ભારતીય રૂપિયો ડૉલર સામે આટલો નબળો કેમ થઈ રહ્યો છે? તમારાં ખિસ્સાં પર શું અસર થશે?

    • લેેખક, ઋજુતા લુકતુકે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • ડૉલરની સરખામણીએ રૂપિયાના મૂલ્યમાં વધારો થવાની આપણાં ખિસ્સાં અને દેશના અર્થતંત્ર પર અવળી અસર પડતી હોય છે.
  • પરંતુ આ મૂલ્ય કેવી રીતે નિર્ધારિત થાય છે? તે વિશે આપને ખબર છે ખરી?
  • ડૉલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય ઘટે તેનો ભારતની આયાત અને નિકાસ સાથે શું સંબંધ છે?

ગુરુવારે એટલે કે 14 જુલાઈ, 2022ના રોજ ભારતીય ચલણ એવા રૂપિયાના મૂલ્યમાં ધોવાણ થયું હતું અને તે 80ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. થોડાક સુધારા બાદ, ફરીથી તે 80ની સપાટી પર જ આવી ગયો. જોકે, ભારતમાં મુક્ત અર્થતંત્ર અપનાવાયા બાદથી રૂપિયાનું આ મૂલ્ય સૌથી ઓછું છે.

નિષ્ણાતોનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં તે ઘટીને 81 રૂપિયાની સપાટી સુધી જઈ શકે છે.

નાણાં અને તેનો વિનિમય દર એ ખૂબ જટિલ બાબતો છે. ઘણાને એવું પણ લાગતું હશે કે આ વાત સાથે મારે શું લેવાદેવા? પરંતુ શું તમને માલૂમ છે કે તેની સીધી અસર તમારાં ખિસ્સાં પર પડે છે?

તેમજ દેશના અર્થતંત્ર પર તેની ખૂબ જ ઊંડી અસર થતી હોય છે.

તો આવો આજે વાત કરીશું કે આખરે ડૉલર અને રૂપિયાનું મૂલ્ય નક્કી કઈ રીતે થાય છે, અને હાલ રૂપિયાની સરખામણીમાં ડૉલર મજબૂત કેમ બની રહ્યો છે અને તેની આપણા પર કેવી અસર થઈ શકે?

રૂપિયાનું મૂલ્ય કઈ રીતે નક્કી કરાય છે?

જ્યારે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થાય છે. ત્યારે સરકારવિરોધી પ્રતિક્રિયાઓને બળ મળે છે. પરંતુ આજે આપણે આને આર્થિક પાસાની દૃષ્ટિએ સમજીશું.

તો શરૂઆત કરીએ એ પ્રશ્નથી કે આખરે રૂપિયાનું મૂલ્ય નક્કી કઈ રીતે થાય છે તેની સરખામણી હંમેશાં અમેરિકન ડૉલર સાથે જ કેમ કરવામાં આવે છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ડૉલર અને યુરોપિયન યુનિયનનું ચલણ યુરોની વિશ્વનાં સૌથી પ્રખ્યાત ચલણમાં ગણતરી થાય છે. એક તરફ આ ચલણ સૌથી સ્થિર હોવાની માન્યતા છે. આ ચલણની ઘણા દેશોમાં ટ્રેડિંગ થાય છે.

આ જ કારણે આંતરરાષ્ટ્રીય બૅંકોમાં યુએસ ડૉલરમાં સૌથી વધુ, 64 ટકા નાણાં જમા કરાય છે. જ્યારે યુરોમાં આ પ્રમાણે 20 ટકા છે.

આંતરરાષ્ટ્રીય વેપારની દૃષ્ટિએ 85 ટકા વ્યવહાર યુએસ ડૉલરમાં થાય છે. જ્યારે વિશ્વની લૉનની વાત કરવામાં આવે તો 40 ટકા લૉન યુએસ ડૉલરમાં થાય છે.

જેવી રીતે શેરી ક્રિકેટમાં મારું બૅટ મારી બૅટિંગનો નિયમ કામ કરે છે, તેવું જ કંઈક ચલણના માર્કેટમાં પણ છે. યુએસ ડૉલરનું સર્વોચ્ચપણું વિશ્વના 180 દેશોએ સ્વીકારેલું છે.

રૂપિયાનું મૂલ્ય કેવી રીતે નક્કી કરાય છે? તે કોણ નક્કી કરે છે? મુક્ત અર્થતંત્રના સ્વીકાર બાદથી, આ દર કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા નક્કી નથી કરાતા, ના કોઈ સંસ્થા કે દેશ મારફતે તેનું નિયમન કરાય છે. આ મૂલ્ય નક્કી કરવા માટે માગ અને પુરવઠાના નિયમો કામ કરે છે. જે કંઈક આવો છે, જ્યારે કોઈ વસ્તુની માગ વધુ હોય તો તેની કિંમતમાં વધારો થાય છે. તેવી જ રીતે ચલણનું પણ છે.

આ વિનિમયદર કેટલા ડૉલર આપણા દેશમાં આવ્યા અને કેટલા ગયા તેનાથી નક્કી થાય છે.

રૂપિયાના મૂલ્યમાં ઘટાડાનો ખરો અર્થ તો એ છે કે અમેરિકાથી આપણા દેશમાં આયાત થતી વસ્તુઓમાં વધારો થયો છે. તેમજ તેની સરખામણીમાં નિકાસ ઘટી રહી છે. પરંતુ આવું કેમ?

રૂપિયાની પડતી કેમ થઈ રહી છે?

રશિયા-યુક્રેન યુદ્ધ : રશિયા-યુક્રેન યુદ્ધના કારણે અનાજ અને ક્રૂડ ઑઇલના વૈશ્વિક પુરવઠાને અસર થઈ છે. આના કારણે સમગ્ર વિશ્વમાં માલસામાનની કિંમત વધી રહી છે અને ફુગાવો વધી રહ્યો છે. ક્રૂડ ઑઇલની માગ સંદર્ભે ભારત વિશ્વમાં ચીન અને યુએસ પછી ત્રીજા ક્રમે છે.

ભારત તેની ક્રૂડ ઑઇલની જરૂરિયાતના 70 ટકા ભાગ આયાત કરે છે. આ આયાત યુએસ ડૉલરમાં થતી હોવાથી, ડૉલરના ભાવ વધે છે અ રૂપિયાનું મૂલ્ય ઘટે છે. માત્ર 2022ની જ વાત કરીએ તો આ વર્ષમાં જ રૂપિયાનું મૂલ્ય સાત ટકા ઘટ્યું છે.

અમેરિકામાં વધતાં વ્યાજ દર : અમેરિકાના બજારમાં ડિપૉઝિટ પરના વ્યાજદર વધી રહ્યા છે. આના કારણે ભારતની સરખામણીમાં બૉન્ડ માર્કેટમાં વધુ રોકાણ થાય છે.

ભારતીય રોકાણકારી સંસ્થાઓ પણ અમેરિકામાં પોતાનાં નાણાં રોકવાની તક શોધી રહી છે. આની સરખામણીએ ભારતમાં અમેરિકાનું રોકાણ નહિવત્ છે. આના કારણે રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે.

સલામત રોકાણ : અમેરિકાનું બજાર રોકાણ માટે સલામત ગણાય છે. અને યુએસ ડૉલર સૌથી વધુ સ્થિર છે. આના કારણે રોકાણકારો આ બજાર તરફ આકર્ષાય છે.

વધુમાં, વૈશ્વિક બજાર અને સ્ટૉક માર્કેટમાં તાજેતરમાં થયેલ હલતલ બાદ લોકોની નજર હવે યુએસની માર્કેટ પર છે. મોટા ભાગના દેશો અમેરિકામાં રોકાણ કરે છે.

રૂપિયાના ધોવાણની મારા ખિસ્સા પર અસર કેવી રીતે?

ફુગાવો વધશે : આપણે આ અંગે આગળ પણ ચર્ચા કરી. આપણું અર્થતંત્ર એ ક્રૂડ ઑઇલ પર આધારિત છે. કારણ કે તે જ ઉદ્યોગોને ચલાવે છે.

આપણે કઠોળ પણ આયાત કરીએ છીએ, આ સિવાય ઉદ્યોગો માટે કાચો માલ પણ આયાત કરીએ છીએ. આ તમામ વ્યવહારો યુએસ ડૉલરમાં થવાના હોઈ તેનો વધુ વપરાશ થશે અને ફુગાવો વધશે.

ઉદ્યોગો અને રોજગારી પર અવળી અસર : કોરોના અને તે બાદ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં ફુગાવો સર્જાયો છે. અને ડૉલરનો વધુ ખર્ચ આપણી વિદેશી હૂંડિયામણના ભંડોળમાં નકારાત્મક અસર ઉપજાવી રહ્યો છે.

વર્ષ 2022માં આપણા ડૉલરના ભંડોળમાં 28 બિલિયન ડૉલરનો ઘટાડો થયો અને તે ઘટીને 60,607 થયું.

જો નિકાસ ન વધે, તો સરકાર અને ઉદ્યોગો પાસે પણ પોતાના ખર્ચ ઘટાડવા સિવાય કોઈ ઉપાય નહીં રહે. આનાથી ટેકનૉલૉજી અને માનવશ્રમનું મૂલ્ય ઘટશે. આના કારણે, નોકરીઓ ઘટશે.

વિદેશમાં મુસાફરી અને અભ્યાસ : ભારતમાંથી ઘણા લોકો મુસાફરી અને અભ્યાસાર્થે વિદેશ જાય છે, જો ડૉલરની કિંમત વધે તો આ પ્રવૃત્તિઓની પણ કિંમત વધશે.

હાલની પરિસ્થિતિ અનુસાર, માત્ર રૂપિયો જ નહીં, પરંતુ વિશ્વના દરેક ચલણના મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ અન્ય ચલણોની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય સ્થિર ગણાય છે. પરંતુ નજીકના ભવિષ્યમાં રૂપિયાના મૂલ્યમાં કોઈ સુધારો થાય તેવાં એંધાણ દેખાતાં નથી. કારણ કે દેશની નિકાસ એક દિવસમાં જ નહીં વધે.

આ પરિસ્થિતિમાં, RBI ખુલ્લા બજારમાં ડૉલરની ઉપલબ્ધતા વધે તે હેતુથી વેચાણ કરે છે, આમ કૃત્રિમ રીતે રૂપિયાનું મૂલ્ય ટકાવી રાખવામાં આવે છે. પરંતુ આ કાયમી ઉકેલ નથી. રિઝર્વ બૅંકે આગામી દિવસોમાં રૂપિયાનું મૂલ્ય વધારવા માટે આવું જ કંઈક કર્યું છે તેથી અમુક સમયમાં તેની કિંમત વધશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો