You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જસ્ટિસ નાણાવટીને ગોધરા પછીનાં હુલ્લડોના તપાસપંચ સામે રજૂ થનારા લોકો કેવી રીતે યાદ કરે છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
જસ્ટિસ જી. ટી. નાણાવટીનું શનિવારે હૃદયરોગના કારણે અવસાન થયું. ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ 6 ડબ્બા પરના હુમલાથી માંડીને નરોડા ગામ, નરોડા પાટીયા સહિત ગોધરા પછીનાં તોફાનોના રાજ્ય સરકાર દ્વારા નિર્મિત તપાસપંચના તેઓ વડા રહ્યા હતા.
શનિવારના રોજ તેમનો હૃદયરોગને કારણે મૃત્યુ થયું હતું ત્યારે તેમની સાથે કામ કરી ચૂકેલા લોકો તેમને અલગઅલગ રીતે યાદ કરી રહ્યા છે.
જસ્ટિસ નાણાવટી સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા હતા. 1979માં તેઓ ગુજરાત હાઈકોર્ટના જજ બન્યા હતા અને 1993માં તેમની બદલી ઓડિશા હાઇકોર્ટમાં થઈ હતી. ત્યાં તેઓ મુખ્ય ન્યાયાધીશની ભૂમિકામાં પણ કાર્યરત્ હતા.
એ બાદ કર્ણાટક હાઈકોર્ટમાં તેમની મુખ્ય ન્યાયાધીશ તરીકે બદલી થઈ હતી. 1995માં તેમને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકેની બઢતી મળી હતી અને વર્ષ 2000માં તેઓ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિવૃત્ત થયા હતા.
તેમની નિવૃત્તિના થોડા જ સમય બાદ તે સમયની કેન્દ્રની NDA સરકારે 1984નાં શીખવીરોધી તોફાનોના એક તપાસપંચના વડા તરીકે તેમની નિમણૂક કરી હતી.
એ બાદ કેન્દ્રમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે 2005માં તેમણે પોતાનો રિપોર્ટ બે ભાગમાં રજૂ કર્યો હતો.
તેમના રિપોર્ટ બાદ કૉંગ્રેસ નેતા જગદીશ ટાઇટલરે રાજીનામું આપી દેવું પડ્યું હતુ.
ટાઇટલર તે વખતે મનમોહનસિંહ સરકારમાં રાજ્યમંત્રી હતા. જસ્ટિસ નાણાવટીએ પોતાના રિપોર્ટમાં તેમને 1984નાં શીખવીરોધી તોફાનો માટે જવાબદાર ગણ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ બાદ જગદીશ ટાઇટલરને 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી ન હતી.
જોકે, એ બાદ માર્ચ 2002માં જસ્ટિસ નાણાવટી ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને સળગાવવાના બનાવમાં તપાસપંચના વડા બન્યા અને એ પંચને 'નાણાવટી-શાહ કમિશન' તરીકે ઓળખવામાં આવ્યું.
તેમની સાથે જસ્ટિસ કે. જી. શાહ પંચના સભ્ય હતા.
જસ્ટિસ શાહના મૃત્યુ બાદ જસ્ટિસ નાણાવટીએ જસ્ટિસ અક્ષય મહેતા સાથે પંચની કામગીરી આગળ વધારી હતી અને 2014માં ગોધરા તેમજ ત્યાર બાદનાં તોફાનોના અંતિમ રિપોર્ટને તે સમયનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને સોંપ્યો હતો.
તેમણે વર્ષ 2008માં ગોધરા ટ્રેન અંગેનો અહેવાલ સોંપ્યો હતો.
જોકે, ગોધરા અને એ બાદનાં તોફાનોના રિપોર્ટ માટે તેઓ સતત વકીલો, ફરીયાદીઓ અને આરોપીઓને સાંભળતા રહ્યા હતા. તેમાંથી ઘણા તેમને આજે યાદ કરે છે, અને તેમની કામ કરવાની પદ્ધતિ વિશે વાત કરે છે.
વકીલો તેમને કેવી રીતે યાદ કરે છે?
જસ્ટિસ નાણાવટી કમિશનમાં સરકાર તરફતી દલીલ કરનારા વકીલ અરવિંદ પડ્યા તેમની સામે અનેક વખત 'અપીયર' થયા હતા.
પંડયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "આજ સુધી જેટલા જજો સાથે મેં કામ કરેલું છે, મારા મતે જસ્ટિસ નાણાવટીને તેમાં સૌથી વધારે ચતુર વ્યક્તિ ગણી શકાય."
પંડ્યા નાણાવટીપંચમાં સરકારનો પક્ષ મૂકવા માટે અનેક વખત પંચ સમક્ષ હાજર થતા હતા.
તેઓ વધુમાં કહે છે કે, "એક જસ્ટિસ અને વકીલ તરીકે અનેક વખત તકરાર થાય, પરંતુ ક્યારેય તેવી કોઈ વાતનું તેમને ખોટું લાગતું નહોતુ. ગમે તેવી તકરાર હોય તો પણ તેની અસર કેસના મેરિટ ઉપર ક્યારેય પડતી નહોતી. તેઓ એટલા તટસ્થ ન્યાયાધીશ હતા."
નાણાવટીપંચ વખતની તેમની કામગીરીને યાદ કરતાં પંડ્યા ઉમેરે છે, "ફરિયાદીઓ ખૂલીને સામે આવે અને પોતાની વાત કમિશન સમક્ષ મૂકે તે હેતુથી તેમણે જિલ્લાનાં વડાં મથકો પર ફરિયાદીઓને મળવાની ઝુંબેશ પણ શરૂ કરી હતી. આ પહેલાં કોઈ પણ જસ્ટિસની આ પ્રકારની કામગીરી અમે જોઈ ન હતી. મને હજી યાદ છે, તેઓ કહેતા કે - તેમને ન્યાય આપવો હોય તો આપણે તેમની પાસે જવું પડે."
જોકે, પંડયાની સામે પંચમાં દલીલ કરવા માટે એડ્વૉકેટ મુકુલ સિંહા હાજર રહેતા હતા, જેઓ ફરિયાદીઓની વાત મૂકતા હતા.
હાલમાં તો એડ્વૉકેટ સિંહા નથી રહ્યા પરંતુ તે સમયે તેમની સાથે તેમના આસિસટન્ટ તરીકે કામ કરી ચૂકેલા એડ્વૉકેટ શમશાદ પઠાણ પણ જસ્ટિસ નાણાવટીની સમક્ષ અનેક વખત 'અપીયર' થયા હતા.
શમશાદ પઠાણ કહે છે, "જસ્ટિસ નાણાવટી સાથેનો અમારો અનુભવ બહુ સારો નહોતો રહ્યો. અમે હંમેશાં ફરિયાદીઓની વાત કરતા હતા."
"અમારા અનુભવ પ્રમાણે અમને હંમેશાં લાગતું હતું કે અનેક અધિકારીઓની વિરુદ્ધ ફરિયાદો મળતી હોવા છતાં જસ્ટિસ નાણાવટી તે અધિકારીઓનું રક્ષણ કરતા હતા."
પઠાણ કહે છે કે, "તેઓ હંમેશાં જવાબદાર અધિકારીઓને બચાવતા હોય તેવી અનુભૂતી અમને થતી હતી અને બીજી બાજુ અનેક સાક્ષીઓ જ્યારે તેમની સામે આવે તો તેમની સાથે ખૂબ જ તીખો વ્યહવાર થતો હતો."
કેવો અનુભવ હતો, નરોડા અને નરોડા પાટીયાના સાક્ષીઓનો?
નરોડા પાટીયાના હત્યાકાંડના મુખ્ય સાક્ષી એવા સલીમ શેખે લગાવેલા આરોપ અનુસાર જસ્ટિસ નાણાવટીના આદેશ પર તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને નવ વર્ષ બાદ તેઓ આ મામલે નિર્દોષ છૂટ્યા હોવાનો દાવો પણ કરે છે. આ આરોપ અને દાવાની સ્વતંત્રરીતે પુષ્ટિ કરી શકાઈ નથી.
જોકે, નરોડા ગામના અન્ય એક સાક્ષી શરીફ મલીકનું કંઈક અલગ માનવું છે.
તેઓ કહે છે કે, "હું એકથી વધુ વખત નાણાવટીપંચ સમક્ષ હાજર થયો હતો અને જસ્ટિસ નાણાવટી અમારી વાત સાંભળતા અને તમામ વિગતો અક્ષરસહ બતાવવાનું અને તેની નોંધ કરવાનો આગ્રહ રાખતા હતા."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો