ગોવા લિબરેશન ડે : ભારતની સ્વતંત્રતાનાં 14 વર્ષ બાદ ગોવાને આઝાદ કરાવવા જ્યારે ભારતીય સેનાએ છેડ્યું ‘ઑપરેશન વિજય’

ગોવા સમગ્ર ભારતના સ્વતંત્રા દિવસ ઉપરાંત પોતાની આઝાદીનો દિવસ અલગથી ઉજવે છે. ભારત બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયું હતું પરંતુ ગોવા 1947માં આઝાદ થયું નહોતું.

ભારતીય સેનાએ ગોવાને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કરાવવા માટે ‘ઑપરેશન વિજય’ ચલાવ્યું હતું.

આ ઑપરેશન સફળ થયા બાદ ગોવા ભારતમાં સામેલ થયું હતું. જેની યાદમાં ગોવા લિબ્રેશન ડેની ઉજવણી કરવામાં આવે છે.

ભારતીય સેનાના ‘ઑપરેશન વિજય’ના 36 કલાકમાં જ પોર્ટુગીઝ જનરલ મૅન્યુઅલ ઍન્ટોનિયો વસાલો એ સિલ્વાએ “આત્મસમર્પણ” ના દસ્તાવેજ પર સહી કરી હતી.

ત્યારબાદથી દર વર્ષે 19મી ડિસેમ્બરના રોજ ગોવા લિબ્રેશન ડેની ઉજવણી કરવામાં આવે છે.

ગોવાનો ઇતિહાસ

વાસ્કો ડી ગામા વર્ષ 1498માં ભારત આવ્યા અને તેના 12 વર્ષમાં જ પોર્ટુગીઝોએ ગોવા પર કબજો જમાવી લીધો હતો.

વર્ષ 1510થી શરૂ થયેલું પોર્ટુગીઝ શાસન ગોવાના લોકોએ 451 વર્ષ સુધી સહન કરવું પડ્યું હતું.

19 ડિસેમ્બર 1961ના રોજ ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયું અને ભારતનો ભાગ બન્યું હતું.

પરંતુ ગોવાના લોકોને આ આઝાદી સરળતાથી મળી ન હતી.

વિભાજન અને ભયાવહ સાંપ્રદાયિક હિંસાના વંટોળ વચ્ચે ભારતને અંગ્રેજોથી તો આઝાદી મળી ગઈ હતી, પરંતુ ગોવા પોર્ટુગીઝોના કબજામાં જ હતું.

વર્ષ 1954માં પુડ્ડુચેરી પણ ફ્રાન્સના શાસનમાંથી મુક્ત થઈ ગયું હતું, પરંતુ ગોવા આઝાદ થઈ શક્યું ન હતું.

ભારત સરકારે વર્ષ 1955માં ગોવા પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા હતા. આ પ્રતિબંધના જવાબમાં પોર્ટુગીઝોએ જે કર્યું તેની માહિતી ગોવામાં રહેતા એક વૃદ્ધ હોટલ વ્યાવસાયિકે બીબીસીને આપી હતી.

તે સમયે 15 વર્ષની ઉંમર ધરાવતા હિગિનો રોબૅલો કહે છે કે,”અમે વાસ્કોમાં રહેતા હતા જે મુખ્ય બંદર હતું. ભારતના પ્રતિબંધ બાદ નૅધરલૅન્ડ્સથી બટાકા, પોર્ટુગલથી વાઇન, પાકિસ્તાનથી ચોખા અને શાકભાજી અને શ્રીલંકા (તે સમયે સીલોન) થી ચા મોકલવામાં આવતી હતી.”

પોર્ટુગીઝોના દમનથી પરેશાન ગોવાના હિન્દુઓ અને કૅથલિક ઈસાઈઓએ ભારતના સ્વતંત્રતા સંગ્રામથી પ્રેરણા લીધી અને સંગઠિત થવાનું શરૂ કર્યું.

ગોવામાંથી પોર્ટુગીઝોને હઠાવવા માટે એક ક્રાંતિકારી દળ સક્રિય હતું, જેનું નામ હતું આઝાદ ગોમાંતક દળ. વિશ્વનાથ લવાંડે, નારાયણ હરિ નાઈક, દત્તાત્રેય દેશપાંડે અને પ્રભાકર સિનારીએ તેની સ્થાપના કરી હતી.

આ પૈકી ઘણા લોકોની પોર્ટુગીઝોએ ધરપકડ કરીને તેમને આકરી સજા સંભળાવી હતી. કેટલાકને તો આફ્રિકન દેશ અંગોલાની જેલમાં પણ ધકેલવામાં આવ્યા હતા.

વિશ્વનાથ લવાંડે અને પ્રભાકર સિનારી જેલમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા અને લાંબા સમય સુધી આંદોલન ચલાવતા રહ્યા હતા.

આખરે આઝાદી કઈ રીતે મળી?

ભારતના પહેલા વડા પ્રધાન જવાહર લાલ નહેરુએ આઝાદીના થોડા મહિના પહેલાં આપેલા ભાષણમાં ક્હ્યું હતું કે, “ગોવાની પરાધીનતા ભારતના ગાલ પર એક નાનકડી ફોડલી છે, જેને અંગ્રેજોનાં ગયા બાદ સરળતાથી ફોડી શકાય તેમ છે.”

ગોવાને 19 ડિસેમ્બર 1961ના રોજ કઈ રીતે આઝાદી મળી, તેનો ઇતિહાસ રસપ્રદ છે. જે ફોડલીની વાત નહેરુ કરી રહ્યા હતા, તેને ફોડવી એટલી સરળ નહોતી જેટલું તેઓ વિચારતા હતા.

પોર્ટુગલ સરળતાથી ગોવાને છોડવાના મૂડમાં ન હતું. તેઓ નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી (નૅટો)ના સભ્ય હતા. જેથી નહેરુ કોઈ પણ પ્રકારની સૈન્ય અથડામણ માટે ખચકાઈ રહ્યા હતા.

વડા પ્રધાન નહેરુએ ગોવાની આઝાદી માટે ઘણા પ્રયાસો કર્યા પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

1961ના નવેમ્બર મહિનામાં પોર્ટુગીઝ સૈનિકોએ ગોવામાં માછીમારો પર ગોળીબાર કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ માહોલ બદલાઈ ગયો હતો. ભારતના તત્કાલિન રક્ષામંત્રી કે. વી. કૃષ્ણા મેનન અને વડા પ્રધાન નહેરુએ આપાતકાલીન બેઠક યોજી.

આ બેઠક બાદ 17 ડિસેમ્બરના રોજ ભારતે ‘ઑપરેશન વિજય’ અંતર્ગત 30 હજાર સૈનિકોને ગોવા મોકલવાનો નિર્ણય લીધો. આ ઑપરેશનમાં નૌસેના અને વાયુ સેના પણ સામેલ હતી.

ભારતીય સેનાને આગળ વધતી અટકાવવા માટે પોર્ટુગીઝ સૈનિકોએ વાસ્કો પાસેનો પુલ ઉડાવી દીધો, પરંતુ આ ઘટનાનાં 36 કલાકમાં જ પોર્ટુગલે કબજો છોડવાનો નિર્ણય કરી લીધો હતો.

પશ્ચિમ અને પૂર્વની સંસ્કૃતિનો સંગમ

450 વર્ષ સુધી પોર્ટુગીઝ શાસન બાદ 1961માં એક નવા ગોવાનો જન્મ થયો, જે આઝાદ હતું અને પશ્ચિમ અને પૂર્વની સંસ્કૃતિનું સંગમ હતું.

પોર્ટુગીઝ શાસનથી આઝાદીનાં 60 વર્ષ બાદ પણ ગોવામાં સંસ્કૃતિ અને જનજીવન પર પોર્ટુગલનો અસર જોવા મળે છે.

ગોવા હવે પર્યટન માટે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભું કરી ચૂક્યું છે અને અહીં પર્યટક બોટ્સમાં આજે પણ પોર્ટુગીઝ સંગીત માણી શકાય છે.

ગોવામાં પોર્ટુગલની જીવતી જાગતી નિશાની અહીંનો ઈસાઈ ધર્મ છે. અહીંના ઈસાઈઓના નામ પણ મોટાભાગે પોર્ટુગીઝ જોવા મળે છે.

પોર્ટુગીઝ શાસન દરમિયાન ઘણા સ્થાનિક લોકોએ ઈસાઈ ધર્મનો અંગીકાર કર્યો હતો. જેમાં સ્થાનિક બ્રાહ્મણોનો પણ સમાવેશ થાય છે.

ગોવામાં મોટાભાગના દેવળ પોર્ટુગીઝ કાળ દરમિયાન જ બનાવવામાં આવ્યા છે. કૅથલિક ચર્ચ ગોવાના ઈસાઈઓના જીવનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો