સુરત : 'કૌન બનેગા કરોડપતિ'ની નકલી લિંકથી બૅન્ક ખાતામાંથી પૈસા ઉપાડી લેતી ગૅંગ કેવી રીતે ઝડપાઈ?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • ગુજરાત સહિત 20 રાજ્યોમાં 744 લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડનાર ગેંગ પકડાઈ છે
  • સ્ક્રિન સેવરથી ગ્રાહકની તમામ બૅન્ક ડિટેલ મેળવી લેતા અને ફીનું પેમેન્ટ બૅન્કમાં ટ્રાન્સફર કરી લેતા હતા
  • ગેંગે દેશભરમાં જાણીતી આઠ કુરિયર કંપનીના ખોટા હેલ્પલાઇન નંબર ગૂગલ પર મૂક્યા હતા અને બે જાણીતી ઑનલાઇન શૉપિંગ વેબસાઇટના હેલ્પલાઇન નંબર મૂક્યા હતા
  • સ્ક્રિન સેવરથી ગ્રાહકની તમામ બૅન્ક ડિટેલ મેળવી લેતા અને ફીનું પેમેન્ટ બૅન્કમાં ટ્રાન્સફર કરી લેતા હતા
  • ઉપરાંત ગેંગ તેઓ 'કૌન બનેગા કરોડપતિ'ની પણ બનાવટી લિંક બનાવી ઇનામ લાગ્યાની લાલચ આપી એમનાં બૅન્ક એકાઉન્ટમાંથી પૈસા ખંખેરી લેતી હતી
  • ઝારખંડના જામટાડામાં પૂલ નીચે, ઝાડ પર કે તળાવના કાંઠે બેસીને આ લોકો વિવિધ રાજ્યોમાં ફોન કરતા અને લોકોને છેતરતા હતા

ગૂગલમાં 'કૌન બનેગા કરોડપતિ'ના ઇનામ લાગ્યાની નકલી લિંક બનાવીને લોકોનાં બૅન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા પછી કુરિયર કંપની અને બૅન્કના બનાવટી હેલ્પલાઇન નંબરથી કરોડપતિ બનવા નીકળેલી ગૅંગને સુરત સાઇબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગૅંગ લોકોને મૂર્ખ બનાવી પૈસા કમાવા માટે ગૂગલ પર નકલી હેલ્પલાઇન નંબર મૂકતી હતી.

તેમજ તેઓ 'કૌન બનેગા કરોડપતિ'ની પણ બનાવટી લિંક બનાવી ઇનામ લાગ્યાની લાલચ આપી એમનાં બૅન્ક એકાઉન્ટમાંથી પૈસા ખંખેરી લેતા હતા.

ઝારખંડના જામટાડામાં પૂલ નીચે, ઝાડ પર કે તળાવના કાંઠે બેસીને આ લોકો વિવિધ રાજ્યોમાં ફોન કરતા અને લોકોને છેતરતા હતા.

કેવી રીતે લોકોને છેતરતા હતા?

સુરતના પોલીસ કમિશનર અજય તોમરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "જામટાડાના એક માણસને મોહમ્મ્દ અન્સારીએ સુરતમાં રાખ્યો હતો. સુરતમાં મહોમ્મ્દ અન્સારીએ આઝમગઢના હેમંત જગેશ્વરની મદદથી સુરેન્દ્રનગરથી સુરત કમાવા આવેલા કૌશિક નિમાવત અને એની પત્ની શિલ્પા નિમાવતને પૈસા આપી બૅન્કમાં એકાઉન્ટ ખોલાવ્યાં હતાં."

"સ્વાભાવિક રીતે લોકો ગૂગલમાં હેલ્પલાઇન નંબર શોધે ત્યારે કેટલાક લોકો આ ગૅંગે મૂકેલા હેલ્પ લાઈન નંબર પર ફોન કરે ત્યારે એમની પાસે 'સ્ક્રીન શેરિંગ' અને અલગઅલગ વૉલેટ ઍપ્લિકેશનથી પૈસા પડાવતા હતા."

પોલીસના જણાવ્યા પ્રમાણે સુરતની બૅન્કમાં જમા થયેલા પૈસા ઝારખંડનો શમીમ અન્સારી ઑપરેટ કરતો હતો.

આ ગૅંગને પકડવા માટે સાઇબર ક્રાઇમના એ.સી.પી. યુવરાજસિંહ ગોહિલની ટીમ જામટાડા જઈ હતી અને એક અઠવાડિયા સુધી રોકાઈ હતી અને ગુજરાત સહિત 20 રાજ્યોમાં 744 લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડનાર ગેંગને પકડી પાડી છે.

ખોટા હેલ્પાલાઇન નંબર ગૂગલ પર મૂક્યા અને...

સુરત સાઇબર ક્રાઇમના એ.સી.પી. યુવરાજસિંહ ગોહિલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "સુરતમાં એક જાણીતી કુરિયર કંપનીના ગૂગલ પર આપેલા હેલ્પલાઈન નંબરથી કુરિયર ન મળતા ફરિયાદ થઈ અને બાદમાં એની પાસે સ્ક્રિન શેરિંગ ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવીને એમનાં ખાતામાંથી પૈસા સેરવી લીધા હતા."

"સુરતમાં આવા ચાર ગુના બન્યા હતા. અમે આ સાઇબર ક્રાઇમની તપાસ કરતા હતા ત્યારે ખબર પડી કે સુરતની અલગઅલગ બૅન્કમાંથી જામટાડાનો સમીમ અન્સારી બૅન્કમાંથી રૂપિયા લઈ ફીનું પેમેન્ટ બૅન્કમાં જમા કરાવતો હતો. જામટાડાનો કેસ હતો એટલે અમે સાઇબર ક્રાઇમને ક્રેક કરવાનું શરૂ કર્યું."

"આ ભેજાબાજ ગૅંગે સાઇબરનાં પાંચ લેયર બનાવ્યાં હતાં. અમે એના મૂળ સુધી પહોંચ્યા ત્યારે ખબર પડી કે દેશભરમાં જાણીતી આઠ કુરિયર કંપનીના ખોટા હેલ્પલાઇન નંબર ગૂગલ પર મૂક્યા હતા અને બે જાણીતી ઑનલાઇન શૉપિંગ વેબસાઇટના હેલ્પલાઇન નંબર મૂક્યા હતા."

ગોહિલ વધુમાં કહે છે, "સુરતની લોકલ બૅન્કની અમને ખબર પડી એટલે અમે સુરતના જે લોકોના નામે બૅન્કમાં એકાઉન્ટ હતાં એમને પકડ્યા. તો એ લોકો સુરેન્દ્રનગરથી સુરત કમાવવા આવેલા લોઅર ઈન્કમ ગ્રૂપનાં પતિ-પત્ની કૌશિક નિમાવત અને શિલ્પા નિમાવત હતાં."

પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકોને બૅન્કમાં ખાતાં ખોલાવવાના પાંચ-પાંચ હજાર રૂપિયા આપ્યા હતા અને દર મહિને 10થી 15 હજાર રૂપિયા એમને ખાતું વાપરવા દેવા બદલ કમિશનપેટે મળતા હતા.

"એમને કોના માટે ખાતાં ખોલાવ્યાં છે એની ખબર નહોતી. પણ ભાવનગરના અરવિંદ જમોડ અને પુરુષોત્તમ મકવાણાની મદદથી ખાતાં ખોલાવ્યાં હતાં. અરવિંદ અને પુરુષોત્તમનાં બૅન્ક ખાતાં આઝમગઢ (ઉત્તર પ્રદેશ)થી આવેલા હેમંત જગેશ્વરે ખોલાવી આપ્યા હતા."

ગરીબોને ફસાવીને ખાતાં ખોલાવ્યાં

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ખેલનું પગેરું જામટાડા નીકળતું હતું અને ખાતું ખોલાવનારો ઉત્તર પ્રદેશના આઝમગઢનો હતો.

યુવરાજસિંહ ગોહિલ કહે છે, "અમે હેમંતની ઊંડી તપાસ કરી તો એ જામટાડાથી સુરત આવીને વસેલા મહોમ્મ્દ આરીફ અન્સારી આવા ગરીબ લોકોને ભેગા કરીને પાંચ હજાર આપી બૅન્કમાં ખાતાં ખોલાવતા અને દર મહિને જે પૈસા આવે એમાંથી કમિશન પણ આપતા હતા."

એ.સી.પી યુવરાજસિંહ કહે છે કે મહોમ્મ્દ આરીફ અમારા માટે મોટી કડી હતી. અમે સૌથી પહેલા સુરતની જે બૅન્કોમાં ગરીબ લોકોને ફસાવીને બૅન્ક એકાઉન્ટ ખોલાવ્યાં હતાં એ સીઝ કર્યાં.

"સુરતની અલગઅલગ બૅન્કમાં પાંચ લાખ 22 હજાર ને 373 રૂપિયા પડ્યા હતા, એ લોકો પૈસા ઉપાડી શકે એમ નહોતા એટલે સુરતમાં એમના એજન્ટ મહોમ્મ્દ આરીફ અન્સારીને ફોન કરતા હતા."

"અમે એના ફોનને સાથે રાખીને તપાસ કરી તો ખબર પડી કે આ ગૅંગ માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, દિલ્હી સહિત 20 રાજ્યોમાં કામ કરતી હતી."

"આ ઇન્વેસ્ટિગેશન પરથી મોહમ્મ્દ આરીફ પાસેથી અમને આ ગૅંગના સૂત્રધાર મહોમ્મ્દ સિરાઝનું એડ્રેસ મળ્યું. અને ઝારખંડ પોલીસ સાથે મળી અમે આ ગૅંગને પકડવાનું નક્કી કર્યું."

'ગૅંગના સભ્યો ઝાડ પર બેસીને કામ કરતા'

પોતાના જામટાડાના અનુભવની વાત કરતા યુવરાજસિંહ કહે છે કે "જામટાડામાં આમને શોધવા અઘરા હતા, કારણ કે આ લોકો રસ્તામાં બ્રિજ નીચે બેસીને, તળાવના કિનારે અને ઝાડ પર બેસીને કામ કરતા હતા. પહેલાં અમે એમની રેકી કરી પછી ઘર પર રેડ કરી પણ એ પકડાયા નહીં."

"એક અઠવાડિયા સુધી ભાગતા રહેતા આ બંને માસ્ટર માઇન્ડ મહોમ્મ્દ સિરાઝ અને મહોમ્મ્દ નાઝિરને તળાવ, ઝાડ અને બ્રિજ નીચેથી ઘણી મહેનત પછી પકડી સુરત લાવ્યા."

"આ ગૅંગે લૉકડાઉન દરમ્યાન ખૂબ પોપ્યુલર થયેલી સ્ક્રિન સેવર, એની ડૅસ્ક, ટીમ વ્યૂઅર અને એસ.એમ.એસ. ફોર્વર્ડર જેવી ઍપ ડાઉનલોડ કરાવતા હતા. જેના આધારે એ લોકો સ્ક્રિન સેવરથી ગ્રાહકની તમામ બૅન્ક ડિટેલ મેળવી લેતા અને ફીનું પેમેન્ટ બૅન્કમાં ટ્રાન્સફર કરી લેતા હતા."

પોલીસને આ ગૅંગ પાસેથી પેમેન્ટ બૅન્કની 17 સેવિંગ એકાઉન્ટની કૉમ્બો કીટ મળી છે અને 9 ફોન જપ્ત કર્યા છે. તેમજ આ છેતરપિંડી માટે વપરાતા 76 ફોન નંબર જાણવા મળ્યા છે. આ ગેંગ પાસેથી ફી પેમેન્ટ બૅન્કનું પી.ઓ.એસ. મશીન અને ચાર એ.ટી.એમ. કાર્ડ પણ મળ્યાં છે. આ ઉપરાંત ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ મળ્યું છે.

સુરતના પોલીસ કમિશનર અજય તોમરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ ફ્રોડ પછી થોડા પૈસા માટે બૅન્ક એકાઉન્ટ નહીં ખોલવા અને હેલ્પલાઇન નંબર ગૂગલને બદલે જે તે કુરિયર કંપની અથવા બૅન્કની સત્તાવાર વેબસાઈટ પરથી લેવા અને અવનવી ઍપ ડાઉનલોડ નહીં કરાવી- વગેરે જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો