સુરેન્દ્રનગર : લાંચમાં લાખો રૂપિયા અને મસાજ ઑઇલ માગવાના આરોપમાં IAS કે. રાજેશ ફસાયા

  • લાંચમાં લાખો રૂપિયા અને મસાજ ઑઇલ માગવાના આરોપમાં IAS કે. રાજેશ ફસાયા
  • ગુજરાતની સામાન્ય વહીવટી શાખામાં IAS તરીકે ફરજ બજાવતા કે. રાજેશની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ
  • CBIએ અધિકારી પર લાંચ ઉઘરાવીને હથિયારના પરવાના આપવાના મામલે કરી કાર્યવાહી

સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન લોકોની અપેક્ષા મુજબ 'સારું કામ' કરનાર અધિકારી તરીકે છાપ ધરાવતા અધિકારી આખરે જેલમાં કેવી રીતે પહોંચ્યા?

બુધવારે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI)એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર કે. રાજેશની લાંચ લઈ સરકારી જમીનના વહીવટ અને હથિયારોના પરવાના આપવાના આરોપમાં ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ મામલે મે, 2022માં તેમની સામે ગુનો દાખલ કરાયો હતો.

તેમના પર સરકારી કાર્યક્રમના આયોજન બાબતે વધુ રકમનાં બિલ રજૂ કરી નાણાં સગેવગે કર્યાંના પણ આરોપ છે. જે ગુજરાતના શાસકપક્ષ ભાજપના જ એક ભૂતપૂર્વ સાંસદે લગાવ્યા હતા.

કોરોના સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં તેમની કામગીરી સંતોષકારક અને ચર્ચાસ્પદ રહી હતી.

સામાન્ય લોકો અને સમાજના અન્ય વર્ગોમાં સારા અધિકારીની છાપ ધરાવતા કે. રાજેશ સાથે એવું તો શું બન્યું કે પહેલાં કેસ અને હવે ધરપકડ વહોરવાનો વારો આવ્યો?

શું હતો મામલો?

2011 બૅચના ભારતીય વહીવટી સેવા (IAS) ઑફિસર કાંકીપતિ રાજેશ એટલે કે કે. રાજેશ મૂળ આંધ્ર પ્રદેશના રાજામુંદ્રીના છે.

તેઓ વર્ષ 2021માં સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર હતા. એ પહેલાં 2017થી 2018 દરમિયાન તેઓ સુરતના જિલ્લા વિકાસાધિકારી હતા. તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા તે બાદ તેમને કાયદો અને વ્યવસ્થાના સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા હતા.

જે બાદ એક અઠવાડિયામાં જ તેમની બદલી સામાન્ય વહીવટી વિભાગમાં થઈ ગઈ હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે ભારતીય વહીવટી સેવાના અધિકારી કે. રાજેશે વર્ષ 2018થી 2021 સુધી હથિયારના કુલ 271 પરવાના મંજૂર કર્યા હતા. જે પૈકી 101 ગેરકાયદેસર મંજૂર કરવામાં આવ્યા હોવાનો આરોપ કરાયો હતો.

અહેવાલ અનુસાર જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડન્ટની નકારાત્મક પ્રતિક્રિયા છતાં આ પરવાના મંજૂર કરાયા હતા. જેના માટે કે. રાજેશ પર લાખો રૂપિયાની લાંચ લેવાના આરોપ લાગ્યા છે.

તેમની સામે જુદી-જુદી વ્યક્તિઓ દ્વારા જુદા-જુદા મામલામાં લાંચ લેવાના આરોપ કરાયા હતા. જે બાબત તેમની સામે લાંચ-રુશ્વતવિરોધી બ્યૂરો (ACB) દ્વારા તપાસ કરાઈ હતી. તેમજ એક કેસમાં તેમની સામે નિવૃત્ત એડિશનલ ચીફ સેક્રેટરી રૅન્કના ઑફિસર દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ કરાઈ હતી.

આ તમામ આરોપોમાં એક નોંધનીય આરોપ આ વર્ષે માર્ચ માસમાં એક ખેડૂત દ્વારા લગાવાયો હતો.

ખેડૂતે હથિયારના પરવાના માટે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર કે. રાજેશે પાંચ લાખ રૂપિયાની લાંચ અને ત્રણ લીટર મસાજ ઑઇલ માગ્યું હોવાના આરોપ લગાવ્યા હતા. જેને લગતી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. જેમાં ખેડૂત કે. રાજેશને ઑઇલ આપતા નજરે પડે છે.

ભાજપના સાંસદના આરોપ અને સીબીઆઈના દાવા

સીબીઆઈના પ્રવક્તા આર. સી. જોશીએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી પાસે ગુજરાતના આઈએએસ ઑફિસર અને સુરેન્દ્રનગરના કલેક્ટર રહી ચૂકેલા કે. રાકેશ વિરુદ્ધ લાંચ માગવાની ફરિયાદ 27 ઑક્ટોબર 2021માં આવી હતી. જેને આધારે અમારા ઑફિસર તપાસ કરી રહ્યા હતા અને અમને તપાસ બાદ ફરિયાદમાં તથ્ય જણાતાં કે. રાકેશ અને એમના સાથીદાર રફીક મેમણ સામે કેસ કર્યો હતો."

કે. રાકેશ જયારે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા ત્યારથી એમની સામે ભૂતપૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ લાંચની ફરિયાદો કરતા હતા પરંતુ કથિતપણે કોઈ પગલાં લેવાયાં નહોતાં.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મેં કે. રાજેશ ભ્રષ્ટાચારી કલેક્ટર હોવાની 143 લેખિત અને 15 વખત મૌખિક ફરિયાદ કરી ત્યારે હવે કે. રાજેશ સામે પગલાં લેવાઈ રહ્યાં છે."

પરંતુ તેમની ફરિયાદો કરતાં વધુ અસર કે. રાજેશને ચાર લાખ રૂપિયા આપી હથિયારનું લાઇસન્સ મેળવવા અરજી કરનાર મથુર સાકરીયાની ફરિયાદ કામ કરી ગઈ છે.

મથુર સાકરીયાએ કરેલી લેખિત ફરિયાદમાં કહ્યું હતું કે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશે એમને હથિયારનો પરવાનો આપવા માટે પાંચ લાખ રૂપિયા માગ્યા હતા અને છેવટે ચાર લાખમાં એમને હથિયારનું લાઇસન્સ આપવાનું નક્કી થયું હતું, જેમાંથી ત્રણ લાખ રૂપિયા એમણે કે. રાજેશને રોકડા આપ્યા હતા, અને બાકીના પૈસા સુરતની બૅન્ક ઑફ બરોડાની સૈયદપુરા બ્રાન્ચમાં રફીક મેમણની કપડાંની પેઢીના નામે જમા કરાવ્યા હતા, જેની રસીદ પણ એમણે સીબીઆઈમાં જમા કરાવી હતી.

કહેવાઈ રહ્યું છે કે આ રસીદે કે. રાજેશ માટે મુશ્કેલી ઊભી કરી. રસીદ મળ્યા પછી સીબીઆઈએ જયારે એની તપાસ કરી તો એ રસીદ સુરેન્દ્રનગર કલેક્ટર ઑફિસના કર્મચારીઓ માટે ડ્રેસ ખરીદવાના નામે બનાવાઈ હતી .

જેની તપાસ કરી તો કે. રાજેશના કથિત સાથીદાર રફીક મેમણે ખોટી રસીદો બનાવી હોવાનું સામે આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

કે. રાજેશના કથિત સાથીદાર રફીક મેમણની પણ સીબીઆઈએ ધરપકડ કરી હતી. તેઓ કથિતપણે કે. રાજેશ વતી પૈસાની ઉઘરાણી કરતા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો