાં આવેલી ફ્લેયર છે, પણ જે ગતિથી એ આગળ વધતો હતો એનાથી એમને એવું લાગ્યું કે કદાચ એ એક ભારતીય વિમાન છે. એ મિસાઇલ ખૈબરની ઇલેક્ટ્રિશિયન્સ મેસ ડેક સાથે ટકરાઈ. તરત જ ખૈબરના એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું અને આખા જહાજમાં લાઇટ બંધ થઈ ગઈ."

"એ અંધારામાં જહાજ પરથી સૈન્ય મુખ્યાલયને સંદેશો મોકલવામાં આવ્યો, 'એનિમી ઍરક્રાફ્ટ અટૅક્ડ શિપ. નંબર એક બૉઇલર હિટ. શિપ સ્ટૉપ્ડ.' 11 વાગ્યા ને 15 મિનિટે બધા નાવિકોને ડૂબતું જહાજ છોડી દેવાનો આદેશ આપી દેવાયો. 11 વાગ્યા ને 20 મિનિટે જહાજે જળસમાધિ લીધી."

વીનસ ચૅલેન્જર પણ ડુબાડાયું

એવામાં રાતના લગભગ 11 વાગ્યે એક અજ્ઞાત જહાજ સાથે નિપાતની લડાઈ થઈ. નિપાત દ્વારા એ જહાજ પર છોડાયેલી મિસાઇલ નિશાન ન ચૂકી. જ્યારે એની સાથે બીજી મિસાઇલ ટકરાઈ ત્યારે એમાંથી ધુમાડો નીકળવા લાગ્યો.

કે.પી. ગોપાલરાવે લખ્યું છે, "મારું માનવું છે કે એ મિસાઇલથી જહાજમાં રખાયેલાં હથિયારોમાં આગ લાગી ગઈ. અમે રડારમાં જોયું કે જહાજના બે ટુકડા થઈ ગયા છે. એ જહાજ 8 મિનિટમાં કરાચીથી 26 માઈલ દૂર દક્ષિણમાં ડૂબી ગયું. યુદ્ધ પછી જાણવા મળ્યું કે એ જહાજમાં સૅગોનથી પાકિસ્તાની સેના અને વાયુસેના માટે અમેરિકન હથિયારો લઈ જવાતાં હતાં."

"લંડનના રૉયલ રજિસ્ટર ઑફ શિપિંગ દ્વારા ખબર પડી કે એ જહાજનું નામ એમવી વીનસ ચૅલેન્જર હતું, જેને પાકિસ્તાન સરકારે કોઈ ખાસ કામ માટે ભાડે લીધું હતું. એણે 5 ડિસેમ્બર 1971ના બપોરે દોઢ વાગ્યે કરાચી પહોંચવાનું હતું."

"ત્રીજી મિસાઇલ બોટ વીરે 11 વાગ્યા ને 20 મિનિટે એક બીજા પાકિસ્તાની જહાજ પીએનએસ મુહાફિજને પોતાની મિસાઇલનું નિશાન બનાવ્યું. એ જહાજ 70 મિનિટ સુધી આગની જ્વાળાઓમાં ઘેરાયેલું રહ્યું. પછી કરાચીથી 19 માઈલ દૂર દક્ષિણમાં ડૂબી ગયું."

આઈએનએસ વિનાશનો બીજો હુમલો

ત્રણે મિસાઇલ બોટ્સને આદેશ અપાયેલો કે સંભવ હોય એટલી મિસાઇલ્સ કરાચી પર છોડવામાં આવે. આઈએનએસ નિપાતને પોતાના રડાર પર કીમારી ઑઇલ ટૅન્ક દેખાઈ. જ્યારે એમની વચ્ચે 18 માઈલ્સનું અંતર રહ્યું ત્યારે નિપાતે એ ઑઇલ ટૅન્ક્સ પર પણ એક મિસાઇલ છોડી.

6 ડિસેમ્બરે પણ કરાચી પર 'ઑપરેશન પાઇથન' કોડનેમથી વધુ એક હુમલો કરવાનો હતો, પણ ખરાબ હવામાન અને તોફાની સમુદ્રના કારણે એને સ્થગિત કરી દેવાયો હતો.

બે દિવસ પછી, 8 ડિસેમ્બરે બીજી એક મિસાઇલ બોટ આઈએનએસ વિનાશે એ હુમલો કર્યો. એની સાથે ભારતીય નૌસેનાનાં બે ફ્રિગેટ ત્રિશૂલ અને તલવાર પણ ગયાં હતાં. એ મિસાઇલ બોટ પર લેફ્ટનન્ટ કમાન્ડર વિજય જયરથની કમાન હતી.

હજી તો વિનાશના 30 નૌસૈનિકો કરાચી પર બીજો હુમલો કરવાની તૈયારી કરતા હતા ત્યાં તો બોટમાં લાઇટ ગઈ અને કન્ટ્રોલ ઑટો પાઇલટ થઈ ગયો.

તેઓ હજુ પણ બૅટરી વડે મિસાઇલ છોડી શકે એમ હતા, પણ તેઓ પોતાનું લક્ષ્ય રડાર પર જોઈ નહોતા શકતા. તેઓ આ સંભાવના વિશે પોતાને તૈયાર કરતા હતા એવામાં લગભગ 11 વાગ્યે બોટમાંની લાઇટ્સ ચાલુ થઈ થઈ.

કીમારી ઑઇલ ડેપો પર બીજો હુમલો

જયરથે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મેં રડાર તરફ જોયું. એક જહાજ ધીરે ધીરે કરાચી બંદરેથી નીકળી રહ્યું હતું. હું જહાજની પોઝિશન જોઈ રહ્યો હતો, એવામાં મારી નજર કીમારી ઑઇલ ડેપો તરફ ગઈ. મિસાઇલને જોઈ–તપાસીને મેં મિસાઇલની રેન્જને મેન્યુઅલ અને મૅક્સિમમ પર સેટ કરી અને મિસાઇલ ફાયર કરી દીધી."

"મિસાઇલ જેવી ટૅન્કને ટકરાઈ, ત્યાં તો જાણે પ્રલય આવી ગયો. મેં બીજી મિસાઇલથી જહાજોના એક સમૂહને નિશાન બનાવ્યો. ત્યાં ઊભેલું એક બ્રિટિશ જહાજ એસએસ હરમટનમાં આગ લાગી ગઈ અને પનામાનું જહાજ ગલ્ફસ્ટાર નષ્ટ થઈને ડૂબી ગયું."

ચોથી મિસાઇલ પીએનએસ ઢાકા પર છોડાઈ, પણ એના કમાન્ડરે કૌશલ્ય અને બુદ્ધિનો પરિચય કરાવતાં પોતાના જહાજને બચાવી લીધું. પણ, કીમારી ઑઇલ ડેપોમાં આગ લાગી અને એ આગ 60 માઈલ દૂરથી પણ જોઈ શકાતી હતી.

ઑપરેશન પૂરું થતાં જ જયરથે રેડિયો પર સંદેશો મોકલ્યો, 'ફૉર પિજન્સ હૅપી ઈન ધ નેસ્ટ રિજોઇનિંગ.' એમને જવાબ મળ્યો 'એફ 15થી વિનાશને માટે આનાથી સારી દિવાળી અમે આજ સુધી નથી જોઈ.'

કરાચીના ઑઇલ ડેપોમાં લાગેલી આગને સાત દિવસ સુધી ઓલવી શકાઈ નહોતી. બીજા દિવસે ભારતીય વાયુસેનાના વિમાનચાલકો જ્યારે કરાચી પર બૉમ્બમારો કરવા ગયા તો એમણે રિપોર્ટ આપ્યો કે એ એશિયાની સૌથી મોટી બોનફાયર હતી.

કરાચીની ઉપર એટલો ધુમાડો હતો કે ત્રણ દિવસ સુધી ત્યાં સૂર્યપ્રકાશ ન પહોંચ્યો. પાકિસ્તાની નૌસેનાને એનાથી એટલો મોટો ઝટકો લાગ્યો કે એણે પોતાનાં બધાં જહાજોને કરાચી બંદરના અંદરના વિસ્તારોમાં મોકલી દીધાં.

ભારતીય નૌસેનાએ કરાચી બંદરની નાકાબંધી કરી

જનરલ ઇયાન કારડોજોએ લખ્યું છે, 'પાકિસ્તાની નૌસેનાનું એ દુર્ભાગ્ય હતું કે પાકિસ્તાની વાયુસેના એમની મદદે ન આવી અને કરાચીની આસપાસ ના તો ભારતીય નૌસેનાની મિસાઇલ્સને અને ના તો વાયુસેનાનાં વિમાનોને પડકારી શકાયાં.'

'અરબ મહાસાગર પર ભારતીય સેનાનું સંપૂર્ણ નિયંત્રણ હતું. કરાચીની જળસીમામાંથી ભારત સરકારની અનુમતિ વગર કોઈ પણ જહાજને અંદર આવવા ન દેવાયું કે બહાર જવા ન દેવાયું.'

એડમિરલ ગોર્શકૉવે કર્યાં વખાણ

બીજી તરફ, સોવિયેટ ઉપગ્રહો દ્વારા કરાચી આસપાસનાં આ નૌકાયુદ્ધનાં દૃશ્યો સોવિયેટ નૌસેના પ્રમુખ એડમિરલ ગોર્શકૉવ પાસે પહોંચતાં હતાં.

એડમિરલ ગોર્શકૉવને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો કે જે મિસાઇલ બોટ્સ એમણે ભારતને એમનાં નૌકામથકોના રક્ષણ માટે આપેલી, એ જ મિસાઇલ બોટ્સનો કરાચી પર હુમલો કરવા માટે ઉપયોગ થઈ રહ્યો છે.

આ દૃશ્ય જોઈને ગોર્શકૉવ એટલા બધા ખુશ થયા કે ત્યાં હાજર પોતાના સાથીઓને ભેટી પડ્યા. યુદ્ધના થોડા દિવસ પછી એડમિરલ ગોર્શકૉવ પોતાના દળ સાથે મુંબઈ આવ્યા હતા.

મેજર જનરલ કારડોજોએ લખ્યું છે, 'ગોર્શકૉવે ભારતના નૌસેનાના વડા એડમિરલ નંદાને કહ્યું કે તેઓ એ નૌસૈનિકોને મળવા ઇચ્છે છે જેમણે એમની અપાયેલી મિસાઇલ બોટ્સના ઉપયોગથી કરાચી પર હુમલો કર્યો હતો.'

'એ સમયે એડમિરલ ગોર્શકૉવને ભારતીય વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાંત પર લઈ જવાતા હતા. બધા સોવિયત અને ભારતીય મહેમાનોએ ઔપચારિક મેસ ડ્રેસ પહેર્યો હતો, પણ મિસાઇલ બોટ્સના કમાન્ડર પોતાની વર્દીમાં હતા. સોવિયેટ એડમિરલને એમ જણાવાયું કે મિસાઇલ બોટ્સના કમાન્ડર ભોજન-સમારંભમાં ભાગ નહીં લઈ શકે, કેમ કે એમાં સામેલ થવા માટે એમની પાસે યોગ્ય કપડાં નથી.'

પરંતુ એડમિરલ ગોર્શકૉવે એડમિરલ નંદાને વિનંતી કરી કે એ કમાન્ડર્સને એ જ ડ્રેસમાં ભોજનસમારંભમાં ભાગ દેવા દે. એડમિરલ નંદાએ એમની એ વિનંતી સહર્ષ સ્વીકારી લીધી.

ભોજન પછી અપાયેલા ભાષણમાં એડમિરલ ગોર્શકૉવે કહ્યું, "તમારે એ જાણવું જરૂરી છે કે એ લડાઈમાં તમે એકલા નહોતા. અમે અમેરિકાની સાતમી ટુકડીની ગતિવિધિ પર ચાંપતી નજર રાખીને બેઠા હતા. જો જરૂર પડી હોત તો અમે હસ્તક્ષેપ કરતા. પણ, તમે લોકોએ જે રીતે અમારી મિસાઇલ બોટ્સનો ઉપયોગ કર્યો, એની તો અમે સપનામાં પણ કલ્પના નથી કરી શકતા. તમને ખૂબ ખૂબ અભિનંદન."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો