You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુપી ચૂંટણી: માયાવતીની ચૂંટણી પહેલાંની નિષ્ક્રિયતા શું ભાજપને ફાયદો કરાવશે?
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના સૌથી વધુ વસતી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં હવે વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ જ બાકી છે.
અહીં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ વિજય યાત્રા રથ કાઢી રહ્યા છે, જ્યારે બીજી તરફ કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સતત સભાઓ સંબોધી રહ્યાં છે. તેમણે મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની અને ઇન્ટર પાસ કરતી છોકરીઓને સ્માર્ટફોન અને સ્કૂટી આપવાની પણ જાહેરાત કરી દીધી છે. એટલે કે યુવાનો અને મહિલાઓને આકર્ષવામાં તેમનો વિશેષ ભાર દેખાઈ રહ્યો છે.
ભાજપ પણ ચૂંટણી પ્રચારમાં પાછળ નથી. આ વાતનો અંદાજ એના પરથી આવશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે મહિનામાં છ વખત પૂર્વાંચલની મુલાકાત લીધી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ વારંવાર રાજ્યમાં સભાઓ સંબોધી રહ્યા છે.
પરંતુ એક ચહેરો યુપીના ચૂંટણી મેદાનમાંથી ગાયબ છે અને તે છે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીનો.
ક્યાં છે માયાવતી?
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં માયાવતીએ 19 બેઠકો જીતીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
આવી સ્થિતિમાં, ચૂંટણી મેદાનમાંથી તેમનાં ગાયબ થવાની ચર્ચાઓ જોર પકડી રહી છે અને રાજકીય વિશ્લેષકો નવાઈ પામી રહ્યા છે કે ચાર વખત રાજ્યનાં મુખ્ય મંત્રી રહી ચૂકેલાં માયાવતી આ વખતે ચૂંટણીમાં કેમ સક્રિય નથી જોવાં મળતાં?
તે પણ એવા સમયે જ્યારે તેમના ઘણા ધારાસભ્યો છટકીને અન્ય પક્ષમાં ભળી ગયા છે અને હવે એકલ-દોકલ ધારાસભ્યો જ તેમની સાથે રહ્યા છે.
ઉત્તર પ્રદેશના રાજકારણ પર ઝીણી નજર રાખતા જાણકારો માયાવતીની આગામી ચૂંટણીમાં રાજકીય નિષ્ક્રિયતાને તેમની સામે ચાલી રહેલા અપ્રમાણસર સંપત્તિના કેસ સાથે જોડી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીનું માનવું છે કે એ વાત નવાઈ પમાડે એવી છે કે માયાવતી ક્યાંય કેમ દેખાતાં નથી?
તેમના કહેવા પ્રમાણે, "સંભવતઃ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ અને તેમના પરિવારના સભ્યો પરના અપ્રમાણસર સંપત્તિના કેસોને કારણે તેઓ દબાણમાં છે. એટલે જ તો, તેમણે નિવેદન આપ્યું હતું કે વિધાનસભા અથવા રાજ્યસભાની ચૂંટણીમાં જો મને જરૂર જણાશે તો હું ભાજપને મદદ કરીશ.''
જાતિ આધારિત મત બૅન્ક
બીબીસી સાથેની વાતચીતમાં રામદત્ત ત્રિપાઠી કહે છે કે રામ મંદિર આંદોલનના સમયથી જ દલિત મતદારોને પોતાની છાવણીમાં લાવવાની ભાજપ અને સંઘની વ્યૂહરચના રહી છે અને એવું થયું પણ છે. એવામાં જો માયાવતી આ દબાણથી નિષ્ક્રિય થઈ જશે તો તેનાથી ભાજપને જ ફાયદો થશે.
વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાન પણ રામદત્ત ત્રિપાઠી સાથે સહમત જણાય છે. તેમનું કહેવું છે કે તેમના પર સીબીઆઈ અને ઈડીની લટકતી તલવારના ડરથી તેમણે ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
સાથે જ તેમનું કહેવું છે કે માયાવતી પાસે જાતિ આધારિત ચોક્કસ વોટ બૅન્ક છે, જે હંમેશા તેમને ફાળે જ ગઈ છે. પરંતુ આ લડાઈમાં તે હવે ક્યાંય દેખાતાં નથી.
પરંતુ વરિષ્ઠ પત્રકાર સુનીતા એરોન આ વાત સાથે સહમત હોય તેવું લાગતું નથી.
બીબીસી સાથેની વાતચીતમાં સુનીતા એરોન કહે છે કે માયાવતીની કાર્યશૈલી જોઈએ તો તે હંમેશા ચૂંટણી એકદમ નજીક આવે તે પછી જ સભાઓ કરવાનું શરૂ કરે છે. જો કે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં તેઓ આ વખતે થોડાં ઢીલાં દેખાઈ રહ્યાં છે.
સુનીતા એરોન આગળ કહે છે, "માયાવતી તેમના કેડરને દોડાવે છે. માયાવતી બૂથસ્તરે તૈયારીઓ કરે છે અને ધ્યાન આપે છે કે તેઓ કઈ વિધાનસભા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે."
ભ્રષ્ટાચારના મુદ્દે સુનીતા એરોન કહે છે કે આ એક મોટો મુદ્દો હોઈ શકે છે પરંતુ તે જનતાનો મુદ્દો નથી.
સુનીતા કહે છે, "એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ આ મુદ્દાનો તેમની વિરુદ્ધ એક હાથા તરીકે ઉપયોગ કરી રહી છે. આવી ચર્ચાઓ નેતાઓની વિરુદ્ધ ચાલતી રહે છે, પરંતુ ચૂંટણી સમયે નેતાઓ હંમેશા મેદાનમાં ઉતરે જ છે."
નેતાઓએ માયાવતીનો સાથ છોડી દીધો
એવું માનવામાં આવે છે કે ઈન્દ્રજીત સરોજ, લાલજી વર્મા અને સુખદેવ રાજભરના બહુજન સમાજ પાર્ટી છોડવાનું મુખ્ય કારણ માયાવતીની રાજકીય નિષ્ક્રિયતા હતું.
સુખદેવ રાજભર બસપાના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમનું નિધન થયું છે. સુખદેવ પોતાના પુત્રને પણ અખિલેશ યાદવની પાર્ટી સાથે જોડતા ગયા, જ્યારે હાલમાં જ હરિશંકર તિવારીએ પણ પોતાના પુત્રો અને ભાણેજને સપાની સાયકલ પર સવાર કરી દીધા છે. આવી સ્થિતિમાં પૂર્વાંચલની રાજનીતિમાં ઓબીસી અને બ્રાહ્મણના આ બે નેતાઓનું સાથ છોડી જવું પણ માયાવતી માટે મોટો આંચકો ગણવામાં આવી રહ્યું છે.
માયાવતીએ બ્રાહ્મણોને પક્ષમાં જોડવાની જવાબદારી મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાને આપી છે. દરમિયાન તેમના પત્ની કલ્પના મિશ્રાનો બ્રાહ્મણ સમાજની મહિલાઓને સંબોધન કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો.
પાર્ટીમાં યંગ બ્રિગેડ ગણાતા આકાશ આનંદ અને કપિલ મિશ્ર પાર્ટીને યુવાનો સાથે જોડવાનું કામ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર રણનીતિ બનાવી રહ્યા છે.
જો કે રાજકીય વિશ્લેષકો માને છે કે દરેક પક્ષ પાસે આઈટી સેલ અને સોશિયલ મીડિયા છે અને જો સરખામણી કરવામાં આવે તો ભાજપ અને સપાની ટીમો આ મામલે બસપા કરતા વધુ સારી અને આગળ છે.
માયાવતીનો ગ્રાફ ગબડયો
શરત પ્રધાન કહે છે, "મુખ્ય લડાઈમાં માયાવતી ક્યાંય દેખાતા નથી. તેઓ પોતાના કેટલાક માણસોને મોકલીને બ્રાહ્મણ સંમેલન કરાવી દે છે, પ્રેસ નોટ પ્રકાશિત કરાવી દે છે કે ટ્વીટ કરી દે છે, એવામાં એમના જે મતદારો તેમની સાથે જોડાતા હતા તે આવા મર્યાદિત પ્રયત્નોથી કેવી રીતે જોડાશે?''
માયાવતી 2017ની વિધાનસભા ચૂંટણીમાં 19 બેઠકો જીતીને ત્રીજા સ્થાને રહ્યા હતા. જ્યારે તેઓ સત્તામાં આવે છે ત્યારે તેમનો ગ્રાફ વધે છે અને જ્યારે તે સત્તામાંથી દૂર થઈ જાય છે ત્યારે ગ્રાફ નીચે જાય છે. આંકડા દર્શાવે છે કે 2007 પછીથી, વર્ષ 2012 અને 2017 માં તેમના જનસમર્થનમાં ઘટાડો થયો છે.
જો કે વર્ષ 2007માં સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા બ્રાહ્મણોને જોડવાનો પ્રયાસ કર્યો અને દલિત-બ્રાહ્મણ એકતાના નામે કૉન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું. તેની અસર જોવા મળી પરંતુ વિશ્લેષકોનું એમ પણ માનવું છે કે તે સમયે મુલાયમ સિંહ યાદવના વિરોધમાં વાયરો ફૂંકાયો હતો.
કારણ કે તે સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી ન હતી જેનો ફાયદો માયાવતીને થયો હતો.
ઉત્તર પ્રદેશ રાજ્યમાં લગભગ 22 ટકા દલિત વસતી છે અને માયાવતી આ વખતે અનામત બેઠકો પર તેમની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં હોવાનું જણાય છે.
પરંતુ આ વિષય ઉપર રામદત્ત ત્રિપાઠી તર્ક આપીને અનામત બેઠકોનું ગણિત સમજાવે છે.
તેઓ કહે છે, "અનામત બેઠકો પર દલિત મતોનું વિભાજન થાય છે કારણ કે દરેક પક્ષના ઉમેદવાર દલિત અથવા પછાત જાતિના હોય છે. આવી બેઠકો એ જ પક્ષ જીતે છે જેની સાથે અન્ય સમુદાયો પણ સંકળાયેલા હોય. અને અત્યારે તો માયાવતી આ પ્રયત્નોમાં સફળ થતા જણાતા નથી."
ભાજપની પરિસ્થિતિ મજબૂત
સુનીતા એરોનનું માનવું છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.
તેમનું કહેવું છે કે જો કે ઍન્ટી-ઇન્કમ્બન્સી અને અન્ય મુદ્દાઓ જેવા કે મુખ્યમંત્રી પ્રત્યે નારાજગી, કૃષિ કાયદા અથવા શેરડીના ખેડૂતોને વાજબી ભાવ ન મળવો વગેરે ભાજપના વિરોધમાં કરી શકે છે, પરંતુ ભાજપ બૂથસ્તરેથી વિધાનસભા મતવિસ્તારો સુધી કામ કરી રહ્યો છે. તેમનું સંગઠનાત્મક માળખું વિશાળ છે.
તેમના મતે, જે મજબૂત છે તે જો આટલી મહેનત કરતા હોય તો જેની પાસે ઓછી બેઠકો છે તેણે વધુ મહેનત કરવાની જરૂર છે. સામે, અખિલેશે પણ મોડી શરૂઆત કરી છે પરંતુ તેમની રેલીમાં ભીડ અને ઉત્સાહ જોવા મળે છે. પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં માયાવતી કરતાં તો વધુ જ જોવા મળે છે.
આવી સ્થિતિમાં તમામ પક્ષો માટે આ ચૂંટણી ઘણી મુશ્કેલ છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે માયાવતી જલદી ચૂંટણી પ્રચાર શરૂ કરશે, પરંતુ તેનાથી વિપરીત તેઓ તો પંજાબની રાજનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.
હાલ તો, વિશ્લેષકો એમ પણ માને છે કે માયાવતી ક્યાંકને ક્યાંક AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની ભૂમિકા ભજવીને ભાજપને ફાયદો પહોંચાડવા અને સપાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમની આગળની રણનીતિ ચૂંટણીના પરિણામો બાદ જ જાણી શકાશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો