You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ દેશ જ્યાં હવે કૂતરા-બિલાડી પાળો તો થશે જેલની સજા, પણ કેમ?
- લેેખક, અલી હમેદાની
- પદ, બીબીસી ન્યૂઝ
- ઈરાનના પાટનગર તેહરાનમાં હાલમાં પોલીસે એલાન કર્યું છે કે ત્યાં પાર્કમાં કૂતરાને ટહેલાવવા લઈ જવું એ એક 'અપરાધ' છે.
- ઈરાનની સંસદ પ્રાણીઓને ઘરમાં કે બહાર રાખવા અંગે પ્રતિબંધ લાદવા માટે કાયદો પણ લાવી રહી છે.
- કાયદો બન્યા બાદથી નિયમ ભંગ કરનારને કડક દંડની જોગવાઈ કરાશે તેવું અનુમાન છે.
- આ કાયદા અનુસાર, બિલાડી, કાચબા, સસલાં જેવાં પ્રાણીઓનાં 'આયાત, ખરીદ-વેચાણ, લાવવા-લઈ જવા અને રાખવા' પર લગભગ 800 ડૉલરનો લઘુતમ દંડ કરી શકાય છે.
"તે મને પોતાની માસૂમ અને સુંદર આંખથી જુએ છે. તે મને આંટા મરાવવા માટે બહાર લઈ જવાનું કહી રહ્યું છે, પરંતુ મારી આવું કરવાની હિંમત નથી. અમારી ધરપકડ કરી લેવાશે."
તેહરાનમાં પોતાના ઘરમાં એક કૂતરું પાળનાર મહસા, શહેરમાં પાલતુ પ્રાણીઓને જપ્ત કરીને તેમના માલિકોની ધરપકડ કરવાના નવા આદેશનો ઉલ્લેખ કરતાં આ વાત કરી રહ્યાં હતાં.
ઈરાનના પાટનગર તેહરાનમાં હાલમાં પોલીસે એલાન કર્યું છે કે ત્યાં પાર્કમાં કૂતરાને ટહેલાવવા લઈ જવું એ એક 'અપરાધ' છે. આ પ્રતિબંધને 'જનતાની સુરક્ષા'ને ધ્યાને રાખીને જરૂરી ગણાવાયો છે.
તે જ સમયે, મહિનાઓની ચર્ચા બાદ ઈરાનની સંસદ જલદી જ 'પ્રાણીઓ સામે લોકોના અધિકારોનું સરંક્ષણ'ના નામના એક ખરડાને મંજૂરી આપવા જઈ રહી છે. આવું થયા બાદ સમગ્ર દેશનાં ઘરોમાં કૂતરાં, બિલાડી જેવાં પાલતુ પ્રાણીઓને રાખવાં એ અપરાધ બની જશે.
ભારે દંડની જોગવાઈ
રજૂ કરાયેલ કાયદાની જોગવાઈઓ અનુસાર, ઘરોમાં પાલતુ પ્રાણીઓ ત્યારે જ રાખી શકાય છે જો તેના માટે બનેલ એક વિશેષ સમિતિ દ્વારા પરમિટ હાંસલ કરવામાં આવે.
આ કાયદા અનુસાર, બિલાડી, કાચબા, સસલાં જેવાં પ્રાણીઓનાં 'આયાત, ખરીદ-વેચાણ, લાવવા-લઈ જવા અને રાખવા' પર લગભગ 800 ડૉલરનો લઘુતમ દંડ કરી શકાય છે.
આ ખરડાના વિરોધ કરનારા ઈરાની વેટરનિટી ઍસોસિયેશનના અધ્યક્ષ ડૉ. પાયમ મોહેબીએ આ અંગે બીબીસી સાથે વાતચીત કરી.
તેમણે જણાવ્યું, "આ ખરડા પર ચર્ચાની શરૂઆત લગભગ એક દાયકા પહેલાં શરૂ થઈ હતી. એ સમયે ઈરાનના સાસંદોના એક સમૂહે તમામ કૂતરાંને જપ્ત કરીને તેમને પ્રાણીસંગ્રહાલય કે રણમાં મૂકી દેવા માટે એક કાયદો બનાવવાના પ્રયાસ કર્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. મોહેબી કહે છે કે, "આટલાં વર્ષોમાં, તેમણે આ ખરડામાં બે વખત ફેરફાર કર્યા. કૂતરાંના માલિકોને શારીરિક દંડ કરવાની પણ ચર્ચા કરી. જોકે તેમની યોજના સફળ ન થઈ શકી."
ઈરાનના શહેરી જીવનનું પ્રતીક છે કૂતરાં
ઈરાનનાં ગામોમાં હંમેશાં કૂતરાં પાળવાં એ સામાન્ય બાબત રહી છે, પરંતુ પાછલી સદીમાં શહેરોમાં પણ પાલતુ પ્રાણીઓને રાખવાં એ શહેરી લાઇફસ્ટાઇલનું પ્રતીક બની ગયું.
1948મા ઈરાને જ્યારે પશુકલ્યાણ કાયદો ઘડ્યો તો આવું કરનારા તેઓ પશ્ચિમ એશિયાના ગણતરીના દેશો પૈકી એક હતા.
આ બાદ સરકારે પશુઓના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે દેશની પ્રથમ સંસ્થા બનાવવામાં સહાય કરી. તેમજ દેશના શાહી ખાનદાન પાસે પણ પાલતુ કૂતરાં હતાં.
જોકે, 1979માં દેશમાં થયેલ ઇસ્લામી ક્રાંતિએ ઈરાનનાં લોકો અને કૂતરાંના જીવન સાથે જોડાયેલ ઘણી વાતો બદલી નાખી.
ઇસ્લામમાં પ્રાણીઓને 'અશુદ્ધ' માનવામાં આવે છે. તેથી ઇસ્લામી ક્રાંતિ બાદ બનેલ નવી સરકારની નજરમાં કૂતરાં પણ 'પશ્ચિમીકરણ'નું પ્રતીક બની ગયાં. આવી પરિસ્થિતિમાં ત્યાંના અધિકારીઓએ આ પ્રવૃત્તિ પર અંકુશ લાદવાના પ્રયત્ન કર્યા.
તેહરાનના પ્રાણીઓના ડૉક્ટર અશકન શેમીરાનીએ બીબીસીને જણાવ્યું કે કૂતરાં પાળવાને લઈને ક્યારેય કોઈ નક્કર નિયમ નથી રહ્યા.
તેમના અનુસાર, "પોતાનાં કૂતરાંને ટહેલાવવા કે પોતાની કારમાં ફેરવવા લઈ જવાને લઈને પોલીસ લોકોની ધરપકડ કરી લે છે. પોલીસ અનુસાર, લોકો આવું કરે તે પશ્ચિમીકરણનું પ્રતીક છે."
ઈરાનમાં કૂતરાં માટે પણ જેલ છે
અશકન શેમીરાની કહે છે કે, "સરકારે કૂતરાં માટે પણ જેલ બનાવી છે. અમે એ જેલ વિશે ઘણી બિહામણી કહાણીઓ સાંભળી છે. કૂતરાંને ત્યાં ઘણા દિવસો સુધી ખુલ્લામાં પર્યાપ્ત ભોજન કે પાણી વગર રાખવામાં આવે છે. તેમજ કૂતરાંના માલિકોને દરેક પ્રકારની કાયદાકીય પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો."
ઈરાન પર વર્ષો સુધી લાગેલા પશ્ચિમના દેશો દ્વારા લદાયેલ આર્થિક પ્રતિબંધોથી પેદા થયેલ આર્થિક સંકટની પણ આ નવા ખરડાને રજૂ કરાયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવી રહી છે.
ઈરાનના વિદેશી મુદ્રાભંડારને બચાવવા માટે પાલતુ પશુના ભોજનની આયાત પર ત્રણ વર્ષથી અધિક સમય માટે પ્રતિબંધ લાદી દેવાયો છે.
વિદેશી બ્રાન્ડના પ્રભુત્વવાળી આ માર્કેટમાં સરકારના આ નિર્ણયની કંઈક એવી અસર થઈ જેથી તેનું કાળું બજાર ઊભું થયું અને તેની કિંમતોમાં પણ ભારે વધારો થયો.
ઈરાનના મશહદ શહેરના એક વેટરનરી ક્લિનિકના માલિકે બીબીસીને જણાવ્યું કે, "હવે અમે એ લોકો પર ઘણા નિર્ભર છીએ, જેઓ ગુપ્તપણે આવા ખાદ્ય પદાર્થોનો પુરવઠો પૂરો પાડે છે. આનું પરિણામ એવું થયું છે કે અમુક મહિના અગાઉની તુલનામાં તેની કિંમતો હવે લગભગ પાંચ ગણી થઈ ગઈ છે."
તેમનો દાવો છે કે સ્થાનિક સ્તરે ખાદ્ય પદાર્થ સારી ગુણવત્તાના નથી હોતા. તેમના અનુસાર, "તેની ગુણવત્તા અત્યંત ખરાબ હોય છે. તેને તૈયાર કરવા માટે સસ્તું માંસ કે માછલીનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ એક્સપાયર્ડ માલનો પણ ઉપયોગ થાય છે."
કૂતરાં જ નહીં બિલાડી પણ નિશાન પર
રજૂ કરાયેલ કાયદા માત્ર કૂતરાં માટે જ પરેશાનીનું કારણ નથી બન્યું. આની અવળી અસર બિલાડી પર પણ પડી છે. આ કાયદામાં મગરનો પણ ઉલ્લેખ કરાયો છે.
ઈરાન 'પર્સિયન કૅટ'ના જન્મસ્થાન સ્વરૂપે પ્રખ્યાત રહ્યું છે. તે બિલાડીઓની દુનિયામાં સૌથી વધુ પ્રસિદ્ધ એવી એક નસલ પૈકી એક છે.
તેહરાનના એક વેટરનરી ડૉકટરે બીબીસીને જણાવ્યું કે, "શું તમે એ વાત પર વિશ્વાસ કરી શકો કે હવે પર્સિયન કૅટ પણ પોતાની માતૃભૂમિમાં સુરક્ષિત નથી? આ કાયદાનો કોઈ તર્ક નથી. કટ્ટરપંથી લોકો બસ જનતાને પોતાની તાકતનો અહેસાસ કરાવવા માગે છે."
બીજી તરફ ઈરાની વેટરનરી ઍસોસિયેશનના અધ્યક્ષ ડૉ. મોહેબી આ કાયદાને 'શરમજનક' ગણાવે છે.
તેઓ કહે છે કે, "જો સંસદ આ ખરડો પસાર કરી દેશે તો પેઢી સુધી આપણે એવા લોકો તરીકે ઓળખાશું, જેમણે બિલાડી અને કૂતરાં પ પ્રતિબંધ લગાવી દીધો."
ઈરાનમાં મહસા જેવાં પાલતુ પશુના ઘણા માલિક વાસ્તવમાં પોતાના પાલતુ પશુઓનાં ભવિષ્યને લઈને ઘણા ચિંતિત છે.
તેઓ કહે છે કે, "હું મારા 'દીકરા'માટે પરવાનગી માગવાની અરજી કરવાની હિંમત નહીં કરું. મારી અરજી નકારાશે ત્યારે શું થશે? તેને રસ્તા પર પણ નહીં મૂકી શકું."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો