You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1987ની જેમ શ્રીલંકામાં સેના કેમ નથી ઉતારી શકતું ભારત?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
- 1985માં વિદ્રોહી સંગઠન એલટીટીઈ અને ભારતીય સૈનિકો વચ્ચે થયું હતું યુદ્ધ
- એલટીટીઈને નિઃશસ્ત્ર કરવા અને શાંતિની સ્થાપના માટે ઇન્ડિયન પીસ કીપિંગ ફૉર્સ ગઈ હતી શ્રીલંકા
- સંકટસમયે ભારત તરફથી કરવામાં આવી રહેલી આર્થિક મદદ ઘણાં લોકોને અપૂરતી લાગી રહી છે
- એલટીટીઈની સાથે યુદ્ધમાં આશરે 1200 જવાનોનાં મૃત્યુ થયાં હતાં
શ્રીલંકા 1948માં સ્વતંત્ર થયું હતું. જેવી રાજકીય અને આર્થિક અસ્થિરતાનો સામનો શ્રીલંકા આજે કરી રહ્યું છે, તેવી સ્થિતિ ત્યાં પહેલાં ક્યારેય ઊભી થઈ નથી.
આ જ કારણ છે કે ભારતે પણ એક સારા પાડોશીનો ધર્મ નિભાવ્યો અને ત્વરિત કાર્યવાહી કરતા શ્રીલંકાને આર્થિક મદદ મોકલી.
સંકટસમયે ભારત તરફથી કરવામાં આવી રહેલી આર્થિક મદદ ઘણાં લોકોને અપૂરતી લાગી રહી છે.
ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યન સ્વામી પણ એવા નેતાઓમાં સામેલ છે.
તેમનું કહેવું છે કે ભારત સરકારે કોઈ પણ પરિસ્થિતિમાં શ્રીલંકામાં અલોકતાંત્રિક સરકારના ગઠનને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ.
સૈન્યમદદ અંગે સુબ્રમણ્યન સ્વામીનો તર્ક
ગુરુવારના રોજ સુબ્રમણ્યન સ્વામીએ એક ખાનગી અંગ્રેજી ટીવી ચેનલ ન્યૂઝ ઍક્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "રાજપક્ષે અને તેમના ભાઈ ચૂંટણી લડીને અને જીતીને સત્તા પર આવ્યા હતા. એ જીત અંગે કોઈ વિવાદ પણ થયો ન હતો. તેઓ સત્તા પર આવ્યા હતા તેની કાયદેસર ઉજવણી પણ કરાઈ હતી."
"તે ચૂંટાયેલી સરકાર હતી. આજે કેટલાક લોકોની ભીડ તેમને સત્તા પરથી હઠાવવા માગે છે. તેમને રાજીનામું આપવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ તો ખૂબ ખતરનાક સ્થિતિ છે. શ્રીલંકા ભારતની સરહદે છે. તે એક આઇલૅન્ડ દેશ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ઘણા એવા દેશ છે જે ભારતનો સીધો વિરોધ કરી રહ્યા છે અને તક શોધી રહ્યા છે. ચીન તેવા દેશોમાંથી એક છે, જેની મદદ ઘણા દેશ કરી શકે છે જેમ કે મ્યાનમાર અને પાકિસ્તાન."
"ભારત સમગ્ર મામલાને 'અચાનક ઊભી થયેલી' સ્થિતિ તરીકે જોઈ રહ્યું છે. પરંતુ હું ઇચ્છું છું કે આ મામલાને ભારત પોતાની 'સુરક્ષા પર ખતરા' તરીકે લે અને તેના પ્રમાણે પગલાં લે."
"હાલ શ્રીલંકામાં બંને રાજપક્ષે રહ્યા નથી. તેવામાં ભારતનું કોઈ મિત્ર નથી કે જે સેના મોકલવા કહે. તેવામાં યોગ્ય પણ નથી કે જે દેશમાં કોઈ સરકાર ન હોય ત્યાં ભારત સેના મોકલે."
પરંતુ તેઓ સાથે એ પણ કહે છે કે ભારતે પોતાની સેનાની મદદથી શ્રીલંકામાં કોઈ પણ બિનલોકશાહી સરકારના ગઠન પર રોક લગાવવી જોઈએ.
તેમનું માનવું છે કે આ એ તક છે જેમાં ભારત પોતાની ઇમર્જન્સી યોજનાને લાગુ કરતા અમેરિકાની મદદથી શ્રીલંકામાં પ્રવેશે. ભારતે ક્વૉડની મદદથી, અમેરિકાની મદદથી ત્યાં શાંતિ સ્થાપિત કરવા પ્રયાસ કરવો જોઈએ. ભારતે પહેલાં પણ શ્રીલંકામાં આમ કર્યું છે.
જ્યારે ભારતે શ્રીલંકામાં મોકલી હતી સેના
સુબ્રમણ્યન સ્વામી જે ઘટના તરફ ઇશારો કરી રહ્યા હતા તે ઘટના વર્ષ 1987ની છે.
વર્ષ 1987માં ભારતીય શાંતિ સેના ઉત્તરી શ્રીલંકામાં શાંતિ સ્થાપિત કરવાના ઉદ્દેશથી ત્યાં ગઈ પરંતુ ત્યાં એલટીટીઈની સાથે યુદ્ધમાં આશરે 1200 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.
ઇન્ડિયન પીસ કીપિંગ ફૉર્સનો ઉદ્દેશ એલટીટીઈના લડાયકદળના હથિયાર છોડાવવા અને શ્રીલંકામાં શાંતિ સ્થાપિત કરવાનો હતો. પરંતુ થોડા જ અઠવાડિયાઓમાં આઈપીકેએફ અને એલટીટીઈ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું.
જ્યારે આઈપીકેએફ શ્રીલંકા પહોંચ્યું તો શ્રીલંકાના તામિળોએ વિચાર્યું કે આઈપીકેએફ તેમની રક્ષા કરવા આવ્યું છે. તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.
શ્રીલંકાના ઘણા લઘુમતી તામિળોને લાગી રહ્યું હતું કે બહુમતી સિંહલા તેમની ભાષા અને ધર્મના પ્રભાવને ઓછો કરવા માગે છે. બંને પક્ષો વચ્ચે સંબંધ ખરાબ હતા.
વર્ષ 1956માં પાસ થયેલા એક વિવાદાસ્પદ કાયદામાં સિંહલાને દેશની એકમાત્ર રાષ્ટ્રીયભાષા જાહેર કરવામાં આવી હતી જેનાથી સરકારી ક્ષેત્રમાં કામ કરનારા તામિળ કર્મચારી નારાજ હતા કેમ કે તેનાથી તેમની નોકરીઓ પર અસર થવા લાગી હતી. ધીમે-ધીમે આ જ કારણોસર તામિળોએ એક અલગ દેશની માગ શરૂ કરી હતી.
ત્યાં તામિળો વિરુદ્ધ હિંસક ઘટનાઓ પણ ઘટી હતી. 1983માં એલટીટીઈના હુમલામાં 23 સૈનિકોનાં મોત થયાં હતાં જેનાથી સમગ્ર શ્રીલંકામાં હિંસા ભડકી ઊઠી હતી. માનવામાં આવે છે કે આ રમખાણોમાં આશરે ત્રણ હજાર તામિળોનાં મૃત્યુ થયાં હતાં.
આ કારણોસર શ્રીલંકાની સરકાર અને એલટીટીઈ વચ્ચે યુદ્ધના ભણકારા વાગ્યા.
શ્રીલંકામાં પૃથક તામિળ ઈલમ દેશની માગ પર ભારતમાં ચિંતા હતી કેમ કે ભારતમાં મોટી સંખ્યા તામિળ લોકો રહેતા હતા. ઘણા ભારતીય તામિળ એલટીટીઈના પૃથક દેશની માગના સમર્થક હતા. ભારત અને શ્રીલંકા વચ્ચે સમજૂતી થઈ અને સમજૂતી પર હસ્તાક્ષરના થોડાં જ કલાકોમાં ભારતીય શાંતિ સેના (આઈપીકેએફ) શ્રીલંકા માટે રવાના થઈ હતી.
શ્રીલંકામાં ઘણા લોકો આ સમજૂતીથી નારાજ હતા. તેમને લાગ્યું કે ભારત મોટો દેશ હોવાના કારણે નાના પાડોશી દેશના આંતરિક મામલે હસ્તક્ષેપ કરી રહ્યો છે.
શ્રીલંકા પહોંચ્યા બાદ થોડી જ વારમાં આઈપીકેએફ (ભારતીય શાંતિ સેના)ના જવાનોએ ઉત્તરી વિસ્તારોમાં શ્રીલંકાના સૈનિકોનું સ્થાન લઈ લીધું. જલદી જ આઈપીકેએફ અને એલટીટીઈ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું અને આઈપીકેએફે એલટીટીઈના ગઢ જાફના પર કબજો કરવા માટે ઑક્ટોબર 1987માં હુમલો કર્યો. ભારતીય સેનાને માર્ચ 1990માં પરત બોલાવવામાં આવી.
ઘણા જાણકારો આજે પણ ભારત સરકારના એ પગલાને ઐતિહાસિક ભૂલ ગણાવે છે તો ઘણા તેને આંતરિક મામલે હસ્તક્ષેપ. એવું માનવાવાળા લોકોમાં પ્રોફેસર પૂલાપી બાલકૃષ્ણ પણ છે જેઓ શ્રીલંકાના અર્થતંત્ર વિશે સારી માહિતી ધરાવે છે. હાલ તેઓ સોનીપતની અશોકા યુનિવર્સિટીમાં ભણાવે છે.
પ્રોફેસર પૂલાપી બાલકૃષ્ણનું વિશ્લેષણ
"1987માં સેનાને મોકલવાનો નિર્ણય અયોગ્ય હતો. આપણે સૈન્ય મોકલવાને બદલે વાતચીતના માધ્યમથી શાંતિ સ્થાપિત કરવા પ્રયાસ કરવાની જરૂર હતી.
સૈન્યની નજરથી પણ તે ખોટું હતું કેમ કે આપણી સેનાએ જંગલના એવા વિસ્તારોમાં લડવું પડ્યું જેનો તેને અનુભવ ન હતો.
ઐતિહાસિક રૂપે ગોરિલ્લા સેના વિરુદ્ધ લડાઈ સફળ નથી રહી. શ્રીલંકા સરકારે યુદ્ધ એ માટે જીત્યું કેમ કે તેમણે સામાન્ય નાગરિકો પર પણ બૉમ્બવર્ષા કરી. એવું ભારત સરકાર કરી શકતી ન હતી. એટલે આપણે સફળ ન રહ્યા અને મોટી સંખ્યામાં યુવા ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા. રાજીવ ગાંધીને ખૂબ જ ખોટી સલાહ અપાઈ હતી.
મને લાગે છે કે આપણે પાઠ લીધો છે. આપણે આ સમયે શ્રીલંકામાં ઘૂસવાના બદલે ન માત્ર પૂરતી સહાયતા કરી રહ્યા છીએ પરંતુ ત્યાંના લોકોના રસ્તા પર ઊતર્યા પહેલાં પણ મદદ પહોંચાડી રહ્યા છીએ. મહિના પહેલાં આપણે 3.5 અબજ ડૉલરની સહાયતા કરી છે. આ વખતે આપણા પગલાં યોગ્ય દિશામાં છે. મને નથી લાગતું કે કોઈ પણ પ્રકારની સૈન્ય મદદ કરવી જોઈએ."
તો શું ભારત સરકાર હજુ પણ શ્રીલંકા સરકારની રાજકીય રૂપે કોઈ મદદ કરી શકે છે?
અશોક કાંઠા, પૂર્વ રાજદ્વારીનું વિશ્લેષણ
"1948માં મળેલી સ્વતંત્રતા બાદથી અત્યાર સુધી શ્રીલંકાનું વર્તમાન આર્થિક સંકટ અભૂતપૂર્વ છે. ભારત સૌથી પહેલાં સહયોગ આપનારો દેશ છે. પોતાના સામર્થ્ય પ્રમાણે ભારતે શ્રીલંકાની મદદ કરવા પૂરતો પ્રયાસ કર્યો છે."
"આ વર્ષની શરૂઆતથી જ ભારત સરકારે 3.8 બિલિયન ડૉલરની ક્રેડિટ લાઇન આપી છે. આ સિવાય તમિલનાડુ સરકાર સહિત અન્ય સામાજિક સંસ્થાઓએ શ્રીલંકાની મદદ કરી છે."
"જરૂરી સામાન જેમણે ઈંધણ, ખાવાપીવાનો સામાન, દવાઓ આપણે મોકલી રહ્યા છીએ. 'પાડોશી પ્રથમ' નીતિ અંતર્ગત આપણી ભૂમિકા રહી છે."
"આર્થિક સંકટની સાથે જ શ્રીલંકામાં રાજકીય સંકટ તરીકે અરાજકતા આવી ગઈ છે. ભારતની તેમાં મર્યાદિત ભૂમિકા હોઈ શકે છે."
"ભારતે સ્પષ્ટ કર્યું છે કે આપણે શ્રીલંકાની જનતાની સાથે છીએ. લોકોનું આંદોલન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. ભારત એ જ ઇચ્છશે કે શ્રીલંકાના બંધારણ અને લોકશાહીની વ્યવસ્થા અંતર્ગત શ્રીલંકા આ સમસ્યાનું સમાધાન કાઢી શકે."
"જે લોકો વાત કરે છે કે સેના મોકલવી જોઈએ, તે મૂર્ખતાની વાત છે. ભારતની એવી કોઈ નીતિ નથી, ભારત તેમાં દખલગીરી કરવા પણ નથી માગતું."
"આપણે ઇચ્છીએ છીએ કે શ્રીલંકાના લોકોના હિતમાં જે હોય, તે થવું જોઈએ. શ્રીલંકા આપણો પાડોશી અને મિત્ર દેશ છે."
"આપણે ત્યાં અરાજકતા નથી ઇચ્છતા. પરંતુ જે રાજકીય સંકટ છે તેનો ઉકેલ શ્રીલંકાના લોકોએ જ શોધવો પડશે."
"1987ની પરિસ્થિતિઓ અલગ હતી. આ સમયે સંદર્ભ પણ બદલાઈ ગયો છે. હાલ જે રાજકીય સંકટ છે તે શ્રીલંકાનો ઘરેલુ મામલો છે."
"જ્યાં સુધી આર્થિક સંકટ છે તો તેમને જરૂર છે કે વિશ્વ સમુદાય તેની મદદ કરે. આપણે તેની પહેલ કરી છે."
"સૌથી વધારે મદદ ભારતથી પહોંચી છે જે ચાલુ રહેશે. પરંતુ આર્થિક સંકટ અને રાજકીય સંકટ વચ્ચે તફાવત પણ આપણે સમજી રહ્યા છીએ."
"રાજકીય સંકટ મામલે ભારતનો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે કે આપણે શ્રીલંકાની જનતાની સાથે છીએ. રાજકીય સંકટનું સમાધાન તેમણે લોકતાંત્રિક વ્યવસ્થા અને બંધારણીય રીતોથી કાઢવાનો છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો